ગુજરાતમાં એકસાથે 134 શિક્ષક બરતરફ, રાજ્ય સરકારની આક્રમક કાર્યવાહીથી સન્નાટો

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં એકસાથે 134 શિક્ષક બરતરફ, રાજ્ય સરકારની આક્રમક કાર્યવાહીથી સન્નાટો 1 - image


134 Teacher Suspended in Gujarat  : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરહાજર અને ગુલ્લીબાજ શિક્ષકોની રામાયણ ચાલી રહી છે. દરરોજ નવા-નવા શિક્ષકોના સમાચાર અખબારોમાં છપાય છે. ત્યારે રાજ્યભરની શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગેરહાજર રહેતા શિક્ષકો સામે સરકારે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં 134 જેટલા શિક્ષકોને બરતરફ કરાયા છે.  જેમાંથી 3 શિક્ષકો વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. 

ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી સરકારને સોંપવામાં આવી હતી. ત્યારબાદ સરકાર એક્શનમાં મોડમાં આવી ગઇ છે. વિગતોના આધારે રાજ્યના 134 શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભરતાં 134 ગેરહાજર શિક્ષકોને બરતરફ કરવામાં આવતાં શિક્ષણ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેમાં રાજકોટ, આણંદ અને કચ્છના 1-1 શિક્ષક વિરૂદ્ધ પોલીસ કેસની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. 

આ પણ વાંચો : ગુજરાતના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર, તો 31 શિક્ષકો ગરબડ કરીને ‘ઘેરહાજર’

છોટાઉદેપુર જિલ્લામાં સાત શિક્ષકો એક વર્ષ કે તેથી વધુ સમય સુધી ગેરહાજર હોવાનું પણ છે, તેમને નોટિસ આપી છે. જેમાંથી એક શિક્ષકનું રાજીનામું મંજુર કરેલું છે. જોકે હજુ સુધી કોઈને સસ્પેંડ કે બરતરફ કરાયા નથી.
ગુજરાતમાં એકસાથે 134 શિક્ષક બરતરફ, રાજ્ય સરકારની આક્રમક કાર્યવાહીથી સન્નાટો 2 - image

રાજ્યના 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસે

રાજ્યના તમામ જિલ્લામાંથી સરકારને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર હોવાનું અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના જ ઘણાં સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. આમ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તે પણ પ્રશ્ન છે.

વિદેશ પ્રવાસ પર ગયેલા અનેક શિક્ષકો 90 દિવસથી ગેરહાજર

અમદાવાદ ગ્રામ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 8 શિક્ષકો 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છે. જેમાં 7 શિક્ષકો વિદેશ પ્રવાસમાં છે અને એક શિક્ષક મેડિકલ કારણસર રજા પર છે. જ્યારે ગ્રામ્યની સરકારી શાળામાં એક શિક્ષક અને એક વહીવટી કર્મચારી લાંબી રજા પર છે. એક શિક્ષક સામે કાયદાકીય કાર્યવાહી ચાલતી હોવાથી તે શાળામાં ઘણાં દિવસોથી ગેરહાજર છે. જ્યારે એક વહીવટી કર્મચારી બિનઅધિકૃત રીતે મંજૂરી વિના લાંબી રજા પર છે. જ્યારે કૉર્પોરેશનની શાળામાં પણ એક શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે.



Google NewsGoogle News