17 હોદ્દેદારોના સામૂહિક રાજીનામાં, ભાજપ શાસિત ન.પા.માં જૂથવાદ સપાટીએ, મહિલા પ્રમુખ સામે રોષ
Gujarat BJP News | ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં વર્તમાન મહિલા પ્રમુખથી નારાજ ઉપપ્રમુખ તેમજ વિવિધ 16 કમિટીઓના ચેરમેનોએ એકાએક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામા ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો. છેલ્લા કેટલાક સમયથી પાલિકામાં ચુંટાયેલા નગરસેવકો વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના બે જૂથોમાં વહેચાયા હતા. જેમાં પ્રમુખને હટાવવા માટે એક જૂથ સક્રિય બન્યું હતું.
સામૂહિક રાજીનામાથી દોડધામ મચી
દરમિયાન પાલિકામાં 17 સમિતિઓના ચેરમોનોએ સામુહિક રાજીનામા આપવાનો નિર્ણય કરતાં પક્ષના સંગઠનમાં દોડધામ મચી જવા પામી હતી. ડીસા પાલિકાનાં 17 સભ્યોએ પોતાના ચેરમેન પદ પરથી રાજીનામા આપ્યા છે તેમનો સ્પષ્ટ વિરોધ પાલિકા પ્રમુખ સામે છે. પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોય તેમજ સભ્યોની રજૂઆતો સાંભળી તેઓનુકામ થતાં ન હોવાના આક્ષેપ સાથે 17 જેટલા સભ્યોએ શહેર ભાજપ કાર્યાલયે પોતાના રાજીનામાં આપ્યા હતા.
મહિલા પ્રમુખે કોઈ દિવસ અમારી સાથે સંકલન કર્યું નથી: શાસક પક્ષના નેતા
ડીસા પાલીકામાં ઉપપ્રમુખ, શાસ્ક પક્ષના નેતા અને વિવિધ સમિતીઓના ચેરમેન સહિત કુલ 17 હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી રાજીનામા ધરતાં વિવાદ સર્જાયો છે. આ અંગે શાસક પક્ષના નેતા વાસુ મોઢે જણાવ્યું હતું કે, પ્રમુખે કોઈની વાત સાંભળતા નથી કે શાસક પક્ષના નેતા સહિત કોઈ સભ્ય સાથે સંકલન કર્યું નથી. ચોમાસુ હોવા છતાં પાલિકામાં દવાઓ નથી. જયારે પાલિકાનો વહીવટ ખાડે ગયો છે.