Get The App

અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર પટેલને 100 વર્ષ, સરદાર પટેલે અંગ્રેજીમાં ચાલતો વહીવટ ગુજરાતીમાં શરૂ કરાવ્યો હતો

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર પટેલને 100 વર્ષ, સરદાર પટેલે અંગ્રેજીમાં ચાલતો વહીવટ ગુજરાતીમાં શરૂ કરાવ્યો હતો 1 - image


- વલ્લભભાઇ પ્રમુખ તરીકેના કાર્યકાળમાં અમદાવાદ મ્યુનિ. ખરા અર્થમાં 'પ્રજાની મ્યુનિસિપાલિટી' બની હતી

અમદાવાદ,તા.9 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

9 ફેબ્રુઆરી 1924. ઈતિહાસની તારીખ અને તવારીખમાં આ સ્થાન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 9 ફેબુ્આરી 1924ના એટલે કે બરાબર 100 વર્ષ અગાઉ અમદાવાદ મ્યુનિસિપાલિટીના નવા ચૂંટાયેલા બોર્ડની સૌપ્રથમ બેઠકમાં સરદાર વલ્લભભાઇ પટેલ 53 વિરુદ્ધ બે મતથી ચૂંટાયા હતા. મ્યુનિસિપલ પ્રમુખ તરીકે સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલી કામગીરીને આજે પણ દ્રષ્ટાંતરૂપે યાદ કરવામાં આવે છે.   

મ્યુનિ. પ્રમુખ સરદાર પટેલે અમદાવાદનો વિકાસ કરવા એલિસબ્રિજ, મણિનગરની ટાઉન પ્લાનિંગ સ્કીમ રજૂ કરાવી 

9 ફેબ્રુઆરી 1922ના અમદાવાદ મ્યુનિસિપાલિટી સસ્પેન્ડ કર્યાના બે વર્ષ બાદ 30 જાન્યુઆરી 1924ના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. 48 પ્રજાનિયુક્ત સભ્યો ચૂંટવા માટે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. 3-3 વખત દરિયાપુર વોર્ડથી સતત ચૂંટાતાં સરદારે આ ચૂંટણીમાં ખાડિયા વોર્ડથી ઉમેદવારી નોંધાવી હતી. સરદાર પટેલ ખાડિયા વોર્ડમાંથી બિનહરીફ ચૂંટાયા હતા. 

9 ફેબ્રુઆરી 1924ના નવા ચૂંટાયેલા બોર્ડની સૌપ્રથમ બેઠકમાં સરદાર પટેલ મ્યુનિસિપલ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પ્રમુખ બન્યા બાદ સરદારે મ્યુનિસિપલ પ્રમુખપદની ગરિમા અને ગૌરવમાં વધારો કર્યો હતો. વર્ષોથી અંગ્રેજીમાં ચાલતો અટપટો વહીવટ ગુજરાતી ભાષામાં સરળતાથી શરૂ કરાવ્યો હતો. આ એ સમય હતો જ્યારે મ્યુનિસિપાલિટીમાં સામાન્ય પ્રજા માટે પ્રવેશ લેવો તે અશક્ય હતો. કોઇ સામાન્ય વ્યક્તિ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કરે તો તેને ધૂત્કારવામાં આવતી. 

પરંતુ સરદારના આગમનની સાથે જ સામાન્ય નાગરિકનો  મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ સરળ થયો હતો. સામાન્ય નાગરિક કોઇ પણ ખચકાટ વિના પોતાની નાનકડી સમસ્યા સાથે પણ સરદારને મળી શકતો. સરદાર પટેલ પણ તેમને શાંથિી સાંભળતા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા. આમ, તેમના કાર્યકાળમાં ખરા અર્થમાં મ્યુનિસિપાલિટી 'પ્રજાની મ્યુનિસિપાલિટી' બની હતી. ઈતિહાસવિદ્ ડો. રિઝવાન કાદરીના જણાવ્યા પ્રમાણે 'અમદાવાદનો વિકાસ કરવા માટે તેમણે વિવિધ યોજનાઓનો મક્કમતાપૂર્વક અમલ કરાવ્યો હતો. કોટની ચાર દિવાલમાં વસતા અમદાવાદનો વિકાસ કરવા માટે એલિસબ્રિજ, મણિનગરની ટાઉન પ્લાનિંગ સ્કીમ રજૂ કરવામાં આવી હતી. જુલાઇ 1927માં સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે વ્યાપક તારાજી થઇ. સરદાર એ સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હોવાની સાથે સાથે ગુજરાત પ્રાંતિક સમિતિના પણ પ્રમુખ હતા. સરદાર અને સાથીઓએ સેવાભાવનાથી જે રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું હતું તેનો અનુભવ સ્વતંત્રતા પૂર્વે સમગ્ર દેશવાસીઓને થયો હતો. '  

અમદાવાદ મ્યુનિ. પ્રમુખ તરીકે સરદાર પટેલની કામગીરી પર એક નજર...

- ગુજરાતની સૌપ્રથમ-ભારતની બીજી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી અમદાવાદના કોચરબ જેવા  પરાં વિસ્તારમાં સાકાર થઇ. 

- ધી બ્રહ્મક્ષત્રિય કો ઓ હાઉસિંગ સોસાયટીનો જન્મ થયો તેની પાછળ પ્રીતમરાય દેસાઇનો અગાથ પ્રયાસ હોવાથી સરદારના સૂચનથી સોસાયટીનું નામ પ્રીતમનગર રખાયું.

- સરદારની પ્રેરણાથી ખેડા જિલ્લામાં દૂધ ઉત્પાદકોએ નાના પાયા પર દૂધ ઉત્પાદક મંડળી રચી, તે આગળ જતાં સહકારી સંસ્થા અમૂલ તરીકે પ્રસિદ્ધિ પામી, તેનું ઉગમ્ બિંદુ પ્રીતમનગરમાં રહેલું છે. 

- વર્ષોથી રિપન હોલ તરીકે ઓળખાતા સભાખંડનું નવસંસ્કરણ ગાંધી હોલ કર્યું. 

- 24 ઓગસ્ટ 1924ના ગાંધીજીનું સૌપ્રથમ નાગરિક સન્માન કરવાનું માન પણ સરદારે અમદાવાદ મ્યુનિ.ને અપાવ્યું. 

જ્યાં સરદાર છે ત્યાં મારે કંઇ કરવાપણું હોય જ નહીં : ગાંધીજી

1920ના દાયકામાં  અમદાવાદ શહેરમાં ગીચ વસવાટને કારણે છાસવારે રોગચાળો ફેલાતો. બિમારીઓના આવાગમનને રોકવા માટે સરદારના નેતૃત્વમાં 222 દિવસ સુધી યુદ્ધના ધોરણે સાફસફાઇ અભિયાન ચલાવાયું હતું. સરદારના સફાઇ અભિયાન અંગે મહાત્મા ગાંધીએ કહ્યું કે, 'માંરી ઈચ્છા તો તેમની સાથે કોદાળી, ઝાડુ, ચૂનાની બાલટી અને એક પીંછી લઇને ઉભા થઈ જવાની થાય. પણ જ્યાં વલ્લભભાઇ કચરાપટ્ટીના સરદાર છે ત્યાં મારે કાંઇ કરવાપણું હોય જ નહીં.'


Google NewsGoogle News