ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ, PSI-લોકરક્ષક ભરતી માટે 12,272 સામે અધધ 15 લાખ અરજી
Gujarat: વાયબ્રન્ટ ગુજરાત રોજગારીનું કેન્દ્ર બન્યુ છે. ગુજરાતમાં રોજગારીની અનેક તકો છે તેવા ગાણા ગાઈ ગુજરાત સરકાર દાવા કરી રહી છે પણ હકીકત એછેકે, આર્જેય ગુજરાતમાં બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે કુલ 12,272 જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે ત્યારે આજદીન સુધી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અધધધ કહી શકાય તેટલી 15 લાખ અરજીઓ મળી છે. આ પરથી ગુજરાતમાં બેરોજગારીનુ અસલી ચિત્ર ઉપસી આવ્યુ છે.
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવવામાં આવશે
વર્ષ 2023નું વર્ષ ભરતી બોર્ડના નામે પૂર્ણ કરાયુ હતું. ત્યારબાદ આ વર્ષે લોકસભા ચુંટણીની અગાઉ ઉમેદવારોએ વારંવાર રજૂઆત કરી સરકારને કઠેડામાં ઉભી કરી દીધી હતી. આખરે લોકસભા ચુંટણી જાહેર થાય એ પહેલા સરકાર સફાળી જાગી હતીને 12મી માર્ચે 2024ના રોજ 12,272 જગ્યાની પોલીસ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવી હતી. હવે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કર્યુ હતુકે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ માટે અરજી ફરી મંગાવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત, ઉંમર સહિતના કારણોસર કારણોસર અરજી ન કરી શકે તે ઉમેદવારને અરજી કરવાની તક મળશે. સબ ઈન્સ્પેક્ટરના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ જયારે લોકરક્ષક કેડરની નોકરી માટે ધો.12 પાસ હોવું જરૂરી છે.
યુવાનો સરકારી નોકરી મેળવવા તનતોડ મહેનત કરે છે
સરકારી નોકરી મેળવવાનુ સપનુ સાકાર કરવા શિક્ષિત યુવાઓ તનતોડ મહેનત કરે છે. સાથે સાથે ગાંધીનગર જેવા શહેરમાં પોલીસ- પીએસઆઈની તૈયારી માટેના કોચિંગ ક્લાસમાં રૂપિયા 30-40 હજાર ફી ચૂકવે છે. સાથે સાથે ખાનગી લાઈબ્રેરીમાં વાંચન માટે રૂપિયા હજાર-બારસો ચૂકવે છે. હોસ્ટેલ ફી અલગ.આમ,શિક્ષિત યુવાઓ સરકારી નોકરી મેળવવા મહેનતની સાથે ખર્ચ પણ કરે છે. આ દરમિયાન, જો પેપરલીક થાય તો યુવાઓની મહેનત પાણીમાં જાય છે. ઉલ્લેખનીય છેકે, લોકરક્ષકની પરિક્ષાનું પેપર લીક થયુ હતું.
કેલેન્ડર મુજબ સરકારી નોકરીની ભરતી થતી નથી
ગુજરાતમાં શિક્ષિત યુવા બેરોજગારોની સંખ્યા દિનદિને વધતી જાય છે. કેલેન્ડર મુજબ સરકારી નોકરીની ભરતી થતી નથી ત્યારે બેરોજગારોની દશા કફોડી બની છે કેમકે, કડી મહેનત અને પૈસા ખર્ચ્યા પછી ય પરિણામ મળતુ નથી આખરે નાછૂટકે યુવાઓને ખાનગી નોકરી મેળવવા મજબૂર થવુ પડે છે. આ તરફ, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અત્યાર સુધી પીએસઆઈ માટે 4.5 લાખ એને લોકરક્ષક દળ માટે 9.83 લાખ અરજીઓ મળી છે. 15મી સપ્ટેમ્બર બાદ આખીય પ્રક્રિયા શરૂ થશે. ફિઝીકલ ટેસ્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાય તેવી સંભાવના છે. ટૂંકમાં, પીએસઆઈ અને લોકરક્ષક દળ માટે અરજીઓનો ઢગલો થયો છે તે જોતા ચોક્કસ કહી શકાય કે, ગુજરાતમાં બેરોજગારની સમસ્યાએ ફેણ માંડી છે તે અસલિયત ભાજપ સરકાર છુપાવી શકે તેમ નથી.