ગુજરાત માહિતી આયોગમાં RTI ની 1.21 લાખ અરજીનો ધોધ : ગૃહ, શહેરી વિકાસ, મહેસૂલ વિભાગ મોખરે

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
ગુજરાત માહિતી આયોગમાં RTI ની 1.21 લાખ અરજીનો ધોધ : ગૃહ, શહેરી વિકાસ, મહેસૂલ વિભાગ મોખરે 1 - image

ગાંધીનગર,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

ગુજરાત માહિતી આયોગને એક વર્ષમાં વિક્રમી 1.21 લાખ જેટલી અરજીઓ મળી હતી જે પૈકી મોટાભાગની અરજીઓ ગૃહ, શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગની જોવા મળી છે. આ એક વર્ષમાં આયોગને 7178 અપીલ અને 1119 ફરિયાદો મળી છે, જે દર મહિને સરેરાશ 688 થવા જાય છે.

છેલ્લા એક વર્ષમાં માહિતી આયોગને 7178 અપીલ અને 1119 ફરિયાદો મળી, દર મહિને સરેરાશ 688ની વિક્રમી સંખ્યા

વિધાનસભામાં રજૂ થયેલા ગુજરાત માહિતી આયોગના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે નિકાલ કરવામાં આવેલી અરજીઓ પૈકી અપીલનું પ્રમાણ 86.12 ટકા અને ફરિયાદનું પ્રમાણ 13.88 ટકા છે. સરકારના પાંચ વિભાગો પંચાયત, શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ અને શિક્ષણમાં અપીલ-ફરિયાદની સંખ્યા 6171 થવા જાય છે, જ્યારે બાકીની અન્ય વિભાગને લગતી હતી.

2022-23ના વર્ષ દરમ્યાન રાજ્યના વિભાગો અને જાહેર સત્તામંડળોને મળેલી અરજીની સંખ્યા વિક્રમી આંક વટાવી રહી છે. એટલે કે ગુજરાતમાં આરટીઆઇ કરવાનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. માહિતી મેળવવા માટે મળેલી કુલ 121490 અરજી પૈકી 4762 અરજી વિભાગોને સીધી મળી હતી જ્યારે બાકીની મોટાભાગની અરજીઓ જે તે સત્તામંડળોને મળી હતી.

જાહેર સત્તામંડળને મળેલી અરજીઓમાં કૃષિ, નાગરિક પુરવઠા, પંચાયત, આરોગ્ય, આદિજાતિ વિકાસ અને સામાજિક ન્યાય વિભાગનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષની સરખામણી કરતાં આયોગમાં અપીલ અને ફરિયાદોની સંખ્યામાં 488નો વધારો થયો છે. મહત્વનું છે કે રાષ્ટ્રની સલામતી, આર્થિક હિતો, વિદેશી રાષ્ટ્ર સાથેના સબંધોને પ્રતિકૂળ અસર થાય તેવી 325 અરજીને નકારી દેવામાં આવી છે.

અપીલ અને ફરિયાદોના કેસમાં આયોગે કુલ 132 અધિકારીને અધિનિયમની જોગવાઇના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો જેની કુલ રકમ 11.34 લાખ રૂપિયા થવા જાય છે. આયોગે નોંધ્યું છે કે જાહેર સત્તામંડળોને મળતી અરજીની સંખ્યામાં કેટલીક વિસંગતતાઓ જોવા મળે છે તેથી સંલગ્ન વિભાગોને ત્રુટીઓ દૂર કરવાના પગલાં લેવાનો અનુરોધ કર્યો છે. આયોગે રેકર્ડની જાળવણી અંગે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પણ મહત્વની ભલામણ કરી છે.

ગુજરાત માહિતી આયોગમાં હાલ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિવૃત્ત આઇએએસ અમૃત પટેલ છે. તેમની સાથે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે કેએમ અધ્વર્યુ, આરજે કારિયા, ડો.સુભાષ સોની અને વીપી પંડયાની નિયુક્તિ થયેલી છે.

લોકોએ ક્યા વિભાગમાં વધુ RTI કરી.

ગૃહ વિભાગ    

38589

શહેરી વિકાસ  

33841

મહેસૂલ વિભાગ

23982

અન્ય વિભાગ  

25078

કુલ અરજીઓ  

121490


માહિતી નહીં આપતાં 132 અધિકારીઓને 11.34 લાખનો દંડ કરાયો

ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ પાંચ વર્ષ ચાલુ રહેશે

ગુજરાત ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ વિધેયક લાવીને રાજ્ય સરકારે તેની મુદ્દત 31મી માર્ચ 2026 સુધી લંબાવી છે. આ કાયદાની મુદ્દત 31મી માર્ચ 2021ના રોજ પુરી થઇ ગઇ હતી. આ અધિનિયમની જોગવાઇ પ્રમાણે સ્ટાન્ડર્ડ ભાડું નક્કી કરવાની જોગવાઇ છે. મકાન માલિક અને ભાડુઆત વચ્ચે બન્નેની સહમતિથી નિર્ધારિત શરતોને આધીન કરાર પ્રમાણે મકાન ભાડે અપાય છે. આ કાયદાથી ગેરકાયદે મકાન ખાલી કરાવવા પર નિયંત્રણ રહે છે.


Google NewsGoogle News