પોરબંદર સ્ટેટ દ્વારા 122 વર્ષ પહેલાં સૂર્યકૂકરમાં લાઈવ ભજિયા-પૂરી તળીને અમદાવાદીઓને ખવડાવાયા હતા!
Solar cooker History : જે વીજળી બચાવવા માટે આપણે સૂર્યઊર્જાની વાતો કરીએ છીએ અને એ દિશામાં નક્કર કાર્યવાહી કરીએ છીએ. આજે દુનિયામાં ઘણી જગ્યાએ મોટા સૂર્યશક્તિથી ચાલતા વીજ ઉત્પાદન મથકો કાર્યરત છે ત્યારે 122 વર્ષ પૂર્વે પોરબંદરના સાહસિક રાજકર્તાએ સૂર્યશક્તિમાં રહેલ પ્રચંડ શક્તિને કેન્દ્રિત કરીને એક 'ભાનુતાપ યંત્ર' (સૂર્યકૂકર) બનાવ્યું હતું. આ એક પ્રકારનું 'સૂર્યકૂકર' જ હતું. સૂર્યના તાપનો ઉપયોગ કરીને બનાવેલું 'ભાનુતાપ યંત્ર'નો રસોઈ અને અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગ થતો હતો.
આ વિશે ઇતિહાસકાર ડૉ.રિઝવાન કાદરીએ કહ્યું કે, હજારો વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિમાં સૂર્યશક્તિનું આગવું મહત્વ છે. વૈદિકયુગમાં સૂર્યશક્તિનું મહત્ત્વ ખૂબ જ વધ્યું હતું. ગુજરાતના લોકો સાહસિકવૃત્તિ અને વેપાર કરવા માટે જાણીતા છે. રાજા રજવાડાઓના સમયમાં પણ આવા સાહસિકોને દેશી રાજાઓ દ્વારા આથક સહાય આપીને ઉત્તેજન આપવામાં આવતું હતું.
પોરબંદર સ્ટેટ દ્વારા ભાનુતાપ યંત્ર બનાવવામાં આવ્યું હતું, જેને 15 ડિસેમ્બર 1902ના રોજ અમદાવાદના દિલ્લી દરવાજાના આંગણે યોજાયેલા ભારતના બીજા ઔદ્યોગિક પ્રદર્શનમાં પ્રથમવાર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનનું પ્રજાબંધુ ન્યુઝપેપરમાં કવરેજ કરવામાં આવ્યું હતું.
એક્ઝિબિશનમાં મૂકાયેલા આ સૂર્યકૂકરને જોવા માટે ટોળેટોળા આવતા અને આશ્ચર્યચકિત થઇને જોતા હતા. આ સાથે જ, ભાનુતાપયંત્રથી બનતી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓને સ્વાદ માણતા હતા. આ એક પ્રકારનું સૂર્યકૂકર જ હતું.
100 વર્ષ પહેલા પણ લોકો સૌરઊર્જાનો ઉપયોગ વધુ થાય તો કોલસાની બચત થતા પર્યાવરણને થતા નુકસાનમાં ઘટાડો થઇ શકે તે દિશામાં કાર્ય કરતા હતા. ઔદ્યોગિક પ્રદર્શનમાં આવનારા લોકોને સૂર્યકૂકરમાંથી લાઇવ ભજીયા અને પૂરી તળીને ખવડાવવામાં આવતા હતા.
દેશભરમાંથી 20 હજાર કારીગરે બનાવેલા નમૂનાઓ પ્રદર્શિત કરાયા
15મી ડિસેમ્બર 1902ના રોજ વડોદરા નરેશ સયાજીરાવે હિંદના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરમાં ભારતના દ્વિતીય ઔદ્યોગિક પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં દેશભરમાંથી 20 હજાર જેટલા વિવિધ કારીગરીના નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ સૌના આકર્ષણનું કેન્દ્ર પોરબંદર સ્ટેટ દ્વારા રજૂ થયેલ સૂર્યકૂકર હતું. ઔદ્યોગિક પ્રદર્શનના ઉદ્દઘાટક સયાજીરાવે ખૂબ જ ધ્યાનપૂર્વક આ સૂર્યકૂકર નિહાળ્યું હતું અને તેમાં બનેલી રસોઈ પણ ચાખી હતી. આ સૂર્યકૂકરનો અન્ય ઔદ્યોગિક ઉત્પાદનમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે છે તે અંગેની વિગત પણ જાણી હતી.
ટેકનોલોજીને ઉત્તેજન મળે તે માટે 1890માં વડોદરામાં 'કલાભવન' નામની સંસ્થા સ્થાપી
રાજવી સયાજીરાવે ટેકનોલોજીના જ્ઞાાનને ઉત્તેજન આપવા માટે 1890માં વડોદરામાં 'કલાભવન' નામની સંસ્થા સ્થાપી. આથક રાષ્ટ્રવાદને વ્યવહારમાં ઉતારનાર હિંદભરના આ સૌપ્રથમ રાજવી હતા. વળી વડોદરા રાજના નાગરિકોને દાખલો બેસાડવા તેમણે 1882માં વડોદરામાં સુતરાઉ કાપડની મિલ શરૂ કરીને ઘોષણા કરી કે કોઈ સાહસિકને એમ લાગે કે તેને આ મિલ ખરીદવી છે તો હું એકદમ કિફાયતી ભાવે આપી દઈશ. 1909માં મહાન સમાજ સુધારક હરગોવિંદદાસ કાંટાવાળાએ આ મિલ ખરીદી લીધી.
સયાજીરાવે કન્યા કેળવણી ઉપરાંત દલિત અને આદિવાસી ઉત્કર્ષ માટે ભગીરથ પ્રયાસો કર્યા હતા અને 1892માં અમરેલી જિલ્લાને પસંદ કરીને તેમણે મફત શિક્ષણને ફરજિયાત બનાવ્યું હતું અને ત્યાર બાદ 1906માં સમગ્ર વડોદરા રાજમાં 'મફત અને ફરજિયાત' શિક્ષણ લાગું પાડયું. ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને 191૩માં શિષ્યવૃત્તિ આપીને વિદેશ મોકલનાર સયાજીરાવ જ હતા.
પોરબંદર સ્ટેટ દ્વારા 'સૂર્ય કૂકર'ની પેટન્ટ રજિસ્ટર કરાઈ હતી
પ્રદર્શનના થોડાક સમય પછી પોરબંદર સ્ટેટ દ્વારા 'સૂર્ય કૂકર'ની પેટન્ટ રજિસ્ટર કરવામાં આવી હતી. આ જ સમયે સૌરાષ્ટ્રના નાનકડા સ્ટેટ પોરબંદરનો એક યુવાન મોહનદાસ કરમચંદ ગાંધી આ જ સમયે સ્વમાન માટે હિન્દીવાનોને એકત્ર કરીને ભારતથી હજારો માઈલ દૂર આવેલા આફ્રિકામાં સત્યાગ્રહનો ટંકાર કરી રહ્યા હતા. ગાંધીજી આફ્રિકાથી પાછા આવીને અંગ્રેજો સામે સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને દેશને આઝાદી અપાવી હતી.