'મહિલા દિવસ'એ ગુજરાતમાં શરૂ થયેલી 181 અભયમ હેલ્પલાઇનમાં 9 વર્ષમાં 13.99 લાખ મહિલાઓને મદદ મળી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
'મહિલા દિવસ'એ ગુજરાતમાં શરૂ થયેલી 181 અભયમ હેલ્પલાઇનમાં 9 વર્ષમાં 13.99 લાખ મહિલાઓને મદદ મળી 1 - image

ગાંધીનગર,તા.18 માર્ચ 2024,શુક્રવાર

ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તરફથી 8મી માર્ચ 2015માં 181 નંબરની અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી, આજે તેને નવ વર્ષનો સમય થયો છે. આટલા વર્ષોમાં 13.99 લાખ મહિલાઓને સંકટના સમયમાં આ હેલ્પલાઇન મદદે આવી છે.

રેસ્ક્યુ વાન સાથે કાઉન્સિલરે 281767 જેટલી મહિલાઓને મદદ પુરી પાડી, 177421 કિસ્સામાં સ્થળ પર સમાધાન

મહિલાઓની ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક બચાવ માટે એમ્બ્યુલન્સ મદદે આવી છે. અમદાવાદમાં મદદ માટે વધુ કોલ આવતા હોવાથી વધુ 12 રેસ્ક્યુવાન ગયા માર્ચ મહિનામાં લોકાર્પણ કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કુલ 59 રેસ્ક્યુવાન મહિલાઓને સલામતી પુરી પાડવાનો પ્રયાસ કરી રહી છે.

હવે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં પેપરલેસ સીએડી સિસ્ટમ શરૂ કરવામં આવી છે, જેના થકી આ સર્વિસમાં ડિજિટલી દસ્તાવેજોની સાચવણી થઇ શકે છે. નવ વર્ષમાં 1399761થી વધારે મહિલાઓને જરૂરિયાત પ્રમાણેની સલાહ, બચાવ અને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું છે.

રેસ્ક્યુવાન સાથે કાઉન્સિલરે જઇને 281767 જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. 177421 કિસ્સામાં સ્થળ પર સમાધાન કરી કેસનો નિકાલ કરાયો છે. 86062 મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ પર જઇને રેસ્ક્યુવાન દ્વારા લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અલગ અલગ 26 સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી છે. રાજ્ય સરકારે અભયમ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવી છે.

આ હેલ્પલાઇનમાં મહિલાઓને ઘરેલું હિંસા ઉપરાંત, દુર્વ્યવહાર કે છેડતીના કિસ્સામાં બચાવ અને સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્નજીવન તેમજ અન્ય સબંધોના વિખવાદ, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી તેમજ આર્થિક ઉપાર્જનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવે છે.



Google NewsGoogle News