પંચમહાલ: ગરીબોના હકના અનાજનું બારોબાર વેચાણ, રાશનની દુકાનના 20 કાળાબજારિયા સામે કાર્યવાહી
Panchmahal News: પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે સપાટો બોલાવ્યો હતો. જિલ્લાની 14 સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ કરવામાં આવ્યા છે. તેમજ 6 સસ્તા અનાજની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યો છે. આ સિવાય રદ અને મોકૂફ કરાયેલા તમામ દુકાનદારોને 32,61,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પંચમહાલ જિલ્લામાં ગરીબ લાભાર્થીઓના હક્કનું અનાજ બારોબારો વેચી કાળા બજારી કરનાર અને અનાજ વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ આચરનાર સસ્તા અનાજના દુકાનદારો સામે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ફરી એકવાર લાલ આંખ કરવામાં આવી છે. થોડા સમય પહેલાં જિલ્લા પુરવઠા અધિકારી એચ. ટી. મકવાણા તેમજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા શહેરા અને મોરવાહડફ સહિત જિલ્લાના અલગ-અલગ તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં, ચોખા અને ખાંડ સહિતની વધઘટ તેમજ અન્ય કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી.
આ પણ વાંચોઃ ચાર દિવસમાં સુરતમાંથી નીકળ્યો 11 મેટ્રિક ટન કચરો, સફાઈ માટે લોકોએ 1606 MLD પાણી વાપર્યું
14 દુકાનદારના કાયમી પરવાના કરાયા રદ
આ તપાસ બાદ ગેરરીતિ કરનાર સામે પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 14 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોના પરવાના કાયમી રદ કરી દેવામાં આવી છે. આ સિવાય 6 જેટલી સસ્તા અનાજની દુકાનના પરવાના 90 દિવસ માટે મોકૂફ કરવામાં આવ્યા છે. આ સિવાય દુકાન સંચાલકોને કુલ 32,61,581 રૂપિયાનો દંડ કરતી નોટિસ પણ ફટકારવામાં આવી છે.
6 સંચાલકોના પરવાના 90 દિવસ માટે કરાયા મોકૂફ
પંચમહાલમાં થયેલી ઓચિંતી થયેલી કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારો સામે કાળા બજારી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નોંધનીય છે કે, પુરવઠા વિભાગ દ્વારા હજુ અનેક જગ્યાએ આવા દરોડા પાડવામાં આવી શકે છે.