કિરણ પટેલની ધરપકડ થતા અનેક મોટા નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ
કિરણ પટેલના કોલ રેકોર્ડમાં નેતાઓના નંબરો મળી આવતા
કિરણ પટેલે નેતાઓ સાથે મળીને અનેક સરકારી ફાઇલો ઉપરાંતના કામ ગાંધીનગરથી કરાવ્યા હતાઃ ઘણા નેતાઓએ પોલીસ અધિકારીઓને ફોન કર્યા
અમદાવાદ,શનિવાર
પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઉચ્ચ હોદા પર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી મેળવનાર મહાઠગ કિરણ પટેલની અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ધરપકડ થતા રિમાન્ડ મેળવીને તેની પુછપરછ શરૂ કરવામાં આવી રહી છે. જેને લઇને ગુજરાતના અનેક રાજકીય નેતાઓના ચહેરા પરથી નુર ઉડી ગયા છે. કારણ કે કિરણ પટેલે નેતાઓને સાથે રાખીને લાખો રૂપિયા લઇને ગાંધીનગર સચિવાલયથી અનેક કામો કરાવ્યા હતા. સાથેસાથે કિરણ પટેલના મોબાઇલના કોલ રેકોર્ડ ડીટેઇલમાં કિરણ પટેલ કેટલાંક રાજકીય નેતાઓ સાથે અનેકવાર વાતચીત કરી હોવાની વિગતો મળી છે. જેથી પોતાની પોલ ખુલી જવાના ડરથી કેટલાંક નેતાઓએ ખાતરી કરવા માટે ક્રાઇમબ્રાંચના અધિકારીઓને કોલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.મહાઠગ કિરણ પટેલ પીએમઓમાં ઉચ્ચ હોદા પર હોવાનું કહીને શ્રીનગરમાં ફરતો હતો. સાથેસાથે તેણે ગુજરાતમાં પીએમઓમાં ઓળખાણ હોવાનું કહીને અનેક લોકોને તેમની પેન્ડીંગ ફાઇલો અને કામ કરાવી આપવાનું કહીને લાખો રૂપિયા લીધા હતા. કિરણ પટેલ ભાજપના અનેક નેતાઓ સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલો હોવાથી તે સરકારી કામો કરાવવા માટે મંત્રીઓથી માંડીને પાર્ટીના મોટા નેતાઓ સાથે સેટીંગ પણ કરતો હતો. જેમાં નેતાઓનો ભાગ પણ રહેતો હતો. હવે કિરણ પટેલની ધરપકડ થતા આ નેતાઓના ચહેરાના નુર ઉડી ગયા છે. કારણ કે કિરણ પટેલના બંને મોબાઇલ ફોનના સીડીઆર (તોલ ડીટેઇલ રેકોર્ડ)માં પોલીસને અનેક મોટા રાજકીય નેતાઓ સાથે થયેલા ફોન કોલ્સ અંગેની વિગતો મળી છે. ેજેના આધારે ક્રાઇમબ્રાંચ પુછપરછ કરે અથવા કિરણ પટેલ પુછપરછમાં કોઇ નેતાઓના નામ જાહેર કરી શકે તેવા ભયને કારણે અનેક મોટા નેતાઓએ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને ફોન કોલ કરીને આ બાબતે પૃછા કરી હતી.તો બીજી તરફ કિરણ પટેલે ગત વિધાનસભાની ચૂંટણીમાં મોટાભાગના જિલ્લાઓના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સંભવિત ઉમેદવારોના નજીકના માણસોને ફોન કરીને તેેમના બાયોડેટા મંગાવીને ચૂંટણીની ટિકિટ ફાળવણીની ખાતરીને આપીને નાણાકીય સેટીંગ કરવા માટે પ્રયાસ કર્યો હતો.