જો તમે મનને શાંત રાખશો તો દુનિયા શાંત લાગશે. જો તમે મનને અશાંત રાખશો તો દુનિયા અશાંત લાગશે..

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
જો તમે મનને શાંત રાખશો તો દુનિયા શાંત લાગશે. જો તમે મનને અશાંત રાખશો તો દુનિયા અશાંત લાગશે.. 1 - image


- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- ''કેટલીક વ્યક્તિઓ હોય છે 'કુલ માઈન્ડેડ.' એનાં જીવનમં કોઈ મોટી આસમાની-સુલતાની સર્જાઈ હોય તો પણ એનું વર્તન-એના શબ્દો શાંત હોય : જાણે એનાં દિમાગમાં 'આઈસ ફેક્ટરી' ન ખૂલી હોય! એથી વિપરીત કેટલીક વ્યક્તિઓ હોય છે એકદમ 'શોર્ટ ટેમ્પર.' સાવ નજીવી વાત હોય તો ય એના 'રીએક્શન'માં એ આભ તૂટી પડયું હોય એવી ઉગ્રતા-વ્યગ્રતા દાખવે : જાણે એનાં દિમાગમાં 'બોમ્બ ફેક્ટરી' ન ખૂલી ગઈ હોય! વસ્તુત : આ બન્ને સાવ વિભિન્ન 'એપ્રોચ'ની અસર બન્ને પ્રકારની વ્યક્તિઓનાં જીવનમાં બહુ મોટી થતી હોય છે''

'ઓપરેશન' જોખમી હોય અને દર્દીની જલ્દી સાજા થવાની શક્યતાઓ વિશે અનુભવી ડોક્ટરને પૂછવામાં આવે તો ડોક્ટર એનાં અલગ અલગ કારણોમાં એક કારણ એ પણ સાંકળશે દર્દીનો એપ્રોચ-અભિગમ. દર્દી જો જબરજસ્ત પોઝિટીવ અભિગમ-પ્રબળ જિજીવિષા ધરાવતો હશે તો 'હાઈ રિસ્કી' ઓપરેશન હશે તો પણ ડોક્ટર દર્દી જલ્દી સાજા થવાની શક્યતા વધુ જણાવશે અને દર્દી જો નેગેટીવ એપ્રોચ ધરાવતો હશે તો ઓપરેશન મધ્યમ જોખમી હોવા છતાં ડોક્ટર એની જલ્દી સાજા થવાની શક્યતા અલ્પ જણાવશે. આ એમ જણાવે છે કે એપ્રોચ-અભિગમ કેવી મહત્વભરી બાબત છે.

આપણે એથી જ, વ્યક્તિ માટે બહુ ઉપયોગી-ઉપકારક પુરવાર થાય તેવા ચાર અભિગમોનું વિશ્લેષણ છેલ્લા બે લેખોથી કરી રહ્યા છીએ. આજે આ ત્રીજા લેખમાં કરીશું અંતિમ-ચોથા અભિગમ અંગે વિશ્લેષણ.

(૪) શાંત બની રહેવાનો અભિગમ :- કેટલીક વ્યક્તિઓ હોય છે 'કુલ માઈન્ડેડ'. એનાં જીવનમાં કોઈ મોટી આસમાની-સુલતાની સર્જાઈ જાય તો પણ એનું વર્તન-એના શબ્દો શાંત હોય : જાણે એનાં દિમાગમાં 'આઈસ ફેક્ટરી ન ખૂલી હોય!' એથી વિપરીત કેટલીક વ્યક્તિઓહોય છે એકદમ 'શોર્ટ ટેમ્પર.' સાવ નજીવી ઘટના બની હોય તો ય એના 'રી-એક્શન'માં એ આભ તૂટી પડયું હોય એવી ઉગ્રતા વ્યગ્રતા દાખવે જાણે એનાં દિમાગમાં 'બોમ્બ ફેક્ટરી' ન ખૂલી ગઈ હોય! વસ્તુત : આ બન્ને સાવ વિભિન્ન 'એપ્રોચ' ની અસર બન્ને પ્રકારની વ્યક્તિઓનાં જીવનમાં બહુ મોટી થતી હોય છે. પહેલા પ્રકારની વ્યક્તીઓને શાંત અભિગમનાં કારણે પારાવાર લાભ થાય છે, તો બીજા પ્રકારની વ્યક્તિઓને ઉગ્ર અભિગમનાં કારણે પારાવાર નુકશાન થાય છે. આપણે અહીં હવે વિચારીશું શાંત અભિગમ દાખવવાનાં કારણે થતાં કેટલાક સરસ લાભો.

પહેલો લાભ એ છે કે શાંત રહેનાર-ઉગ્ર ન થનાર વ્યક્તિની છાપ હંમેશા ઉમદા ઊપસે છે. સામી વ્યક્તિ એકદમ ઉગ્રતામાં હોય, આવેશમાં ને આવેગમાં એ પ્રતિપક્ષી વ્યક્તિ માટે બેફામ ગલીચ આક્ષેપો કરે અને માહોલ બગાડવાની કોશિશ કરે એ સમયે વ્યક્તિ જો શાંત મક્કમતા દાખવે તો પ્રથમ નજરે જ અન્યોનાં મનમાં એના શાંત-ઉગ્રતાવિહીન પ્રતિભાવની મોટી-ઉમદા અસરો સર્જાય. શાંત મક્કમતાનો અર્થ બોલવું નહિ એવો નથી. એનો અર્થ એટલો જ છે કે પ્રતિભાવ જે સ્તરના અપાય તે ઉગ્રતાવિહીન-શાંત સ્વરૂપનો હોય. જરૂરિયાત હોય ત્યાં શાંતિથી એકેક દલીલ સાથે વ્યક્તિ પોતાની બાજુ મજબૂત રજૂ કરી શકે અને જરૂરિયાત ન હોય ત્યાં વ્યક્તિ સામી વ્યક્તિની મોં-માથા વિનાની રજૂઆતને નગણ્ય માની મૌન પણ રહે. બન્નેમાં પ્રધાનતા  શાંત-આવેશરહિત પ્રતિભાવની જ હોય. આ રીતે, શાંત પ્રતિભાવ આપનારની છાપ કેવી ઉમદા-મસ્ત ઊપસે એનો એક અમારો જ અનુભવ શેર કરીએ :

ઈ.સ.૨૦૧૧નું અમારું ચાતુર્માસ મુંબઈના માતબર ગણાય એવાં સ્થાનમાં હતું. એક દિવસ કોઈ ધાર્મિક કાર્યક્રમ માટે અમારે એક બિલ્ડીંગમાં જવાનું હતું. દેરાસરના એક ટ્રસ્ટી અમને લેવા આવ્યા. બિલ્ડીંગના ભાઈઓ હજુ પહોંચ્યા ન હતા. અમે અને ટ્રસ્ટી ઉપાશ્રયમાંથી બહાર આવ્યા. ત્યાં સામેથી એક ભાઈ પૂજા વસ્ત્રોમાં આવ્યા. એ ભાઈ આ ટ્રસ્ટીઓના વિરોધી હતા અને વિવેકશૂન્ય ઉગ્રતા ધરાવતા હતા. કોઈ જ નિમિત્ત-કોઈ કારણ વિના એ ભાઈ અમારી પાસે આવી ટ્રસ્ટી માટે જોરશોરથી ચિલ્લાવા લાગ્યા કે મહારાજ સાહેબ! આ એક પણ ટ્રસ્ટી લાયક નથી. બધા બદમાશો ભેગા થયા છે. આ લોકોને તો મારવા જોઈએ. પાંચ-સાત મિનિટ સુધી એણે આવી આવી બાબતો એટલી ભરડી કે અમને થયું કે હવે આ ટ્રસ્ટી પણ દિમાગનો કાબૂ ગુમાવી આની સાથે ઝઘડો કરી બેસશે. પરંતુ ટ્રસ્ટી ધરાર એક શબ્દ ન બોલ્યા. છેલ્લે પેલા ભાઈ ચિલ્લાતા ચિલ્લાતા ગયા કે ''આ બધા ગેંડાની ચામડીવાળા છે. કાંઈ અસર જ થવાની નથી.'' ટ્રસ્ટી તો ય મૌન રહ્યા. પેલા ગર્જનાખોર ભાઈ દૂર થયા પછી અમે ટ્રસ્ટીને પૂછયું : ''તમે ઉશ્કેરાયા નહિ એનું અમને સુખદ આશ્ચર્ય થયું.'' જવાબમાં ટ્રસ્ટીએ કહ્યું : ''સાહેબજી! આ ઝઘડો કરવા જ આવ્યો હતો. મેં એની સામે જવાબો આપ્યા હોય તો એ લાંબો તમાશો કરત. હું સમજીને સાવ મૌન રહ્યો. એટલે થાકીને એણે ચાલતી પકડી. એને મુદ્દાસર સમજાવીએ તો એ સમજવા તૈયાર નથી.'' એથી આના માટે મૌનનો વિકલ્પ જ શ્રેષ્ઠ છે. પાંચ મિનિટમાં એની રામાયણ પૂરી થઈ ગઈ.'' અમે ખૂબ પ્રભાવિત થઈ ગયા ટ્રસ્ટીની આ શાંત મક્કમતા પર. પ્રસંગ બાદ ઉપાશ્રયે પરત આવી અમારી અંગત ડાયરીમાં બે લીટીમાં આ ઘટના નોંધી એના પર અમારો પ્રતિભાવ લખ્યો કે ''ક્યારેક ફટકાબાજીમાં નહિ, ઓવર 'મેઈડન' રમવામાં વધુ કૌશલ્ય હોય છે!''

આ વાસ્તવિકતાની સબળ પ્રતીતિ માટે આપણે યાદ કરીએ એક પ્રેરક સત્ય ઘટના :

એમરિકાની એક કંપનીએ એન્જીનીયરની ભરતીના ઈન્ટરવ્યૂની જાહેરાત આપી. એ વાંચીને એક કુશલ એન્જીનીયર બહુ મોટી આશા સાથે ઈન્ટરવ્યૂ આપવા ગયો. એ બેરોજગાર હોવાથી એને નોકરીની તાતી જરૂર હતી અને એન્જીનીયરીંગ એ નિષ્ણાત હોવાથી એને નોકરી મળવાની પ્રબળ આશા હતી. પણ રે નસીબ! એનો નંબર ઈન્ટરવ્યૂમાં આવ્યો ત્યાં મેનેજરે કહ્યું : ''હમણાં જ મેનેજમેન્ટે એન્જીનીયરની પસંદગી કરી લીધી છે. એથી હવે ઈન્ટરવ્યૂનો અવકાશ નથી.'' પેલા ઉમેદવારને એક મિનિટ માટે થયું કે આ કેવું વિચિત્ર મેનેજમેન્ટ છે કે જે ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોને બોલાવે છે અને ઈન્ટરવ્યૂની પ્રક્રિયા અધૂરી રાખી ભરતી પણ કરી દે છે! એને અન્યાય થયાનું અને તક ચાલી ગયાનું દુ:ખ થયું. પણ એણે હોબાળો કરવાને બદલે મન શાંત રાખી 'હવે શું થઈ શકે છે' એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

જરા ય નારાજગી દર્શાવ્યા વિના એણે મેનેજરને કહ્યું : ''સર! મારો ઈન્ટરવ્યૂ લેવાયો હોત તો કંપનીને લાભ થાત. કેમ કે હું એન્જીનીયરીંગમાં નિષ્ણાત છું. છતાં હવે નિર્ણય બદલાવો શક્ય નહિ હોય એ હું સમજું છું. તમે મને એ કહો કે બીજું કોઈ નોકરીનું સ્થાન તમારી કંપનીમાં ખાલી છે ?'' એની વાતચીતની સૌમ્ય રીતભાત અને આત્મવિશ્વાસથી મેનેજર પ્રભાવિત થઈ ગયો એ બોલ્યો ''માત્ર એક ટાઈપિસ્ટની જગ્યા ખાલી છે. હું મેનેજમેન્ટને કહી તમને એ નોકરી અપાવી શકું.'' ઉમેદવારે હા કહી અને સાત દિવસ પછી નોકરી શરૂ કરવાનો નિર્ણય કરાવ્યો. હકીકત એ હતી કે એને ટાઈપીંગ આવડતું જ ન હતું. એથી એણે સાત દિવસનો સમય માંગ્યો હતો. સાત દિવસમાં પૂરી લગનથી એ ટાઈપીંગ બરાબર શીખી ગયો. નોકરીમાં ખંતથી કાર્ય કરી આગળ વધતો ગયો. નસીબે સાથ આપતા એ ઉપરનું સ્થાન સર કરતો રહ્યો અને એક દિવસ એ અમેરિકાનો પ્રમુખ બન્યો! એમનું નામ હર્બટ હૂવર!

જો ઈન્ટરવ્યૂના એ દિવસે એમણે શાંત દિમાગથી કામ લેવાના બદલે હોબાળો મચાવ્યો હોત તો જીવનને સ્થિરતા બક્ષતું પહેલું પગલું એ ભરી શક્યા ન હોત.

શાંત અભિગમનો ત્રીજો લાભ છે વાત વણસે નહિ - વાત બગડતી અટકે. એક શોર્ટટેમ્પર વ્યક્તિ કોઈ નજીવી અપ્રિય ઘટનાનો ભોગ બનશે તો તુર્ત ગુસ્સામાં-આવેશમાં આવી જઈ શાંત મહોલને ય અશાંત બનાવી દેશે. - નહિ બગડેલ બાબતને ય બગાડી દેશે. એથી વિપરીત એક વ્યક્તિ શાંત-સ્વસ્થ અભિગમ ધરાવતી હશે તો અ-શાંત બનવા જઈ રહેલ માહોલને ય શાંત બનાવી દેશે-બગડતી બાબતને ય સુધારી દેશે. કરવી છે આ બન્ને શક્યતાઓની એક સાથે પ્રતીતિ? તો વાંચો આ નાનકડી ઘટના :

રેલવે સ્ટેશને ટ્રેન ઊભી રહી અને આઠ-દશ વર્ષનો એક ગરીબ-અભણ બાળક ડબ્બામાં બૂમ પાડતા પ્રવેશ્યો : ''ગરમાગરમ ભજીયા-ગરમાગરમ ભજીયા'' ચોમાસાનો વરસાદી માહોલ હતો. એમાં ગરમાગરમ ભજીયાંની ઓફર આવતા ગ્રુપ વતી એક યુવાને ભજીયાંનો ઓર્ડર આપ્યો. બાળક પડીકું મૂકી રૂપિયા લઈ ઝડપથી નીચે ઊતરી ગયો. આ તરફ પડીકું ખોલતાં જ એક શોર્ટટેમ્પર યુવાન ગુસ્સે થઈ ગયો. કેમ કે આ પડીકામાં ઉપરના સાત-આઠ ભજીયા જ ગરમ હતા. નીચે બધા ઠંડા હતા! એ યુવાન ગાજ્યો : ''હમણાં જ નીચે ઊતરી એ જુઠ્ઠાબોલા બાળકને ફટકારું. ગ્રુપમાં અન્ય યુવાન શાંત-સ્વસ્થ અભિગમનો હતો. એણે ઠંડું પાણી રેડતા કહ્યું : ''રહેવા દે, ભૂલ બાળકની નથી. આપણી છે.'' ''કેમ એમ ?'' ગ્રુપના અન્ય તમામ યુવાનો એક સાથે બોલી ઊઠયા. પેલા શાંત યુવાને સમજાવવા માંડયું :  ''જુઓ, એ બાળક બોલ્યો હતો ગરમાગરમ ભજીયા. ભાષાના નિયમ મુજબ ગરમ-અગરમ (=ઠંડા) શબ્દ ભેગા થાય ત્યારે ગરમાગરમ શબ્દ બને. એ જે રીતે ગરમ-ઠંડા ભજીયા એ જ રીતે આમાં ગરમ-ઠંડા મિક્સ ભજીયા છે. અર્થઘટનમાં ભૂલ આપણી છે. માટે મારવાની માંડી વાળ. તું નીચે ઊતરી એને શોધીશ-મારીશ ત્યાં સુધીમાં ટ્રેન પણ ચાલુ થઈ શે.'' બધાએ હસતા હસતા વાતની માંડવાળ કરી લીધી.

છેલ્લે એક વાત : તમે જો મન શાંત રાખશો તો દુનિયા શાંત લાગશે.. તમે જો મન અશાંત રાખશો તો દુનિયા અશાંત લાગશે.


Google NewsGoogle News