૧.૭૫ લાખ વસ્તીને લાભ મળશે , પાલડી અને ગોતા વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચે પાણીની ટાંકી બનાવાશે
હયાત જુની ભૂગર્ભ ટાંકી તોડીને પમ્પ હાઉસ સાથે નવી ટાંકી તૈયાર કરાશે
અમદાવાદ,શુક્રવાર,24 જાન્યુ,2025
અમદાવાદના પાલડી અને ગોતા વોર્ડમાં ૩૦ કરોડના ખર્ચથી પાણીની
ટાંકી બનાવવામાં આવશે.હયાત જુની ભૂગર્ભ ટાંકી તોડીને પમ્પહાઉસ સાથે પાણીની નવી
ટાંકી તૈયાર કરવામાં આવશે.કામગીરી પુરી થયા પછી ૧.૭૫ લાખ જેટલી વસ્તીને પુરતા
પ્રેશરથી પાણી મળશે.
પાલડી વોર્ડમાં આવેલા ફતેહપુરા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન
ખાતે ૯.૫૦ મીલીયન લીટર ક્ષમતાની પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી આવેલી છે.જેમાંથી
દૈનિક ૯થી ૯.૫૦ લાખ મીલીયન પાણીનું વિતરણ કરવામાં આવે છે.આ સ્થળે ૧૦ લાખ લીટર
ક્ષમતાની ઓવરહેડ ટાંકી તથા ત્રણ મીલીયન લીટર ક્ષમતાની પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ
ટાંકી જર્જરીત થઈ છે.બે તબકકામાં કામગીરી કરી રુપિયા ૧૬.૪૮ કરોડના ખર્ચથી જુના બંધ
પમ્પહાઉસ તથા જુની ભૂગર્ભ ટાંકીને તોડીને તેની જગ્યાએ પમ્પહાઉસ સાથે પાણીની નવી
ભુગર્ભ ટાંકી બનાવવા કોન્ટ્રાકટર ક્રીષ્ણા કન્સ્ટ્રકશનને કામગીરી આપવા પાણી
સમિતિમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે.ગોતા વોર્ડમાં કારગીલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન
આવેલું છે.જેમાં ૯.૭૧ લાખ લિટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા જુનુ બંધ પમ્પહાઉસ
જર્જરીત હાલતમાં છે.જેને તોડીને ૪૮.૩૦ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા ૨૫ લાખ
લિટર ક્ષમતાની ઓવરહેડ પાણીની ટાંકી બનાવવા રુપિયા ૧૩.૨૦ કરોડના ખર્ચથી કામગીરી
કરવા માટે કોન્ટ્રાકટર કે.કે.કન્સ્ટ્રકશનને પાણી સમિતિની બેઠકમાં દરખાસ્ત મંજૂર
કરાઈ છે.
બોપલ-ઘુમામાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ ગોતા-ગોધાવી
કેનાલમાં કરાશે
બોપલ અને ઘુમા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે રાઈઝીંગ મેઈન લાઈન નાંખવા પાણી સમિતિની બેઠકમાં તાકીદની
દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.બોપલ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ બોપલ
તળાવમાં થાય છે.તળાવ ઓવરફલો ના થાય એ માટે રુપિયા ૧૧.૩૩ કરોડના ખર્ચે કોન્ટ્રાકટર
ક્રિષ્ણા કન્સ્ટ્રકશનને સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ
સાથે રાઈઝીંગ મેઈન લાઈન નાંખવા કામગીરી આપવા દરખાસ્ત મંજૂર કરાઈ છે.રાઈઝીંગ મેઈન
લાઈન દ્વારા ગોતા-ગોધાવી કેનાલમાં વરસાદી પાણી છોડવામાં આવશે.ઘુમા વિસ્તારમાં આવેલા સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશનના બે વર્ષના
ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની કામગીરી કોન્ટ્રાકટર અંકિતા કન્સ્ટ્રકશનને રુપિયા ૯.૯૦
કરોડના ખર્ચે અપાઈ છે.ઘુમા તળાવ વરસાદી પાણીના કારણે ઓવરફલો ના થાય એ માટે રાઈઝીંગ
મેઈન લાઈન નાંખી વરસાદી પાણીનો નિકાલ ગોતા-ગોધાવી કેનાલમાં કરવામાં આવશે.