Get The App

આળસુ વ્યક્તિને ઉંબર પણ ડુંગર જેવો બને છે...ઉદ્યમી વ્યક્તિને ડુંગર પણ ઉંબર જેવો બને છે...

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
આળસુ વ્યક્તિને ઉંબર પણ ડુંગર જેવો બને છે...ઉદ્યમી વ્યક્તિને ડુંગર પણ ઉંબર જેવો બને છે... 1 - image


- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

'આળસ ભાતભાતનાં સ્તરના લોકોને મોટાં નુકસાન કરાવે છે. શૈક્ષણિક પ્રગતિમાં 'હોમવર્ક' મહત્ત્વની બાબત હોવા છતાં આળસ-પ્રમાદ વિદ્યાર્થીને એનાથી વંચિત રાખે છે, તો સમજણની વયે આવી ચૂકેલ કેટલા ય યુવાનોને વ્યવસાય-સર્વિસ જેવી જીવાદોરીસમી બાબતમાં આળસ નુકસાન કરાવી પીછેહઠ કરાવે છે, જીવનનાં ચોક્કસ સ્વપ્નાં સેવનાર કલાકારોને- વિજ્ઞાનીઓને- રમતવીરોને આળસ એમનાં સ્વપ્નનાં સાકાર કરવાથી વંચિત કરી દે છે, તો ધર્મીજનોની  ધર્મારાધનાની સુવર્ણ તક મળી હોય તો ય એનાથી વંચિત કરી દેવાનું કાર્ય આ આળસ કરે છે.'

શિસ્તના-સમયબદ્ધ અભ્યાસના આગ્રહી શિક્ષક નાના બાળવિદ્યાર્થીઓથી પરેશાન એટલા માટે હતા કે એ બાળકો આળસુ અને બેદરકાર હતા. મોટા ભાગના બાળકો 'હોમવર્ક' કર્યા વિના જ આવે. એક સાંજે શિક્ષકે શાળામાં બાળકોને તાકીદ કરી કે કાલે બધા બાળકો 'હોમવર્ક' કરીને જ આવજો. નહિ તો શિક્ષા થશે. તો ય મોટાભાગના બાળકો 'હોમવર્ક' કર્યા વિના જ શાળાએ ગયા. શાળા શરૂ થયા બાદ શિક્ષકે 'હોમવર્ક' પર ધ્યાન આપી પહેલા-બીજા-ત્રીજા.. એમ આગળની હરોળના બાળકોને પૂછવા માંડયું. લગભગ દરેક બાળકે નીચી મૂંડીએ 'હોમવર્ક' ન કર્યું હોવાનું કહ્યું.

હવે શિક્ષકનો ગુસ્સો ફાટી નીકળ્યો. એમણે જોરથી કડકાઈભરેલી રાડ પાડી: ' જેણે જેણે 'હોમવર્ક' ન કર્યું હોય એ દરેક બાળક આંગળી ઊંચી કરે.' શિક્ષકનું બદલાયેલું સ્વરૂપ જોઈ બાળકો થથરી ગયા. મોટા ભાગના બાળકોએ ભૂલ કબૂલ કરતા હોય તેમ આંગળી ઊંચી કરી. પરંતુ છેલ્લી બેઠક પરના એક બાળકે ધરાર આંગળી ઊંચી ન કરી. એ પૂરા વર્ગનો ઠોઠ વિદ્યાર્થી હતો. શિક્ષકને ખાતરી હતી કે આણે તો 'હોમવર્ક' ન જ કર્યું હોય. છતાં એણે બિન્ધાસ આંગળી ઊંચી ન કરી હોવાથી ગુસ્સે ભરાયેલ શિક્ષકે એને ઝપટમાં લીધો: 'કેમ રે ! તેં આંગળી ઊંચી કેમ નથી કરી ?' પેલા ઠોઠસમ્રાટે ઠંડે કલેજે જવાબ આપ્યો: 'સર ! મને તો આંગળી ઊંચી કરવાની ય આળસ આવે છે !'

આ રમૂજકથા આળસની-પ્રમાદની ખતરનાક પકડનું બહુ સરસ પ્રતિપાદન કરી જાય છે. આળસ ભાતભાતનાં સ્તરના લોકોને મોટાં નુકસાન કરાવે છે. શૈક્ષણિક પ્રગતિમાં 'હોમવર્ક' મહત્ત્વની બાબત હોવા છતાં આળસ-પ્રમાદ વિદ્યાર્થીને એનાથી વંચિત રાખે છે, તો સમજણની વયે આવી ચૂકેલ કેટલા ય યુવાનોને વ્યવસાય-સર્વિસ જેવી જીવાદોરીસમી બાબતમાં આળસ નુકસાન કરાવી પીછેહઠ કરાવે છે, જીવનનાં ચોક્કસ સ્વપ્નાં સેવનાર કલાકારોને - વિજ્ઞાનીઓને- રમતવીરોને આળસ એમનાં સ્વપ્નાં સાકાર કરવાથી વંચિત કરી દે છે, તો ધર્મીજનોની ધર્મારાધનાની સુવર્ણ તક મળી હોય તો ય એનાથી વંચિત કરી દેવાનું કાર્ય આ આળસ કરે છે.

આ આળસ-પ્રમાદ અને એના પ્રતિપક્ષી પુરુષાર્થ માટે એક જ શ્લોકમાં સરસ વાત કરાઈ છે કે:-

આલસ્યં હિ મનુષ્યાણાં, શરીરસ્થો મહાન્ રિપુ:

નાસ્ત્યુદ્યમસમો બન્ધું: યં કૃત્વા નાવસીદતિ.

ભાવાર્થ કે માનવીનો સૌથી નજીકમાં નજીક રહેલ શત્રુ છે આળસ અને સૌથી નજીકમાં નજીક રહેલ મિત્ર છે ઉદ્યમ- પુરુષાર્થ. કારણકે બન્ને માનવીના શરીરમાં જ રહેલાં છે. કોઈ શત્રુ યા મિત્ર શરીરની અંદર તો ઊતરી ન જ શકે. એથી આ બન્ને માનવીના સૌથી નિક્ટના શત્રુ અને મિત્ર છે. પ્રમાદ-આળસ ઉપર જણાવ્યું તેમ મોટાં નુકસાનો કરે, તો પુરુષાર્થ ઘણા બધા લાભો કરે. આપણે પુરુષાર્થના સતત ઉદ્યમશીલતાના ત્રણ ફાયદા જોઈએ. ખૂબી એ છે કે એ ત્રણે ય'ક' અક્ષરથી શરૂ થાય છે:

૧) કંટાળો આવે નહિ: જે વ્યક્તિ સતત ઉદ્યમશીલ-પુરુષાર્થી છે એને 'સમય પસાર નથી થતો. કાંઈ કામ સૂઝતું નથી. જેવી ફરિયાદો-કંટાળો નહિ આવે. કંટાળો- ઉપરોક્ત ફરિયાદો એને જ હોય છે કે જેઓ આળસુ-એદી છે. ઉદ્યમી વ્યક્તિ કાર્યમાં એવી પરોવાયેલી હોય- ગળાડૂબ હોય કે એને 'સમય ક્યાં પસાર થઈ ગયો' એની ખબર પણ ન પડે. 'હજુ વધુ સમય મળે તો સારું' આ એના મનોરથો-ભાવો હોય. 'કામ કામને સુઝાડે' એ ન્યાયે એને પોતાનાં ક્ષેત્રમાં નવી નવી આંતરસૂઝ-સમજ વધવા માંડે. એથી 'કામ સૂઝતું નથી' ની ફરિયાદ પણ એને ન નડે. પરિણામ એ આવે કે કંટાળાનું એનામાં નામ-નિશાન ન રહે.

આ સંદર્ભમાં અમે અહીં યાદ કરીશું ત્રણસોથી વધુ વર્ષ પૂર્વે થઈ ગયેલ, જૈન પરંપરાના મહાન શાસ્ત્રકાર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરને. એ શ્રુતસમાધિને વરેલ મહર્ષિ હતા. એટલે કે સમાધિમાં ઉતરી ગયેલ સંન્યાસીને જેમ સમાધિમાંથી જલ્દી બહાર ન લાવી શકાય, તેમ શ્રુતસર્જનમાં ઊતરી ગયેલ એ મહર્ષિને શાસ્ત્રસર્જનની પ્રવૃત્તિમાંથી જલ્દી બહાર ન લાવી શકાય. એ યુગમાં એમના શિષ્યોએ સ્વહસ્તાક્ષરમાં લખેલ અનુભવનો સાર આવો છે કે બપોરે ગોચરી (ભોજન માટેની ભિક્ષા) આવી ગઈ હોય, શિષ્યો યશોવિજયજીને કહે કે 'હવે ગ્રન્થસર્જન માટેની કલમ અને પેજ મૂકી દો, પહેલા ગોચરી વાપરી લઈએ.' તો શ્રીમદ્ યશોવિજયજીનો ઉત્તર રોજ રોજ એ હોય કે ' બસ, આ ત્રણ-ચાર પંક્તિ બાકી છે. આ નવો સરસ વિચાર મનમાં આવ્યો છે એ પહેલા લખી લઉં. પછી તરત ગોચરી કરવા આવી જઈશ.' શિષ્યોએ લખાણ પૂર્ણ થવાની પ્રતીક્ષા કરે. ત્યાં બને એવું કે બેની પાંચ-સાત મિનિટ જતી રહે. શિષ્યો કહે: ' આપનો એ નવો વિચાર હજુ લખાયો નથી ? વાર કેમ લાગે છે ? તો તેઓ કહે: ' એ લખાઈ ગયું, પણ હવે એક નવો સરસ પદાર્થ એવો સ્ફૂર્યો છે કે એ લખ્યા વિના ચેન નહિ પડે.' આ ઘટનાક્રમ વારંવાર ચાલે. છેવટે શિષ્યો શ્રી યશોવિજયજીના હાથમાંથી કલમ લઈ લે, ખૂબ વિનંતિ કરી ગોચરી સ્થાન સુધી લઈ આવે ત્યારે યશોવિજયજી ભોજન કરે.

૨) કુવિચારો આવે નહિ: એક સરસ-સચોટ કહેવત છે કે 'નવરું મગજ એટલે શયતાનનું કારખાનું.' જેને કાંઈ કામ કરવું નથી એવી આળસુ વ્યક્તિનાં નવરાધૂપ મગજમાં દુનિયાભરના 'નેગેટીવ' વિચારો-વિકૃતિઓ-વિકારો ઘૂમ્યા કરે. આવા વિચારોમાંથી જ શયતાની પ્રવૃત્તિઓનો જન્મ થતો હોવાથી યથાર્થપણે જ ઉપરોક્ત કહેવતમાં નવરા મગજને શયતાનનું કારખાનું ગણાવાયું છે. નવરું મગજ એ વ્યક્તિને પોતાને તો શયતાન બનાવે, ઉપરાંત એના સાથીદારોને ય શયતાન બનાવે. એટલે દરેક વ્યક્તિએ મન-મગજને સતત પ્રવૃત્તિમાં પરોવવું જોઈએ. શરત એટલી કે એ પ્રવૃત્તિ-બાબતો શુભ હોવી જોઈએ અથવા કોઈને ન નડે એવી હોવી જોઈએ.

એક વ્યક્તિએ ઓછામાં ઓછી મહેનતે ઝડપથી માલામાલ થઈ જવા માટે સ્મશાનમાં ઝઈ ભૂતને-પિશાચને વશ કરવાની સાધના કરી. મેલી વિદ્યાની સાધનાથી ભૂત પ્રત્યક્ષ તો થયું. પરંતુ એણે બહુ વિચિત્ર ભયંકર શરત આપી કે ' તું મને જે જે કાર્ય આપીશ તે તમામ હું પૂરી નિષ્ઠાથી કરીશ. પરંતુ તારે મને સતત કામ આપવું જ પડશે. જો તેં મને કામ વિનાનો-નિવૃત્ત રાખ્યો તો તે જ ક્ષણે હું તારું ભક્ષણ કરી જઈશ, તારો નાશ કરી દઈશ.'

પેલી વ્યક્તિને થોડી ચિંતા તો થઈ પરંતુ એની પાસે ઘણાં અને મુશ્કેલ કાર્યો હોવાથી કાંઈ વાંધો નહિ આવે એમ મન બનાવ્યું. એણે પહેલું કાર્ય બતાવ્યું કે 'ગામનાં મુખ્ય સ્થાને મારા માટે સાત મજલાનો વિશાલ મહાલય બનાવી દે.' મનમાં એમ કે આટલું કાર્ય કરતાં પિશાચને વરસ-સવા વરસ તો થશે જ. પણ આ તો ભૂત. એની શક્તિ કલ્પનાતીત હતી. માત્ર બે મિનિટમાં દૈવી શક્તિથી એણે સાત મજલાનો મહેલ ખડો કરી દીધો. પેલી વ્યક્તિને હવે પાકો ડર લાગ્યો કે ' આ તો પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું થયું. મેં ક્યાં આ ભૂત જગાડયું ? ' છતાં એણે 'દુકાન બનાવી દે-સીમમાં ખેતર અપાવી દે.' જેવાં અન્યાન્ય કાર્યો આપવા માંડયા. કાર્ય અપાયાની બે ક્ષણમાં જ ભૂત એ કરીને માથે ઉભું રહે. કંટાળેલ-ભયભીત થયેલ એ વ્યક્તિ એના બુદ્ધિશાળી મિત્રનાં શરણે ગઇ. મુશ્કેલીની જાણ કરી.

બુદ્ધિમાન મિત્રે જાણે આ કાંઈ સમસ્યા જ ન હોય એમ હસતાં હસતાં ચબરાક ઉપાય દર્શાવ્યો. ઉપાય ખરેખર અક્સીર હોવાથી એ ખુશી ખુશી થઈ ગયો. એ મુજબ એણે ભૂતને કહ્યું: ' મારા સાત મજલાના મહાલયના પરિસરમાં બરાબર વચ્ચે સાત મજલા જેટલો ઉત્તુંગ મનોહર પતલો ત્રાંબાનો પાઈપ બનાવી દે.' એ કરીને ભૂત તરત જ હાજર થઈ ગયું. પેલી વ્યક્તિએ કહ્યું: 'હવે નવું કાર્ય ન બતાવું ત્યાં સુધી તારે અદૃશ્ય રહી આ પાઈપ પર ચડ-ઊતર કર્યા કરવાનું. હું યાદ કરું ત્યારે આવી જવાનું.' ઉપાય એવો અફલાતૂન હતો કે વ્યક્તિનાં તમામ કાર્યો ય થતા રહ્યાં અને મોતનો કોઈ ભય પણ ન રહ્યો.

આ કાલ્પનિક કથાનો ઉપનય આ છે કે ભૂતનાં સ્થાને છે મન. એને જો બરાબર કામમાં પરોવ્યું તો એ આપણે ચકિત થઈ જઈએ એવાં કાર્યો ય કરાવી આપે અને જો નવરું પડયું તો આપણને નષ્ટ-ભ્રષ્ટ પણ કરી દે. બુદ્ધિમાન મિત્ર જેવા સદ્ગુરુભગવંત આપણને સમજાવે છે કે જો આ મનને તમે શુભ પ્રવૃત્તિમાં જોડી રાખશો તો એ સદ્ગતિ અને પરમગતિ અપાવવાની કલ્પનાતીત કમાલ ભાવિમાં સર્જી દેશે અને વર્તમાન કુવિચારો-કુવાસનાઓથી મુક્ત રાખવાની કમાલ સર્જશે.

૩ ) કુનેહ વિકસાવે: જે વ્યક્તિ કર્મઠ બની સતત પોતાનાં કાર્યમાં પરોવાયેલી હોય એ તે તે કાર્યોમાં કુનેહ પ્રાપ્ત કરે જ, બરાબર હથોટી મેળવી જ લે. સાવ અભણ કારીગરો પોતપોતાનાં કાર્યમાં એવા કાબેલ હોય છે કે એની એ વિષયની કાબેલિયત સામે ભલભલા શિક્ષિતો ય પાણી ભરે. આ પ્રત્યક્ષ નિહાળાતી અનુભવસિદ્ધ બાબત છે.

છેલ્લે એક વાત : આળસુ વ્યક્તિને ઉંબર ડુંગર સમ બની જાય છે.. ઉદ્યમી વ્યક્તિને ડુંગર પણ ઉંબર સમ બને છે.


Google NewsGoogle News