પાલિતાણામાં ભવ્ય શત્રુંજય-સૂર્યોદયધામ : પ્રભુની અને ગુરુની કૃપાને કોઈ કિનારા નથી હોતા
- અમૃતની અંજલિ આચાર્ય વિજયરાજરત્નસૂરિ
પરમતારક પરમાત્મા શ્રી તીર્થંકરભગવંતો માટે 'પંચસૂત્ર' નામે જૈન ગ્રન્થમાં એક મજાનું સૂત્ર છે કે 'અચિંતસત્તિજુત્તા હિ ભગવંતો વિયરાગા.' મતલબ કે પરમાત્મા અચિંત્ય શક્તિસંપન્ન છે. અચિંત્યનો અર્થ છે કલ્પના પણ ટૂંકી પડે તેવી.
પ્રભુનાં સામર્થ્યને દર્શાવતું જેમ આ વિશેષણ મળે છે, તેમ ગુરુદેવનાં સામર્થ્યને દર્શાવતી સરસ વિશેષતા 'ગુરુતત્ત્વવિનિશ્ચય' ગ્રન્થમાં મળે છે. ગુરુ માટે એ ગ્રન્થમાં પંક્તિ લખાઈ છે 'ગુપ્પસાયા ઉ અટ્વસિદ્ધિઓ.' ભાવાર્થ કે ગુરુની કૃપાથી સામાન્ય જ નહિ, બલ્કે સંસારની સૌથી વિશિષ્ટ આઠ-આઠ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ શકે છે.
જૈન પરંપરામાં દેવ અને ગુરુને સર્વાધિક મહત્ત્વ અપાયું છે. એથી જ ત્યાં મોટામાં મોટી ધાર્મિક-આધ્યાત્મિક ઉપલબ્ધિઓમાં ય 'દેવ-ગુરુપસાય' જેવો શબ્દપ્રયોગ થાય છે. પ્રશ્ન એ થાય કે એ અચિંત્ય શક્તિનો અનુભવ કેવી રીતે થાય ? એકદમ સરલ ઉત્તર છે ભક્તિ અને સમર્પણથી. હજાર વોલ્ટેજનો પ્રકાશ પાથરવાની ક્ષમતા ભલે એક બલ્બમાં હોય. પરંતુ જગતને એ પ્રકાશનો અનુભવ ત્યારે થાય કે જ્યારે સ્વીચ ઓન થાય. પ્રભુ અને ગુરુ હજાર વોલ્ટેજના બલ્બનાં સ્થાને જો છે, તો ભક્તિ અને સમર્પણભાવ સ્વીચ ઓન કરવાની પ્રક્રિયાનાં સ્થાને છે. ભક્તિભાવ-સમર્પણભાવ વિકસ્વર બને એટલે પ્રભુકૃપા-ગુરુકૃપા વરસે જ. આ પ્રબુદ્ધ જનોનું મંતવ્ય છે.
અમે એ લખતાં રોમાંચ અનુભવીએ છીએ કે અમારા માટે આ મંતવ્ય માત્ર જાણકારીનો વિષય જ નહિ, બલ્કે છલોછલ અનુભૂતિનો વિષય રહ્યો છે. એટલે જ અમે આત્મશ્લાઘા માટે નહિ, બલ્કે તટસ્થતાથી એ જણાવીએ છીએ કે અન્યોને પ્રગતિ માટે જે બાબતોનું આકર્ષણ હોય છે તે બાબતોનું આકર્ષણ અમને નથી થતું. કોઈને જ્યોતિષનું આકર્ષણ હોય છે, કોઈને મન્ત્ર-તન્ત્રનું આકર્ષણ હોય છે, તો કોઈને શંખ-ગ્રહોના નંગ વગેરેનું આકર્ષણ હોય છે. અમને આવાં કોઈ તત્ત્વોનું આકર્ષણ નથી. છે માત્ર પ્રભુકૃપાનું અને ગુરુકૃપાનું આકર્ષણ. અમે માનીએ છીએ કે પ્રભુકૃપા-ગુરુકૃપા બાહ્ય અને અભ્યંતર, બન્ને પ્રકારની પ્રગતિ કરાવે છે. અભ્યંતર પ્રગતિ તો નિશ્ચિત કલ્યાણ કરાવે જ. એમાં મીનમેખ નથી. પરંતુ બાહ્ય પ્રગતિ ઘણી વાર અહંકાર વગેરે દૂષણો સર્જવા દ્વારા અકલ્યાણ પણ કરાવે. કિંતુ એક વાત સો ટકાનું સત્ય છે કે પ્રભુકૃપા-ગુરુકૃપાનાં કારણે સર્જાતી બાહ્ય પ્રગતિ ક્યારેય અહંકાર વગેરે દૂષણો પ્રગટાવતા નથી. એ તો આસમાનની ઊંચાઈને આંબે તેવી બાહ્ય પ્રગતિ વચ્ચે ય વ્યક્તિને આ માનવા-બોલવા પ્રરિત કરે કે 'દેવ-ગુરુપસાય.'
અમે આ 'દેવ-ગુરુપસાય'ની ભાવધારામાં અહીં લખીશું મુખ્યત્વે 'શત્રુંજય-સૂર્યોદયધામ'ના ઉદ્દગમની વાત. જૈનોના સર્વોચ્ચ તીર્થધામ શત્રુંજયગિરિરાજની છાયામાં પાલિતાણામાં અમારું ગત ચાતુર્માસ નેવું સંયમીભગવંતો સાથે થયું. આ ચાતુર્માસમાં સાતસો પચાસ આરાધકોની સામૂહિક ચાતુર્માસ આરાધના, ઉપધાનતપ, સામૂહિક નવાણુંયાત્રા અને ચાર-ચાર પદયાત્રાસંઘો પૂર્વનિર્ધારિત હતા. આ તમામ ધર્મકાર્યો તો પ્રભુ-ગુરુકૃપાથી અદ્દભુતસ્વરૂપે ઉત્કૃષ્ટ ઉલ્લાસપૂર્વક થયા જ. પરંતુ એ સિવાયનાં ચાર વિશિષ્ટ ધર્મકાર્યો એવાં ય થયાં કે પાલિતાણામાં પ્રવેશસમયે જેનો કોઈ વિચારમાત્ર ન હતો.
એમાનું પ્રથમ કાર્ય એટલે પવિત્રતમ સિદ્ધગિરિરાજ ઉપર બાબુના દેરાસરપરિસરમાં, અમારા તારક ગુરુદેવ દર્ભાવતીતીર્થોદ્ધારક આ.ભ.શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના ગુરુમંદિરની પ્રતિષ્ઠા. આમ તો અત્યાર સુધીમાં તેઓના ગુરુમંદિરો ચોપન નક્કી થયા છે અને તે પૈકી આ પચાસમી ગુરુમૂર્તિપ્રતિષ્ઠા થઈ. પરંતુ આ પ્રતિષ્ઠા સિદ્ધગિરિરાજ પર થઈ એનો અમને સર્વાધિક આનંદ છે... બીજું કાર્ય થયું બે યુવામુમુક્ષુઓની દીક્ષાનું. ઓગણીશ વર્ષના શ્રીરાજકુમારની અને ત્રેવીશવર્ષીય કુ. ઋત્વીની દીક્ષા દોઢેક વર્ષ બાદ થાય તેવી ધારણા હતી. પરંતુ સિદ્ધ ક્ષેત્રની પુણ્યભૂમિમાં બન્નેના ચારિત્યભાવ તીવ્રતમ બન્યા અને સિદ્ધગિરિરાજ ઉપર જ બન્નેના દીક્ષા મહોત્સવો થયા... ત્રીજું કાર્ય થયું પાંચમા પદયાત્રા સંઘનું. માત્ર અમારી નિશ્રામાં જ નહિ, પાલિતાણાના આ વર્ષના તમામ સંઘોમાં શિરમોર બની રહે તેવો આ પદયાત્રા સંઘ ઉદારતા-વ્યવસ્થા-પ્રભાવના-ભક્તિ-પાલિતાણામાં પ્રવેશસ્વાગત વગેરે સર્વ બાબતોમાં ઉત્કૃષ્ટ હતો. એમાં બારસો નેવું તો યાત્રિકો હતા જેમાં યંગસ્ટર્સનું પ્રમાણ સૌથી વધુ હતું!
ચોથું અને મહાન ચિરસ્થાયી ધર્મકાર્ય એટલે 'શત્રુંજય-સૂર્યોદયધામ' નિર્માણ. અમે પાલિતાણાની પુણ્યભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે અંતરનાં એક ખૂણે આછો પણ કોઈ ધર્મસંકુલનિર્માણનો વિચારમાત્ર ન હતો. અમારું લક્ષ્યાંક એ ચાતુર્માસમાં હતું માસક્ષમણ કરવાનું. પ્રભુ-ગુરુકૃપાથી, માસક્ષમણ કરવાનું લક્ષ્ય આસમાનને આંબવા જેવું હોવા છતાં સિદ્ધ થયું. માસક્ષમણ શરૂ થયું તે પૂર્વેથી લઈને માસક્ષમણ દરમ્યાન મુંબઈથી આવતા ભાવિકોનો અને ચાતુર્માસમાં સાથે વિરાજમાન શ્રમણીવૃંદોનો સતત તીવ્ર અનુરોધ રહ્યો કે 'આ સિદ્ધક્ષેત્રમાં સેંકડો ભાવિકો એક સાથે એમ જ સ્થળે આરાધના કરી શકે તેવું ધર્મસંકુલ આપની પ્રેરણાથી થવું જ જોઈએ.' અમારું વિચરણ પાલિતાણા તરફ ખૂબ અલ્પ હોવાથી આ બાબતે અમારો પ્રતિસાદ મોળો હતો. પરંતુ જાણે કે પ્રભુકૃપા-ગુરુકૃપા આ કાર્ય કરાવવા જ ઈચ્છુક-ઉત્સુક હોય તેમ માસક્ષમણના અટ્વાવીશમા ઉપવાસે એકાએક વિરાટ ભૂમિખંડ ખરીદાઈ પણ ગયો ! પ્રસ્તાવિત ધર્મસંકુલનું નામ વિચારાયું 'શત્રુંજય-સૂર્યોદયધામ.'
બે દિવસ બાદ, સામૂહિક એકસો બત્રીશ માસક્ષમણોના ઐતિહાસિક પારણા સમારોહમાં રજૂ થયેલ લાભયોજનામાં લાભ લેવા ભાવિકોએ પડાપડી કરી. તે પછી દશા દિવસ જેટલા અલ્પ સમયમાં બે મોટા લાભો સાથે કુલ આયોજનનું સિત્તેર ટકા દાન તો ઘોષિત પણ થઈ ગયું. ધ્યાનાકર્ષક બાબત એ છે કે અટ્વાવીમાં ઉપવાસે જ્યારે અચાનક આનો નિર્માણનિર્ણય થયો ત્યારે એક પણ લાભાર્થી પૂર્વનિશ્ચિત ન હતો. કેમ કે આવાં કોઈ આયોજનનો વિચારમાત્ર કે યોજનામાત્ર હતી જ નહિ. પછી ત્યારે લાભાર્થીની વાત જ ક્યાંથી હોય? આમ છતાં આ વિરાટ પ્રકલ્પનો મહદંશ લાભ માત્ર દશ દિવસમાં ભાવિકો લઈ લે એ ચોક્કસ અનરાધાર વરસતી પ્રભુકૃપાનું અને ગુરુકૃપાનું જ પરિણામ માની શકાય.
'દેવ-ગુરુપસાય'ની ભાવધારાના બાહ્ય-નજરે નિહાળાતા અમારા જીવનના પરિણામોમાં (૧) માસક્ષમણ, ચોવિહાર છટ્વ સહિત સાત યાત્રા, વર્ષીતપ જેવી અમારી શારીરિક ક્ષમતા સંદર્ભની અશક્ય તપશ્ચર્યાઓ (૨) ધર્મધામ નાગેશ્વરતીર્થ, ધર્મ-સૂર્યોદયધામ-જીરાવલાપાર્શ્વતીર્થ, શત્રુંજય યુગાદિદેવ દિવ્ય-વસંતધામતીર્થ, શંખેશ્વર-સૂર્યોદયધામ, અન્ય વિહારધામો તેમજ વિવિધ સંઘોમાં સંપૂર્ણ જીર્ણોદ્ધારો-નૂતન જિનાલયો-ઉપાશ્રયો આદિ અને (૩) બન્ને ગુરુદેવોસંબંધી ગ્રન્થપ્રકાશનો ગણી શકાય. એ પૈકી એક ઉલ્લેખ કરવો છે 'યુગદિવાકરલ્લ મહાગ્રન્થનો.
અમારા ઉત્કટ શ્રદ્ધાકેન્દ્ર પરમ ગુરુદેવ યુગદિવાકર આ.ભ.શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજનો જીવનગ્રન્થ અમારા માટે બાળવયથી જીવનસ્વપ્ન અમારા માટે બાલવયથી જીવનસ્વપ્ન સમો હતો. સોળ વર્ષની વયે મુંબઈ-ચેમ્બુરતીર્થમાં તેઓની સમાધિભૂમિ પર પ્રાર્થના કરી હતી કે ''ગુરુદેવ ! જીવનમાં બીજું એકે ય પુસ્તક ન લખી શકું તો ચાલશે. પરંતુ આપનો જીવનગ્રન્થ તો લખાવજો જ.'' સચ્ચાઈભરી એ પ્રાર્થનાએ ગુરુકૃપા એવી વરસાવી કે પરમગુરુદેવની જન્મશત્બ્દી પ્રસંગે વિશાલ કદનો સાતસો પેજનો દલદાર એ 'અથેતિ' જીવનગ્રન્થ આલેખાયો-પ્રકાશિત થયો. અમારા કુલ એકસો નવ પુસ્તકોમાં આ 'યુગદિવાકર' ગ્રન્થ અને ગુરુદેવશ્રીનો તેટલો જ વિરાટ 'તમે સૂરજ થઈને ચમક્યા' મહાગ્રન્થ અમારા માટે સર્વોત્તમ-સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ છે.
આ બાહ્ય ઉપરાંત દોષનાશ-ગુણવિકાસના અભ્યંતર અને ઉત્તમ આત્મકલ્યાણકર લાભો 'દેવ-ગુરુપસાય'ની ભાવધારાથી થાય છે એ અલગ. આ જ ભાવધારામાં સમાપન કરતા અમે એ જ કહીશું કે ઃ-
પ્રભુકૃપા સે ગુરુ મિલે...
ગુરુકૃપા સે પ્રભુ મીલે...
''જૈન પરંપરામાં દેવ અને ગુરુને સર્વાધિક મહત્ત્વ અપાયું છે. એથી જ ત્યાં મોટામાં મોટી ધાર્મિક-આધ્યાત્મિક ઉપલબ્ધિઓમાં ય 'દેવ-ગુરુપસાય' જેવો શબ્દપ્રયોગ થાય છે. પ્રશ્ન એ થાય કે એ અચિંત્ય શક્તિનો અનુભવ કેવી રીતે થાય? એકદમ સરલ ઉત્તર છે ભક્તિ અને સમર્પણથી. હજાર વોલ્ટેજનો પ્રકાશ પાથરવાની ક્ષમતા ભલે એક બલ્બમાં હોય. પરંતુ જગતને એ પ્રકાશનો અનુભવ ત્યારે થાય કે જ્યારે સ્વીચ ઓન થાય. પ્રભુ અને ગુરુ હજાર વોલ્ટેજના બલ્બનાં સ્થાને જો છે, તો ભક્તિ અને સમર્પણભાવ સ્વીચ ઓન કરવાની પ્રક્રિયાનાં સ્થાને છે. ભક્તિભાવ-સમર્પણભાવ વિકસ્વર બને એટલે પ્રભુકૃપા-ગુરુકૃપા વરસે જ. આ પ્રબુદ્ધ જનોનું મંતવ્ય છે.''