તમે જતું કરો છો એનો અર્થ એવો ય હોઈ શકે કે તમે સચ્ચાઈ કરતા સમજદારીને વધુ મહત્ત્વ આપ્યું છે !

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
તમે જતું કરો છો એનો અર્થ એવો ય હોઈ શકે કે તમે સચ્ચાઈ કરતા સમજદારીને વધુ મહત્ત્વ આપ્યું છે ! 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- " દૈનંદિન જીવનમાં કેટકેટલી ય નાની-મોટી ઘટનાઓ એવી બનતી રહે છે કે જેમાં આપણને અન્યાય થયો હોય- નુકસાન થયું હોય યા પરેશાની થઈ હોય. આવા સમયે દરેક બાબતનો તંત પકડી રાખી અંત ન લાવવામાં આવે તો એનાં કારણે માનસિક સંક્લેશથી લઈને ઘર્ષણ- ઝઘડા- મોટાં નુકસાનો ઘણીવાર થઈ જતાં હોય છે. આવી સ્થિતિમાં ઉપયોગી થાય છે આ જતું કરવાનો અભિગમ."

વ્યક્તિનો એપ્રોચ-અભિગમ કેવી મહત્ત્વપૂર્ણ બાબત છે તે બેટ્સમેનની રમત પર નજર કરવાથી સુપેરે સમજાય તેમ છે. ધારો કે બેટ્સમેન પહેલા બરાબર સેટ થાય- પછી પણ જરાય જોખમ લીધા વિના બિલકુલ સલામત શૈલીથી જ રમે તો એવું ય બને કે કટોકટીના તબક્કે એ ટીમને મેચ જીતાડી ન શકે. એથી વિપરીત અન્ય બેટ્સમેનનો એપ્રોચ એવો છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવી. દડા ખૂબ ઓછા બચ્યા હોય અને રન ઘણા કરવાના હોય એવા કટોકટીભર્યા તબક્કે એ જીતવાના ઝનૂનથી રમે, જોખમ ઉઠાવી જરૂર પડયે અર્ધી પીચ પર આવીને ફટકાબાજી કરે તો એવું ય બને કે એ અશક્ય જણાતો વિજય હાથવગો કરી શકે.

ધ્યાનથી વિચારીશું તો અહીં ફર્ક આવડતનો નથી, ફર્ક અભિગમનો-એપ્રોચનો છે. માત્ર ક્રિકેટમાં જ નહિ, જિંદગીની રમતમાં પણ અભિગમ એપ્રોચ ઘણો મોટો ફર્ક સર્જે છે. જરૂર એ નથી કે જિંદગીની રમતમાં અભિગમ ઝનૂનભર્યો જ હોવો જોઈએ. જરૂર એ છે કે ચોક્કસ લાભદાયી એપ્રોચ-અભિગમ હોવા જ જોઈએ. એ અભિગમ જે તે પરિસ્થિતિનો સર્વાંગીણ ક્યાસ કાઢીને અપનાવવાના હોય, આંખ મીંચીને નહિ. આ રીતે અપનાવાતા ઉચિત અભિગમોનો લાભ બહુ જોરદાર થાય. આવો, આપણે ત્રણ લેખમાં આવા કુલ ચાર ઉપયોગી અભિગમ પર વિચારવિહાર કરીએ :

(૧) જતું કરવાનો અભિગમ :- ઈંગ્લીશમાં જેને 'લેટ ગો નેચર' કહેવાય છે એ છે આ જતું કરવાનો અભિગમ. દૈનંદિન જીવનમાં કેટકેટલી ય નાની-મોટી ઘટનાઓ એવી બનતી રહે છે કે જેમાં આપણને અન્યાય થયો હોય- નુકસાન થયું હોય યા પરેશાની થઈ હોય. આવા સમયે દરેક બાબતનો તંત પકડી રાખી અંત ન લાવવામાં આવે તો એનાં કારણે માનસિક સંક્લેશથી લઈને ઘર્ષણ- ઝઘડા- મોટાં નુકસાનો ઘણીવાર થઈ જતાં હોય છે. આવી સ્થિતિમાં ઉપયોગી થાય છે આ જતું કરવાનો અભિગમ. આ માટે કેટલાક માપદંડ આવા વિચારી શકાય : (એ) જે બાબત સાવ નજીવી-નગણ્ય હોય એ બાબતનો તંત ન પકડવો. આવો તંત કોઈ લાભ વિના ક્યારેક મોટાં નુકસાનોની ભેટ ધરી દેતો હોય છે. (બી) જે બાબત ગણનાપાત્ર હોય. પરંતુ જેમાં જીદ કરવા જતાં- તંત પકડવા જતા બાબતની અપેક્ષાઓ બહુ મોટાં નુકસાન સર્જાવાની સંભાવના હોય તો એ ગણનાપાત્ર જણાતી વાતમાં ય જતું કરવાનો અભિગમ દાખવવો. (સી) જેમાં ખૂબ માનસિક સંતાપ થાય, દિવસો- મહિનાઓ- વર્ષો સુધી ચિત્ત સંક્લેશગ્રસ્ત-અસમાધિમય બને એવી બાબત મોટી હોય તો ય જતી  કરવી. કારણ કે એ કારણ કે એ સંક્લેશગ્રસ્ત-કષાયગ્રસ્ત મનોદશા ભવભ્રમણા વધારી આત્મિક દૃષ્ટિએ ભયાનક નુકસાન નોંતરે. (ડી) જે બાબતની પકડ બહુજનવર્ગમાં આપણી પ્રતિષ્ઠાને લાંછન લગાવે એ બાબત મહત્ત્વની હોય તો પણ જતી કરવી. કારણ કે પ્રતિષ્ઠા ગુમાવવા કરતા મહત્ત્વની બાબતની નુકસાની વેઠવી બહેતર છે.

પ્રાચીન વિશાલ વલ્લભી સામ્રાજ્યનો સમ્રાટ શિલાદિત્ય. એની રાજધાની વલ્લભીપુરમાં એના રાજમહેલની સામે કાકુ નામે વણિકની હવેલી હતી. કાકુ પણ શ્રીમંત અને તંતીલો હતો. એકવાર કાકુની દીકરી અગાશીમાં રત્નમય કાંસકીથી કેશસજ્જા કરી રહી હતી. એ દૃશ્ય નિહાળ્યું એની વયની રાજકુમારીએ. રત્નજડિત કાંસકી રાજકુમારીને બેહદ પસંદ આવી ગઈ.

એણે રાજા શિલાદિત્ય પાસે એ કાંસકી અપાવવાની માંગણી કરી. એમાં બાળહઠનો અને રાજહઠનો સંગમ હતો. સમ્રાટે રાજકન્યાને એ જ કાંસકી અપાવવાનું વચન દીધું. એમણે કાકુને કાંસકી આપવાનું ફરમાન કર્યું. કાકુની દીકરીને કાંસકી પ્રાણથી પ્યારી હતી. એથી એણે કાંસકી આપવાનો નનૈયો ભણી દીધો. સત્તાના તોરમાં છકી ગયેલ શિલાદિત્યે નાનકડા યુદ્ધ જેવું છમકલું કરી કાકુના પહેરેગીરોને માર મરાવ્યો અને સૈનિકોને હવેલીમાં મોકલી રત્નની કાંસકી ધરાર પડાવી લીધી.

કાકુ પણ તંતીલો હતો. આ અપમાનથી ભૂરાંટો થઈ એ પરદેશી રાજાઓ પાસે ગયો. સમ્રાટ શિલાદિત્યની તમામ નબળી લશ્કરી કડીઓની માહિતી આપી એણે પરદેશી શાસકોને આક્રમણ માટે ઉશ્કેર્યા. એટલું જ નહિ, ઠેઠ વલ્લભીપુર સુધી એમને લઈ આવ્યો. ભયાનક યુદ્ધમાં સમ્રાટ શિલાદિત્ય મરાયો અને સૈકાઓથી જામેલું વલ્લભીસામ્રાજ્ય સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયું ! કાકુ પણ પૂરેપૂરો ખુવાર થઈ ગયો !

હવે નિહાળીએ બીજો માપદંડ. આમાં જે તે બાબત સાથે વ્યક્તિને સીધું લાગતું-વળગતું હોય અને નુકસાન નજરે આવે એવું હોય. બની શકે કે એનું પ્રમાણ ઓછું-વધું હોય. પરંતુ એની સામે તંત-જીદ પકડવામાં જે નુકસાન હોય એ અત્યંત હોય. આવી સ્થિતિમાં-સંભાવનામાં વ્યક્તિએ મનસ્વીપણે-સ્વચ્છંદીપણે ન વર્તાય. બલ્કે સંભવિત વિરાટ નુકસાન નજર સમક્ષ રાખીને મન વાળવાપૂર્વક તંત છોડી દેવાનો- જતું કરવાનો અભિગમ રાખવો જોઈએ. જો આવો અભિગમ ન રખાય તો કેવા પ્રચંડ નુકસાનમાં તણાવું પડે એનું ઈતિહાસપ્રસિદ્ધ ઉદાહરણ છે દુર્યોધન.

ચૌદ વર્ષનો પાંડવોનો વનવાસ પૂર્ણ થયો ત્યારે પાંડવો-કૌરવો વચ્ચે યુદ્ધ ન થાય તે માટે વિષ્ટિકારની ભૂમિકા અદા કરી હતી શ્રીકૃષ્ણે. એમનું લક્ષ્ય એકમાત્ર એ હતું કે ભાઈઓ-ભાઈઓ વચ્ચે યુદ્ધ ન થાય અને લોહીની નદીઓ ન વહે. એ માટે પાંડવોનો વ્યાજબી હક જતો કરીને એમણે દુર્યોધન સમક્ષ મીનીમમ માંગણી રજૂ કરી કે 'પાંડવોને માત્ર પાંચ ગામનું રાજ્ય આપી દે.' આ પ્રસ્તાવમાં દુર્યોધનને સો ટકા લાગતું-વળગતું હતું અને પાંચ ગામ જવા દેવા જેટલું નુકસાન એને હતું. પરંતુ એની સામે તંત પકડવામાં ભયંકર યુદ્ધનું-પરાજયનું કુલસંહારનું જે સંભવિત નુકસાન હતું એ ખૂબ તોતિંગ હતું, એથી ખરેખર તો દુર્યોધને તંત જતો કરવા જેવો હતો. પરંતુ એણે મનસ્વી-ઉદ્દંડ બની તંત પકડી રાખતા સ્વચ્છંદી ઉત્તર આપ્યો "પાંચ ગામ તો શું, સોયની અણી પર રહે તેટલી ભૂમિ પણ પાંડવોને આપવા હું તૈયાર નથી. પાંડવોને જે જોઈતું હોય તે માંગીને નહિ, યુદ્ધ કરીને લે." શાણપણ વિનાના આ તંતનુ જે કરૂણ પરિણામ આવ્યું એ જગપ્રસિદ્ધ છે. સમગ્ર સામ્રાજ્ય તો એના હાથમાંથી ગયું. ઉપરાંત કૌરવકુલનો સંહાર થયો અને દુર્યોધન યુદ્ધમાં ભયંકર પીડા સાથે કમોતે મર્યો એ અલગ.

ત્રીજો માપદંડ આપણે એ વિચાર્યો હતો કે જેનાથી મન સતત સંક્લેશગ્રસ્ત-કષાયગ્રસ્ત રહે એવી બાબત આપણા માટે મોટી હોય તો પણ જતી કરવી. ઉદાહરણરૂપે લઈએ મોટી રકમની ઉઘરાણી. ધારો કે તમારી મોટી રકમ ફસાઈ ગઈ છે અને એ પરત આવે એવી કોઈ શક્યતા જણાતી નથી. તમારા હિતેચ્છુઓ એ સમયે તમને વાંકી આંગળીએ ઘી કાઢવાની સલાહ આપે અર્થાત્ રકમ દબાવી દેનારના હાથ-પગ ભંગાવવા કે જાનથી ખતમ કરવાનો ઉપાય સૂચવે. તમે ધર્મિષ્ઠા છો. એથી આમાં મન કાયમ સંક્લેશમય-કષાયગ્રસ્ત રહે એની તમને ભીતિ અનુભવાય. તમે કોઈ ગુરૂભગવંતનું માર્ગદર્શન લો. તો એ તમને એ જ સમજાવશે કે 'મન સંક્લેશગ્રસ્ત બને એવી કોઈ મારામારી જેવી હીન પ્રવૃત્તિ કરાવવા કરતા એ રકમ તમારી હતી જ નહિ એમ માની એને જતી કરો. એનાથી સંક્લેશ-દુર્ગતિ આદિથી બચી તો જવાશે.' ના, આ માત્ર કોરી કલ્પના નથી. આવો ઉપદેશ ઝીલીને ચિત્તસમાધિ ખાતર લાખો-ક્રોડો રૂ.ની ઉઘરાણી જતી કરનાર પુણ્યાત્માઓ આજે ય મોજૂદ છે, અમારા પરિચયમાં છે. મુખ્યત્વે આત્માર્થી પુણ્યાત્માઓ આ માપદંડ અનુસાર જતું કરવા તત્પર થાય.

આપણે અંતિમ માપદંડ એ વિચાર્યો હતો કે પ્રતિષ્ઠાને લાંછન લાગે તેમ હોય ત્યારે મહત્ત્વની બાબત પણ જતી કરવી. આ સંદર્ભમાં આપણા દૃષ્ટિબિંદુથી મૂલવીએ રામચન્દ્રજીની જીવનઘટનાને. તેઓ જ્યેષ્ઠ રાજકુમાર હોવાથી રાજ્ય પર હક એમનો જ હતો. આ બાબત આગળ ધરીને એમણે પિતા દશરથરાજાની વાત માનવાનો ઈન્કાર કર્યા હોત તો પરમ પિતૃભક્ત અને મર્યાદાપુરૂષોત્તમ તરીકેની એમની પ્રતિષ્ઠાને લાંછન લાગત. એમણે પિતાનો પડયો બોલ તત્કાલ બહુમાનથી ઝીલવાનો અને રાજગાદી જતી કરવાનો જે અભિગમ દાખવ્યો એનાથી તેમની પ્રતિષ્ઠા લોકહૃદયમાં બહુ વ્યાપક રીતે વૃદ્ધી પામી. અલબત્ત, રામચન્દ્રજીએ પ્રતિષ્ઠા લક્ષ્યમાં રાખી રાજગાદી જતી કરી ન હતી. એમણે તો વિશુદ્ધ પિતૃભક્તિથી જ એ અભિગમ દાખવ્યો હતો. માત્ર આપણા દૃષ્ટિબિંદુથી આ ઘટના મૂલવતાં આપણને એ ચોક્કસ પ્રતીતિ થશે કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એ કરતાં મહત્ત્વની બાબતને જતી કરવી એ ઉત્તમ શાણપણ છે.

છેલ્લે એક સરસ વાત : તમે જ્યારે કાંઈક જતું કરો છો ત્યારે એનો અર્થ એ નથી કે તમે ખોટા છો. કેટલીકવાર એનો અર્થ એ હોય છે કે તમે સચ્ચાઈ કે ન્યાય કરતાં સમજદારીને મહત્વ આપ્યું છે !


Google NewsGoogle News