Get The App

પ્રૌઢપ્રભાવશાળી ગુરુદેવ આચાર્યપ્રવર સૂર્યોદય સૂરીશ્વરજી મ.ને દશમી પુણ્યતિથિએ હૃદયાંજલિ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
પ્રૌઢપ્રભાવશાળી ગુરુદેવ આચાર્યપ્રવર સૂર્યોદય સૂરીશ્વરજી મ.ને દશમી પુણ્યતિથિએ હૃદયાંજલિ 1 - image


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- "વય માત્ર બાર વર્ષની. નામ એમનું સેવંતીકુમાર. એ ચાતુર્માસમાં સંયમનો રંગ એમને એવો લાગ્યો કે સ્કૂલ છોડી યુગદિવાકરશ્રી સાથે સંયમતાલિમ માટે રહેવાનો એમણે દૃઢ સંકલ્પ કર્યો. પરંતુ પરિવારજનો અઢાર વર્ષની વય પૂર્વે કોઈ જ સંમતિ આપવા તૈયાર ન હતા. સેવંતીકુમારનો નિર્ણય અફર હતો કે 'ચાહે તેવા વિઘ્નો આવે, મારે હવે રહેવાનું તો ગુરુકુલવાસમાં જ.' માત્ર નવ માસના સમયખંડમાં તેઓ એક-બે નહિ, કુલ સત્તર-સત્તર વાર ઘરેથી ભાગી ગયા."

પૂ ર્વ વગેરે દિશાઓ ચાર છે, તો ઈશાન વગેરે વિદિશાઓ પણ ચાર છે. જાપ-આરાધના-ધર્મકાર્યો વગેરેમાં દિશા બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. એથી જ જિનમંદિરાદિકાર્યોમાં દિશા-વિદિશા નક્કી કરી એ દિશા-વિદિશામાં જ ખનન-શિલાન્યાસાદિ કાર્યો થતા હોય છે, તો જાપ-આરાધનાદિમાં ય પૂર્વ-ઉત્તર દિશાને વિશેષ પ્રાધાન્ય અપાય છે.

આ રીતે દિશા-વિદિશાનું મહત્વ હોય છે. પરંતુ શ્રમણજીવનમાં રોજ રોજ નવા સ્થળે વિચરવાનું હોય ત્યાં તુર્ત દિશાનિર્ણય કરવો શી રીતે ? એ માટે કેટલાક શ્રમણો નાનકડું હોકાયન્ત્ર રાખતા હોય છે. એનાથી દિશા નિર્ણય આસાન-ત્વરિત થઈ જાય. પણ એમાં ખૂબી એ હોય છે કે આ હોકાયન્ત્રને વ્યક્તિ ગમે તે દિશામાં મૂકે, તો ય એનો કાંટો માત્ર ને માત્ર ઉત્તર દિશામાં જાય. ઉત્તર દિશા નક્કી થાય એટલે બાકીની બધી દિશા આપોઆપ નક્કી થઈ જાય.

હોકાયન્ત્રની આ વિશેષતાના સંદર્ભમાં એક વિચાર આવે છે કે હોકાયન્ત્રનો કાંટો જેમ એક જ દિશા-ઉત્તર દિશા જ બતાવે તેમ સદગુરુ સદાય ઉત્તમ દિશા જ બતાવે ! જે સદ્ગુરુના સંપર્કમાં આવે એનાં જીવનને અધમ દિશા તરફ જવાનો અર્થાત્ અધમ-પાપી કાર્યોમાં જોડાવાનો સમય કદી ન આવે. એને મળે માત્ર ઉત્તમ દિશા અર્થાત્ ઉત્તમ પરિણતિ-ઉત્તમ પ્રવૃત્તિમાં જ જોડાવાનો અવસર. સદ્ગુરુની આ ક્ષમતા હોવાથી 'સિંદૂર પ્રકર' ગ્રન્થમાં એમના માટે 'ભવજલનિધિપોત:' અર્થાત્ 'સંસારસાગર તરાવનાર જહાજ' જેવું માતબર વિશેષણ પ્રયોજાયું છે.

આવો, આજે આપણે આવા એક સદ્ગુરુનું ગુણસ્મરણ કરીએ એમની પુણ્યતિથિનાં નિમિત્તે. એ સદ્ગુરુ એટલે અમારા જીવનશિલ્પી પરમોપકારી ગુરુદેવ પ્રૌઢપ્રભાવશાળી પરમશાસનપ્રભાવક આચાર્યપ્રવર શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ. આ જેઠ વદિ-૩, તા. ૨૪-૬-૨૪ ના એમની દશમી પુણ્યતિથિ છે ત્યારે આ ગુણસ્મરણ ખુબ પ્રાસંગિક બની રહેશે.

ગુજરાતના પ્રાચીન દર્ભાવતીતીર્થે જન્મ, માત્ર સોળ વર્ષની ખુલતી યુવાનીમાં યુગદિવાકર પરમગુરુદેવ આ.ભ.શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા, ન્યાયશાસ્ત્રો-સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રો, સંસ્કૃત સાહિત્યગ્રન્થો પર બેજોડ પ્રભુત્વ, જૈનાગમો તથા તત્ત્વાર્થાદિ શાસ્ત્રોનો ગહન અભ્યાસ, આજીવન ગુરુકુલવાસ દ્વારા અજોડ ગુરુસમર્પણ, યુગદિવાકરશ્રીના તમામ શાસનકાર્યોમાં સર્વાધિક યોગદાન, યુગદિવાકરશ્રીની ચિરવિદાય બાદ એક્યાશી જિનાલય+ઉપાશ્રયનિર્માણ, ત્યાશી પ્રતિષ્ઠાઓ, પ્રાચીન દર્ભાવતીતીર્થોદ્ધાર, ધર્મધામ-નાગેશ્વરતીર્થસ્થાપના, પંદર પદયાત્રાસંઘો, વીશ ઉપધાનતપ, અનેક અંજનલાકાઓ-દીક્ષાઓ, ચિરવિદાય બાદ સંપુર્ણ પગપાળા ઓગણત્રીશ કિ.મી.ની પાલખીયાત્રામાં સવા લાખની મેદની અને અલગ અલગ સ્થળે ચોપન ગુરુમંદિરોનું નિર્માણ : આ છે એમના જીવનનો માહિતીભર્યો સંક્ષિપ્ત આલેખ.

હવે આપણે નિહાળીએ 'સ્' અક્ષરથી શરૂ થતી એમની ગુણસંપદા :

(૧) સત્ત્વશીલતા :- સંસ્કૃત સાહિત્યમાં એક ઉક્તિ છે કે "સર્વં સત્ત્વે પ્રતિષ્ઠિતમ્". મતલબ કે સફલતા-સિદ્ધિ-યશ વગેરે તમામ બાબતો સત્ત્વથી પ્રાપ્ત થાય છે. સત્ત્વ એટલે ? પરાક્રમ, સંકટથી નહિ હારવાની વૃત્તિ. અલબત્ત સત્ત્વના આ સિવાયના અર્થો પણ પ્રસિદ્ધ છે. પરંતુ આપણે અહીં આ સંદર્ભમાં પ્રસ્તુતિ કરવાની છે. ગુરુદેવની સત્વશીલતા કેવી જબરજસ્ત હતી તેનો આશ્ચર્યચકિત કરી દેતો પ્રસંગ નિહાળીએ તેઓની દીક્ષા પૂર્વેનો.

ઈ.સ. ૧૯૪૪. ત્યારે દર્ભાવતીતીર્થે ચાતુર્માસ પધાર્યા હતા પ્રવચનપ્રભાવક આ.ભ.શ્રી મોહનસૂરીશ્વરજી મહારાજ. એમના પ્રશિષ્યરત્ન પંન્યાસ ધર્મવિજયજીગણિવર પાસે ગુરુદેવ ધર્માભ્યાસ કરતા હતા. વય માત્ર બાર વર્ષની. નામ એમનું સેવંતીકુમાર. એ ચાતુર્માસમાં સંયમનો રંગ એમને એવો લાગ્યો કે સ્કૂલ છોડી યુગદિવાકરશ્રી સાથે સંયમતાલિમ માટે રહેવાનો એમણે દૃઢ સંકલ્પ કર્યો. પરંતુ પરિવારજનો અઢાર વર્ષની વય પૂર્વે કોઈ જ સંમતિ આપવા તૈયાર ન હતા. સેવંતીકુમારનો નિર્ણય અફર હતો કે 'ચાહે તેવા વિઘ્નો આવે, મારે હવે રહેવાનું તો ગુરુકુલવાસમાં જ.' માત્ર નવ માસના સમયખંડમાં તેઓ એક-બે નહિ, કુલ સત્તર-સત્તર વાર ઘરેથી ભાગી ગયા. દરેક તબક્કે એ યુગદિવાકરશ્રી પાસે પહોંચી જાય અને પિતાજી એમને ત્યાંથી લઈ આવે. આ એ યુગ હતો કે વાહનવ્યવહારની સુવિધાઓ ઓછી હતી. બે-ત્રણ ટ્રેન બદલાય, બે-ત્રણ વાર બસથી જવાય ત્યારે ચોવીશ કે છત્રીશ કલાકે ગુરુભગવંત પાસે પહોંચાય. માત્ર બાર વર્ષનો બાળક એકલપંડે અજાણ્યા ગામ-નગરોમાં આવા સાહસો કરીને જાય એ ઘટના સત્ત્વશીલતાનું પ્રતીક તો છે જ, ઉપરાંત આશ્ચર્યચકિત કરી દે એવી ય છે. હવે નિહાળીએ એ સાહસયાત્રાના કેટલાક દિલધડક પ્રસંગો :

 સેવંતીકુમાર ભાડાની રકમ ભેગી ન કરી શકે એ માટે વાપરવાની રકમ આપવી બંધ કરી દેવાઈ. ઉપરાંત સ્વજન-સંબંધીઓને સૂચના અપાઈ કે આને કોઈએ એક રૂપિયો આપવો નહિ. આમ છતાં સેવંતીકુમાર હિંમત ન હાર્યા. એ વગર ટકિટે કપડવંજની ગાડીમાં બેસી ગયા. અધવચ્ચે ચેકીંગ માટે ટી.સી. આવ્યો. ટિકિટ તો હતી નહિ. એ મનોમન નવકારમન્ત્ર ગણવા માંડયા. આમની શ્રદ્ધા ફળી કે જે થયું તે પરંતુ ટી.સી. વાતો કરતાં કરતાં આમને છોડી આગળની હરોળમાં જતો રહ્યો. સેવંતીકુમાર આબાદ બચી ગયા. એમને ખ્યાલ હતો કે કપડવંજમાં સમુદાયના અને જાણીતા સાધ્વીજી કુસુમશ્રીજી હતા. એમની પાસે પહોંચી જવાથી સાધ્વજીએ ભાડાની આગળની રકમની વ્યવસ્થા કરાવી આપી. આ રીતે, અલગ અલગ ઉપાયો દ્વારા પણ એમણે વગર પૈસે પોતાની સાહસયાત્રા બાર વર્ષની વયે વણથંભી રાખી.

 એ ભાગી ન જાય એ માટે એમના વડિલબંધુ હીરાભાઈને દિવસભર ચોકીદારી માટે સાથે ને સાથે જ રાખતા. પણ સેવંતીકુમાર એવા ચાલાક કે અલગ અલગ તરકીબો અજમાવી મોટાભાઈને ચકમો આપી દે અને પોતે બસ પકડી વડોદરા પહોંચી જાય. ત્યાંથી છુપાઈ છુપાઈને આગળનો પ્રવાસ કરે.

 એમાં એક વાર બહુ મોટી કસોટી થઈ. પિતાજીએ નિયમ કર્યો કે રાત્રે એમને ઘરના સૌથી ઉપરના ત્રીજા મજલે એક ખંડમાં જ સૂવાનું અને એ ખંડને બહારથી તાળું મારી દેવાનું. ખંડની બહાર માત્ર અગાશી. આનો ઉપાય જલ્દી શક્ય લાગતો ન હતો. છતાં ખૂબ વિચારી એમણે આનો જોખમી ઉપાય શોધી કાઢયો. એ મુજબ, એક રાત્રે સહુ નિદ્રાધીન હતા ત્યારે રાત્રિના બે વાગ્યે ખંડમાંથી એ બહાર આવ્યા. અગાશીની બાજુમાં પાણીનો લોખંડનો પાઈપ હતો. એ ઠેઠ નીચે સુધી જતો હતો. સેવંતીકુમાર એ પાઈપ પકડી આસ્તે આસ્તે નીચે ઉતર્યા. ત્યાંથી ચાલતા બસસ્ટેન્ડ પર સુમસામ રાત્રે પહોંચ્યા અને ત્યાંથી ઈષ્ટ ગામે જવા નીકળી ગયા. આવા અપ્રતિમ સાહસ દ્વારા તેઓ જાણે કહી રહ્યા હતા કે :-

સંકટભરી આ જિંદગીથી 

હારનારો હું નથી;

સાગર ડુબાડી દે એવો 

કિનારો હું નથી;

મારે સદા અજવાળવા 

અંધારઘેર્યા પંથ સહુ;

ચમકી અને તૂટી પડે એવા 

સિતારો હું નથી...

આ સાહસ સત્તરમી વારનું હતું. એ એવું જોખમી હતું કે પિતાજી પણ એનાથી ઝૂકી ગયા અને સેવંતીકુમારને યુગદિવાકર ગુરુભગવંત પાસે સ્કુલ છોડીને રહેવાની પરવાનગી મળી ગઈ. બાર વર્ષની વયે આવું હેરતભર્યું સાહસ એમની સત્ત્વશીલતાનું દ્યોતક છે.

આ સત્ત્વશીલતાનું એક સમજદારીભર્યું પાસું પણ રોમાંચક હતું. ગુરુભગવંત પં. ધર્મવિજયજીગણિવરનો અભિગમ એ રહેતો કે પિતાજી લેવા આવે ત્યારે કોઈ રકઝક વિના બાળક એમને સોંપી દે. સેવંતીકુમાર ગુરુભગવંતની આમન્યા રાખી કોઈ માથાઝીંક વિના પિતાજી સાથે જતા રહેતા. અપ્રતિમ સાહસ સાથે આવી સદ્ગુરુ આમન્યાની સમજદારીનો સંગમ બહુ વિરલ ગણી શકાય.

આ સત્ત્વશીલતાના-આફતો સામે અડગતાના પ્રસંગો ઘણા છે. પરંતુ અહીં માત્ર એમની જીવનસંધ્યાનો જ એક પ્રસંગ ટાંકીશું કે જેમાં અમે ક્ષણે ક્ષણના સાથી અને સાક્ષી હતા :

ઈ.સ. ૨૦૦૪. મુંબઈ-ઘાટકોપરના ત્રિમજલી તીર્થસદૃશ જગડૂશાજિનાલયને કાયદાકીય ક્ષતિવશ જમીનદોસ્ત કરવાનો ઓર્ડર આવ્યો. ત્યારે ચુમ્મોતેર વર્ષની જૈફ વયના ગુરુદેવે કોર્ટ અને પ્રશાસનનો પડકાર ઝીલી લેવાનો નિર્ણય કરી સ્વયં ઘાટકોપર સ્થળ પર જવાની ઘોષણા કરી. ગુરુદેવ અને અમે સહુ જગડૂશાતીર્થે પહોંચ્યા. રવિવારે તીર્થરક્ષાસભા યોજી. એમાં સાઠ હજારની જંગી મેદની એકત્ર થઈ.

મુંબઈ જ નહિ, ગુજરાત અને અન્ય રાજ્યોના જૈન સંઘોમાં આ વિષય 'હોટ ટોપીક' બની ગયો. મુંબઈના અખબારોમાં આ મંદિરનો મુદ્દો 'હેડલાઈન' બનીને ચગ્યો હતો. પરંતુ એના મુખ્ય કેન્દ્ર ગુરુદેવનાં મુખ પર કોઈ ભય-ચિંતા ન હતી. અમને યાદ છે કે ત્યારે 'ઈન્ટરવ્યુ' લેવા આવતા પત્રકારો જાત-જાતના પ્રશ્નો કરતા. એમાંના એકે પૂછયું કે "મંદિર તૂટે ત્યારે પ્રભુમૂર્તિઓ સચવાય એની વ્યવસ્થા શી કરી છે ?" ગુરુદેવે સત્ત્વથી-ખુમારીથી ધગધગતો ઉત્તર આપ્યો કે "મંદિર તૂટવાનું જ નથી. માટે મૂર્તિઓની વૈકલ્પીક વ્યવસ્થાની જરૂર જ નથી." એ મેગેઝીનમાં ગુરુદેવની તસવીર પર એ પત્રકારે ગુરુદેવના શબ્દો મુક્યા હતા કે "મંદિર પરનું વિઘ્ન નહિ હટે ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી !" આનાથી વધુ સત્ત્વશીલતા શી હોઈ શકે ? ખરેખર બન્યું પણ એવું જ. કોર્ટરાહે મંદિર બચવાનો માર્ગ આવ્યો પછી જ ગુરુદેવે ત્યાંથી વિહાર કર્યો.

એમની દરેક વાર્ષિક પુણ્યિતિથિએ 'સ્' અક્ષરથી આરંભાતી અલગ અલગ ગુણસંપદા પ્રસ્તુત કરવાની ભાવના સાથે આ લેખનું સમાપન કરતા ગુરુદેવને અમે એ જ કહીશું કે :-

આંખ-અંતર ને અરમાન આપને અર્પણ, એક શું ? ત્રણ ભુવન આપને અર્પણ;

હવે તો એ જ વિચારે મન મનાવું છું કે, જીવનની હર ક્ષણ આપને અર્પણ...


Google NewsGoogle News