અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિકની કરી ધરપકડ
Gas Leak Incident In Narol Factory : અમદાવાદના નારોલમાં દેવી સિન્થેટિક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા બે શ્રમિકનાં મોત થયા હતા, જ્યારે ફેક્ટરીના સુપરવાઈઝ સહિત સાત લોકોની હાલત હજુ પણ ગંભીર છે. તેવામાં પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે.
નારોલની ગેસ ગળતર ઘટના મામલે પોલીસે ફેક્ટરીના માલિક વિનોદ અગ્રવાલ સહિત ફેક્ટરીના સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
શું હતી આખી ઘટના?
મળતી માહિતી અનુસાર, નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં ગેસ ગળતર થયું હતું. જેના કારણે નવ શ્રમિકોને અસર થતા બેભાન થયા હતા. આ દરમિયાન હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં, જ્યારે પાંચ લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા જ ઘટનાસ્થળે પહોંચીને ગેસ ગળતર બંધ કરાવવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના મામલે હવે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે નિયુક્તિ
કંપનીની બેદરકારીના લીધે થયા મોત: પરિવારજનો
સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાનું યોગ્ય ધ્યાન રખાયું ન હતું. જેમાં કર્મચારીઓ માટે માસ્ક, બુટ, મોજા સહિતની સેફ્ટીની સુવિધા મળી ન હતી. કંપનીની બેદરકારીના કારણે આ મોત થયા છે.
બીજી તરફ, પોલીસે આ મામલે જરૂરી પૂરાવા એકત્ર કરવા માટે FSL, GPCB અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિત અન્ય એજન્સીમાંથી રિપોર્ટ મંગાવ્યા છે.