Get The App

ગુજરાત શિક્ષણ બોર્ડમાં ચૂંટણી પહેલા નવી સમિતિઓ રચાઈ

મહત્વની કારોબારી સમિતિમાં આચાર્ય અને સંચાલક મંડળની બાદબાકીઃ ઘણા સભ્યો રીપિટ

બે સંચાલક મંડળ એક પણ કોઈ વજન ન પડયુ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
ગુજરાત શિક્ષણ બોર્ડમાં ચૂંટણી પહેલા નવી સમિતિઓ રચાઈ 1 - image

અમદાવાદ,મંગળવાર

ગુજરાત શિક્ષણ બોર્ડની આજે મળેલી સામાન્ય સભાની બેઠક બાદ તમામ સમિતિઓમાં નવા સભ્યોની જાહેરાત કરવામા આવી છે. જુદી જુદી પાંચ સમિતિઓની રચના કરાઈ છે અને જેમાં મહત્વની એવી કારોબારી સમિતિમાં આચાર્ય મંડળના અને સંચાલક મંડળના પ્રતિનિધિની બાદબાકી કરી દેવાઈ છે.મહત્વની બાબત એ છે કે રાજ્યના બે સંચાલક મંડળો એક થયા પરંતુ સરકારે સંચાલક મંડળની કોઈ જ નોંધ ન  લેતા એક પણ સમિતિમાં સ્થાન ન આપતા ભારે રોષ ફેલાયો છે.

        ગુજરાત બોર્ડમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, પરીક્ષા સમિતિ, અભ્યાસ સમિતિ અને શૈક્ષણિક સમિતિ સહિતની પાંચ સમિતિઓ છે.જેમાં કેટલાક સભ્યો હોદ્દાની રૃએ હોય છે અને કેટલાક સભ્યોની સરકાર દ્વારા નિમણૂંક થાય છે જયારે કેટલાક સભ્યો ચૂંટાયેલા સભ્યો હોય છે. તમામ સમિતિઓની મુદત એક વર્ષની હોય છે અને ગત વર્ષે ૩૦ જુને રચાયેલી તમામ સમિતિઓ મુદત આગામી ૩૦ જુને પુરી થતી હોઈ નવી સમિતિઓ રચના કરી દેવાઈ છે. જો કે આગામી સપ્ટેમ્બરમાં ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્યોની ચૂંટણી થનાર છે ત્યારે ચૂંટણી પહેલા થોડા મહિના માટે જ સમિતિઓ રચાઈ છે.

        ગુજરાત શિક્ષણ બોર્ડમાં સૌથી મહત્વની અને નિર્ણાયક ગણાતી કારાબોરી સમિતિમાં તમામ સભ્યોને રીપિટ કરવામા આવ્યા છે અને સંચાલક મંડળના કે આચાર્ય મંડળના એક પણ પ્રતિનિધિને સ્થાન અપાયુ નથી. મહત્વનું છે કે આ વર્ષે જ થોડા મહિના પહેલા રાજ્યના બે સંચાલક મંડળો એક થઈ ગયા છે ત્યારે સંચાલક મંડળોનું સરકારમાં કોઈ વજન પડયુ નથી અને સરકારે સંચાલક મંડળની કોઈ નોંધ લીધી નથી.સંચાલક મંડળના પ્રતિનિધિ એવા રાજકોટના પ્રિયવદન કોરાટ કે જે બોર્ડના મેમ્બર હોવા છતાં પણ કોઈ પણ સમિતિમાં સ્થાન અપાયુ નથી. જ્યારે અભ્યાસ સમિતિમાં કેટલાક સભ્યોને રીપિટર કરવામા આવ્યા છે. કુલ ૧૩માંથી ૯ સભ્યો રીપિટ થયા છે. સરકારે વિરોધ કરતા અને ચૂંટણી દરમિયાન સામે પડેલા કેટલાક સભ્યોને અવગણ્યા છે. આ સમિતિઓમાં  કારાબોરીમાં  ૭, પરીક્ષા સમિતિમાં ૭ , શૈક્ષણિક સમિતિમાં છ,અભ્યાસ સમિતિમાં બે અને નાણાં સમિતિમાં છ સભ્યો છે.


Google NewsGoogle News