રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા કરી રહ્યો હોવાનું રવિ દુબેએ કન્ફર્મ કર્યું
- બોલીવૂડમાં મોટો બ્રેક મેળવીને ખુશ
- નિતેશ તિવારીની ફિલ્મના સેટ પર રણબીરના વર્તાવનાં ભરપૂર વખાણ કર્યાં
મુંબઇ : ટીવી અભિનેતા રવિ દુબેએ પોતે રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યો હોવાનું કન્ફર્મ કર્યું છે. તેણે કહ્યું હતું કે નિર્માતા નિતેશ તિવારીએ મને મારા રોલની વિગતો વિશે મીડિયાને જાણ કરવા સંમતિ આપી છે અને તેથી હું આ જાહેરાત કરી રહ્યો છું.
આ 'રામાયણ'માં સાઈ પલ્લવી સીતા માતાની ભૂમિકામાં છે. સાઉથનો એક્ટર યશ રાવણ તરીકે છે. જ્યારે સની દેઓલ હનુમાનજીનું પાત્ર ભજવી રહ્યો છે. ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવનારો અરુણ ગોવિલ આ ફિલ્મમાં દશરથની ભૂમિકામાં છે.
ટીવી કલાકાર રવિ દુબેએ ફિલ્મના સેટ પર રણબીરના વર્તાવની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે રણબીર સેટ પર એક વ્યક્તિ તરીકે પણ મોટાભાઈ જેવો જ પ્રેમાળ અને દરકારભર્યો વર્તાવ કરે છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે આ રોલ ભજવવા મળ્યો તેને પોતે જિંદગીનું બહુ મોટું સન્માન ગણે છે.