Get The App

પ્રભુ ! બુદ્ધિમાં દુષ્ટ તત્ત્વો ન પ્રવેશો. એ દુર્બુદ્ધિ ન બનો. મારી બુદ્ધિમાં શુભ તત્ત્વો જ પ્રવેશો, એ સદ્બુદ્ધિ બનો.

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
પ્રભુ ! બુદ્ધિમાં દુષ્ટ તત્ત્વો ન પ્રવેશો. એ દુર્બુદ્ધિ ન બનો. મારી બુદ્ધિમાં શુભ તત્ત્વો જ પ્રવેશો, એ સદ્બુદ્ધિ બનો. 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'જીવનમાં આત્મસાત્ કરવા જેવી આ બુદ્ધિમાં કેન્દ્રસ્થાને 'સ્વ' નહિ, અન્ય હોય છે. પ્રધાનતા સ્વાર્થની નહિ, પરાર્થની હોય છે. આ બુદ્ધિ ધરાવતી વ્યક્તિ અન્યો માટે શક્ય હદે કરી છૂટવા સજ્જ રહે. એ ગરીબ-દરિદ્રને જીવનોપયોગી સામગ્રી આપશે, તો રોગિષ્ઠને ડોક્ટર- દવાનો સંયોગ આપશે, નિરાશમાં આશાનો સંચાર કરશે, તો નાની-સામાન્ય વ્યક્તિને હૂંફ-હામ આપશે. આવું કરવામાં એને બાહ્ય લાભ-સ્થૂલ ઉપલબ્ધિ ભલે કાંઈ ન થતી હોય, અરે ! ક્યારેક તો પોતાનો ભોગ પણ થોડો-ઘણો આપવાનો આવે, તો ય આ બુદ્ધિ ધરાવતી વ્યક્તિનાં હૈયે આનંદ-પ્રસન્નતા હોય છે.'

આમ તો ધર્મક્ષેત્રે બુદ્ધિ કરતા હૃદયને પ્રાધાન્ય સામાન્યત : અપાય છે. કારણકે હૃદય છે ત્યાં લાગણી-ભાવુકતા-સંવેદનશીલતા ઝળહળતી હોય છે. જ્યારે માત્ર કોરી બુદ્ધિ જ્યાં છે ત્યાં લેખાંજોખાં-ગણતરી-તર્કની કર્કશતા હોય છે. માટે શાસ્ત્રાભ્યાસ જેવા બૌદ્ધિક ક્ષેત્ર સિવાય સર્વત્ર હાર્દિકતાની બોલબાલા ધર્મક્ષેત્રે હોય છે, બૌદ્ધિકતાની નહિ. આમ છતાં આજે આ લેખમાં આપણે બુદ્ધિના એવા ચાર પ્રકાર વિચારીશું કે જેમાં ગલત પ્રકારના પરિહારના અને ઉત્તમ પ્રકારોના સત્કાર-સ્વીકારનો નિર્દેશ હોય. 'સ્' અક્ષરથી શરૂ થતાં એ ચાર પ્રકાર સંક્ષેપમાં કાંઈક આવા છે:

૧) સ્વાર્થબુદ્ધિ : બુદ્ધિનો આ છે ગલત પ્રકાર કે જ પરિહાર્ય છે. આ બુદ્ધિ ધરાવનાર વ્યક્તિ હંમેશા પોતાના લાભને જ કેન્દ્રમાં રાખતી હોય છે. અરે ! કરુણતા ત્યાં છે કે આવી વ્યક્તિ પોતાના સ્વાર્થની સિદ્ધિ ખાતર અન્યોને પારાવાર નુકસાન પહોંચાડવા ય સજ્જ રહે. શેરડીનો સંચો ચલાવનાર વ્યક્તિ શેરડીને વારંવાર પીલી એનો રસ બુંદે બુંદે નિચોવી લે છે અને એનો કૂચો કરી ફેંકી દે છે, તો અત્તર બનાવનાર પુષ્પોની પાંખડીએ પાંખડી પીસી નાંખી એનો અર્ક સેરવી લે છે અને કરમાઈ ગયેલી- શોષાઈ ગયેલી પાંખડીઓને ફગાવી દે છે. શું છે આ ? બીજાને કારમું નુકસાન કરીને ય સ્વાર્થ સાધી લેવાની કનિષ્ઠ બુદ્ધિ. શેરડી-પુષ્પપાંખડીની આ અવદશાને તો હજુ ક્રૂરતારહિત સ્થાવર હિંસાનો ભાગ સમજી ક્ષન્તવ્ય માની શકાય. પણ આ જ કનિષ્ઠ બુદ્ધિ જો માનવી-પ્રાણી વગેરેમાં પ્રયોજાય  તો ક્રૂર ત્રસ હિંસાના કારણે એવી સ્વાર્થ બુદ્ધિની વ્યક્તિ ઇન્સાન મટી શયતાનની ભયાનક કક્ષાએ પહોંચી જાય. એક-બે ઉદાહરણ આવાં જોઈએ.

- સાપની ચામડી વધુ મુલાયમ રહે તે માટે સાપને ખીલીથી થડ સાથે જડી દઇ જીવતે જીવ એની ચામડી ઉતારાય છે. સાપને એમાં પારાવાર વેદના વેઠવી પડે છે. કારણ એટલું જ કે માનવીની મુલાયમતા પ્રત્યેની ઘેલછા.

- માનવીની આંખમાં શેમ્પુ જાય તો કેવું નુકાસાન થાય એ જાણવા આલ્બિનો જાતિની સસલાની આંખમાં જાણીબુઝીને એ શેમ્પુ નાંખી અખતરો કરાય છે. એ સસલાની આંખ માનવીની આંખ સાથે મળતી હોવાથી એના પર પ્રયોગ કરાય છે. કરુણતા એ છે કે એ સસલાની આંખમાં આંસુની ગ્રન્થિ ન હોવાથી એને આંખ ગુમાવવા સુધીનાં નુકસાનો થાય છે. કારણ માત્ર માનવીની શોખ પોષવાની ઘેલછા.

માનવીની આવી નિર્દય-નિષ્ઠુર સ્વાર્થબુદ્ધિ નિહાળીને જ સચોટ કટાક્ષ કરાયો છે આ પંક્તિમાં કે :-

એકમાંથી એક જાય, તો રહે માત્ર શૂન્ય ;

પણ માનવમાંથી માનવ જાય, તો રહે માત્ર શયતાન.

૨) સત્યબુદ્ધિ : બુદ્ધિનો આ પ્રકાર સત્કાર્ય-સ્વીકાર્ય છે. કારણકે સ્વાર્થબુદ્ધિમાં જે પોતાના લાભનું હોય એ જ કરવાની વાત હોય છે, જ્યારે આ સત્યબુદ્ધિમાં જે સત્ય હોય-યોગ્ય હોય એ જ કરવાની વાત હોય છે. પછી ભલે એ સત્ય-યોગ્ય બાબતમાં પોતાનો વ્યક્તિગત લાભ જરા ય ન હોય યાવત્ નુકસાન હોય ! આજે ય એવી વિરલ વ્યક્તિઓ, ભલે અત્યલ્પ પ્રમાણમાં, નિહાળવા મળી શકે છે કે જે સત્યપ્રિય-સિદ્ધાંતનિષ્ઠ બની રહી પોતાના અયોગ્ય લાભને આસાનીથી ઠુકરાવવા તત્પર હોય.

૩) સહાયબુદ્ધિ : જીવનમાં આત્મસાત્ કરવા જેવી આ બુદ્ધિમાં કેન્દ્રસ્થાને 'સ્વ' નહિ, અન્ય હોય છે. પ્રધાનતા સ્વાર્થની નહિ, પરાર્થની હોય છે. આ બુદ્ધિ ધરાવતી વ્યક્તિ અન્યો માટે શક્ય હદે કરી છૂટવા સજ્જ રહે. એ ગરીબ-દરિદ્રને જીવનોપયોગી સામગ્રી આપશે, તો રોગિષ્ઠને ડોકટર-દવાનો સંયોગ આપશે. નિરાશમાં આશાનો સંચાર કરશે, તો નાની-સામાન્ય વ્યક્તિને હૂંફ-હામ આપશે. આવું કરવામાં એને બાહ્ય લાભ-સ્થૂલ ઉપલબ્ધિ ભલે કાંઈ ન થતી હોય, અરે! ક્યારેક તો પોતાનો ભોગ પણ થોડો-ઘણો આપવાનો આવે, તો ય આ બુદ્ધિ ધરાવતી વ્યક્તિનાં હૈયે આનંદ-પ્રસન્નતા હોય.ળ

હમણાં બીજા ક્રમે દર્શાવી એ સત્યબુદ્ધિ જીવનમાં હોય ત્યારે વ્યક્તિની નિષ્ઠા કેવી પ્રલોભનમુક્ત-યોગ્યતાપરસ્ત હોય અને આ ત્રીજા ક્રમની સહાયબુદ્ધિ જીવનમાં હોય ત્યારે વ્યક્તિની ભાવના અન્ય માટે જરૂરિયાતમંદ માટે કેવી ઉપકારમય-ઉપયોગિતામય હોય તે બન્ને એક જ દૃષ્ટાંતમાં નિહાળવી છે ? તો વાંચો આ પ્રથમ નજરે સામાન્ય ભાસતી છતાં હૃદયને ઝકઝોરી દે એવી ઘટના:

જીવનની સર્વ જરૂરી સુવિધાઓથી સંપન્ન ગણાય તેવા એક ઉચ્ચ મધ્યમવર્ગીય સંસ્કારી સજ્જન. એ ક્રોડોપતિ-અબજોપતિ ભલે ન હતા. કિંતુ જરા ય અભાવગ્રસ્ત પણ ન હતા. એક સાંજે નિરાંતની પળોમાં એ ઘરે હતાં. ત્યાં એમના વસ્ત્રો ધોવાનું-ઇસ્ત્રી કરવાનું કાર્ય કરતો કર્મચારી આવ્યો. એણે ઇસ્ત્રીસજ્જ વસ્ત્રો આપ્યા. સજ્જને એની સામે જોઈ કહ્યું : 'ભાઈ ! મહિનો પૂરો થવા આવ્યો છે. આ મહિનાની રકમ આજે જ લઈ  લે.'

ઉત્તરમાં કર્મચારીએ હિસાબની નોટ બતાવીને કહ્યું : એક વાર જરાક આ હિસાબ પર નજર કરી લેશો?' સજ્જનને આશ્ચર્ય થયું. એ હસીને બોલ્યા : 'આટલા વર્ષોમાં મેં ક્યારે ય તારી નોટ જોવા માંગી છે કે આજે તું બતાવી રહ્યો છે ? મને તારી વાત પર વચન પર વિશ્વાસ જ છે. નોટ જોવાની શી જરૂર છે ? તું રકમ બોલ. એટલે આપી દઉં. કર્મચારી બોલ્યો : 'આજની વાત જુદી છે. તમારે નહિ, મારે રકમ આપવાની છે. આ નોટમાં લખ્યું છે કે તમારા પાંચસો રૂ. આ મહિનાના મારે 'લેસ' કરવાના છે. પરંતુ કુલ પંદરસો રૂપિયા મારે તમને આપવાના બાકી હોવાથી હવે મારે તમને એક હજાર રૂપિયા આપવાના છે.'

'મારા પંદરસો રૂપિયા? મેં વળી ક્યારે તને પંદરસો રૂપિયા આપ્યા ? કોઈ સમજફર્ક છે.' સજ્જને કાંઈ ન સમજાતા કહ્યું. કર્મચારીએ ખુલાસો કર્યો :  'મારો નિયમ છે કે વસ્ત્રો ધોતાં પહેલા હું ખીસા ચેક કરું છું. જેથી એમાં રૂપિયા હોય તો ધોવાઈ ન જાય. પંદર દિવસ પહેલા તમારો જે શર્ટ આવ્યો હતો એના ખીસામાં પંદરસો રૂપિયા રહી ગયા હતા. ખરેખર તો મારે તમને બીજા જ દિવસે પહોંચાડી દેવા જોઈતા હતા. પરંતુ એ સમયે મને રૂપિયાની સખત જરૂર હતી. એથી મેં મન મનાવ્યું કે થોડા દિવસ પછી પરત કરી દઇશ. એમાં આ પંદર દિવસ ખેંચાઈ ગયા. પણ સાચું કહું ? છેલ્લા ત્રણ દિવસથી મારા ભગવાનની છબીને દીવો-અગરબત્તી કરતાં હું ભગવાન સામે આંખ નથી માંડી શક્તો. મને સખત શરમ આવે છે કે મેં તમારી રકમ અણહકથી રાખી મૂકી છે!'

સજ્જન સ્તબ્ધ થઈ ગયા આ નાના માણસની મોટી વિચારધારાથી. એ ગદ્ગદ્ભાવે બોલી ઊઠયા : 'ભાઈ ! આ પંદરસો રૂપિયા કાંઈ બહુ મોટી રકમ નથી. તું એ રાખી લે તો એનાથી તારું જીવન શ્રીમંત બની જવાનું નથી, તો એ રૂપિયા મને મ મળે તો મારું જીવન દરિદ્ર બની જવાનું નથી. પણ તારા આ વિચારોમાં અને વર્તનમાં તારી સંસ્કારોની શ્રીમંતાઈ છલકે છે. આજના સમયમાં અબજો રૂપિયાના આસામીઓ પણ સરેઆમ ભ્રષ્ટાચાર-છેતરપીંડી કરી ક્રોડો રૂ. અનીતિથી આંચકી લેવામાં શરમ રાખતા નથી. જ્યારે તને અનાયાસે મળેલ પંદરસો રૂપિયા પણ ખૂંચે છે- નડે છે- શરમ આપે છે. ભાઈ ! નાસ્તો કરીને જા. એ પંદરસો રૂપિયા તારે જ રાખવાના છે.'

ઇસ્ત્રીવાળાએ આંખમાં ઝળઝળિયા સાથે કહ્યું : ત્રણ દિવસથી મારા ભગવાન જાણે મને કહી રહ્યા છે કે પહેલા બે હાથે મહેનત કર અને પછી એ બે હાથ વચ્ચે રહેલ પેટ ભર. અણહકનો પૈસો ન લે.'  સજ્જને એની પીઠ થપથપાવતા કહ્યું : 'હવે આ પંદરસો રૂપિયા અણહકના નથી, હકના છે. કારણકે હું તને એ ભેટ આપું છું. તું એ નહિ લે તો મને દુ:ખ થશે.' બોલતા બોલતા એમણે હિસાબની નોટમાંથી પંદરસો રૂપિયાની એન્ટ્રી કાઢી નાંખી અને પંદરસો ઉપરાંત એ માસના પાંચસો રૂપિયા ય આપ્યા!

આ ઘટનામાં એક તરફ ઇસ્ત્રીવાળાની સત્યનિષ્ઠા ઝળહળે છે કે જેમાં એની સત્યબુદ્ધિ લાભનો નહિ, યોગ્યતાનો જ વિચાર કરે છે. તો બીજી તરફ સજ્જનની સહાયકતા ઝળહળે છે કે જેમની બુદ્ધિ સહાયને જ અગ્રતા આપે છે.

૪) સમર્પણબુદ્ધિ : જે બુદ્ધિમાં ડહાપણના-દોઢડહાપણના પરાક્રમો ન હોય. હોય માત્ર શ્રદ્ધેય તત્ત્વો પ્રત્યેની સમર્પણશીલતા. એને કહેવાય સમર્પણ બુદ્ધિ. ભલે ને કોઈ વ્યવહારશાણી વ્યક્તિ ધારદાર સલાહ આપે તો ય એની સમર્પિતતા ડગે નહિ. સ્વીકાર્ય સ્તરની આ બુદ્ધિના સંદર્ભમાં અમને યાદ આવે છે મુંબઈ-સાંઘાણી એસ્ટેટ સંઘના પ્રારંભકાળની ઘટના. ત્યારે ત્યાં માત્ર નાનકડું ગૃહ જિનાલય હતું. સંસ્થાનો વહીવટ પણ રજીસ્ટર્ડ ન હતો. તે સમયે ગંગાબાઈ નામે મરાઠી વ્યક્તિ ત્યાં સર્વિસમાં હતી. મંદિર પાસે કોઈ મૂડી ન હતી. એથી બહેને કહ્યું 'મંદિર થોડું પગભર થશે પછી પગાર લઈશ.' બે-એક વર્ષ બાદ મંદિર થોડું પગભર અને રજીસ્ટર્ડ થયું ત્યારે વાત એ આવી કે પગાર લેવા ક્યાં સહી કરવાની રહે. ક્યાં અંગૂઠો લગાવવાનો રહે. બહેન સંપૂર્ણ અશિક્ષિત હોવાથી સહી નહિ, અંગૂઠાની છાપની વાત આવી. ગંગાબાઈ સમર્પણ બુદ્ધિ ધરાવતા હતા. એ કહે : 'ભગવાનના મંદિરને અંગૂઠો ન બતાવાય. અંગૂઠો બતાવવો એટલે 'કાંઈ નહિ કરું' નો સંકેત. હું એ નહિ કરું.' પછી તો તેઓ એ વિચારમાં આવી ગયો કે 'મારે ભગવાનનાં કાર્યના પૈસા જ ન જોઈએ. એ મારી શુદ્ધ સેવા જ બની રહો. આને કહેવાય સમર્પણ બુદ્ધિ.

છેલ્લે એક પ્રભુપ્રાર્થના : 'પ્રભુ, બુધ્ધિમાં દુષ્ટ તત્વો ન પ્રવેશો. એ દુર્બુદ્ધિ ન બનો. મારી બુદ્ધિમાં શુભ તત્ત્વો પ્રવેશો. એ સદ્બુદ્ધિ બનો.'


Google NewsGoogle News