'હું જ દુ:ખમુક્ત થાઉં' આ ભાવમાં સ્વાર્થની બદબૂ છે...'સહુ દુ:ખમુક્ત થાઓ' આ ભાવમાં પરાર્થની ખુશ્બૂ છે...
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'માનવીની લાક્ષણિકતા શું ?' તો એનો ઉત્તર છે માનવતા અર્થાત્ દયા-કરુણા-સમસંવેદના. આપણે આ જ અર્થમાં 'માનવતા' શબ્દનો પ્રયોગ વારંવાર કરતા હોઈએ છીએ. ઉદાહરણરૂપે જોઈએ તો, જ્યાં દુષ્કાળ-ધરતીકંપ જેવી હોનારત સર્જાઈ હોવા છતાં સહાય-મદદના બદલે લૂંટફાટ-ગરજનો લાભ લેવા તોતિંગ ભાવવધારો જેવાં પરિબળો દેખાતા હોય ત્યાં આપણે શબ્દપ્રયોગ કરીએ છીએ કે ' અહીં માનવતા મરી પરવારી છે.'
ધારો કે કોઈ પ્રશ્ન કરે : 'પશુની લાક્ષણિકતા શું ?' તો એનો ઉત્તર છે પશુતા અર્થાત્ વિવેકહીનતા. દરેક પશુમાં આ લક્ષણ જોવા મળશે કે એ વિવેકહીન હોય છે. ખાન-પાન-મલમૂત્રવિસર્જનાદિમાં એને કોઈ સ્થળનો-સભ્યતાનો સંકોચ નથી હોતો, તો હિંસક પશુઓમાં એવું ય નિહાળાય છે કે જે એમની ખાન-પાનાદિ સુવિધાનું ધ્યાન રાખતી હોય એ જ વ્યક્તિ પર, જરાક કાંઈ વિપરીત બનતાં, એ પશુ આક્રમણ કરી બેસે અને જાન સુદ્ધા લઈ લે. સર્કસમાં અને હિંસક પ્રાણીઓ પોતાનાં આંગણે પાળનારનાં જીવનમાં આવા કિસ્સા ઘણા નિહાળવા મળે છે.
હવે ધારો કે કોઈ પ્રશ્ન કરે : 'માનવીની લાક્ષણિકતા શું ?' તો એનો ઉત્તર છે માનવતા અર્થાત્ દયા-કરુણા-સમસંવેદના. આપણે આ જ અર્થમાં 'માનવતા' શબ્દનો પ્રયોગ વારંવાર કરતા હોઈએ છીએ. ઉદાહરણરૂપે જોઈએ તો, જ્યાં દુષ્કાળ-ધરતીકંપ જેવી હોનારત સર્જાઈ હોવા છતાં સહાય-મદદના બદલે લૂંટફાટ-ગરજનો લાભ લેવા તોતિંગ ભાવવધારો જેવાં પરિબળો દેખાતા હોય ત્યાં આપણે શબ્દપ્રયોગ કરીએ છીએ કે 'અહીં માનવતા મવી પરવારી છે.'
કમાલ એ છે કે પશુની પશુતા અને માનવીની માનવતા વચ્ચે સરખામણી કરીએ તો તારણો અજાયબ મળે. જેમ કે (એ) પશુઓ એમની વિવેકહીનતાસ્વરૂપ પશુતા જલ્દી ત્યજતા નથી, જ્યારે માનવો એમની દયા-કરુણાસ્વરૂપ માનવતા બહુ આસાનીથી ત્યજી દે છે. (બી) પશુઓ એમની પશુતા ત્યજે તો એમાં એમની સંસ્કારિતા-મહત્તા વધી હોવાનું ગણાય છે, જ્યારે માનવો માનવતા ત્યજે તો એમાં એમની સંસ્કારિતા-મહત્તા ઘટી હોવાનું ગણાય છે. (સી) પશુતા વધે તો અન્યોને મોટાં નુકસાનો થાય, માનવતા ઘટે તો અન્યોને મોટાં નુકસાનો થાય.
આપણે જે ચાર ભાવનાઓનું ક્રમશ : ચિંતન છેલ્લો બે લેખોથી કરી રહ્યા છીએ તેમાં આજે ત્રીજા ક્રમે એવી અદ્ભુત ભાવના આવે છે કે જે વિશ્વમાં માનવતાની દયા-કરુણાની જબરજસ્ત વૃદ્ધિ કરે, અન્યોનાં દુ:ખ દૂર કરવાનું મહિમામંડન કરે. આપણે એ ત્રીજી ભાવના અંગે વિચારવિહાર કરીએ:
૩) કરુણાભાવના: 'કરુણા'નું અર્થઘટન કરતાં 'શાંત સુધારસ' ગ્રન્થમાં લખાઈ છે આ પંક્તિ કે 'કારુણ્યમાર્તાડ્ગિરુજાં જિહીર્ષા.' મતલબ કે દુ:ખી જીવોના દુ:ખો- પીડાઓ દૂર કરવાની તીવ્ર ઝંખના એને યોગ્ય યથાશક્ય પ્રયાસનું નામ છે કરુણા. જૈન પરંપરામાં આ કરુણાના દ્રવ્ય અને ભાવ: બે વિભાગ છે. આપણે ક્રમશ : બે ય પ્રકાર પર વિચારણા કરીશું.
જૈન પરંપરા હો કે અજૈન પરંપરા, દરેક ભારતીય ધર્મપરંપરાઓમાં દયા-કરુણાનો મહિમા પ્રબળપણે નિહાળવા મળશે. જૈન પરંપરામાં 'પંચસૂત્ર' ગ્રન્થ કહે છે 'કરુણા ય ધમ્મપ્પહાણજણણી.' મતલબ કે કરુણા તો ધર્મની મહાન માતા છે. તો અજૈન પરંપરામાં સંત તુલસીજી કહે છે કે 'દયા ધર્મકા મૂલ હૈ.' અરે ! બે ક્ષણ ધર્મપરંપરાઓનાં કથન બાજુ પર રાખીએ તો, જેઓ માત્ર સામાન્ય સંસ્કાર સિંચન જેવું લક્ષ્ય ધરાવે છે તે કવિઓ-સાહિત્યકારો પણ દયા-કરુણાને મહત્વ ખૂબ આપે છે. ઉદાહરણરૂપે નિહાળીએ તો એક કાવ્ય પંક્તિમાં સાવ સહજપણે પરલોકસંબંધી વાત આમ લખાઈ છે કે :-
કુદરત તમને પહેલું પૂછશે, સુખ-દુ:ખનું કાંઈ પૂછયું'તું ?
દર્દભરી આ દુનિયામાં તેં, કોઈનું આંસુ લૂંછયું' તું ?
કરુણાભાવનાનો મહિમા કેવો વ્યાપક છે તે આ ઉલ્લેખો પરથી સમજી શકાય છે. એક મહત્ત્વનું પાસું આ કરુણાનું એ છે કે એનાથી દુ:ખી-પીડિત જીવોને યથાશક્ય શાતા-સુવિધા મળે છે, તો બીજું અગત્યનું પાસું એ પણ છે કે એનાથી કરુણાભાવિત વ્યક્તિને પણ અણધાર્યો શાતા-સુવિધા-પ્રસિધ્ધિનો લાભ મળે છે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ પ્રેરક સત્ય ઘટના :
ઘોડાનાં જીન બનાવવાના કારખાનાનો માલિક સાયમન બ્રેઇલ. એક વાર એ કારખાને આવ્યો ત્યારે એની સાથે એનો ત્રણ વર્ષનો નાનકડો પુત્ર લુઈ બ્રેઈલ પણ આવ્યો. થોડીવારે બહારનું કોઈ કાર્ય આવતાં સાયમન બહારનાં કામે નીકળી ગયો. નાનકડા-નાસમજ બાળકને પોણો-એક કલાક રમવા માટે જાણે કે મોકળું મેદાન મળી ગયું. કારખાનાના કારીગરો પોતાનાં કાર્યમાં વ્યસ્ત હતા, તો બાળક અહીં-તહીં રમવામાં મસ્ત હતો. ભવિતવ્યતા ભયાનક હશે, નાસમજ બાળક, ત્યાં રહેલ ચામડું કાપવાના અને ચામડામાં છેદ પાડવાના ઓજારોથી રમતો હોવા છતાં કોઈએ એને અટકાવ્યો નહિં.
એવામાં અચાનક બાળકે ચામડામાં છેદ માટે વપરાતો મોટો સોયો ઉઠાવ્યો. રમતમાં ને રમતમાં બાળકના હાથે જ સોયો એક આંખમાં ઘૂસી ગયો. લોહીની ઘાર વછૂટી, બાળકનાં મુખમાંથી વેદનાવશ ભયંકર ચીસો નીકળી. કારીગરોને ત્યારે ખ્યાલ આવ્યો કે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. બાળકને તત્કાલ હોસ્પિટલમાં લઈ જવાયો. એના પિતા સાયમને દોડતા ત્યાં ઘસી ગયા. પણ દાયકાઓ પૂર્વેનાં મર્યાદિત સાધનો અને મર્યાદિત તબીબી વિજ્ઞાનવિકાસ આદિ કારણે બાળકની આંખ બચી ન શકી. અધૂરામાં પૂરું એ આંખનું ઇન્ફેક્શન બીજી આંખમાં એવી રીતે ફેલાઈ ગયું કે એ આંખની રોશની પણ સાવ જ બુઝાઈ ગઈ. બાળક નાની વયથી સંપૂર્ણ દૃષ્ટિહીન બની ગયું.
પેરીસ શહેરની અંધ બાળકો માટેની શાળામાં લૂઈને અભ્યાસ માટે દાખલ કરાયો. એની બુદ્ધિશક્તિ અને રુચિ તીવ્ર હોવાથી ભણવામાં એ સફલ રહ્યો અને જોતજોતામાં એ સ્નાતક થઈ ગયો. એની બુદ્ધિશક્તિ અને રુચિ તીવ્ર હોવાથી ભણવામાં એ સફલ રહ્યો અને જોતજોતામાં એ સ્નાતક થઈ ગયો ! નવાં નવાં વાંચનનો એને ખૂબ શોખ. દૃષ્ટિસંપન્ન વિદ્યાર્થી પાસે એ પુસ્તકો બોલીને વંચાવે અને પોતે સાંભળીને પુસ્તકનો રસાસ્વાદ માણે. એનું કાર્ય તો મિત્રોનાં કારણે આ રીતે થયું. પરંતુ એને સતત એ વિચાર સતાવ્યા કરતો કે અગણિત દૃષ્ટિહીન લોકો વાંચનથી વંચિત રહી જાય છે, અગત્યનાં પત્રો-તાર વગેરેના સંદેશથી વંચિત રહી જાય છે, તેનો ઉપાય શો કરવો ? દૃષ્ટિસંપન્ન લોકોની જેમ જ સ્વાશ્રયી રહી દૃષ્ટિહીન લોકો જાતે જ વાંચી શકે એવું કાંઈક કરવું જોઈએ.
એ સહુ અંધજનોના હિત માટે એકાંતમાં અવનવા ઉપાયો વિચારે. એમાં એણે સાંભળ્યું કે યુદ્ધસમયે રાત્રે એક મથકેથી બીજા મથકે ગુપ્ત સંદેશ પહોંચાડવા જાડા કાગળ પર ટપકા ઉપસાવવાની પદ્ધતિ પ્રચલિત છે. આ વાત પરથી એણે સોય દ્વારા છ ટપકાં અને તેંતાળીશ ચિહ્ન ધરાવતા મૂળાક્ષરો-સંયુક્ત સ્વર-ઉચ્ચારના સમાવેશ સાથે લિપિ તૈયાર કરી ! પૂરા વિશ્વના અંધજનોમાં આ લિપિ પ્રચલિત બની અને સહુ અંધજનો જાતે વાંચતા થઈ ગયા. સહુએ એને 'બ્રેઇલ લિપિ' રૂપે પીછાણી. સહુ અંધજનોને સહાયક થવાની કરુણાભાવનાએ વિશ્વના અંધજનોને તો શાતા-સુવિધા આપી, ઉપરાંત લૂઈને ખુદને ય શાતા-સુવિધા આપી. આ સિવાય 'બ્રેઇલ લિપિના સર્જક' રૂપે લૂઈને ચિરકાલીન યશ-પ્રસિદ્ધિ મળી એ અલગ !
હવે વિચારીએ કરુણાનું બીજું ઊંડાણભર્યું પાસું. એ છે ભાવકરુણા. એક વ્યક્તિને એક દિવસની ભૂખ-તરસની પીડાથી મુક્તિ આપવી કે આગળ વધતાં એક જન્મની પારિવારિક-વ્યવસાયિક વિડંબણાથી મુક્તિ આપવી તે દ્રવ્ય કરુણા છે. કારણકે એમાં બાહ્ય-ભૌતિક દુ:ખોથી મુક્તિ છે. પરંતુ જેમાં જન્મ-મરણની ભવચક્રની પરંપરા ખતમ કરે તેવા ધર્મની પ્રાપ્તિ હોય, કામક્રોધાદિ દોષોથી અને એના દ્વારા કર્મોથી મુક્તિની વાત હોય એ ભાવકરુણા છે. આ ભાવકરુણામાં આત્મિક દુ:ખોથી મુક્તિ તરફ લઈ જવાની બાબત હોય છે. યાદ રહે કે ભૌતિક દુ:ખો દૂર કરી આપતી દ્રવ્યકરુણાથી અન્ય જીવને થતો લાભ વધુમાં વધુ એક જન્મ સુધીનો હોય છે, જ્યારે આત્મિક દુ:ખો દૂર કરી આપતી ભાવકરુણાથી અન્ય જીવને થતો લાભ જન્મોજન્મ સુધી અસર કરનાર હોય છે. યાવત્ જન્મ-મરણના ફેરા ટાળી દે તેવો હોય છે. માટે દ્રવ્ય કરતાં ભાવકરુણા બેશક શ્રેષ્ઠ છે.
અલબત્ત, જ્યાં દ્રવ્યકરુણા અર્થાત્ બાહ્ય દુ:ખો દૂર કરવાની બાબત અગ્રિમતા ધરાવતી હોય ત્યાં ભાવ નહિ દ્રવ્યકરુણા જ અગ્રિમ હોય તે ખાસ સમજવું. પરંતુ બન્ને પ્રકારની કરુણા સરખાવીએ તો મુખ્યતા-પ્રધાનતા ભાવકરુણાની જ હોય તે પણ સમજવું. ભાવકરુણા કેવું અદ્ભુત પરિણામ લાવે તે જાણવું છે ? તો વાંચો પ્રભુમહાવીરદેવનાં આધ્યાત્મિક વિકાસની આ પ્રથમ ગાથા:
નયસાર નામે મુખી એમના રસાલા સાથે જંગલમાં કાષ્ઠ કાપવા ગયા હતા. મધ્યાહન્ના ભોજન પૂર્વે કોઈ સાધુ-અતિથિનો લાભ મળે એ માટે એણે દૂર સુધી નજર કરી. એમાં માર્ગ ભૂલેલા બે મુનિવરો એમને દેખાયા. એ શ્રમણોને બહુમાનથી લઈ આવી. આહાર-પાણી વહોરાવ્યા અને ભોજન બાદ નયસાર સ્વયં શ્રમણોને સાચા માર્ગે મૂકવા ગયા. નયસારની સરલતા- વિવેક- સાધુ પ્રત્યેનો આદર નિહાળી શ્રમણઓને એમને ધર્મ સમજાવવાની-સંસારમુક્તિ તરફ ડગ મંડાવવાની ભાવકરુણા જાગી. આ સમગ્ર ઘટના સત્તાવીશ ભવસ્તવનમાં આલેખતા કવિરત્ન પં.વીરવિજયજી મહારાજે સરસ પંક્તિ લખી છે કે :
પગવટીએ ભેળા કર્યા રે, મુનિ કહે દ્રવ્ય એ માર્ગ ;
સંસારે ભૂલા ભમો રે, ભાવમારગ અપવર્ગ..
મુનિવરોએ એવી રીતે ધર્મ સમજાવી નવકારમન્ત્ર આપ્યો કે નયસારને અનાદિ મિથ્યાત્વના નાશ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, શુદ્ધ ધર્મનો પ્રથમ એકડો ઘુંટાયો અને સત્તાવીશમાં ભવે ભગવાન મહાવીરદેવ બની તેઓ સંસારમુક્ત થયા ! મુનિવરોની ભાવકરુણાનું આ પરિણામ હતું.
છેલ્લે એક વાત : ' હું જ દુ:ખમુક્ત થાઉં' આ ભાવમાં સ્વાર્થની બદબૂ છે.. 'સહુ દુ:ખમુક્ત થાઓ' આ ભાવમાં પરાર્થની ખુશ્બૂ છે.