Get The App

પાલિતાણાના 123 માસક્ષમણતપસ્વીઓના વંદનીય તપપ્રસંગો : તપસ્વીનો જયજયકાર

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
પાલિતાણાના 123 માસક્ષમણતપસ્વીઓના વંદનીય તપપ્રસંગો : તપસ્વીનો જયજયકાર 1 - image


- અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ 

- ગુરુદેવની નિશ્રાના ૨૩૫૮ માસક્ષમણોમાં આ વર્ષે સૌથી વધુ-રેકોર્ડરૃપ ૩૨ સાધુ-સાધ્વીજીએ માસક્ષમણો કર્યા છે. તેમાં આશ્ચર્યજનક છે (૧) ૧૧ વર્ષીય બાલમુનિ જિનાંશરત્નવિજયજીનું માસક્ષમણ (૨) સપરિવાર દીક્ષિત મુનિ શૌર્યરત્નવિજયજીના સમગ્ર પરિવારનું માસક્ષમણ અને એમના ૪૫ ઉપવાસ (૩) પહેલા સળંગ ૧૦૦૮ આયંબિલ, પછી અઢી માસના વિરામ બાદ સળંગ ૭૭૦ આયંબિલ અને એના પર એક પણ પારણા વિના માસક્ષમણ કરનાર સા.ધ્યાનદર્શિતાશ્રીજી. 

આકાશમાંથી વરસતું જલબિંદુ ભલે સરેરાશ - સામાન્ય હોય. પરંતુ એને ક્ષેત્ર-સ્થાન કેવું મળે છે એના આધારે એની ગુણવત્તામાં ધરખમ હાનિ-વૃદ્ધિ થાય. જો એ જલબિંદુ ગટરમાં પડે તો એ મલિન જઈ ગટરરૃપ બની જાય, એ જો ગંગાનદીમાં પડે તો ગંગાજલરૃપે સ્થાન-માન પામે અને જો એ જલબિંદુ સ્વાતિનક્ષત્રના યોગમાં છીપનાં મુખમાં જાય તો તો એ સ્વયં મોતી બની જઈ લાખો રૃપિયાનું મૂલ્ય ધરાવતું થઈ જાય! જલબિંદુ તો એનું એ જ છે. એની ગુણવત્તામાં જે ચડાવ-ઉતાર આવ્યો એમાં સૌથી અસરકાર ભૂમિકા એને પ્રાપ્ત થયેલ ક્ષેત્રની-સ્થાનની છે. ક્ષેત્ર કેવું બલવાન આલંબન છે તે આના પરથી સમજાય છે.

આથી જ જૈન પરંપરામાં આરાધના-ધર્મસાધના અંગે ક્ષેત્રનું આગવું મહત્વ અમૂક હદ સુધી સ્વીકાર્યું છે. ઉદાહરણરૃપે, જે આરાધના વ્યક્તિ ઘરે રહીને કરે એ જ આરાધના એ જો કોઈ તીર્થનાં ઊર્જાવંત-પ્રભાવ સંપન્ન ક્ષેત્રમાં જંજાળમુક્ત બનીને કરે તો એનાં ફળમાં જમીન-આસમાનનો તફાવત આવી જાય અને એ જ આરાધના જો શત્રુંજયતીર્થાધિરાજ જેવા સર્વોચ્ચ મહાતીર્થનાં સાનિધ્યમાં કરાય તો ફળ સો-હજાર-લાખ યાવત્ અનેકગણું પણ મળી શકે ? ક્ષેત્રનો આ ગજબનાક પ્રભાવ હોવાથી આત્માર્થી આરાધકો વિશિષ્ટ સાધના માટે પસંદગી શ્રી શત્રુંજયતીર્થાધિરાજની - પાલિતાણાની કરે છે. અમારા તારક ગુરુદેવ ત્રેવીસસો અઠ્ઠાવન માસક્ષમણોના પ્રેરક આચાર્યપ્રવર રાજરત્નસૂરીશ્વરજી મહારાજે આ જ દૃષ્ટિબિંદુથી, હૈયે પાંચ વર્ષોથી ઘુંટાતા માસક્ષમણતપ સ્વયં કરવાના ભાવોને સાકાર કરવા શ્રી શત્રુંજયગિરિરાજની પાવન છાયાની ભૂમિ પસંદ કરી અને ત્યાં તેઓ સળંગ ત્રીશ ઉપવાસ-માસક્ષમણની ભીષ્મ સાધના કરી રહ્યા છે. એમની સાથે એક-બે નહિ, બત્રીશ-બત્રીશ સંયમીભગવંતો અને ગૃહસ્થ મળી કુલ એકસો ત્રેવીસ તપસ્વીઓ માસક્ષમણ કરી રહ્યા છે. દશ દિવસીય ભવ્ય મહોત્સવના અંતે તા.૨૫-૮ના તમામ તપસ્વીઓનો શાનદાર પારણાસમારોહ પાલિતાણામાં છે. ગત લેખમાં જેમ આપણે ગુરુદેવની નમસ્કરણીય બાબતો નિહાળી હતી, તેજ આજે તપસ્વીઓમાંથી કેટલાક તપસ્વીઓના અતિ વિરલ-વંદનીય પરાક્રમની બાબતો નિહાળીએઃ

(૧) વયમાં બાલ.... પણ કરી ખરેખર કમાલ ઃ- ગુરુદેવના વિશાલ શિષ્યપરિવારમાં સૌથી નાના માત્ર અગિયાર વર્ષના એક બાલમુનિ છે. નામ એમનું જિનાંશરત્નવિજયજી. મહાવીરપ્રભુના જાણે અઈમુત્તામુનિવર હોય એવા એ લાગે છે. ગુરુદેવે જ્યારે માસક્ષમણનો ભાવ વ્યક્ત કર્યો ત્યારે અન્ય શ્રમણો સાથે આ નાનકડા મુનિવરે પણ આંગળી ઊંચી કરી કે ''મારે પણ માસક્ષમણ કરવું છે.'' અમારા જેવા શ્રમણોનાં મનમાં ત્યારે પાકી ધાસ્તી હતી કે આ બાલમુનિ સળંગ ત્રીશ ઉપવાસ કરે એ લગભગ શક્ય નથી. અલબત્ત, એમણે દીક્ષા પૂર્વે ઉપધાનતપ અને નવપદની આઠ આયંબિલઓળીના તપ કર્યા છે. પરંતુ સળંગ ત્રીશ ઉપવાસ બધા કરતા અલગ અને અતિ કઠોર તપશ્ચર્યા છે. બધાએ મનમાં વિચાર્યું કે બાલમુનિને ઉલ્લાસ છે તો ભલે બે-ચાર ઉપવાસ કરે. પછી એ જ પારણાનું કહેશે.

પણ... બાલમુનિ તો સિંહબાળ નીકળ્યા. ડગ્યા વિના સળંગ ઉપવાસમાં હસતા હસતા આગળ વધ્યા અને આજે પૂર્ણતાના આરે આવી ગયા છે. એમના ઉલ્લાસનું એક ઉદાહરણ ટાંકીએ. તેઓ નિત્ય ગુરુદેવ સાથે જિનાલયનું દેવવંદન કરે છે. એમાં સ્તવન આવે એટલે તેઓ સ્વયંસ્ફૂર્ત ભાવથી બાવીશમા ઉપવાસે પણ સાથે સ્તવન ગાય. આપણે એમને ભાવથી કહીએ કે ''નાના મહારાજ...જલ્દી લેજો મોક્ષનું રાજ.''

(૨) સ્વયં ૪૫ ઉપવાસ... સમગ્ર પરિવારનું માસક્ષમણઃ- ગુરુદેવના શ્રમણવૃંદમાં ત્રણ વર્ષ પૂર્વે મુંબઈ-કાંદિવલીમાં પતિ-પત્ની અને બે તરુણ વયના પુત્રો સહિત સમગ્ર પરિવારે સંયમ સ્વીકાર્યો છે. મૂળ એ પરિવાર પાલિતાણાનો હતો. સિદ્ધક્ષેત્ર-પાલિતાણામાં

ચાતુર્માસ પ્રવેશ થયો અને માસક્ષમણનો મહાદુંદુભિનાદ ગાજ્યો ત્યારે એ સમગ્ર પરિવારે માસક્ષમણમાં ઝુકાવ્યું. પરિાવરના મોભી મુનિવર શૌર્યરત્નવિજયજીએ તો એમનાં નામને અનુરૃપ ખરેખર શૌર્ય  દાખવ્યું. એમણે દીક્ષાના પ્રથમ વર્ષે માસક્ષમણ કર્યું, બીજા વર્ષે અઢારસો કિલોમીટરની પદયાત્રા વચ્ચે વર્ષીતપ કર્યો કે જેનું પારણું હજુ અઢીમાસ પૂર્વે થયું હતું. બસ, એ અઢી માસના વિરામ બાદ  એમણે ત્રીશ નહિ, પીસ્તાલીશ ઉપવાસ કર્યા ! આ રવિવારે તા.૨૫/૮નાં એમનાં આ મહાતપનું પણ સમાપન થશે. લગભગ પીસ્તાલીશ વર્ષનું વય, સંસારમાં મુંબઈની 'લાઈફ'માં કદી વિહારો ન કર્યા હોય અને વિહારો વચ્ચે આ તપશ્ચર્યાઓ વાંચવી જેટલી આસાન છે, કરવી એટલી જ કઠિન છે. આપણે આ સમગ્ર સંયમી પરિવાર માટે ગાઈએ કે ઃ ''ધન ધન શાસનમંડન મુનિવરા''...

(૩) સૌથી ઉત્કૃષ્ટ તપસ્વી... સૌથી ઉત્કૃષ્ટ તપસ્યા ઃ- જૈન ધર્મની જ 'મોનોપોલી' ગણાય એવો એક તપ છે આયંબિલ. એમાં ચોવીશ કલાકમાં એક વાર ભોજન હોય ખરું. પણ એમાં માત્ર બાફેલ અનાજ જ હોય. એમાં ઘી-તેલ-દૂધ-ફ્રુટ વગેરેનો તો સર્વથા ત્યાગ હોય જ. ઉપરાંત વઘાર જેવું ય કાંઈ ન હોય. સાવ મોળો-ફિક્કો ગળે ન ઊતરે એવો આહાર હોય. આ જ કારણસર ઘણાને ઉપવાસતપ કરતાં ય આયંબિલતપ વધુ કઠિન લાગે છે. આ ભૂમિકા પર હવે વાંચો આ શ્વાસ થંભાવી દે અને મસ્તક અહોભાવથી ઝુકાવી દે એવી તપઘટના. ગુરુદેવના નિશ્રચવર્તી એક યુવાસાધ્વીજીનું નામ છે ધ્યાનદર્શિતાશ્રીજી. એમણે વચ્ચે એક પણ બિયાસણાં-પારણાં વિના સળંગ એક હજાર આઠ આયંબિલ કર્યા! આ સળંગ આયંબિલતપ દરમ્યાન એમણે ગિરનારમહાતીર્થની ત્રણસો અઠસઠ યાત્રાઓ કરી અને પગપાળા વિહારો પણ કર્યા! પછી ફક્ત અઢી માસનો વિરામ લઈ એમણે પુનઃ સળંગ આયંબિલ શરૃ કર્યા. સામૂહિક માસક્ષમણનો પૂર્વદિવસ આવ્યો ત્યારે એમના સળંગ આયંબિલ થયા સાતસો સિત્તેર! સહુની સાથે આ સાધ્વીજીને પણ ભાવ પ્રગટયો કે હું પણ માસક્ષમણ કરું. અને... માનશો ? સળંગ એ આયંબિલ પર એક પણ પારણા વિના એમણે સળંગ ત્રીશ ઉપવાસ-માસક્ષમણની તપસાધના કરી છે !

(૪) વૃદ્ધ વય..છતાં વર્ધમાન પરાક્રમઃ- તપ માટે અત્યંત નાની વય અને અત્યંત વૃદ્ધ વય અવરોધક બનથી હોય છે. કેમ કે બાલવયે શારીરિક સામર્થ્ય ખીલ્યું - વિકસ્યું ન હોય અને વૃદ્વવયે જો સામર્થ્ય ક્ષીણ થઈ ગયું હોય, છતાં કેટલાક સત્ત્વશાળી પુણ્યાત્માઓ વયનો આ અવરોધ ઓળંગી જતા હોય છે. બાલવયસંબંધી પરાક્રમ આ ચાતુર્માસમાં પૂર્વાક્ત બાલમુનિનું છે, તો વૃદ્ધવયસંબંધી ઉદાહરણ છે ગુરુદેવના નિશ્રાવર્તી સા. વિશ્વશાશ્રીજીનું. એમની વય છે ઓગણએંશી વર્ષ. દેહ છે અત્યંત દુર્બલ. પરંતુ મનોબળ છે એમનું એકદમ મક્કમ. 

(૫) હેટટ્રીકથી પણ એક કદમ આગળ તપઃ-  ક્રિકેટની રમતમાં સતત ત્રણ દડે ત્રણ વિકેટ લે એ બોલરની સિદ્ધિ હેટ્ટ્રીક ગણાય. ગુરુદેવની નિશ્રામાં થયેલ સામૂહિક માસક્ષમણમાં એક તપસ્વી એવા છેકે જેમણે એકાદ નહિ, સળંગ ચાર-ચાર વર્ષ સમૂહ માસક્ષમણમાં જોડાઈને પ્રતિવર્ષ ચડતા ક્રમે મોટી સંખ્યામાં સળંગ ઉપવાસ કર્યા છે.

(૬) શારીરિક તકલીફ વચ્ચે માસક્ષમણ ઃ- પાલિતાણાના ગામના સંઘના રહેવાસી છે એક આરાધક. આ ચાતુર્માસમાં ગામના સંઘમાં ગુરુદેવના શિષ્યરત્ન આ. ધર્મરત્નસૂરિજીની નિશ્રામાં આરાધના થતાં ગામમાંથી સત્તાવીશ માસક્ષમણો થયા છે. એમાં આ આરાધકે માસક્ષમણ આરંભ્યું. ત્રીજા જ ઉપવાસથી પૂરા શરીરમાં ખુજલીનો ઉપદ્રવ શરૃ થયો. ડોક્ટરનાં ઈંજેક્શનથી એનું શમન શક્ય હતું. પરંતુ સ્વજનોનો ભાવ એ હતો કે તપ ડોક્ટરની સહાય વિના કરવો. એથી તેઓએ કોઈ જ ઉપચાર વિના ખુજલીની પીડા સમતાથી સહન કરી માસક્ષમણ કર્યું. નાના બાળકોનું માસક્ષમણ, ૧ કિડનીનું દાન પછી ય માસક્ષમણ, સ્વજનોની હાજરી વિના-સહાય વિના વયસ્કોનાં-વૃદ્ધોનાં માસક્ષમણ, સળંગ સોળ ઉપવાસનાં પચ્ચક્ખાણ એક સાથે લેનાર સત્વશીલ તપસ્વીઓ વગેરે અઢળક વિશેષતાઓ પાલિતાણાના સમૂહ માસક્ષમણમાં છે. આપણે એ સર્વ તપસ્વીઓને ભાવપૂર્ણ નમન કરતા કહીએ કે ઃ-

સર કર્યા છે આપે માસક્ષમણનાં સોપાન,

અમ સહુનાં છે આપને લાખ લાખ વંદન...


Google NewsGoogle News