ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ 100ને પાર, વધુ બે બાળકોનાં મોત, 22 પોઝિટિવ નીકળ્યાં

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
Chandipura virus

Image: IANS


Chandipura virus: ગુજરાતમાં મંગળવારે (23 જુલાઈ) ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ નોંધાયા છે. આ સાથે જ શંકાસ્પદ કેસનો આંક વધીને 101 થયો છે. પોઝિટિવ કેસમાં હજુ કોઈ વધારો થયો નથી અને તે હાલ 22 છે. આજે અમદાવાદ કોર્પોરેશન અને ગાંધીનગર ગ્રામ્યમાંથી 1-1ના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ શંકાસ્પદ ચાંદીપુરાથી મરણાંક વધીને 38 થયો છે.

આરોગ્ય મંત્રાલય (Health Ministry) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કેફેલાઈટિસના પંચમહાલમાં સૌથી વધુ 14, સાબકાંઠામાં 10, અમદાવાદ કોર્પોરેશનમાં 9, અરવલ્લી-ખેડા- મહેસાણા-ગાંધીનગર ગ્રામ્યમાં 6, જામનગર- મોરબી-બનાસકાંઠામાં 5, રાજકોટ ગ્રામ્યમાં 4, ગાંધીનગર કોર્પોરેશન-સુરેન્દ્રનગરમાં 3, છોટા ઉદેપુર-દાહોદ-નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાં 2 જ્યારે ભાવનગર ગ્રામ્ય-કચ્છ-દેવભૂમિ દ્વારકા-સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે.

ચાંદીપુરાના પોઝિટિવ કેસનો આંક 22 છે. જેમાં સાબરકાંઠા-પંચમહાલમાં સૌથી વધુ 3, મહેસાણા-અરવલ્લીમાં 2 જ્યારે મહીસાગર-ખેડા-સુરેન્દ્રનગર-અમદાવાદ કોર્પોરેશન-ગાંધીનગર ગ્રામ્ય-જામનગર- મોરબી-દાહોદ-વડોદરા-બનાસકાંઠામાં પણ કેસ મળી આવ્યો છે. ચાંદીપુરાથી સૌથી વધુ પંચમહાલમાં પાંચ જ્યારે અમદાવાદમાં ચારના મૃત્યુ થયા છે. ગુજરાતમાં હાલ વાયરલ એન્કેફેલાઈટિસ (શંકાસ્પદ ચાંદીપુરા)ના 49 કેસ છે અને તેમાંથી 14ને રજા અપાઈ છે. રાજસ્થાનના કુલ 3 કેસ છે અને તેમાંથી બે દર્દી દાખલ છે જ્યારે 1નું મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશના બે દર્દીઓ પણ હાલ ગુજરાતમાં સારવાર લઈ રહ્યા છે.

અંજારમાં ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવા કાચા મકાનોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો

સિવિલમાં બે, એલ.જીમાં એક દર્દી દાખલ

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સોમવારે મોડી રાતે બનાસકાંઠાની 10 વર્ષીય બાળકીને જ્યારે મંગળવારે દહેગામની બે વર્ષીય બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણોને આધારે દાખલ કરાઇ હતી. આ ઉપરાંત લાંભાના બે માસના બાળકમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતાં તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ બાળકોના રીપોર્ટ ગાંધીનગરમાં મોકલાયા છે. આ ઉપરાંત ચાંદીપુરા પોઝિટિવ એક દર્દી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પૂણેથી NIAની ટીમે સાબરકાંઠામાં ડૉક્ટરો સાથે બેઠક કરી

હિંમતનગર સિવિલમાં પૂણેની  નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની બે સભ્યોની ટીમે મુલાકાત લેતાં સમગ્ર રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લો ચાંદીપુરા વાયરસથી વધુ પ્રભાવિત થયાની આશંકા છે. પૂણેથી આવેલી વાયરોલોજી ટીમ 5 દિવસ જિલ્લામાં રહેવાની છે અને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરાના 11 બાળ દર્દી નોંધાયા છે તે પૈકી 2 વેન્ટીલેટર પર છે અને 6 બાળકોના મોત નિપજ્યા છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 21 કેસમાંથી 2 બાળકોના સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.


  ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ 100ને પાર, વધુ બે બાળકોનાં મોત, 22 પોઝિટિવ નીકળ્યાં 2 - image


Google NewsGoogle News