જામનગર શહેર પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે હાથ ધરેલા કોમ્બિંગમાં દેશી દારૂના 12 કેસ : 40 લીટર દેશી દારૂ કબ્જે
Jamnagar Police : જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલાની રાહબરી હેઠળ જામનગર શહેરના ખાસ કરીને બાવરીવાસ સહિતના આસપાસના વિસ્તારમાં મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને દેશી દારૂના ધંધાર્થીઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. જે દરમિયાન ગઈકાલે રાત્રિના અલગ અલગ દેશી દારૂ અંગેના 12 કેસ કરવામાં આવ્યા હતા, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં તે અંગેના ગુન્હા દાખલ કરાયા છે.
પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા કુલ 40 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કરાયો હતો, ઉપરાંત 400 લીટર દેશી દારૂનો કાચો આથો અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 280 કિલો અખાદ્ય ગોળનો જથ્થો પણ કબજે કરી લેવામાં આવ્યો હતો. જે તમામ સામગ્રીનો પોલીસ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ઉપરાંત એ.એસ.પી અક્ષેસ એન્જિનિયરની રાહબરી હેઠળ શહેર વિભાગના ડીવાયએસપી તથા એલસીબી અને શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના પી.આઈ. અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.