રવિવારથી 43મા સપ્તક વાર્ષિક સંગીત સમારોહ-2023નો આરંભ, 1થી 13 જાન્યુઆરી યોજાશે
અમદાવાદના એલ.ડી.આર્ટ્સ કોલેજ કેમ્પસમાં યોજાશે સપ્તક વાર્ષિક સંગીત સમારોહ
અમદાવાદ, 31 ડિસેમ્બર 2022, શનિવાર
ભારતના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિવલમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ ૨૦૨૩નું આયોજન ૧થી ૧૩ જાન્યુઆરી દરમિયાન એલ.ડી.આર્ટ્સ કોલેજ કેમ્પસમાં કરાશે. આ સંગીત સમારોહમાં દિગ્ગજ સંગીત માર્તંડ અને યુવા સંગીતકારો એક મંચ પર તેર દિવસ સંગીત સાધના કરશે.
પંડિત બિરજુ મહારાજ અને પંડિત શિવકુમાર શર્માને ડેડીકેટ રહેશે.
સંગીત રસિકો જે સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવા સપ્તક વાર્ષિક સંગીત સમારોહના રવિવારથી શ્રી ગણેશ થશે. આ સમારોહ કથક લિજેન્ડ પદ્મવિભૂષણ પંડિત બિરજુ મહારાજ અને સંતૂર માઈસ્ટ્રો પદ્મવિભૂષણ પંડિત શિવકુમાર શર્માને ડેડીકેટ રહેશે. આ સાથે તબલાં સમ્રાટ પદ્મવિભૂષણ પંડિત કિશન મહારાજની ૧૦૦મી જ્યંતી નિમિત્તે તેમને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. જે અંતર્ગત સપ્તક સમારોહમાં ૫ જાન્યુઆરીના રોજ તાલવાદ્ય કચેરી જેમાં પં.કુમાર બોઝ, વિદ્વાન જયચંદ્ર રાવ, વિદ્વાન ગિરિધર ઉડુપા, પં.ધર્મનાથ મિશ્રા પરફોર્મન્સ આપશે. જ્યારે ૭ જાન્યુઆરીના રોજ પં.યોગેશ સમસી, ઉસ્તાદ અકરમ ખાન, પં. સંજુ સહાયના તબલાં ટ્રાયો દ્વારા પં. કિશન મહારાજને અંજલિ અર્પણ કરાશે.
૧૩ રાત્રિના આ સંગીત સમારોહની શરૃઆત ૧૩૫થી વધુ કલાકારો પરફોર્મન્સ કરશે. હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત શાસ્ત્રીય નૃત્ય સાથે ગાઢ બંધન ધરાવે છે. જેથી સપ્તકના મંચ પર આ વર્ષે પં.બિરજુ મહારાજની બીજી અને ત્રીજી પેઢી કથકનું પરફોર્મન્સ કરશે. પં.બિરજુ મહારાજના પુત્ર દીપક મહારાજ અને તેમની દીકરી રાગિણી મહારાજનું ૯ જાન્યુઆરીને સોમવારના રોજ પરફોર્મન્સ યોજાશે.
પં. શિવકુમાર શર્મા અંજલિ આપવા તેમના પુત્ર રાહુલ શર્માનું ખાસ પરફોર્મન્સ ૧૦ જાન્યુઆરીએ યોજાશે, જ્યારે યુવા સંતૂરવાદક પં. સતિશ વ્યાસ અને અનુજ અંજારિયાનું પણ પરફોર્મન્સ સપ્તકના મંચ પર યોજાશે.
સપ્તકના મંચ પર આ વર્ષે પં.હરિપ્રસાદ ચૌરસિયા, પં.ઉલ્હાસ કશાળકર, પં.વિશ્વમોહન ભટ્ટ, પં.કિશનમોહન ભટ્ટ, ઉસ્તાદ સુજાત ખાન, બેગમ પરવીન સુલતાના, શુભા મુદગલજી, ઉસ્તાદ શાહીદ પરવેઝ, પં.અજય પોહનકર, ઉસ્તાદ અકરામ ખાન, ઉસ્તાદ અમાન અલી બાંગેશ, પં.અનીષ પ્રધાન, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં.કુમાર બોઝ, પં.રાકેશ ચૌરસિયા વગેરે દિગ્ગજ ઉપસ્થિત રહીને શાસ્ત્રીય સંગીતથી મંત્રમુગ્ધ કરશે.
સપ્તકના પહેલા દિવસે એટલે કે રવિવાર ૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પ્રથમ બેઠકમાં સંતૂર પર અનુજ અંજારિયા ઉપસ્થિત રહેશે. સંગીતની દ્વિતીય બેઠકમાં ઉસ્તાદ અમાન અલી બાંગેશનું સરોદવાદન સંગીત રસિકોને માણવા મળશે અને સભાની તૃતિય બેઠકમાં પટિયાલા ઘરાનાના ૭૨ વર્ષીય બેગમ પરવીન સુલતાના સપ્તકના મંચ પર ઉપસ્થિત રહેશે.