Get The App

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી: તબીબી ભથ્થાં મુદ્દે કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
 Gujarat municipal employees threaten strike
Representative image

Gujarat Municipal Employees Threaten Strike: તબીબી ભથ્થાનો લાભ ન મળતાં નગરપાલિકાના કર્મચારીઓ સરકાર સામે શિંગડા ભરાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જ્યારે રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓ આ સરકારી લાભથી વંચિત રહ્યાં છે. ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે, 'જો નિર્ણય નહી લેવાય તો, રાજ્યની 157 નગરપાલિકા કર્મચારીઓ હડતાળ પાડશે જેથી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે.'

પાલિકાની ચૂંટણી સમયે જ કર્મચારી મહામંડળનું સરકારને અલ્ટિમેટમ

એક તરફ, પંચાયત-પાલિકાની ચૂંટણીઓના બ્યૂગલ વાગવાની તૈયારી છે. રાજ્ય ચૂંટણીપંચ ચૂંટણીઓ યોજવા આયોજન કરી રહ્યુ છે. ત્યારે બીજી તરફ, રાજ્યની નગરપાલિકાની કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ આદરી રહ્યાં છે. કારણ કે, તબીબી ભથ્થુ ચૂકવવામાં સરકારે ભેદભાવની નીતિ અખત્યાર કરી છે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે 100 રૂપિયા અપાય છે.

પાલિકાના કર્મચારીઓને સરકારે કોણીએ ગોળ ચોટાડ્યો

પાલિકાના કર્મચારીઓનું કહેવુ છે કે, 'વર્ષ 2022માં રાજ્ય સરકારે તબીબી ભથ્થુ એક હજાર રૂપિયા ચૂકવવા મોટા ઉપાડે પરિપત્ર જાહેર કર્યો છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તો તબીબી ભથ્થાંના વધારાનો લાભ મળી રહ્યો છે. જ્યારે પાલિકાના 17 હજાર કર્મચારીઓને સરકારે જાણે કોણીએ ગોળ ચોટાડ્યો છે. હજુ સુધી આ પરિપત્રનો અમલ કરાયો નથી.

આ પણ વાંચો: મણિપુરમાં હજુ પરિસ્થિતિ તણાવપૂર્ણ, કેન્દ્રએ વધુ પાંચ હજાર જવાન રવાના કર્યા


પાલિકા કર્મચારી મહામંડળે એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો 30મી ડિસેમ્બર સુધી તબીબી ભથ્થાનો વધારો કરવા સરકાર નિર્ણય નહીં લે તો, રાજ્યમાં 157 નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે. હડતાળને કારણે પાલિકા વિસ્તારોમાં વીજળી, પાણી ઉપરાંત સાફસફાઈની કામગીરી ખોરવાઈ જશે. શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. પાલિકાના કર્મચારીઓએ પાલિકાની ચૂંટણી વખતે જ વિરોધનો બૂંગિયો ફુંકવાનું એલાન કરતાં સરકાર ભેખડે ભરાઈ છે.

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી: તબીબી ભથ્થાં મુદ્દે કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી 2 - image


Google NewsGoogle News