હકારાત્મક વ્યક્તિ સૂર્યાસ્તની ક્ષણે ય એમ વિચારશે કે હવે સૂર્યોદયને માત્ર બાર કલાકની જ વાર છે!

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
હકારાત્મક વ્યક્તિ સૂર્યાસ્તની ક્ષણે ય એમ વિચારશે કે હવે સૂર્યોદયને માત્ર બાર કલાકની જ વાર છે! 1 - image


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- ''સારાં રૂપની ખોટ સારા સ્વભાવથી પૂરી શકાય, પણ સારા સ્વભાવની ખોટ સારા રૂપથી પૂરી ન શકાય. સોનાનો ઘડો ભલેને એકદમ નકશીદાર-મનોહર તેમજ મૂલ્યવા હોય, પરંતુ ગ્રીષ્મઋતુમાં તૃષાતુર વ્યક્તિ પાણી પીવા માટે માટીનો ઘડો જ પસંદ કરશે. કારણ એ જ કે માટીનો ઘડો સ્વભાવથી ઠંડકભર્યો છે. સોનાના ઘડા પાસે રહેલ ઠંડકભર્યા સ્વભાવની આ ખોટ એની કલાકોરણીનું સૌંદર્ય પૂર્ણ ન જ કરી શકે.''

સૌં દર્ય પ્રથમ નજરે ઈમ્પ્રેશન સર્જનાર પરિબળ છે, જ્યારે સ્વભાવ લાંબે ગાળે-અનુભવ થયા બાદ ઈમ્પ્રેશન સર્જનાર પરિબળ છે. પરંતું બન્ને વચ્ચે બે તફાવત બહુ મૌલિક છે. એક એ કે સૌંદર્યની અસર માત્ર કામચલાઉ હોય છે - તકલાદી હોય છે, જ્યારે સ્વભાવની અસર સ્થાયી હોય છે. કલ્પના કરો કે એક વ્યક્તિ સૌંદર્યનાં કારણે પ્રથમ અસર સર્જે, પરંતુ એનો સ્વભાવ જો સાવ પિત્તળ હશે તો શું એ સામી વ્યક્તિને પસંદ આવશે ? નહિ જ. જ્યારે બીજી વ્યક્તિ સૌંદર્યના અભાવે પ્રથમ અસર ભલે ન સર્જે, પરંતુ એનો સ્વભાવ જો રોયલ હશે તો સામી વ્યક્તિને અવશ્ય પસંદ આવશે.

બીજો તફાવત એ કે સારાં રૂપની ખોટ સારા સ્વભાવથી પૂરી શકાય, પણ સારા સ્વભાવની ખોટ સારા રૂપથી પૂરી ન શકાય. સોનાનો ઘડો ભલે ને એકદમ નકશીદાર-મનોહર તેમજ મૂલ્યવાન હોય, પરંતુ ગ્રીષ્મઋતુમાં તૃષાતુર વ્યક્તિ પાણી પીવા માટે માટીનો ઘડો જ પસંદ કરશે. કારણ એ જ કે માટીનો ઘડો સ્વભાવથી ઠંડકભર્યો છે. સોનાના ઘડા પાસે રહેલ ઠંડકભર્યા સ્વભાવની આ ખોટ એની કલાકોરણીનું સૌંદર્ય પૂર્ણ ન જ કરી શકે.

આ તફાવતો એ દર્શાવવા સક્ષમ છે કે સ્વભાવ બહુ જ મહત્વનું -અગ્રિમ પરિબળ છે. એથી જ છેલ્લા ત્રણ લેખોથી આપણે સ્વભાવના અલગ અલગ પ્રકારો વિશે વિચારણા કરી રહ્યા છીએ. આજે આ ચોથા લેખમાં આપણે વિચારીશું સ્વભાવનો સાતમો અને આઠમો પ્રકાર.

(૭) હકારાત્મક સ્વભાવ : જૈન તત્વજ્ઞાાનમાં બે શબ્દો વારંવાર ઉપયોગમાં લેવાય છે : આશ્રવ અને પરિશ્રવ અર્થાત્ નિર્જરા. કર્મોનું આત્મામાં આગમન થવું એને કહેવાય છે આશ્રવ અને કર્મોની આત્મામાંથી વિદાય થવી તેને કહેવાય છે નિર્જરા. બન્ને એકબીજાથી વિરુધ્ધ શબ્દો છે. સાધક આત્મા આશ્રવથી બચવા અને નિર્જરા પ્રાપ્ત કરવા સાધના કરે છે. આશ્ચર્ય આપણને એ થાય કે જૈન જ્ઞાાનીભગવંતોએ એમ જણાવ્યું છે કે ''જે આસવા તે પરિસવા  જે પરિસવા તે આસવા.''ભાવાર્થ આનો એ છે કે આ જગતમાં જે જે કર્મબંધના કારણો છે તે તમામ કર્મમુક્તિના કારણો બની શકે છે અને જે જે કર્મમુક્તિનાં કારણો છે તે તે કર્મબંધનાં કારાણો ય બની શકે છે. કહેવાનો આશય એમનો ત્યાં એ છે કે દરેક નિમિત્તને આત્મા કેવા દૃષ્ટિબિંદુથી એંગલથી પકડે છે એના આધારે એ નિમિત્ત કર્મબંધનું કારણ બને છે કે કર્મમુક્તિનું કારણ બને એ નક્કી થાય છે. નિમિત્ત ભલે ને સારું યા નરસું હો, એ એટલું મહત્વનું નથી. આતમા એને કેવી રીતે ગ્રહણ કરે છે એ એનાથી અનેકગણું વધુ મહત્વનું છે.

જૈન જ્ઞાાનીભગવંતોએ જે શૈલીથી ઉપરોક્ત પદાર્થ પ્રસ્તુત કર્યો છે એ જ શૈલીથી આપણે વિચારીએ કે સામે નિમિત્તો-કારણો કેવા છે એ એટલી મહત્વની બાબત નથી, આપણે એના માટે કેવો અભિગમ દાખવીએ છીએ તે અધિક મહત્વની બાબત છે. ઉદાહરણરૂપે એક વ્યક્તિને સોદામાં પાંચ લાખની કમાણી થઈ છે અને અન્ય વ્યક્તિને બીજા કોઈ સોદામાં બે લાખની કમાણી થઈ છે. આપણે ચોક્કસ એ ધારણા કરીશું કે પાંચ લાખનો નફો કરનારને વધુ આનંદ અને બે લાખનો આનંદ કરનારે ઓછો આનંદ થાય. પણ પછી સ્પષ્ટતા કરવામાં આવે કે પહેલો સોદો મોટો હતો કે એમાં વ્યક્તિએ ઓછામાં ઓછો પંદર લાખનો નફો તો ચોક્કસ જ ધાર્યો હતો અને નફો મળ્યો માત્ર પાંચ લાખ. પરિણામ. એ જ કે એને પાંચ લાખના નફાનો આનંદ નહિ, બલ્કે આમાં દશ લાખ ઓછા મળ્યાનું ભારોભાર દુ:ખ હતું. એથી વિપરીત બીજો સોદો કરનારને વધુમાં વધુ નફો પચાસ હજારનો થાય એવી ધારણા હતી. એના બદલે નફો મળ્યો ચાર ગણો એટલે કે બે લાખનો. એથી એના આનંદનો સુમાર ન હતો. ધ્યાનથી આ બાબતનું વિશ્લેષણ કરીશું તો સમજાશે કે આનંદનું મોટું નિમિત તો પાંચ લાખના લાભનું જ ગણાય. છતાં એ વ્યક્તિ માટે એ આનંદનું નહિ, દુ:ખનું નિમિત્ત બની ગયું અને નાના આનંદનું નિમિત્ત બીજી વ્યક્તિ માટે મોટા આનંદનું કારણ બની ગયું એનું કારણ અભિગમનો તફાવત હતો.

અભિગમ જો હકારાત્મ હોય તો વ્યક્તિ નબળી ઘટનામાંથી પણ ઉત્તમ સાર અંકે કરી શકે. માટે ઘટનાઓ-નિમિત્તો ચાહે તેવા હોય તો પણ હકારાત્મક અભિગમ કદી ન છોડવો. હકારત્મક અભિગમ કઈ હદે ઉત્તમ-ઉત્સાહિત વિચારણા કરાવી શકે એ જાણવું છે ? તો વાંચો દુલાકાગની રામાયણની આ વાત :

એ રામાયણ કહે છે કે ચૌદ વર્ષના વનવાસ અને લંકાવિજય પછી રામચન્દ્રજી અયોધ્યામાં આવ્યા ત્યારે પૂરા રાજપરિવારે અને નગરજનોએ એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પરંતુ ગેરહાજરી માત્ર એક વ્યક્તિની હતી. એ હતા કૈકયી. અભિગમ સમારોહ પછી રામ દોડતા કૈકયી પાસે એમના મહેલમાં ગયા અને પગે લાગ્યા. શોકમગ્ર કૈકયી કોલ્યા : ''વત્સ! તને જે આ વનવાસના - યુદ્ધના કષ્ટો આવ્યા એના મૂળમાં હું જ ને ? મને એનું દુ:ખ છે.''

રામચન્દ્રજીએ હકારાત્મક અભિગમ દાખવતો અદ્ભુત ઉત્તર આપ્યો કે ''માતા! શોક ન કરો. ખરી હકીકત એ છે કે તમારાં કારણે મને એક નહિ, સાત સાત લાભો થયા છે : (૧) પુત્રવિયોગે પ્રાણ ત્યજનાર પિતા દશરથનાં પુત્રપ્રેમનો ખ્યાલ (૨) મારા માટે સહેલ કષ્ટોથી લક્ષ્મણના ભ્રાતૃસ્નેહનો ખ્યાલ (૩) મારી પાદુકા સિંહાસને મૂકી રાજ્ય કરનાર ભરતની નિ:સ્પૃહતાનો ખ્યાલ (૪) મહેલનાં સુખ છોડી જંગલમાં સાથે ભમનાર સીતાની પતિભક્તિનો ખ્યાલ (૫) મારા માટે આખો વંશ યુદ્ધમાં હોમનાર વાનરવંશના સમર્પણનો ખ્યાલ (૬) રાવણ-કુંભકર્ણ જેવા વીરો સામે યુદ્ધ કરવાથી મારાં સામર્થ્યનો ખ્યાલ અને (૭) હનુમાન જેવા સંપૂર્ણ સમર્પિત સેવકની ભક્તિનો ખ્યાલ.''

હકારાત્મકતા કેવો અદ્ભુત અભિગમ છે તે આ ઉત્તરમાં ઝળહળે છે. હકારાત્મક વ્યક્તિ સૂર્યાસ્તની ક્ષણે ય એમ વિચારશે કે હવે સૂર્યોદયને બાર કલાકની જ વાર છે ! સ્વભાવ જો હકારાત્મક બનાવી દઈએ તો કોઈ મુશ્કેલી નહિ લાગે, બલ્કે એમાં ય કોઈ આશીર્વાદનો ઉપહાર છુપાયેલ લાગશે...

(૮) નકારાત્મક સ્વભાવ : નકારાત્મક કેવી બાબત છે એનો સરસ ખ્યાલ એક મજાની શાયરીમાં મળી રહે છે. જરાક શબ્દ ફર્ક સાથે એ શાયરી માણીએ :

મેં ચન્દ્રને પૂછયું ''તારામાં કલંક ન હોત તો ?''

પછી કોયલને પૂછયું ''તારામાં કાળાશ ન હોત તો ?''

છેલ્લે ગુલાબને પૂછયું ''તારામાં કાંટા ન હોત તો ?''

ચત્રણેયે મને પૂછયું ''તારામાં નકારાત્મકતા ન હોત તો ?''

નકારાત્મકતા ખરાબ એટલે છે કે એ કોઈ બાબતની-વસ્તુની સારી બાજુ જોવા ન દે, નબળી બાજુ જ જોવા દે. પરિણામ એ આવે કે મન તે તે બાબત-વસ્તુની બાજુ પર જ કેન્દ્રિત રહે. નકારાત્મકતા ખરાબ એટલા માટે છે કે એ દરેક ઘટનાના સંભવિત સારા-નરસા પાસાની સમતોલ સમીક્ષા ન કરવા દે, બલ્કે તે ઘટનાના થોડા પણ નબળા પાસાને ઝડપથી પકડી લઈ તેની આસપાસ ઘુમરાયા કરે. કેટલાક વ્યવહારિક ઉદાહરણો જોઈએ :

ધારો કે નકારાત્મક સ્વભાવ વ્યક્તિ, ધંધાકીય સાહસની વાત આવે તો એ એની સંભવિત કમાણીના પાસા કરતાં એની સંભવિત નુકસાનીના પાસા પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરી બેસશે. પરિણામ એ આવે કે કાં તો એ સાહસ માટે પગલું જ નહિ ભરે અને ભરશે તો સતત સંશયશીલ રહ્યા કરશે.... ધારો કે કોઈ પડકારજનક સામાજિક કાર્ય કરવાનું આવે તો નકારાત્મક સ્વભાવની વ્યક્તિ એની સંભવિત સફળતાથી સમાજને થનાર લાભ-પોતાને પ્રાપ્ત થનાર યશ જેવા પાસા કરતા એની સંભવિત નિષ્ફળતાથી થનાર ગેરલાભ - અપયશ જેવા પાસા પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરશે અને સરવાળે એ કાર્યથી વંચિત રહી જશે.

શું સમાજકાર્ય હો કે શું પોતાની પસંદગીનું ધર્મકાર્ય હો : નકારાત્મક સ્વભાવની વ્યક્તિ એનાથી કેવી વંચિત રહી જાય એ જાણવું છે ? તો વાંચો ઈ.સ.૨૦૦૬માં અમને થયેલ આ અનુભવ :

એ વર્ષે અમે જ્યાં ચાતુર્માસ હતા તે સંઘમાં પ્રવચનોનો - આરાધનાનો -તપશ્ચર્યાનો ખૂબ સરસ માહોલ હતો. એમાં એક ભાઈ નિયમિત પ્રવચનમાં આવે અને  દરેક અનુષ્ઠાનોમાં સક્રિય રહે. પર્યુષણાના કેટલાક દિવસ પુર્વે ભાવુકતાથી એ અમને કહે : ''મહારાજશ્રી! વર્ષોથી તપક્ષેત્રે મારી જે ભાવના છે તે આ વર્ષે-પર્યુષણામાં તો મારે પૂર્ણ કરવી જ છે. ભલે કાંઈ પણ થઈ જાય.'' એમની વાત એવી લાગતી હતી કે જાણે એ માસક્ષમણ (ત્રીશ ઉપવાસ) કે સોળ ઉપવાસ કરવાના હોય. અમે પૂછયું : ''તમને કેટલા ઉપવાસની ભાવના છે ?'' એ કહે : ''એક જ ઉપવાસ. મારા માટે એક ઉપવાસ પણ માસક્ષમણ જેવો છે.'' અમે મન મનાવ્યું કે જેણે કદી એક ઉપવાસ ન કર્યો હોય એને મન એનું મહત્વ માસક્ષમણ જેવું હોઈ શકે છે. એમની ભાવનાને અમે પ્રોત્સાહન આપ્યું.

પર્યુષણાની પધરામણી થઈ ત્યાં સુધી વારંવાર એ કહેતા કે પર્યુષણાના પહેલા જ દિવસે મારે ઉપવાસ કરવો છે. પુર્વ સાંજે એ કહી ગયા કે ''કાલે પહેલું પચ્ચક્ખણ લેવા હું જ આવીશ.'' અમે એમની પ્રતીક્ષામાં રહ્યા. પણ ભાઈ પ્રવચન થયા પછી આવ્યા. પ્રવચન બાદ પણ એમણે પચ્ચક્ખાણ ન લીધું એથી અમે આશ્ચર્યથી પૂછયું : ''ઉપવાસ કર્યો છે?'' ''ના.'' ''કેમ ? તમે તો મહિનાથી ભાવ દર્શાવતા હતા.''

''હા જી, અરે! આજે સવારે ઊઠયો ત્યારે ય મેં સીધા ઉપાશ્રયે આવી પચ્ચક્ખાણ લેવાનું જ વિચાર્યું હતું.'' ''તો પછી અટક્યા ક્યાં ?'' ''મહારાજશ્રી! એવું થયું કે ઘરબહાર પગ મૂક્યો ત્યાં જ બિલાડી આડી ઉતરી. એથી મને થયું કે આજે ઉપવાસ નથી કરવો?'' ભાઈ પ્રકાશ્યા.

છેલ્લે એક વાત 

અર્ધો ગ્લાસ ભરેલો જોવો એ 'પોઝીટીવ' વ્યક્તિની માનસિકતા છે, અર્ધો ગ્લાસ ખાલી જોવો એ 'નેગેટીવ' વ્યક્તિની માનસિકતા છે...


Google NewsGoogle News