Get The App

ચાર ઈંચથી વધુ સાંબેલાધાર વરસાદથી અમદાવાદ જળબંબાકાર બની ગયુ

વાસણા બેરેજના ૧૫ દરવાજા ૩ ફૂટ ખોલાયા

સાત અંડરપાસમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા,લોકોના ઘરમાં ગટરના પાણી બેક મારતા મદદ માંગતા વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરાયા,બોપલમાં સાત,ચકુડીયા-બોડકદેવ-જોધપુરમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબકયો,મ્યુનિ.દ્વારા લેવાનારી એસ્ટેટ વિભાગ માટેની પરીક્ષા મોકૂફ રખાઈ,મ્યુનિ.તંત્ર પાણી ભરાયાની ફરિયાદ સામે હાંફી ગયુ

Updated: Jul 22nd, 2023


Google NewsGoogle News
ચાર ઈંચથી વધુ સાંબેલાધાર વરસાદથી અમદાવાદ જળબંબાકાર બની ગયુ 1 - image


અમદાવાદ,શનિવાર,22 જૂલાઈ,2023

શનિવારે દિવસભર અસહય ઉકળાટ બાદ અમદાવાદમાં સાંજના સમયે આકાશમાં મેઘાડંબાર સર્જાવાની સાથે સાંજના છ કલાકના સુમારે સમગ્ર શહેરમાં સાંબેલાધાર વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.વરસાદની તીવ્રતા એટલી હતી કે  અનેક વિસ્તારમાં આવેલા બજારમાં વરસાદી પાણી ફરી વળતા વેપારીઓ તેમની દુકાન બંધ કરી ઘરે પરત ફરી વળ્યા હતા.વાહનચાલકોને તો સામે કશુ જ જોઈ ના શકાય એટલી હદે આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલુ હતુ.વિવિધ વિસ્તારમાં આવેલા સાત અંડરપાસમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા.શહેરમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે અમદાવાદ પૂર્વ-પશ્ચિમ સહિતના અન્ય ઝોન વિસ્તારમાં આવેલા લોકોના ઘરમાં ગટરના પાણી બેક મારતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુનના નામે કરવામાં આવેલી કામગીરીની પોલ ખુલી જતા લોકોએ મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે સોશિયલ મિડીયામાં ભારે આક્રોશ વ્યકત કરતા વિડીયો પણ વાઈરલ કર્યા હતા.રાત્રે આઠ કલાક સુધીના સમયમાં અમદાવાદના બોપલમાં સાત ઈંચપૂર્વના ચકુડીયા ઉપરાંત બોડકદેવ,જોધપુર સહિતના અન્ય વિસ્તારમાં છ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.વાસણા બેરેજનુ લેવલ જાળવવા ૧૫ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી ૧૨૯ ફૂટ લેવલ રાત્રે નવ કલાક બાદ કરાયુ હતુ.રાત્રિના ૯ કલાક સુધીમાં શહેરમાં સરેરાશ ચાર ઈંચથી વધુના વરસાદ થતા મોસમનો અત્યારસુધીનો ૨૨.૪૯ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.શહેરમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.

શનિવારે સાંજના છ કલાકથી અમદાવાદ શહેરમાં મેઘરાજાએ તેમનુ રોદ્રરુપ બતાવવાનુ શરુ કરતા એક કલાકના સમયમાં શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન થયેલા જોવા મળ્યા હતા.અમદાવાદ પૂર્વમાં ચકુડીયા સહિતના અન્ય વિસ્તારો ઉપરાંત ઉત્તરમાં આવેલા નરોડા,કુબેરનગર  સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.સૈજપુર ટાવરથી ગરનાળા સુધી ઢીંચણસમા પાણી ફરી વળ્યા હતા.ન્યુ બંગલા એરિયામાં લોકોના ઘર સુધી ગટરના પાણી બેક મારતા લોકોએ મદદ માંગતા વિડીયો સોશિયલ મિડીયા ઉપર વાયરલ કર્યા હતા.માત્ર અમદાવાદ પૂર્વ જ નહીં પરંતુ પશ્ચિમમાં આવેલા મેમનગર,મકતમપુરા સહિતના અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં ગટરના પાણી બેક મારતા લોકોને ઘરમાં ભરાયેલા ગટરના પાણી ઉલેચવાની ફરજ પડી હતી.અમદાવાદમાં એરપોર્ટ સર્કલ સહિતના અનેક રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા  ટ્રાફિક ચકકાજામ થઈ ગયો હતો.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ ઉપરાંત જોધપુર,મકતમપુરા,સરખેજ સહિતના અન્ય વિસ્તારમાં રહેતા લોકો સાત ઈંચ સુધીનો વરસાદ વરસી પડતા ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.કુબેરનગર બજાર વિસ્તાર ઉપરાંત શહેરની મધ્યમાં આવેલા રેવડીબજાર,પાંચકૂવા સહિતના અન્ય વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ સુધીના વરસાદી પાણી રોડ ઉપર તથા માર્કેટમાં ફરી વળ્યા હતા.વાસણા વિસ્તારમાં મોડી રાત સુધી ભરાયેલા વરસાદી પાણી ઉતરી શકયા નહોતા.

સમગ્ર શહેરમાં અનરાધાર વરસી પડેલા વરસાદને પગલે વિવિધ વિસ્તારમાં આવેલા વરસાદી પાણી ભરાઈ જતા મ્યુનિસિપલ તંત્રે એક પછી એક અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડયા હતા.મીઠાખળી ઉપરાંત કુબેરનગર,અખબારનગર, ઉસ્માનપુરા, પરિમલ, નિર્ણયનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરાયા હતા.વાસણા બેરેજના ૧૫ ગેટ ત્રણ ફૂટ ખોલવામા આવ્યા હતા.સાબરમતી નદીમાં ૨૭,૩૧૦ કયુસેક પાણીનો ડીસ્ચાર્જ કરી વાસણા બેરેજનુ લેવલ ૧૨૯ ફૂટ કરવામાં આવ્યુ હતુ.આશ્રમરોડ ઉપર અને નહેરુબ્રિજના નાકે પણ વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોના વાહન બંધ પડી જતા ટ્રાફિકમાં અટવાઈ પડયા હતા.

અખબારનગર અંડરપાસમાં બસ ફસાતા છ લોકોને સલામત બહાર કઢાયા

અખબારનગર અંડરપાસમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા અંડરપાસમાંથી બી.આર.ટી.એસ.બસ હંકારીને લઈ જવાતી હતી એ સમયે આગળની બસ બંધ થઈ જતા બી.આર.ટી.એસ.બસ પણ બંધ થતા ડ્રાયવર કુરબાનઅલી દ્વારા અમદાવાદ ફાયર વિભાગની મદદ માંગવામા આવી હતી.ફાયર વિભાગના કંટ્રોલરુમસૂત્રોમાંથી મળતી વિગત મુજબ,ડ્રાઈવર સહિત બસમાં સવાર પાંચ એમ કુલ છ લોકોને અંડરપાસમાં ભરાયેલા પાણીમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

સરસપુરમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા,કોર્પોરેટરો ફરકયા જ નહીં

અમદાવાદ શહેરના વિકાસની ગુલબાંગ હાંકતા અને સ્માર્ટસીટીનો દરજજો હોવાનો ગર્વ કરતા મ્યુનિ.ના સત્તાધીશો માટે શનિવાર સાંજે પડેલો વરસાદ લપડાક સમાન સાબિત થયો હતો.સરસપુરમાં આવેલ અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.આમછતાં એકપણ સ્થાનિક કોર્પોરેટર લોકોની મદદ માટે નહી ફરકતા રહીશોને વિડીયો સોશિયલ મિડીયા ઉપર વાયરલ કરી મદદ માંગવાની ફરજ પડી હતી.આ જ પરિસ્થિતિ અમદાવાદના અનેક વિસ્તારમાં હતી.જયાં ભાજપ કે કોંગ્રેસના કોર્પોરેટરો લોકોની વચ્ચે જવાના બદલે ઘરમાં ભરાઈ બેઠા હતા.

મ્યુનિ.બસ કેટલી પાછી ખેંચાઈ એ અંગે તંત્રનુ ભેદી મૌન

શહેરમાં શનિવારે સાંજના છ કલાકથી વરસી પડેલા અનરાધાર વરસાદને પગલે એએમટીએસ અને બીઆરટીએસની કેટલા રુટની કેટલી બસ પાછી ખેંચાઈ એ અંગે મ્યુનિ.ના અધિકારીઓએ ભેદી મૌન ધારણ કરી લીધુ હતુ.

ગોમતીપુર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બંધ

ભારે વરસાદના પગલે શહેરના ગોમતીપુર વિસ્તારનુ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બંધ થઈ જતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં ત્રણથી ચાર ફૂટ સુધી ગટરના પાણી ફરી વળ્યા હોવાનુ વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખે કહયુ હતુ.

કયાં-કેટલો વરસાદ

શનિવારે  બપોરના ચારથી રાત્રિના નવ સુધીમાં અમદાવાદ શહેરમાં વરસેલો વરસાદ આ મુજબ છે.

વિસ્તાર વરસાદ(ઈંચમાં)

બોપલ          ૬.૯૧

કોતરપુર       ૬.૧૬

જોધપુર        ૫.૭૯

મકતમપુરા     ૫.૭૯

બોડકદેવ       ૫.૭૭

ચકુડીયા        ૫.૬૩

કઠવાડા        ૫.૬૩

દૂધેશ્વર         ૫.૫૩

ગોતા           ૫.૪૭

સરખેજ         ૫.૪૫

ચાંદખેડા        ૫.૩૯

જોધપુર(ઝોનલ)        ૫.૧૨

મણિનગર      ૪.૯૦

ઉસ્માનપુરા     ૪.૮૮

રાણીપ         ૪.૮૮

પાલડી         ૪.૫૧

મેમ્કો           ૪.૧૫

વિરાટનગર     ૪.૧૩

ચાંદલોડીયા    ૪.૧૧

ઓઢવ          ૩.૮૮

સાયન્સસીટી    ૩.૮૮

દાણાપીઠ       ૩.૭૬

નિકોલ          ૦.૭૯

વટવા          ૦.૬૯

નરોડા          ૦.૬૭

રામોલ         ૦.૬૧

 


Google NewsGoogle News