સાધનાની સમૃદ્ધિ સર્વોપરિ સમૃદ્ધિ છે...એનાથી સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થાય છે..
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
સંપત્તિની સમૃધ્ધિ જીવનને જે આનંદથી તર-બ-તર ન કરી શકે તે આનંદથી તર-બ-તર કરી શકે તેવી અન્ય પણ વિવિધ સમૃદ્ધિઓ આપણી આસપાસ અવશ્ય છે. એ માત્ર સાત્ત્વિક આનંદ જ અર્પે છે એમ નથી. બલ્કે એથી ય વિશેષ જીવનને ઉચ્ચ ભૂમિકાઓ પણ સર કરાવે છે. આવો, ગત્ લેખથી આરંભેલ વિવિધ સમૃદ્ધિઓ સંબંધી વિચારણામાં આજે આપણે ત્રીજા અને ચોથા ક્રમની સમૃદ્ધિ અંગે વિચારવિહાર કરીએ.
૩) સંવેદના સમૃદ્ધિ : સંસ્કૃત ભાષાનો શબ્દ છે 'સંવેદના'. એમાં બે શબ્દનું સંયોજન છે : સમ્+વેદના. સમ્નો અર્થ છે સમાન અને વેદનાનો અર્થ છે પીડા. અકસ્માત્- રોગ- દુર્ઘટના વગેરેનાં કારણે જે વ્યક્તિ પીડિત-પરેશાન હોય તેના જેવી-સમાન પીડાની લાગણી એને નિહાળતાં-એની વાત સાંભળતા અનુભવાય એને કહેવાય સંવેદના. આવી સંવેદનાની સમૃદ્ધિ ધરાવનાર વ્યક્તિ જો સક્ષમ હોય તો માત્ર સંવેદના અનુભવીને જ વિરમી ન જાય, બલ્કે સામી વ્યક્તિને પોતાની ક્ષમતાને અનુરૂપ સહાયક થાય. એક-બે ઉદાહરણ દ્વારા એ સમજીએ :
ધારો કે એક દરિદ્ર વ્યક્તિ બે દિવસથી અન્ન વિનાની હોવાથી ક્ષુધાપીડિત છે. તો સંવેદના ધરાવતી વ્યક્તિ એને નિહાળીને એવી જ પીડા અનુભવશે. પછી જો એ શક્તિ સંપન્ન હશે તો આગળ વધશે કે આને પેટભરપૂર ભોજન આપી આની ક્ષુધાની આગ શમાવું. આ વિચારનો અમલ કરી એ સામી વ્યક્તિનાં ક્ષુધાનાં દુ:ખનું નિવારણ કરશે. ધારો કે એક વ્યક્તિ કેન્સરથી પીડિત છે. તો સંવેદના ધરાવતી વ્યક્તિ એનું બેહદ્-બેકાબૂ દુ:ખ જોઈ અંત:કરણથી દ્રવી જશે. સારવાર શ્રેષ્ઠ હોવા પછીની ય સ્થિતિ આ હોવાથી એ ઉપચારના માર્ગે ભલે સહાયક ન થઈ શકે. પરંતુ એ એની પાસે બેસી એને આશ્વાસન-સાન્ત્વન મળે એવી સરસ પ્રેરણાદાયી વાતો કરશે. એથી વિશેષ ક્ષમતા હશે તો દર્દીનું મન આર્તધ્યાનમાં ન જાય- અસમાધિમાં ન જાય - તે માટે સમાધિદાયક ઉપદેશ-ઉદાહરણો આપશે. છેવટે કાંઈ ન કરી શકાય તેમ હશે તો એ સંવેદનાભરી પ્રાર્થના કરશે. કેવી હોય સંવેદનાથી ભીની-ભીની પ્રાર્થના એ જાણવું છે ? તો વાંચો આ મજાની-પ્રેરણાદાયી સત્ય ઘટના :
જૈન પરંપરાનું એક સુવિખ્યાત યાત્રાધામ શંખેશ્વરતીર્થ. લાખો યાત્રિકોનું એ અજોડ આસ્થાકેન્દ્ર છે. યાત્રિકોનો પ્રવાહ ત્યાં નિરંતર વહેતો રહે અને એ પ્રભુ સમક્ષનો ભંડાર પણ છલકાવતો રહે. દર મહિને એ ભંડારાની રકમ ગણવા સેવાભાવી કાર્યકરો જાય ત્યારે ભંડારમાંથી ભાવુક ભક્તોએ કરેલ પ્રાર્થનાની થોડી ચિઠ્ઠીઓ પણ નીકળે. એમાં એક નાના આઠ-દશ વર્ષના બાળકે લખેલ પ્રાર્થના ચિઠ્ઠી એવી નીકળી કે એ વાંચતા કાર્યકરોની આંખમાં, એ બાળકની સંવેદના માટે, અહોભાવનાં આંસુ આવી ગયા. બાળકની એ ચિઠ્ઠી કાંઈક આવી હતી :
'હે પ્રભુ શંખેશ્વરદાદા ! તમારે મારી એક પ્રાર્થના ધ્યાનમાં લઈ એ પ્રમાણે મારું કામ કરી આપવાનું છે. હંહ જે બિલ્ડીંગમાં રહું છું, એની આસપાસ કૂતરાં-બકરી-ગાયો વગેરે ફરતા હોય છે એ કોઈને કાંઈ નુકસાન કરતાં નથી. તો પણ ઘણા લોકો એમને પથ્થરો-લાકડીઓ વગેરેથી ખૂબ માર મારી એ અબોલ જીવોને ઇજાગ્રસ્ત કરે છે. મારાથી પશુઓનું આ દુ:ખ જોવાતું નથી. સાથે જ હું એ હેરાન કરનારાઓને અટકાવી પણ શક્તો નથી. કેમ કે મારી એવી તાકાત નથી. હું મોટો થઉં ત્યારે તમે મને પશુઓનો ડોક્ટર બનાવી દેજો. જેથી હું આવા તમામ ઇજાગ્રસ્ત પશુઓની સેવા-સારવાર કરી શકું. મારે પૈસા કમાવવા ડોક્ટર નથી બનવું, પશુઓની તકલીફો દૂર કરવા ડોક્ટર બનવું છે. મારું આટલું કાર્ય તમે કરી આપજો ને ?'
શું છે આ બાળહૃદયના શબ્દો ? સં-વેદનાનું અર્થાત્ પશુઓના જેવી-સમાન માનસિક વેદનાનું સાકાર સ્વરૂપ. આ સંવેદનશીલતા જ્યારે ટોચ સર કરે-પરાકાષ્ઠાની કક્ષા પામે ત્યારે 'જગતના તમામ જીવોને વાસ્તવિક સ્વરૂપે સર્વ દુ:ખોથી મુક્ત કરવાની મને શક્તિ મળો.' ની વિશ્વકલ્યાણની ભાવના હૈયે ઘુંટાય અને એના પરિણામરૂપે તીર્થકર બનવાનું- અરહિંત પરમાત્મા બનવાનું સૌભાગ્ય મળે. સાર એ થયો કે 'સંવેદનાની સમૃદ્ધિ તો આત્માને પરમાત્મા બનાવવા સુધીનું પ્રબળ સામર્થ્ય ધરાવે છે.'
જૈન પરંપરામાં આયંબિલતપનો ખૂબ મહિમા છે. અલબત્ત, આયંબિલતપ ખૂબ કઠિન છે. કેમ કે એમાં તમામ રસ-કસરહિત માત્ર બાફેલ ભોજન જ દિવસમાં એકવાર વાપરવાનું હોય. જેને ફાવે એ જ આમાં આગળ વધી શકે. બાકીનાને તો એક આયંબિલમાં ય ધોળે દિવસે તારા દેખાય. અમારી સ્થિતિ આયંબિલક્ષેત્રે આવી હતી. આથી સુડતાળીશ વર્ષનાં સંયમજીવનમાં અનિવાર્ય સિવાય કોઈ આયંબિલ કર્યા ન હતા. પરંતુ આયંબિલતપ કરનાર પ્રત્યે સંવેદના-હૈયાનો અહોભાવ ખૂબ.
કોરોના કાળના પ્રારંભે ચૈત્રી ઓળીમાં અમારા તમામ વીશ શિષ્યોને ચૌદશનું આયંબિલ હતું. એકમાત્ર અમે જ આયંબિલમાંથી બાકાત. હૈયે ખૂબ સંવેદના-ભીનાશ પ્રગટી એ દિવસે કે 'મને પણ આ બધા સાથે આયંબિલનો લાભ ક્યારે મળશે ?' આ હૈયાની સાચી સંવેદનાએ માત્ર પાત્રીશ દિવસમાં બહુ મોટું પરિણામ આપ્યું. બરાબર પાંત્રીશમાં દિવસે અમે એકાએક એકાંતર પાંચસો આયંબિલનો પ્રારંભ કર્યો. અમે કુલ ઓગણસાઠ સંયમીઓ એમાં સાથે રહ્યા. અને સવા બે વર્ષ સુધીમાં અમારા પાંચસો આયંબિલ કોઈ જ અવરોધ વિના પૂર્ણ થયા ! હૈયાની સાચી સંવેદનાનું આ અશક્ય છતાં શક્ય પરિણામ આવ્યું.
- છેલ્લા આઠ વર્ષોમાં અમારા તથા શિષ્યવૃંદના ચાતુર્માસોમાં સામૂહિક માસક્ષમણ-સળંગ ત્રીશ ઉપવાસનું તપ યોજાય છે. ચોવીશે ય કલાક તમામ પ્રકારના આહારનો ત્યાગ અને ઉકાળેલ પાણીમાત્ર દિવસના અમૂક કલાક જ વાપરવાની છૂટ : આ જૈન ઉપવાસ છે. સળંગ ત્રીશ દિવસ આહારના અંશ પણ વપરાશ વિના રહેવું કેવું ભગીરથ-અતિ કઠિન છે તે જૈન ઉપવાસના ઉપરોક્ત જેવા નિયમોથી સમજી શકાય તેમ છે. આમ છતાં પ્રભુની અને અમારા દિવગંત ગુરુદેવોની અનુપમ કૃપાવર્ષાના પ્રભાવે અમારા હસ્તક આઠ ચાતુર્માસમાં કુલ માસક્ષમણો થયા ત્રેવીશસો અઠ્ઠાવન !
આ દરેક ચાતુર્માસમાં આરાધકોને માસક્ષમણની પ્રેરણા આપતાં અને એમને માસક્ષમણ કરતાં નિહાળી અમને પણ સંવેદના પ્રગટતી કે 'એક સમય મારો પણ આવે જેમાં મારાથી માસક્ષમણ થાય.' જો કે અમારા માટે એ અશક્ય એટલા માટે હતું કે સત્તાવન વર્ષના જીવનકાળમાં એક ઉપવાસથી વધુ ઉપવાસ (છટ્વનો એક પ્રસંગ છોડીને) કદાપિ કર્યો ન હતો. આ સ્થિતિમાં માસક્ષમણની વાત એટલે 'પેરાલીસીસ' વાળી વ્યક્તિ 'એવરેસ્ટ' આરોહણની વાત કરે એના જેવી બીના. પરંતુ વર્ષો સુધી અન્યોને માસક્ષમણ કરાવતા હૈયે એવી ભીની ભીની સંવેદના જામતી રહી કે માસક્ષમણ જેવું અશક્ય તપ પણ હમણાં બે માસ પૂર્વે બિલકુલ નિરાબાધ થયું. ચોક્કસ જ એમાં મુખ્ય પરિબળ પ્રભુકૃપા અને ગુરુકૃપા જ હતા. પરંતુ આનુષંગિક એક મહત્ત્વનું પરિબળ આ હાર્દિક સંવેદના પણ હતું !
૪) સાધના સમૃદ્ધિ : આ લેખ અમે સિદ્ધક્ષેત્ર- પાલિતાણામાંથી લખી રહ્યા છીએ. અહીંની ચેન્નઈ ધર્મશાળાના જે ખંડમાં અમારી સ્થિરતા છે ત્યાંથી અમે દિવસમાં જાણે કે સો વાર શત્રુંજયગિરિરાજનાં દર્શન કરીએ છીએ. દરેક વેળા ગિરિરાજને હાથ જોડી નમન કરતાં જે વિચારો આવે છે એ જ સંક્ષેપમાં આ સાધના-સમૃદ્ધિનાં વિવરણરૂપે ટાંકવા છે. એમાં મુખ્ય ચાર સોપાન છે. પહેલું સોપાન છે સંકલ્પ. આમાં સાધક પોતાનું લક્ષ્ય નિશ્ચિત કરવા સાથે સાધનાનો નિર્ણય કરે.
છેલ્લે એક વાત : સાધનાની સમૃદ્ધિ સર્વોપરિ સમૃદ્ધિ છે.. એનાથી સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થાય છે.