ગુજરાતમાં એક જ વર્ષમાં 13 પરિવારે સામૂહિક આત્મહત્યા કરી : આર્થિક સંકડામણ, દેવું, સામાજિક અસુરક્ષા જવાબદાર

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં એક જ વર્ષમાં 13 પરિવારે સામૂહિક આત્મહત્યા કરી : આર્થિક સંકડામણ, દેવું, સામાજિક અસુરક્ષા જવાબદાર 1 - image

image : Freepik

અમદાવાદ,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર

વિકાસની આંધળી દોટ વચ્ચે ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા ચિંતાજનહદે વધ્યાં છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં 13થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા જીવન ટૂંકાવ્યુ છે. જેમાં બાળકો સહિત 41 લોકોએ મોતને વહાલું કર્યું છે. આત્મહત્યાના કિસ્સામાં  મુખ્યત્વે ફેરિયા,રોજમદારો સહિત ખેતમજૂરો, ખેડૂતોનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત ગુજરાતમાં કેરિયરની ચિંતા, નાપાસ થવાના ડર સહિતના કારણોસર આત્મહત્યા કરનારાં વિદ્યાર્થીઓને સંખ્યાય ઘણી મોટી છે. 

વિકાસની આંધળી દોટ વચ્ચે ફેરિયા, લારી પાથરણાંવાળા, રોજમદારોની આત્મહત્યાના કિસ્સામાં 50.44 ટકાનો વધારો 

આજે કારમી મોઁઘવારીમાં કુટુંબની ભરણપોષણ કરવું દોહ્યલુ બન્યુ છે. બેરોજગારીની સમસ્યાએ ફેણ માંડી છે. આ તરફ, આવક ઘટી રહી છે જ્યારે ખર્ચ વધી રહ્યો છે. આ સમાનતાને કારણે મોટા ભાગના પરિવારો આર્થિક સંકડામણનો ભોગ બની રહ્યા છે. સાથે સાથે લોકોને સામાજીક અસુરક્ષાનો ડર સતાવી રહ્યો છે. ઘર નિર્વાહ માટે લોકો દેવુ કરવા મજબૂર બન્યા છે. આ જોતાં વ્યાજના ચક્રકરમાં ફસાઇ જતાં દેવાદાર લોકો નાછૂટકે આત્મહત્યા કરીને જીવન ટુંકાવવાનું પસંદ કરી રહ્યા છે. ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં આજે આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. હાલ અસંગઠિત મજૂરોની દશા દયનીય છે. રોજનુ કમાઇને રોજ ખાનારાં ફેરિયા, લારી પાથરણા વાળા અને રોજમદારોના આત્મહત્યાના કિસ્સામાં 50.44 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લાં છ વર્ષના આંકડા જોઇએ તો, 16862 રોજમદારોએ આર્થિક સંકડામણ, સામાજીક અસુરક્ષા અને ઘટતી આવક-વધતા ખર્ચ જેવા પરિબળને લીધે આત્મહત્યા કરી છે.ખેડૂતો,ખેતમજૂરો,રોજમદારો, શ્રમિકો જ નહીં, વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જેમ કે, કેરિયર, અભ્યાસનો ડર, આર્થિક અસમાનતા, જાતિભેદ, પરિક્ષામાં નિષ્ફળતા જેવા કારણોથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે.ગુજરાતમાં છેલ્લાં પાચ વર્ષમાં 3740 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે, ગુજરાતમાં આત્મહત્યાના વધતા કિસ્સા ચિતાજનક છે. સરકાર જીવન ટુંકાવવા મજબૂર લોકોના જીવ બચાવવા માટે સંવેદનશીલતા ય દાખવતી નથી. આવા કિસ્સા ન બને તે માટે સરકાર જયારે ચિંતિત નથી. સરકારે આ દિશામાં સામાજીક, આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો, માનસશાસ્ત્રી ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી કામગીરી કરી અસરકારક પગલાં લેવા જોઇએ.

એક વર્ષમાં ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાના કિસ્સા 

તારીખ        

સ્થળ

મૃતક પરિવારજનો

તા.9મી જાન્યુ          

વડોદરા-વાઘોડિયા

3

તા.10મી માર્ચ          

સુરેન્દ્રનગર-દૂધરેજ

3

તા.8મી જૂન            

સુરત-સરધાણા

2

તા.2જી ઓગષ્ટ        

વડોદરા

3

તા.6ઠ્ઠી ઓગષ્ટ         

ડીસા

2

તા.11મી ઓગષ્ટ               

જૂનાગઢ-વંથલી

3

તા.18મી ઓગષ્ટ               

ભાવનગર

2

તા.3 સપ્ટે.     

સુરત

3

તા.6ઠ્ઠી સપ્ટે.           

ધોળકા

2

તા.20મી ઓક્ટો.               

સુરત

7

તા.5મી નવે.           

બનાસકાંઠા

4

તા.1લી જાન્યુ          

બોટાદ

4

તા,1લી જાન્યુ.         

મોરબી-વાંકાનેર

3

 

કુલ

41


Google NewsGoogle News