Get The App

લોથલમાં સંશોધનના કામ વખતે દુર્ઘટના: ભેખડ ધસી પડતા બે મહિલાઓ દટાઇ, એકનું મોત

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
લોથલમાં સંશોધનના કામ વખતે દુર્ઘટના: ભેખડ ધસી પડતા બે મહિલાઓ દટાઇ, એકનું મોત 1 - image


landslide in Lothal : લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચ ટીમને મોટો અકસ્માત નડ્યો છે. લોથલમાં માટીના સેમ્પલ લેવા માટે ઊંડા ખાડામાં ઉતરેલી બે મહિલા ઉપર અચાનક ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં સુરભિ વર્મા નામના મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે યામા દિક્ષીત નામની અન્ય એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. આ બંને મહિલા આઇઆઇટી દિલ્હીમાં પીએચ.ડી.ની વિદ્યાર્થિની છે.  

આ પણ વાંચો: લોથલમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ, નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષને કેન્દ્રની લીલી ઝંડી

લોથલમાં સંશોધનના કામ વખતે દુર્ઘટના: ભેખડ ધસી પડતા બે મહિલાઓ દટાઇ, એકનું મોત 2 - image

આ ઘટનાની જાણ થતાં 108ની ટીમ સહિત પોલીસ અને અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસ ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી બંને મહિલાને બહાર કાઢી હતી. મૃતક સુરભિ વર્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. જ્યારે ઇજાગ્રસ્ત યામા દીક્ષિતને સારવાર અપાઈ રહી છે. આ ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. 

આ પણ વાંચો : લોથલમાં સંશોધનના કામ વખતે દુર્ઘટના: ભેખડ ધસી પડતા બે મહિલાઓ દટાઇ, એકનું મોત

જાણો શું છે લોથલનો ઇતિહાસ

લોથલ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ છે. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું દક્ષિણનું સ્થળ છે, જે બહાઈ પ્રદેશમાં આવેલું હતું. તે આજના સમયમાં ગુજરાત તરીકે ઓળખાય છે. ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ 1954માં નવેમ્બરમાં કરાઈ હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા એવો થાય છે. લોથલને એપ્રિલ 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ છે. લોથલને ખૂબ જૂની સંસ્કૃતિનું સ્થળ છે, જેનો સમયગાળો ઈસ. 2450થી 1900 સુધીનો હોવાનું મનાય છે.  પ્રાચીન સમયમાં લોથલ એક મહત્ત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપારીમથક હતું. 

લોથલમાં સંશોધનના કામ વખતે દુર્ઘટના: ભેખડ ધસી પડતા બે મહિલાઓ દટાઇ, એકનું મોત 3 - image

એવું પણ કહેવાય છે કે, ઈસ. 2350માં એક કુદરતી હોનારત સર્જાઇ ત્યારે લોથલ નાશ પામ્યું હતું. ત્યારબાદ એક ઊંચા ટેકરા પર નવું નગર વસાવાયું હતું. અહીં મળેલા અવશેષોના આધારે જાણવા મળે છે કે લોથલમાં વર્ષો પહેલાં સુઆયોજિત નગર વ્યવસ્થા હતી. તે સમયગાળા પ્રમાણે વિશાળ મકાનો હતા. સુવ્યવસ્થિત નગર રચના હતી, જેમાં ઘરો, બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા હતી, જે તે સમયના લોકોની સૂઝબૂઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.

વર્ષ 1976ના વર્ષમાં ભારતીય પુરાતત્ત્વ વિભાગે એક મ્યુઝિયમ તૈયાર કર્યું હતું. લોથલમાં તૈયાર કરાયેલા મ્યુઝિયમમાં તે વખતના ઘરેણાં, ઓજારો, હથિયારો, રસોઇના સાધનો સહિતની વિવિધ ઐતિહાસિક, રસપ્રદ ચીજવસ્તુઓ જોવા મળે છે.  

લોથલનું બાંધકામ ઉમદા આર્કિટેક્ચરનું ઉદાહરણ

લોથલ વર્ષ 1954માં મળી આવ્યું હતું. અહીંથી ઉત્ખન્ન કરતા જહાજોની આવન જાવનના પણ પુરાવા મળી આવ્યા છે. અહીંથી સંભવત ઘરેણાં, વસ્ત્રો, ધાતુ વગેરેની નિકાસ થતી હતી.  લોથલમાં ઈસ. 1850ની સુધી જહાજો લંગારી શકાય એવો દરિયો હતો. હવે તો દરિયાનું પાણી ખાસ્સું દૂર છે. અહીં ભારતીય પુરાતત્ત્વ ખાતાએ સંગ્રહાલય બનાવ્યું છે. તેમાં અહીંથી મળી આવેલા કેટલાક અવશેષો રખાયા છે. લોથલ પુરાતત્ત્વીય શહેર હોવાની સાથે બીજી પણ અનેક રીતે મહત્ત્વનું છે. લોથલના અભ્યાસથી સિંધુ ખીણ અંગે તો જાણકારી મળી જ છે. આ સાથે લોથલના કારણે સાડા ચાર હજાર વર્ષ પહેલાના ભારતનો દરિયાઈ વેપાર જાણી શકાયો છે. 

લોથલનું બાંધકામ એ વખતના ઉમદા આર્કિટેક્ચરનું ઉદાહરણ છે. દુનિયાના પુરાતન બંદર અને નગર તરીકે વિશ્વભરના વિદ્વાનો નિયમિત રીતે લોથલનો અભ્યાસ કરવા આવતા રહે છે. એ વખતના વાસણો, હથિયારો, બાંધકામોની રચના વગેરે લોથલના કારણે જાણી શકાયું છે.  ભારતના ગોવા અને ઈજિપ્તના સુએઝની ખાડીમાંથી પુરાતત્ત્વ શાસ્ત્રીઓને જગતના સૌથી જૂના બંદરો મળી આવ્યા છે. એ બંદરોનો સમયગાળો પણ લોથલના સમય જેટલો જ જૂનો છે. એટલે કે સાડા ચાર હજાર વર્ષ પહેલા જગતમાં જે કેટલાક બંદરોનો દબદબો હતો, તેમાં લોથલનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News