Get The App

દ્વારકામાં ફરી મેઘતાંડવ: કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Rain


Gujarat Rain Updates : રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ સહિત જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાથી આખો વિસ્તારો પાણીમાં ડૂબ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. બીજી તરફ, રાજ્યમાં બપોરના 12  વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચાલો જાણીએ કયા વિસ્તારોમાં કેવો છે વરસાદી માહોલ.

દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, સુરત, વલસાડ, પોરબંદર સહિતના વિસ્તારોમાં બે ઈંચથી 11 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં છ ઈંચ, માળીયા હાટીનામાં પાંચ ઈંચ અને વિસાવદરમાં ચાર ઈંચ, રાજકોટના ઉપલેટા અને ગીર સોમનાથના ગીર ગઢડામાં પાંચ ઈંચ, સુરતના પલસાણામાં પોણા ચાર ઈંચ અને કામરેજ, ઉમરપાડા, બારડોલીમાં ત્રણ ઈંચ, પોરબંદરના રાણાવાવ અને કુતિયાણામાં પોણા ત્રણ ઈંચ, વલસાડના વાપીમાં ત્રણ ઈંચ અને કપરાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જૂનાગઢના અમુક શહેરો સહિત અન્ય 87 તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રેડ એલર્ટ 

રાજ્યમાં આગામી દિવસોને લઈને હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે 22 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર, અમેરલી, નર્મદા, ગીર સોમનાથ, ભરુચ, સુરત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

ઓરેન્જ એલર્ટ 

હવામાન વિભાગે 22 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

યલો એલર્ટ 

રાજ્યના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ સહિતના જિલ્લામાં 22 જુલાઈએ યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

23 જુલાઈના દિવસની આગાહી

આ દિવસે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સિવાયના રાજ્યના 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે. 

24-25 જુલાઈના દિવસની આગાહી

રાજ્યમાં આગામી બે દિવત રાજ્યમાં અતિભારે આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત,  તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌષ્ટ્રાના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે.

દ્વારકામાં ફરી મેઘતાંડવ: કલ્યાણપુરમાં 11 ઈંચ વરસાદ, આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો 2 - image


Google NewsGoogle News