Get The App

અમદાવાદઃ ડિજિટલ એરેસ્ટ કરીને ઠગતી ટોળકીના ચાર માસ્ટરમાઈન્ડ સહિત 17ની ધરપકડ, 761 સિમ કાર્ડ, 120 મોબાઇલ જપ્ત

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
અમદાવાદઃ ડિજિટલ એરેસ્ટ કરીને ઠગતી ટોળકીના ચાર માસ્ટરમાઈન્ડ સહિત 17ની ધરપકડ, 761 સિમ કાર્ડ, 120 મોબાઇલ જપ્ત 1 - image


Digital Arrest : અમદાવાદની સાયબર ક્રાઈમ ટીમે ડિજિટલ એરેસ્ટના નામે સૌથી સૌથી મોટી છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતા માસ્ટર માઈન્ડને પકડી પાડ્યો છે. આ પહેલા સાઈબર ક્રાઈમે 13 ભારતીય આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારે હવે ટીમે ચાર તાઇવાનના નાગરિકની ધરપકડ કરી છે. તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓ એક વર્ષ સુધી રોજના બે કરોડ રૂપિયા પડાવતા હતા અને તેઓની સામે દેશભરમાં કુલ 450 ફરિયાદો નોંધાયેલી છે. આરોપીઓએ ભારતમાં છેતરપિંડી આચરવા માટે ચાર વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. ત્યાર બાદ વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને શેર માર્કેટ અને ગેમિંગ ઝોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આરોપીઓ પાસેથી 761 સિમ કાર્ડ, 120 મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત

આ મામલા અંગે જોઈન્ટ કમિશ્નર (ક્રાઈમ) શરદ સિંઘલે જણાવ્યું કે, આ ટોળકીએ એક વરિષ્ઠ નાગરિકને 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને તેમના પર વીડિયો કોલથી નજર રાખીને RBIના એક મુદ્દાને ઉકેલવા માટે 79.34 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ગત મહિને ફરિયાદ મળ્યા બાદ અમારી ટીમે ગુજરાત,  દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 17 લોકોની ધરપકડ કરાઈ છે. આમાંથી ચાર લોકો તાઇવાનના છે. આ ચાર નાગરિકોની ઓળખ મૂ ચી સુંગ (ઉ.વ 42), ચાંગ હૂ યુન (ઉ.વ 33), વાંગ ચુન વેઈ (ઉ.વ 26) અને શેન વેઈ (ઉ.વ 35) તરીકે થઈ છે. બાકી 13 આરોપઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનના રહેવાસી છે. આ કેસમાં પોલીસે 12.75 લાખ રોકડા, 761 સિમ કાર્ડ, 120 મોબાઇલ ફોન, 96 ચેક બુક, 92 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ટ્રાન્ઝેક્શન સંબંધિત ખાતાની 42 પાસબુક જપ્ત કરી છે.

આ પણ વાંચો : અંકલેશ્વરમાં 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયાનો મામલો, આવકાર ડ્રગ્સ કંપનીના 3 ડિરેક્ટર સહિત પાંચની ધરપકડ

અમદાવાદના વૃદ્ધ પાસેથી 80 લાખ પડાવ્યા

આ આરોપીઓએ તાજેતરમાં જ અમદાવાદના એક સિનિયર સિટિઝનને સીબીઆઈના નામે ધમકાવ્યા હતા અને તેમને ડિજિટલ એરેસ્ટ કરીને 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે ગભરાયેલા વૃદ્ધે છેવટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ ટીમે તુરંત કાર્યવાહી હાથ ધરાઈ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, લીંબડી તેમજ મુંબઈ, ઓડિશા, દિલ્હી, બેંગલુરુ સહિતના રાજ્યોમાં દરોડા પાડ્યા હતા, જેમાં દેશના સૌથી મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ ટોળકી વિરુદ્ધ NCRB પોર્ટલમાં 450થી વધુ ફરિયાદો થયેલી છે. ટોળકીએ છેલ્લાં ઘણાં વર્ષોમાં એક હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમે આશંકા વ્યક્ત કરી છે.

દિલ્હીની તાજ હોટલમાંથી મુખ્ય આરોપી ધરપકડ

તાઈવાનના મુચી સંગ ઉર્ફે માર્ક, ચાંગ હાવ યુન ઉર્ફે માર્કો, વાંગ ચુન વેઇ ઉર્ફે સુમોકા અને શેન વેઇ હાવ ઉર્ફે ક્રિશને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચારેય તાઇવાન આરોપીઓ ડિજિટલ અરેસ્ટના માસ્ટર માઈન્ડ હોવાનો પણ ખુલાસો થયો છે. આ ગેંગની અંદર ભારતીયો સહિત 17 લોકોની ધરપકડ કરી સમગ્ર આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમે વડોદરા, દિલ્હી, મુંબઈ અને બેંગલોરમાંથી ચાર ડાર્કરૂમ ઝડપ્યા છે. જે સિસ્ટમ ડેવલપ કરનાર મુખ્ય આરોપી તાઇવાનનો મુચી સંગ ઉર્ફે માર્ક હોવાનું ખૂલ્યું છે, જેની દિલ્હીની તાજ હોટલમાંથી ધરપકડ કરી છે.

આ પણ વાંચો : ગુજરાતનાં રસ્તેથી કેવી રીતે હજારો કરોડનું કોકેઇન દુબઈથી દિલ્હી જતું હતું, જાણો ઈનસાઈડ સ્ટોરી


Google NewsGoogle News