Get The App

તારીખ પે તારીખ : ગુજરાતની કોર્ટમાં 17.32 લાખ કેસ પેન્ડિંગ, ન્યાયતંત્ર સામે મોટો પડકાર

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
તારીખ પે તારીખ : ગુજરાતની કોર્ટમાં 17.32 લાખ કેસ પેન્ડિંગ, ન્યાયતંત્ર સામે મોટો પડકાર 1 - image


Gujarat Court : ગુજરાત રાજ્યના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની નીચલી કોર્ટોમાં પડતર કેસોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં તાજી સ્થિતિએ આશરે કુલ 1.70 લાખ જેટલા કેસો પડતર બોલી રહ્યા છે, જેમાં 1.15 લાખ જેટલા કેસો દીવાની પ્રકારના છે, તો 54 હજારથી વધુ કેસો ફોજદારી પ્રકારના છે. તો, ગુજરાત રાજ્યની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં આશરે કુલ 15.62 લાખથી વધુ કેસો પડતર બોલી રહ્યા છે.

પડતર કેસોનો નિકાલ અને કેસોનું ભારણ ઘટાડવાનું કામ રાજ્ય ન્યાયતંત્ર માટે પડકાર સમાનઃ કેસોનો ભરાવો વધ્યો

ઉલ્લેખનીય છે કે, પડતર કેસોના નિકાલ અને કેસોનું ભારણ ઘટાડટવા સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ પણ ચિંતિત છે અને અવારનવાર આ મામલે દિશાનિર્દેશ જાહેર કરે છે, પરંતુ સામે કેસોનો ભરાવો પણ એટલી જ સંખ્યામાં વધી રહ્યો છે. 

ગુજરાત હાઇકોર્ટમાં પડતર કુલ 1.70 લાખ કેસોમાંથી 21 હજાર કેસો એવા છે કે, જે દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી પડતર અને જૂના છે. જ્યારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે. ગુજરાત રાજ્યની નીચલી કોર્ટમાં પડતર કુલ 15.62 લાખ કેસો પૈકી 77 હજાર જેટલા કેસ દસ વર્ષ કરતાં જૂના છે, જ્યારે 4,641 કેસ તો 25 વર્ષ કરતાં પણ જૂના છે. 

આ જ પ્રકારે રાજ્યમાં આવેલી તમામ લેબર કોર્ટમાં કુલ મળી 41,364 કેસ પડતર છે, જે પૈકી 3,068 કેસ દસ વર્ષ કરતાં જૂના અને 338 જેટલા કેસ 20 વર્ષ કરતાં વધુ જૂના છે. તો, રાજ્યની ફેમીલી કોર્ટમાં કુલ મળી આશરે 54 હજારથી વધુ કેસો પેન્ડિંગ છે. 

અમદાવાદની ફેમિલી કોર્ટમાં 11 હજારથી વધુ કેસો પેન્ડિંગ

અમદાવાદ જિલ્લામાં આવેલી તમામ ફેમિલી કોર્ટમાં કુલ મળી 11,133 જેટલા કેસ પડતર છે. જે પૈકી દસ વર્ષ કરતાં વધુ જૂના કેસ 2૩ છે. ફેમિલી કોર્ટમાં પણ લગ્નજીવનની તકરાર, બાળકની કસ્ટડી, ભરણપોષણ સહિતના કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. 

અમદાવાદની જિલ્લા-તાલુકા કોર્ટમાં 80 હજાર કેસ

અમદાવાદ જિલ્લા-તાલુકા કોર્ટમાં કુલ મળી 80,485 જેટલા કેસ પેન્ડિંગ છે, જેમાંથી 8,241 કેસ દસ વર્ષ કરતાં વધુ જૂના અને 1225 કેસ 20 વર્ષ કરતાં જૂના છે. શહેરની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કુલ 26,784 કેસ પડતર બોલે છે, જે પૈકી 2,958 કેસ દસ વર્ષ કરતાં જૂના અને 423 જેટલા કેસ 20 વર્ષ કરતાં જૂના છે.

સુરતમાં પણ ચિંતાજનક સ્થિતિ

અમદાવાદ સિવાય રાજ્યના અન્ય મોટા શહેરો જેવા કે, રાજકોટ, સુરત, વડોદરાની વાત કરીએ તો સુરતની વિવિધ કોર્ટમાં કુલ 1.32 લાખ પડતર કેસ છે. જેમાં 6,332 કેસ દસ વર્ષ કરતાં જૂના અને આશરે 1200થી વધુ કેસ 20 વર્ષ કરતાં જૂના છે. સુરતની ફેમિલી કોર્ટમાં 5800થી વધુ કેસ પેન્ડિંગ છે. આ જ પ્રકારે રાજકોટની વિવિધ કોર્ટમાં કુલ 96,412 કેસ પડતર નોંધાયા છે, જેમાં 3600 જેટલા કેસ દસ વર્ષ કરતાં વધુ સમય જૂના અને આશરે 760થી વધુ કેસ 20 વર્ષથી વધુ જૂના છે. જ્યારે ફેમિલી કોર્ટમાં લગભગ ચાર હજાર જેટલા કેસ પેન્ડિંગ છે. તો વડોદરા જિલ્લા કોર્ટમાં કુલ મળી 87,962 જેટલા કેસ પડતર બોલી રહ્યા છે, જેમાં 4668 કેસ દસ વર્ષ કરતાં જૂના અને 1180 જેટલા કેસ 20 વર્ષ કરતાં જૂના છે. વડોદરા ફેમિલી કોર્ટમાં આશરે સાત હજાર જેટલા કેસ પડતર છે.

અમદાવાદની ઘીકાંટા ફોજદારી કોર્ટમાં 4.21 લાખ કેસ

અમદાવાદ શહેરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સૌથી વધુ એટલે કે 4,21,091 કેસ પડતર પડી રહ્યા છે. જે પૈકી 16,317 કેસ દસ વર્ષ કરતાં વધુ જૂના અને 4800 જેટલા કેસ 20 વર્ષ કરતાં વધુ જૂના પડતર છે.


Google NewsGoogle News