અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા, 47 સ્થળે 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી કેમેરાથી લાઈવ મોનિટરિંગ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Jagannath Rath Yatra


147th Jagannath Rath Yatra in Ahmedabad : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 147મી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું પર્વ ગણાવતા કહ્યું કે, ‘ભગવાનના દર્શન માટે લોકો જૂના, જર્જરિત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતી માટે પગલાં લેવા જોઈએ.’ આ બેઠકમાં 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા વખતની સુરક્ષા વ્યવસ્થા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.

18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે રહેશે

પોલીસ કમિશનરે જણાવ્યું કે, ‘આ રથયાત્રાને સફળ બનાવવા આઈ.જી. કક્ષાથી લઈને પોલીસકર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મી ખડે પગે ફરજ બજાવશે. રથયાત્રામાં જોડાનારા રથ, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મી જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તહેનાત રહેશે. એટલું જ નહીં, 16 જેટલી ક્રેનની વ્યવસ્થા પણ કરાઈ છે.’

સમગ્ર રૂટનું લાઈવ મોનિટરિંગ કરાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભે પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ અંગે જણાવ્યું કે, ‘47 જેટલા લોકેશન પર 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વૉર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોના સહકારથી 1400 જેટલા સીસીટીવી કેમેરાથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રખાશે.’

મેડિકલ ઈમરજન્સી મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય 

રથયાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાયું છે. આ રથયાત્રામાં શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાશે. 

રથયાત્રા પૂર્વે  25 જેટલી બેઠકો યોજાઈ 

આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 132, મહોલ્લા સમિતિની 136 તેમજ મહિલા સમિતિની 38 બેઠકો વિવિધ ધર્મગુરુઓ સાથે 18 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી, અખાડા સંચાલકો સાથે 25 જેટલી બેઠકો યોજાઈ હતી. એટલું જ નહીં, એકતા કપ ક્રિકેટ મેચ, વૉલિબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું.  

આ રથયાત્રાનું જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે જ તેવો મુખ્યમંત્રી અને અમદાવાદ પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.  


Google NewsGoogle News