ગુજરાતમાં ક્લિનિકલ ટ્રાયલનો 1 હજાર કરોડનો કાળો કારોબાર, ગરીબ દર્દી -બેરોજગાર યુવાઓ ફાર્મા કંપનીના નિશાને
V S Hospital Clinical Trial : વીએસ હૉસ્પિટલમાં અનઅધિકૃત રીતે ધમધમતા ક્લિનિકલ ટ્રાયલનો પર્દાફાશ થયો છે. જો દવાના ઉત્પાદનમાં મોખરે ગુજરાત હવે ક્લિનિક્લ ટ્રાયલમાં અગ્રેસર હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, યુરોપના દેશોમાં ક્લિનિકલ ટ્રાયલ માટે દર્દીઓ મંજૂરી આપતાં નથી. આ જોતાં આફ્રિકા-ભારત જેવા દેશોમાં ક્લિનિકિલ ટ્રાયલનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ક્લિનિકલ ટ્રાયલ પર નજર રખાતી નથી. એટલું જ નહીં, નિયમો નેવે મૂકી અનઅધિકૃત ક્લિનિજકલ ટ્રાયલો કરીને ઘૂમ કમાણી કરવામાં આવી રહી છે જેથી ફાર્મા કંપનીઓને ફાવતું ફાવ્યું છે. ગરીબ દર્દીઓની સારવારના નામે ‘ક્લિનિકલ ટ્રાયલ’ના નામે ગોરખધંધા ચાલી રહ્યા છે.
ગરીબી-બેરોજગારીને લીધે મહિલા-યુવાઓ ‘ગીનીપિગ’ બની રહ્યા છે
વિવિધ રિસર્ચ કંપનીઓ દવા કેટલી અસરકારક છે તે જાણવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરાવે છે. ક્લિનિકલ ટ્રાયલ માટે ગરીબ દર્દીઓ અને બેરોજગાર યુવાનો ફાર્મા કંપનીઓના નિશાના પર હોય છે. આ જોતાં ફાર્મા કંપનીઓ સૌથી પહેલાં સરકારી-મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત હૉસ્પિટલમાં ફરજ બજાવતાં ડૉક્ટરો સાથે સાંઠગાંઠ કરે છે. આ ડૉક્ટરો દર્દીઓની જાણ બહાર જ અનઅધિકૃત ક્લિનિકલ ટ્રાયલ કરે છે. માત્ર હૉસ્પિટલો જ નહીં, ફાર્મા કંપનીઓ વચેટિયા-એજન્ટોના માઘ્યમથી બેરોજગારો યુવાઓને નાણાંની લાલચ આપી ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ કરે છે.
આ પણ વાંચો: વી. એસ.હૉસ્પિટલના ડોકટરો માનવતા ભૂલી ગયાં, ક્લિનિકલ રીસર્ચ દરમિયાન ત્રણ લોકોનાં મોતનો મ્યુ.બોર્ડમાં આક્ષેપ
રૂ.10-15 હજારની લાલચમાં જીવના સોદા
ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ સહિત વિવિધ બીમારીઓની દવા માટે થતાં ક્લિનિકલ ટ્રાયલ માટે રૂ. 5 હજારથી માંડીને રૂ. 25 હજાર ચૂકવવામાં આવે છે પણ ચિંતાની વાત એ છે કે, બેરોજગાર યુવાઓથી માંડીને મહિલાઓને ક્લિનિકલ ટ્રાયલમાં વપરાતી દવાથી શરીરમાં વિકૃતિ આવી શકે છે. ખોડખાંપણ થઈ શકે છે. લાઇલાજ બીમારીને નોતરું મળી શકે છે તે વાતથી અજાણ રાખવામાં આવે છે. બેરોજગારી અને ગરીબીને લીધે યુવાઓ અને મહિલાઓ બિન્દાસપણે ક્લિનિકલ ટ્રાયલમાં હિસ્સો લે છે. ક્લિનિકલ ટ્રાયલના નામે નાણાંની લાલચમાં મજબૂરીવશ લોકોના જીવના સોદા થઈ રહ્યા છે.
ગુજરાતમાં અનઅધિકૃત ક્લિનિકલ ટ્રાયલનો ધંધો ફૂલ્યાફાલ્યો
ભારતમાં ક્લિનિક્લ ટ્રાયલને લઈને નિયમો-માર્ગદર્શિકા, ચોક્કસ નિતી ઘડાઈ નથી જેનો ફાર્મા કંપની-રિસર્ચ કંપનીઓ ભરપૂર લાભ લઈ રહી છે. વિદેશમાં ફાર્મા કંપનીઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવું અઘરું છે કેમકે, શિક્ષિત હોવાના નાતે લોકો ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેતાં જ નથી. જો ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લે તો મોં માગ્યાં દામ ચૂકવવા પડે છે. આ જોતાં ફાર્મા કંપની-વિદેશની રિચર્સ કંપનીઓએ ભારત પર નજર માંડી છે. આ કારણોસર જ ગુજરાતમાં પણ અનઅધિકૃત ક્લિનિકલ ટ્રાયલનો ધંધો ફૂલ્યાફાલ્યો છે. આમ, ગુજરાતમાં ક્લિનિકલ ટ્રાયલનો કરોડોનો કારોબાર છે.
લોન લેવી તેના કરતાં ક્લિનિકલ ટ્રાયલમાં જવું વધું સારું
આજની કારમી મોંઘવારીમાં જીવન નિર્વાહ કરવું અધરું બન્યું છે ત્યારે ચિંતાજનક બાબત એ છે કે, પૈસા ખાતર લોકો શરીરની ચિંતા કર્યા વિના ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લે છે. ખાસ કરીને શાકભાજી વેચતી, ભંગાર વીણતી મહિલા, ભરતકામ કરતી મહિલા, કારખાનામાં મજૂરી કરતી મહિલાઓ પરિવારની જાણ બહાર ફાર્મા કંપનીઓમાં જઈને ક્લિનિકલ ટ્રાયલ થકી પૈસા મેળવે છે. ઘરનું પૂરું કરવા લાચાર-મજબૂરવશ લોકો ક્લિનિકલ ટ્રાયલ થકી નાણાં મેળવતા થયા છે.