ગુજરાતમાં કોરાનાના વધુ 12 નવા કેસ, એક્ટિવ કેસ 44, છેલ્લા એક સપ્તાહમાં 39 કેસ નોંધાયા

સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત પાંચમા સ્થાને, 1 દર્દી સાજો થયો

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં કોરાનાના વધુ 12 નવા કેસ, એક્ટિવ કેસ 44, છેલ્લા એક સપ્તાહમાં 39 કેસ નોંધાયા 1 - image


Corona Case in Gujarat : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને હવે 44 થઈ ગયો છે. બરાબર એક સપ્તાહ અગાઉ રાજ્યમાં કોરોનાના પાંચ કેસ હતા.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 50 બેડનો અલાયદો વોર્ડ તૈયાર 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ 287 સાથે મોખરે, કર્ણાટક 175 સાથે બીજા, તામિલનાડુ 117 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 68 સાથે ચોથા જ્યારે ઓડિશા 54 સાથે પાંચમાં ક્રમે છે. રાજ્યમાં ' અત્યારસુધી કોરોનાના કુલ 12,91, 515 કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી 12,80, 391 દર્દી સાજા થયા છે અને 11080 મૃત્યુ પામ્યા છે. હાલ કોરોનાના મોટાભાગના દર્દી હોમ આઈસોલેશન હેઠળ સારવારમાં છે. આમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 બેડનો અલાયદો વોર્ડ તૈયાર રાખવામાં આવેલો છે.

દેશમાં ગઈકાલે ચાર લોકોના મોત થયા હતા

ભારત સહિતના દુનિયાના ઘણા દેશોમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. જો ગઈકાલની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના સંક્રમણના દૈનિક કેસએ આઠ મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 752 કેસ નોંધાયા હતા, જે 21 મેં બાદ સૌથી વધુ જોવા મળ્યા હતા. તેની સાથે જ કોરોનાના કેસ 3000થી વધીને 3420 થયા હતા. તેમજ છેલ્લા 24 કલાકમાં ચાર લોકોના મોત પણ થયા હતા. હાલના સમયમાં કોવિડના વધતા કેસનું મુખ્ય કારણ JN.1 વેરિઅન્ટ માનવામાં આવે છે. આ નવા વેરિઅન્ટને ઓમિક્રોનના અગાઉના વેરિઅન્ટ જેવું જ હોવાનું કહેવાય રહ્યું છે.

આરોગ્ય સંસ્થાઓ આ બાબતે શું કહે છે?

વિશ્વની તમામ આરોગ્ય સંસ્થાઓનું કહેવું છે કે કોરોના વાયરસ સતત પરિવર્તનશીલ છે. જેનો એક પ્રકાર JN.1 પણ છે. વર્તમાન સમયમાં વધતા જતા કેસએ ચિંતા વધારી દીધી છે. પરંતુ મોટાભાગના દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો ઘરે રહીને સ્વસ્થ થઈ રહ્યા છે. જો કે, JN.1 માં વધારાના પરિવર્તનને કારણે, સંક્રમણમાં ઝડપથી વધારો થવાનું જોખમ રહેલું છે.

ઇનક્યુબેશન પીરિયડના કારણે વધી શકે છે ચિંતા 

JN.1 વેરિઅન્ટની ચિંતાનું કારણ તેનો ઇનક્યુબેશન પીરિયડ બની શકે છે. ઇનક્યુબેશન પીરિયડ એ સમય હોય છે કે જયારે કોઈ વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ તેનામાં સંક્રમણના લક્ષણ કેટલા સમયમાં વિકસિત થાય છે તે સમયગાળો. નવા કોરોના વેરિયન્ટમાં ઇનક્યુબેશન પીરિયડમાં ક્રમિક ઘટાડો જોવા મળ્યો છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ સમય સરેરાશ 2 થી 3 દિવસ સુધી ઘટાડી શકાય છે.

JN.1 વેરિયન્ટના લક્ષણ શું છે?

હાલમાં, JN.1 વેરિયન્ટમાં કોવિડ-19ના જ તમામ લક્ષણો જોવા મળે છે  છે. CDCના મત મુજબ, JN.1 વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટનું તુલનામાં નવા લક્ષણો સાથે ફેલાઈ પણ શકે છે અને નહી પણ. એવામાં હાલ કોરોનાના દર્દીમાં સામાન્યરીતે તાવ, નાકમાંથી પાણી આવવું, ગળામાં દુખાવો, માથાનો દુખાવો થવા જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજીને કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે. તેમણે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પલ INSACOG લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો. 

ગુજરાતમાં કોરાનાના વધુ 12 નવા કેસ, એક્ટિવ કેસ 44, છેલ્લા એક સપ્તાહમાં 39 કેસ નોંધાયા 2 - image


Google NewsGoogle News