બુદ્ધિ મંદ હશે તો સારી વાત સમજી નહિ શકાય...બુદ્ધિ મલિન હશે તો સારી વાત સ્વીકારી નહિ શકાય...
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
બુદ્ધિમાન બનવું કોને ન ગમે, ભલા ? બુદ્ધિમાનને મળતું મહત્ત્વ જોઈએ- એને મળતી સફલતા નિહાળીને બુદ્ધુ જેવી વ્યક્તિને ય બુદ્ધિમાન બનવાના ઓરતા પ્રગટે. પણ સબૂર ! માત્ર બુદ્ધિ મળી જાય એવા ઓરતા રાખવા જેવા નથી. એકલી બુદ્ધિ તો સ્વાર્થપરસ્ત બનાવી સ્વ-પર માટે નુકસાનકારી પણ નીવડી શકે. માટે જ બુદ્ધિ નહિ, સદ્બુધ્ધિ મળે એવી પ્રભુ પ્રાર્થના કરવાનું વિધાન કરાય છે. આવો, બુદ્ધિના કેટલાક પ્રકારો સરલતાથી સમજાય એ રીતે વિચારીએ અને એના દ્વારા હેય અર્થાત્ ત્યાજ્ય તેમજ ઉપાદેય અર્થાત્ અપનાવાય તેવા પ્રકારોની સમજ મેળવીએ
ક્ષેત્ર ભૌતિક હોય કે આધ્યાત્મિક, ધંધાકીય હોય કે ધાર્મિક, સેવાકીય હોય કે સ્વાર્થિક : દરેક ક્ષેત્રે બુદ્ધિનું એક ચોક્કસ કક્ષાનું મહત્ત્વ હોય છે. ભૌતિક-ધંધાકીય અને સ્વાર્થનાં ક્ષેત્ર હોય તો તો ત્યાં બુદ્ધિની બોલબાલા ડગલે ને પગલે નિહાળવા મળે. કારણકે બુદ્ધિ શક્તિ વિના-ઝળહળતી હોંશિયારી વિના ન રહે તો તે બાબતોના પરિણામદાયી આયોજનો થઈ શકે, ન તો અણધારી પરિસ્થિતિમાં યોગ્ય તાત્કાલિક નિર્ણયો બુદ્ધિશક્તિ વિના થઈ શકે ! ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ શાસ્ત્રોના સમજ-તત્ત્વનો બોધ બુદ્ધિપ્રતિભા વિના ન થઈ શકે, તો સેવાકીયક્ષેત્રમાં ય આયોજનોની સફલતા બૌદ્ધિક વિચારણાભર્યા પ્લાનીંગ વિના ન થઈ શકે. આ એમ સમજાવે છે કે બુદ્ધિ ચોક્કસ કક્ષા સુધી ખૂબ ઉપયોગી પરિબળ છે.
૧) મંદબુદ્ધિ : જૈન કર્મશાસ્ત્રના સિદ્ધાંત મુજબ, જ્ઞાનવરણીય કર્મનો ઉદય પ્રબળ હોય, ક્ષયોપશમ અત્યંત અલ્પ હોય ત્યારે આ મંદબુદ્ધિની અવસ્થા વ્યક્તિમાં સર્જાતી હોય છે. કેટલાક બાળકો જન્મથી જ એવા મંદબુદ્ધિના હોય છે કે જે ખાવું-પીવું-શારીરિક હાજતો-બેસવું- ઉઠવું જેવી સામાન્ય બાબતોની ય સમજ ધરાવતા નથી હોતા, તો કેટલી ય વ્યક્તિઓ એવી હોય છે કે બીજાઓ જે વાત ઇશારામાત્રથી સમજી જાય તે વાત વ્યવસ્થિત સમજાવ્યા પછી પણ સમજી ન શકે : કેટલીય ય વ્યક્તિઓ એવી હોય છે કે જે એને કહેવા-સમજાવવા ધારેલ સાવ સામાન્ય વાતને બરાબર સમજાવી ન શકે, તો કેટલીય વ્યક્તિ એવી હોય છે કે જેને આપણે સમજાવ્યું હોય કાંઈક અને એ સમજી જાય કાંઈક બીજું જ. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ રમૂજકથા :
ગામડાગામના એક ખેડૂત પાસે એક હટ્વો-કટ્વો યુવાન નોકરી માટે આવ્યો. એનો દેહ એકદમ પડછંદ-મજબૂત હતો. પણ ઊપલો માળ-દિમાગ જાણે કે સાવ ખાલી હતું. 'કોમનસેન્સ' જેવી કોઈ વાત એનામાં હતી નહિ. એને જે સૂચના અપાય એના કોરા શબ્દ જ એ પકડે. એનો ભાવ-હાર્દ શું છે તેની એને કાંઈ ગતાગમ ન પડે. હા, એનામાં સરલતા હતી ખરી. પગાર માટે કોઈ આંટીઘૂંટીની વાત કરવાના બદલે એણે ખેડૂતને કહ્યું : ' તમે મને ફક્ત બે ટંકના રોટલા આપજો. ભોજન એ જ પગાર ગણી લઈશ અને તમે કહેશો એ કામ કરીશ.' વગર પગારના કામની વાત સાંભળી ખેડૂત લલચાઈ ગયો.
ખેડૂતે માત્ર બે ટંકનાં જમણની જવાબદારી રાખી વિના પગારે પેલા કદાવર યુવાનને નોકરીએ રાખી લીધો. યુવાનને 'ઝાઝી' ગતાગમ ન પડે. તો પણ કામ કરવામાં તકલીફ ન થાય તે માટે એણે સરલ શરત રાખી કે 'હું કરું એ તારે કરવાનું.' ખેડૂતનાં મનમાં થોડો લોભ એ હતો કે મારા જેટલી જ મહેનત આ હૃષ્ટ-પુષ્ટ યુવાનને વગર પગારે કરાવું. યુવાન તો સાવ ભોળો-વિચાર શૂન્ય જેવો હતો. એથી એણે આ શરત મંજૂર રાખી.
બીજે દિવસે પ્રભાતે એની નોકરી શરૂ થઈ. ખેડૂતે માથે સામાનની અને વસ્ત્રોની પોટલી લીધી. યુવાનને માથે એણે પાણીનો મોટો ઘડો મુકાવ્યો. આગળ ખેડૂત અને પાછળ યુવાન : બન્ને દોઢ કિ.મી.ની મંઝિલ પૂર્ણ કરી ખેતરે પહોંચ્યા. ત્યાં પહોંચતાવેંત થાકેલ ખેડૂતે મસ્તક પરની પોટલી જમીન પર નાંખી. અક્કલના ઓથમીર પેલા યુવાને પણ પાણીથી છલોછલ માટીનો ઘડો મસ્તક પરથી જોશભેર જમીન પર પટક્યો. ઘડો તૂટી ગયો અને પાણી બધું વ્યર્થ ગયું. યુવાનના આ પાગલપન પર ખેડૂતને જોરદાર ગુસ્સો આવ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં એણે પેલા બેવકૂફ યુવાનને ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા. આનાથી યુવાન વીફર્યો. એણે ત્રણ ચાર લાફા ખેડૂતને એવી તાકાતથી માર્યા કે ખેડૂત બે-ત્રણ ગુંલાટ ખાઈ ગયો. જમીન પર પડતાં જ એ ડરી ગયો કે આ ભીમના ભાઈ જેવો યુવાન ગણતરીની પળોમાં એનો ઘડો લાડવો કરી નાખશે.
આ ડરમાં ને ડરમાં ઉભો થઈ ખેડૂત ગામ તરફ જોરથી દોડવા માંડયો. પેલો યુવાન પણ ખેડૂતનો પીછો પકડી પગલે પગલું દબાવતો પાછળ દોડયો. ગભરાયેલ ખેડૂત યુવાનના ગુસ્સાથી બચવા મુઠ્ઠીઓ વાળી શ્વાસ ચડે એટલું ઝડપી દોડવા માંડયો. એમાં એનો છાતી પર વીંટાયેલ ખેસ પણ પડી ગયો. પાછળવાળો યુવાન પણ ખેસ ફેંકી એટલી જ ઝડપે દોડતો હતો. માંડ માંડ ગામની વસતિ સુધી પહોંચેલ ખેડૂતને ગભરાટથી દોડતો જોઈ ગામજનોને કુતૂહલ થયું. પાછળ દોડતા યુવાનને જોઈ એમને કાંઈક રહસ્ય સમજાયું. મધ્યસ્થી કરવાની ભાવનાથી દશેક મજબૂત વડિલો આગળ આવ્યા. એમણે પેલા ગભરાયેલ ખેડૂતને સાત્વન આપી ઉભો રાખ્યો. યુવાન આવતાં જ વડિલોએ એને ટપાર્યો કે 'ભલા આદમી ! આ તારો માલિક છે. કાંઈ વાંધો પડે તો શાંત રહેવાનું, સહી લેવાનું. આમ પહેલે જ દિવસે તું ખુન્નસ પર ઉતરી આવે તો તારી નોકરી ટકશે ક્યાંથી ?
'અરે વડિલો ! ખુન્નસ જેવી કોઈ જ વાત નથી. આ તો હું મારી નોકરીના કરાર મુજબ જ કરું છું. આમણે મારી સાથે ગઈ કાલે શરત કરી હતી ' કે હું કરું એ તારે કરવાનું.' એ ખેતરે ગયા, તો હું ખેતરે ગયો. એમણે મસ્તક પરથી પોટલી ફેંકી, તો મેં મસ્તક પરથી પાણીનું માટલું ફેંક્યું. એમણે મને કચકચાવીને ચાર લાફા માર્યા, તો મેં પણ કચકચાવીને ચાર લાફા માર્યા. એ ગામ તરફ દોડયા તો હું પણ ગામ તરફ દોડયો. એમણે ખેંસ ફેંક્યો, તો મેં પણ ખેસ ફેંક્યો. આમાં ખુન્નસની વાત જ ક્યાં છે ? આ તો કરાર મુજબની નોકરી છે. પેલા મધ્યસ્થી બનેલ વડિલો હસી હસીને બેવડ થઈ ગયા. ખેડૂતને બ્રહ્મજ્ઞાન થયું કે આ બુદ્ધિના બળદીયાને મફતમાં ય નોકરી ન રખાય.
ખેડૂતે જે સંદર્ભમાં 'હું કરું એ કરવાનું' કહ્યું હતું એનાથી સાવ વિપરીત સંદર્ભમાં પેલા નાસમજ યુવાને એ શબ્દોનો અમલ કર્યો. કારણ ? મંદબુદ્ધિ. આ મંદબુદ્ધિ જીવન માટે એક અભિશાપ છે. મંદબુદ્ધિની વ્યક્તિને એકાદ શ્લોક કે એકાદ સારી વાત સ્મૃતિમાં સ્થિર ન કરાવી શકાય. કદાચ બહુ મહેનતથી યાદ રખાવીએ, તો તે ક્યારે એમાં 'ઓડનું ચોડ' કરી બેસે એ ધારી ન શકાય. માટે મંદબુદ્ધિ અવસ્થા જીવન માટે ત્યાજ્ય છે..
૨) મલિન બુદ્ધિ : આ છે ત્યાજ્ય કક્ષાની બુદ્ધિનો બીજો પ્રકાર. આ પ્રકારમાં બુદ્ધિ મંદ જરા ય ન હોય અરે ! ઘણી વાર તો બુદ્ધિ એવી ધારદાર-તીવ્ર હોય કે સરેરાશ કેટલી ય વ્યક્તિઓએ બુદ્ધિ સામે છક્કડ ખાઈ જાય. છતાં આ બુદ્ધિ ત્યાજ્યની કક્ષામાં એટલા માટે આવે છે કે એ મલિન છે, સ્વ-પરને નુકસાનકારક છે. આપણે આ મલિન બુદ્ધિ કેવી હોય ? એની બે-ત્રણ ઝલકો નિહાળીએ :
એક જેઓની બુદ્ધિ ધારદાર હોવા છતાં મલિન છે તેઓ પોતાની તીવ્ર બુદ્ધિનો ઉપયોગ અન્યોને સમસ્યાથી મુક્ત કરવામાં ન કરે. બલ્કે અન્યોને સકંજામાં સપડાવવા કરે : જેમ કરોળિયો નાના ક્ષુદ્ર જંતુઓને પોતાની જાળમાં સપડાવવાની કોશિશ કરે એમ. મલિનબુદ્ધિવાળા વ્યક્તિ બુદ્ધિની તીવ્રતાના જોરે 'મુખમેં રામ બગલમેં છુરી' ન્યાયે દંભી-કપટી વલણ દ્વારા ભલભલાને શીશામાં ઉતારી દે.
બે, કોઈ પણ શુભ કાર્ય સમાજને-સંસ્થાને ચાહે તેવું લાભદાયી-હિતકારી કેમ ન હો. પરંતુ જેની બુદ્ધિ તીવ્ર છતાં મલિન છે એ વ્યક્તિનો 'ઇગો' કોઈ અગ્રણીઓ-કાર્યકરો સાથે ટકરાય યા એની જીદ-હઠાગ્રહ ન સંતોષાય તો એ વ્યક્તિ પોતાની મલિન બુદ્ધિના સથવારે દાવપેચ રમી પેલું શુભ કાર્ય રફે-દફે કરી વાળે. એને શુભ કાર્યની ઉપયોગિતામાં રસ ન હોય. પોતાનો 'ઇગો-જીદ સંતોષવામાં જ રસ હોય.. ત્રણ, જો એ તીવ્ર છતાં મલિન વ્યક્તિ ધર્મવિરુધ્ધ- સમાજવિરુદ્ધ આચરણ કરતી હોય યા વ્યસનોની કુટેવ ધરાવતી હોય તો એને કોઈ ગમે તેટલી સરસ રીતે સમજાવે છતાં એ આડી-અવળી દલીલો-કુતર્કો કરી એ હિતોપદેશ સ્વીકારશે નહિ, બલ્કે પોતાનાં ગલત આચરણને પુષ્ટિ આપવાની દલીલો કરશે.
છેલ્લે એક વાત : બુદ્ધિ મંદ હશે તો સારી વાત સમજી નહિ શકાય.. બુદ્ધિ મલિન હશે તો સારી વાત સ્વીકારી નહિ શકાય.