કદંબગિરિથી શત્રુંજયમહાતીર્થનો પદયાત્રા સંઘ આવો, નિહાળીએ કદંબગિરિતનો રોમાંચક ઈતિહાસ
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''આ કદંબગિરિ માટે 'શત્રુંજયમહાત્મ્ય' ગ્રન્થ એક સ્થળે મજાની વાત કરે છે કે ''શ્રી યુગાદિદેવના પગલાયુક્ત રાયણવૃક્ષ જ્યાં છે તે શત્રુંજયના મુખ્ય શિખરની જેમ તેનું આ કદંબગિરિશિખર પણ પાપોનો નાશ કરનારું છે.'' સમજાય છે આ કથનનો આશય ? એ શત્રુંજયમહાતીર્થરૂપે વર્તમાનમાં પ્રસિદ્ધ મુખ્ય વિભાગ જેટલું જ મહત્વ આ કદંબગિરીનું હોવાનું સમજાવે છે.''
સમર્થ શાસ્ત્રકાર મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરે શ્રી ઋષભદેવસ્તવનામાં એક સદાબહાર પંક્તિ લખી છે કે ''ધન્ય તે હૃદય જેણે તુજ સદા સમરતા, ધન્ય તે રાત ને ધન્ય દિહા.'' મતલબ કે હે પ્રભુ, હૃદય જ્યારે સતત તમારામાં લીન હોય-તમારું જ સ્મરણ કરતું હોય એ રાત અને દિવસ ખરેખર ધન્ય છે. આ પંક્તિ તીર્થકરપ્રભુની ભક્તિના સંદર્ભની છે.
અમને લખતાં અતિશય આનંદ થાય છે કે છેલ્લા સળંગ સાડા ચાર માસથી અંતરમાં આ પંક્તિ અનુભૂતિનાં સ્તરે સતત ગુંજી રહી છે કે ''ધન્ય તે રાત ને ધન્ય દિહા.'' ફર્ક થોડોક એ છે કે અહીં તીર્થંકરપ્રભુની ભક્તિ ઉપરાંત મુખ્ય સંદર્ભ તીર્થની ભક્તિનો છે. એ તીર્થ એટલે જૈન જગતમાં સર્વોચ્ચ અને તીર્થાધિરાજરૂપે સુપ્રસિદ્ધ શત્રુંજયમહાતીર્થ! અમે નેવું સંયમીભગવંતો સાથે છેલ્લા સતત સાડા ચાર માસથી આ તીર્થનું એકદમ નિકટનું પ્રત્યક્ષ સાનિધ્ય માણી રહ્યા છીએ. પ્રારંભે ચતુર્વિધ સંઘના આઠસો આરાધકો સાથે ચાતુર્માસ, એમાં જીવનમાં સ્વર્ણિમ સ્વપ્ન સમાન માસક્ષમણતપસાધનાનો વ્યક્તિગત થયેલ મહાન લાભ અને તેની સાથે બત્રીશ સંયમી સહિત કુલ એકસો ત્રેવીશ આરાધકોનાં માસક્ષમણ, તે પછી બસો એકસઠ તપસ્વીઓના ભવ્ય ઉપધાનતપ અને હવે ચારસો આરાધકોની સમૂહ શત્રુંજયનવાણુંયાત્રા તથા પાંચ-પાંચ પદયાત્રાસંઘો.
આ સર્વ આરાધનાઓ દરમ્યાન એક ચિરંજીવ યશસ્વી આયોજન થયું. 'શત્રુંજય-સૂર્યોદયધામ' નિર્માણનું. છયાશી હજાર સ્કવેરફીટના વિરાટ ભૂમિખંડ પર શિખરબદ્ધ જિનાલય-એકસો પીસ્તાલીશ ખંડો સાથે વિરાટ આલીશાન ધર્મશાળા-પાંચ પાંચ હજાર ફીટના ત્રણ અતિ ભવ્ય પીલરલેસ હોલ-બે ઉપાશ્રયો-ભોજનશાળા-આયંબિલશાળાયુક્ત આ આયોજન અંગે પાલિતાણા આવ્યા ત્યાં સુધી આછો ય વિચાર ન હતો.
હવે એ ગિરિરાજની સમૂહ નવાણુંયાત્રાની સાથોસાથ વિવિધ પદયાત્રાસંઘોનો પ્રારંભ થયો છે. એમાં કાર્તિક વદિમાં પહેલો સંઘ યોજયો છે શ્રી કદંબગિરિતીર્થથી શ્રી શત્રુંજયમહાતીર્થનો. આવો, આપણે આ પુણ્ય નિમિત્તે કદંબગિરિતીર્થનો એક પ્રાચીનતમ ઈતિહાસ અને એક નિકટના ભૂતકાળનો ઈતિહાસ સંક્ષેપમાં છતાં રસપ્રદ રીતે નિહાળીએ. તે પૂર્વે એક સ્પષ્ટતા ખાસ સમજવી કે કદંબગિરિ-હસ્તગિરિ વગેરે શત્રુંજયગિરિરાજના જ ભાગ છે. એથી જ શાસ્ત્રોએ શત્રુંજયગિરિરાજના એકસો આઠ નામોમાં આ નામોનો ઉલ્લેખ કર્યો છે. ફર્ક એટલો છે કે પ્રણાલિકાથી મુખ્યત્વે શત્રુંજયરૂપે મરુદેવ ટૂંક ગણાય છે. ત્યાંથી કદંબગિરિ વગેરે થોડા દૂર છે. માટે લોકમાનસમાં એની છાપ શત્રુંજયગિરિરાજના વિભાગ ઉપરાંત અલગ તીર્થ તરીકેનીય છે.
એક અન્ય વાત એવી ય છે કે ગત ચોવીશીના બીજા તીર્થંકર શ્રી નર્વાણીપ્રભુના ગણધરના કદંબ ઋષિ આ તીર્થ પર અનશન કરી મોક્ષે પધાર્યા ત્યારથી આ તીર્થનું નામ કદંબગિરિ સ્થપાયું છે. પૂર્વે જે ગત ચોવીશીના ચોવીશમા પ્રભુના ગણધરની વાત કરી એનાં કરતાં ય વધુ પ્રાચીન કાળથી આ ગિરિ કદંબગિરિરૂપે પ્રસિદ્ધ છે તેમ આ મતથી પુરવાર થાય છે.
હવે નિહાળીએ નિકટના ભૂતકાળનો ઈતિહાસ ઈ.સ.૧૯૧૦ (વિ.સં.૧૯૬૬) માં આ સ્થાને તત્કાલીન જૈન શાસનના મૂર્ઘન્ય મહાપુરુષ શાસનસમ્રાટ આ.શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ પધાર્યા ત્યારે આ ગિરિ પર ખૂબ ઊંચે કદંબગણધરની પાદુકાની નાનકડી દેરી સિવાય કોઈ પૂજાસ્થાન ન હતું. શાસનસમ્રાટશ્રીએ ત્યારે આ પ્રાચીન તીર્થના ઉદ્વારનો દૃઢ સંકલ્પ કર્યો અને વર્ષોની જહેમત બાદ તીર્થનો સર્વાંગીણ ઉદ્વાર કરાવ્યો. અમારા મિત્ર આ. શીલચન્દ્રસૂરિજી મહારાજે 'શાસનસમ્રાટ' ગ્રંથમાં આ ઉદ્ધારનું વિગતસભર વર્ણન કર્યું છે. આપણે એમાંની કેટલીક બાબતોને અહીં નિહાળીશું :
(૧) એ સમયે ત્યાં કામળિયા દરબારોનું વર્ચસ્વ હતું. ગિરિની તળેટીમાં એમનો નાનકડો નેસડો હતો, તો ઉપર એમના કુળદેવી કામળીમાતાનું મંદિર હતું. તેઓ આ તીર્થને કામળીમાતાનો ડુંગર કહેતા. આ દરબારો વ્યસનોમાં પૂરા અને ધીંગાણું કરવામાં શૂરા હતા. નેમિસૂરિદાદાએ ઉપદેશ દ્વારા આવી પ્રજાને સન્માર્ગે વાળી. એમને વ્યસનોનો ત્યાગ કરાવ્યો. એટલી હદે એ પ્રજા પર એમણે અસર સર્જી કે એમના મુખ્ય આગેવાન દરબાર આપાભાઈ શાસનસમ્રાટશ્રીનો પડયો બોલ ઝીલે એવા ભક્ત થઈ ગયા. આ અજૈન પ્રજાના મહારાજશ્રી પ્રત્યેના આદરનો એક પ્રસંગ ખૂબ હૃદયસ્પર્શી અને ઉલ્લેખનીય છે.ળ
આચાર્યભગવંતે જિનાલયનિર્માણ માટે કેટલાક ભૂમિખંડો ગિરિ પર અલગ અલગ સ્થળે પસંદ કરી એ આણંદજી પેઢીને વેચાણ આપવાનું સૂચન કર્યું. કુલ નવ પ્લોટ હતા. દરબારો કહે : ''અમે આ પ્લોટ ગુરુમહારાજને ભેટ આપીએ, પણ પેઢીને વેચાણ ન આપીએ'' મહારાજશ્રીએ મક્કમભાવે ઈન્કાર કર્યો કે ''હું જૈન સાધું છે. મારા નામે કોઈ પ્લોટ ન લેવાય. તમારે એ પ્લોટ પેઢીને જ આપવા અને એ ય વેચાણ જ આપવા, ભેટ નહિ.'' આ શબ્દોમાં શાસનસમ્રાટશ્રીની આચારનિષ્ઠા ઝળકતી હતી, તો પ્લોટ ભેટ ન લેવાના વલણમાં ભાવિ સુરક્ષાની દૂરંદેશિતા ઝળકતી હતી. દરબારો પણ પ્લોટ મહારાજશ્રીને ભેટ આપવામાં મક્કમ હતા. છેવટે માર્ગ એ અપનાવાયો કે પેઢી સાથે થયેલ વેચાણ દસ્તાવેજમાં દરબારોએ આ શબ્દો લખાવ્યા કે ''પૂજ્યશ્રીએ અમોને (કામળીયા દરબારોને) ઉપદેશ આપી અમારા દુર્વ્યસનો છોડાવ્યા છે.'' પ્લોટ આપવાનાં કારણમાં આ શબ્દો લખાવનાર અજૈન દરબારોનાં મનમાં શાસનસમ્રાટ પ્રત્યે કેવો સદ્ભાવ પ્રવર્તતો હશે તે એ શબ્દોમાં પ્રતિબિંબિત થાય છે..
(૨) કામળિયા દરબારોનો નેસડો એટલે સાવ નાનકડું ગામ. લગભગ જંગલ જ ગણાય તેવો વિસ્તાર. ત્યાં શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી ઈકોતેર કુલિકાયુક્ત ભવ્ય શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદનું નિર્માણ થયું. તેનો અંજનશલાકા-પ્રતિષ્ઠામહોસવ યોજાયો ઈ.સ.૧૯૩૩ (વિ.સં.૧૯૮૯)માં. બાવીશ દિવસનો ઐતિહાસિક મહોત્સવ હતો. નિત્ય હજારો ભક્તો ત્યાં રહેવાના હતા. પ્રતિષ્ઠાદિને પચીશ હજારની મેદની એકત્ર થવાની હતી. આ માટે તમામ વ્યવસ્થા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે કરાવી હતી. રાજા સાથે દૃઢ સંબંધ હોય તો આ શક્ય બને. મંત્રીઓ આવે, 'ફોટોસેશન' જેવી આ ઉપરછલ્લી મુલાકાત લઈ વિદાય થાય : એનાથી શાસનની નક્કર પ્રભાવના શક્ય ન બને.
(૩) એ કાળે અંજનશલાકા વિધાન અતિ દુર્લભ હતું. એમાં અવિધિ થાય તો મોટું નુકસાન થાય તેવી પ્રબળ માન્યતા હતી. છતાં શાસનસમ્રાટશ્રીએ અંજનશલાકાનું વિધાન યોજ્યું. અલગ અલગ સ્થળના એક હજાર ભગવંતો અંજનશલાકા માટે પધાર્યા હતા. જાણે મૂર્તિઓનું નગર અવતર્યું હોય તેવો માહોલ હતો. વીશ દિવસ તો ઉત્સાહ-ઉમંગથી નિર્વિધ્ન પસાર થયા. જે રાત્રિએ મુખ્ય અંજનવિધાન હતું એ રાત્રિએ ભયાનક વાવાઝોડું આવ્યું. તમામ ભગવંતો મંડપમાં જ હતાં. 'આવું કાંઈક વિઘ્ન આવશે' તેવો આગોતરો અણસાર પામી જઈ મહારાજશ્રીએ પાછળની રાત્રિએ દરેક થાંભલે પાંચ-સાત શ્રાવકો ઊભા રાખ્યા. બરાબર સાડા પાંચથી છમાં અર્ધો કલાક વાવાઝોડું ત્રાટયું, પરંતુ દરેક થાંભલા મજબુતાઈથી પકડી રખાતાં મંડપને-પ્રભુપ્રતિમાઓને જરા ય નુકસાન ન થયું. મહારાજશ્રીની આ સાવધાનીને શું કહીશું ? અગમનું જ્ઞાાન ?
(૪) શાસનસમ્રાટશ્રીના એક પ્રખર વિદ્વાન પ્રશિષ્ય હતા આચાર્ય નંદનસૂરીશ્વરજીમહારાજ. આ અંજનશલાકામાં જ નહિ, મહરાજશ્રીનાં દરેક કાર્યમાં તેઓ પડછાયાની જેમ સાથે રહેતા. એમણે ઈ.સ.૧૯૩૭ (વિ.સં.૧૯૯૩)માં માત્ર એક જ દિવસમાં છંદબદ્ધ સંસ્કૃતભાષામય તેત્રીશ શ્લોકોનું કદંબગિરિસ્ત્રોત રચ્યું. એમાં આ તીર્થ પ્રત્યેની એમની ભક્તિ અને કાવ્ય-વ્યાકરણવિષયક વિદ્વતા : બન્ને છકલે છે. ભલે ને સંસ્કૃત સમજનાર ઓછા હોય. પરંતુ ભક્તિ-વિદ્વતા આછી પણ સમજવા એમાંનો એક શ્લોક અહીં ટાંકીને આપણે લેખનું સમાપન કરીશું કે :
નમસ્તે કાદમ્બામરનરનમસ્યાય ચ નમો,
નમસ્તે કાદમ્બાધરીતપરતીર્થાય ચ નમ:;
નમસ્તે કાદમ્બાવનિતલલલામાય ચ નમો -
નમસ્તે કાદમ્બાદ્ભુતગુણનિધાનાય ચ નમ:.