એક પણ ખોટી વાતને 'આજ' પર આવવા ન દેશો... એક પણ સારી વાતને 'કાલ' પર જવા ન દેશો...
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- પાપ 'ડીલે' કરવાની વાત એ વ્યક્તિઓ માટે છે કે જેમનામાં પાપને 'ડિલીટ' કરી નાંખવાનું-સાવ જ ભૂંસી નાખવાનું સત્વ નથી- સામર્થ્ય નથી. બાકી જો આવું સામર્થ્ય હોય તો પાપવૃત્તિને-ખરાબ કૃત્યોને 'ડિલીટ' જ કરી દેવા જોઈએ. ક્યાંક આવું સત્ત્વ- સામર્થ્ય સ્વયમેવ એકાએક પ્રગટે છે: જેમ કે ડાકુ દૃઢપ્રહારી. ખીર જેવી સામાન્ય બાબતમાં જગતની ચાર ઘોર હત્યાઓ કરી તે પછી એનામાં સ્વયમેવ પશ્ચાત્તાપનો પાવક પ્રગટયો અને એના પરિણામરૂપે જૈન મુનિના સંગે એણે જીવનમાંથી તમામ પાપો 'ડિલીટ' કરવાનો પ્રબળ- પ્રચંડ અને પરિણામદાયી પુરુષાર્થ કર્યો.
આપણી વિ-લક્ષણ માનસિકતાનું પ્રતિબિંબ એક સંસ્કૃત સુભાષિતમાં બરાબર ઝિલાયું છે કે:-
ધર્મસ્યફલમિચ્છન્તિ, ધર્મ નેચ્છન્તિ માનવા;
ફલં પાપસ્ય નેચ્છન્તિ, પાપં કુર્વન્તિ સાદરા:
ભાવાર્થ કે ધર્મનું બાહ્ય સ્તરનું ફળ વિચારીએ તો એ છે સુખ- સમૃદ્ધિ- સત્તા- સૌંદર્ય-સુયશ વગેરે અને પાપનું ફળ છે દુઃખ- દૌભાગ્ય- પરાધીનતા- વિરૂપતા- અપયશ વગેરે. આ ખ્યાલ હોવા છતાં મહદંશ લોકોની માનસિકતા એવી છે કે એમને ધર્મનું ફળ જોઈએ છે અર્થાત્ સુખ- સમૃદ્ધિ આદિ ઇષ્ટ છે. પરંતુ એનાં કારણરૂપ કષ્ટમય ધર્મારાધના-તપ વગેરે કરવાની એમની સજ્જતા નથી. એથી વિપરીત એમને પાપનું ફળ અર્થાત્ દુઃખ-દૌર્ભાગ્ય આદિ ઇષ્ટ નથી. પરંતુ એનાં કારણરૂપ પાપોથી વિરમવાની એમની કોઈ તત્પરતા નથી ! આ એવી વિચિત્ર માનસિકતા થઈ કે જે બાબત જોઈએ છે એ અપાવનાર માર્ગે ડગ ભરવા નથી અને જે બાબત નથી જોઈતી એ અપાવનાર માર્ગથી વિરમવું નથી !
જે વ્યક્તિ સમજદાર-વિચક્ષણ છે તે આવી માનસિકતાથી વહેલી તકે મુક્ત થઈ જાય. ઇષ્ટ અપાવનાર માર્ગે એ ડગ ભરે જ અને અનિષ્ટ અપાવનાર માર્ગથી એ વિરમે જ. આ બન્ને બાબતોમાં અગ્રતાક્રમની દૃષ્ટિએ પહેલી વાત છે. અનિષ્ટના માર્ગથી વિરમવું અર્થાત્ પાપપ્રવૃત્તિઓથી અટકવું. આ પાપપ્રવૃત્તિઓના વિરામ માટે આ લેખમાં આપણે 'ટ્રીપલ-ડી' એટલે કે 'ડી' અક્ષરથી શરૂ થતાં ત્રણ ઇંગ્લીશ શબ્દોનાં માધ્યમે વિચારણા કરીએ:
૧) ડીલે: જેમાં જીવહિંસા પ્રચૂલ થાય એ રીતના જીવનવ્યવહારો પાપ છે, તો અસત્ય- ભાષણ- જૂઠ પણ પાપ છે, અણહકનું પડાવી લેવાની વૃત્તિ પાપ છે, તો દુરાચાર-વ્યભિચાર-અબ્રહ્મ સેવન પણ પાપ છે, સંપત્તિ આદિની સંગ્રહવૃત્તિ- પરિગ્રહ પાપ છે, તો અભક્ષ્ય અપેય સેવન-વ્યસન પણ પાપ છે. આ અને આવાં આવાં પાપો મુખ્ય બે કારણે થતાં હોય છે. એક, શોખનાં કારણે. બે આવશ્યકતાનાં-જરૂરિયાતનાં કારણે. બન્ને પ્રકારનાં પાપોથી મુક્ત થવું અતિશય કઠિન છે. પરંતુ પારસ્પરિક તુલના કરીએ તો શોખનાં પાપોથી મુક્ત થવું એ બીજા પ્રકારની અપેક્ષાએ થોડું આસાન છે.
પાપ શોખ નાં હોય કે સ્વભાવગત ખામી નાં હોય, આવશ્યકતાનાં હોય કે ઉપેક્ષાનાં બેદરકારીનાં હોય: એનાથી મુક્ત થવાનો પ્રથમ સોપાન જેવો ઉપાય છે પાપને 'ડીલે' કરવું. જો વ્યક્તિ પાપથી સદંતર દૂરી ન કરી શક્તી હોય તો એને ભૂમિકારૂપે આ પ્રથમ સોપાન સર કરવું કે એ પાપ બનતી શક્યતાએ પાછું ઠેલતું જવું. ઉદાહરણરૂપે છે હિંસાનું પાપ. ધારો કે કોઈ અણબનાવ-ઝઘડો યા ગેરસમજથી એક વ્યક્તિએ સામી વ્યક્તિને ખતમ કરવાનો કે મોટી ઇજા કરવાનો નિર્ણય કર્યો. એ સમયે એણે એ નિર્ણયનો તત્કાલ અમલ ન કરવો, બલ્કે મન જ્યાં સુધી સજ્જ કરી શકાય ત્યાં સુધી એણે એ નિર્ણય 'ડીલે' કરતો જવો, એનો અમલ લંબાવતા જવો.
આ સંદર્ભમાં આપણે ટાંકીશું 'ભરહેસર' નામે જૈન સ્તોત્રમાં મહાન વિભૂતિરૂપે નામ પામેલ એક સમયનાં ખુંખાર ચોર વંકચૂલનો જરૂરી જીવનપ્રસંગઃ
રાજકૂલમાં જન્મેલ પુષ્પચૂલ રાજકુમાર એનાં વ્યસનો-વિચિત્ર હરકતોનાં કારણે વંકચૂલ નામ પામ્યો અને સગા પિતા રાજવીએ થાકીને એનો દેશનિકાલ કર્યો. વંકચૂલે જંગલમાં નાનું ગામ-ચોરપલ્લી વસાવી ડાકુગીરી આદરી. એકવાર, માર્ગ ભૂલી જવાથી એની પલ્લીમાં ચાતુર્માસી પર્વના દિવસે આવી ચડેલ જૈન મુનિઓએ ત્યાં રહેવાની અનુમતિ માંગી. કોઈ ઉપદેશ ન આપવાની શરતે વંકચૂલે જૈન મુનિઓને ત્યાં રહેવા દીધા. ચાતુર્માસ બાદ પ્રસ્થાન સમયે જૈન મુનિઓએ વંકચૂલને ચાર નાના નિયમો એવા આપ્યા કે જે એને પરવડી શકે- એ સ્વીકારી શકે. એમાંનો પ્રથમ નિયમ હતો કે 'કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરતાં પૂર્વે સાત ડગલા પાછું હટવું. આ નિયમ બીજું કાંઈ નહિ, હિંસાનામે પાપને 'ડીલે' કરવાની તરકીબ હતી.
એક રાતનો પ્રસંગ. મોટી લૂંટ ચલાવવાના પ્રયાસમાં નિષ્ફળ જઈ રાજસૈનિકોથી માંડ માંડ બચેલ વંકચૂલ સાથીઓ સાથે પલ્લી પર પહોંચ્યો. પોતાના ઘરે પ્રવેશતા થાકેલ- હારેલ એણે જે દૃશ્ય જોયું એનાથી એ નખશિલ સળગી ઉઠયો. શય્યામાં એની પત્ની સાથે કોઈ પુરુષ સૂતો હતો. બન્ને બેવફા પ્રેમી-પંખીડાઓને સજા-એ મોત આપવાના ઇરાદા સાથે વંકચૂલે તાતી તલવાર કાઢીને ઊગામી. ત્યાં જ એને યાદ આવ્યો સાત ડગલાં પાછા હટવાનો નિયમ. ક-મને એ એકેક ડગલું પાછો જતો ગયો. બરાબર છટ્વા ડગલે એની તલવાર પાછળની ભીંત સાથે અથડાઈ. અવાજ આવતાં જ શય્યામાંની બન્ને વ્યક્તિ જાગી ગઈ. જે પુરુષવેશમાં હતી એ વંક્ચૂલની બહેન હતી. એણે કહ્યું: ભાઈ ! તારા ગયા પછી ગત રાત્રિએ અહીં એક નાટયમંડળી ખેલ માટે આવી હતી. એના કલાકારો જાસૂસ જેવા લાગવાથી મેં તારો વેશ પરિધાન કર્યો અને પલ્લીમાં તારી ગેરહાજરી નથી એ પુરવાર કરવા અમે સાથે નાટયખેલ નિહાળ્યો. રાત્રે ખૂબ મોડું થઈ જતાં અમે એ જ વેશમાં નિદ્રાધીન થઈ ગયા !'
વંક્ચૂલ વિસ્મિત થઈ ગયો નિયમ દ્વારા થયેલ આ આબાદ બચાવથી. જો સાત ડગલાં પાછાં હટવા દ્વારા એણે પાપ 'ડીલે' ન કર્યું હોત તો આજે એના હાથે નિર્દોષ બહેનની અને પત્નીની હત્યાઓ થઈ ગઈ હતો ! પાપને 'ડીલે' કરવા યાદ રાખીએ આ મજાનું સૂત્ર કે 'એક પણ ખોટી બાબતને આજ પર આવવા દેવી નહિ અને એક પણ સારી બાબતને કાલ પર જવા દેવી નહિ.
૨) ડિલીટ: પાપ 'ડીલે' કરવાની વાત એ વ્યક્તિઓ માટે છે કે જેમનામાં પાપને 'ડિલીટ' કરી નાંખવાનું-સાવ જ ભૂંસી નાખવાનું સત્વ નથી- સામર્થ્ય નથી. બાકી જો આવું સામર્થ્ય હોય તો પાપવૃત્તિને-ખરાબ કૃત્યોને 'ડિલીટ' જ કરી દેવા જોઈએ. ક્યાંક આવું સત્ત્વ- સામર્થ્ય સ્વયમેવ એકાએક પ્રગટે છે: જેમ કે ડાકુ દૃઢપ્રહારી. ખીર જેવી સામાન્ય બાબતમાં જગતની ચાર ઘોર હત્યાઓ કરી તે પછી એનામાં સ્વયમેવ પશ્ચાત્તાપનો પાવક પ્રગટયો અને એના પરિણામરૂપે જૈન મુનિના સંગે એણે જીવનમાંથી તમામ પાપો 'ડિલીટ' કરવાનો પ્રબળ- પ્રચંડ અને પરિણામદાયી પુરુષાર્થ કર્યો. ક્યાંક આવું સત્ત્વ સદ્ગુરુ ભગવંતના વચનોથી પ્રગટતું હોય છે: જેમ કે સમ્રાટ કુમારપાલમાં સદ્ગુરુદેવ શ્રી હેમચન્દ્રાચાર્યનાં સંગે એવું સત્ત્વ પ્રગટયું કે સ્વયં તો પાપથી દૂર થાય, ઉપરાંત અઢાર દેશનાં પોતાનાં સામ્રાજ્યમાંથી હિંસાનો જાણે દેશનિકાલ કરાવ્યો. ક્યાંક એ સત્ત્વ પ્રગટે છે સામૂહિક આરાધનાઓમાંથી. પોતાની સાથેના અન્યાન્ય આરાધકોનાં જીવનમાંથી પ્રેરણા લઈને કે સમૂહમાં થયેલ શ્રેષ્ઠ આરાધનામાંથી પ્રેરણા લઈ વ્યક્તિ સ્વકીય જીવનમાંથી પાપો 'ડીલીટ' કરે. અમને આવો અનુભવ થયો હતો ઇ.સ.૨૦૨૨માં:
એ વર્ષે અમારું ચાતુર્માસ હતું મુંબઈને બોરીવલી-ગીતાંજલિ જૈન સંધમાં. એ અને અમારા શિષ્યવૃંદોના જ્યાં ચાતુર્માસ હતા એ અન્ય સંઘો મળી કુલ પાંચ સંઘોમાં એ વર્ષે હાઈએસ્ટ રેકોર્ડ સર્જાયો અને કુલ માસક્ષમણો થયા પાંચસો અટ્વાવન ! પારણાના બીજા દિવસે બપોરે અમારી પાસે એક માસક્ષમણ કરનાર દંપતી આવ્યું. એમાંના ભાઈએ અશ્રુઝરતી આંખે કબૂલાત કરી કે 'મને સીગરેટનું ભયંકર વ્યસન છે. આ તપ નિમિત્તે મારે એ પાપ કાયમ છોડવું છે !' એમના પત્નીએ પ્રેરણા કરી: 'હજુ આનાથી ય મોટું પાપ તમે કરો છો. એ ય કબૂલ કરી એનો કાયમી ત્યાગ કરો.' એ પાપ હતું દારુનું સેવન. ભાઈએ રડતી આંખે- રડતાં અંતરે એ વ્યસનની પણ કબુલાત કરી એનો કાયમી ત્યાગ કર્યો. જો આપણને પાપનું ફળ ઇષ્ટ નથી, તો પાપને જીવનમાંથી 'ડિલીટ' કરવા જેવો શ્રેષ્ઠ વિકલ્પ અન્ય કોઈ નથી.
૩) ડાયવર્ટ: પાપ 'ડિલીટ' કરવા જેવું કૌવત ન હોય અને પરિણામ 'ડિલીટ' જેવું જોઈતું હોય તો છે આ ત્રીજો વિકલ્પ. પ્રવાસમાં જે માર્ગ પર કામ ચાલતું હોય- ખાડો હોય એ માર્ગ થોડો બદલી દઈ-સાઈડ પર જઈ વ્યક્તિ ટૂંક સમયમાં આસાનીથી મૂળ માર્ગ પર ગોઠવાઈ જાય. બસ આ જ વાત અહીં છે કે પાપપ્રવૃત્તિ જલ્દી છૂટતી ન હોય તો એને એ રીતે 'ડાયવર્ટ' કરી દેવાય -વળાંક આપી દેવાય કે પરિણામે આત્મા પાપમુક્તિનાં મૂળ લક્ષ્ય પર આસાનીથી ગોઠવાઈ જાય. જૈન શાસ્ત્રોમાં આવું એક ઉદાહરણ મળે છે પ્રભુ આદિનાથ અને તેમના અટ્વાણું પુત્રોનું. પિતાએ આપેલ રાજ્યનું સ્વામીત્વ એ પુત્રો ધરાવતા હતા. પરંતુ મોટા ભાઈ ભરતે ચક્રવર્તી બનવા અટ્વાણું ભાઈઓને યુદ્ધ અથવા શરણાગતિનું આહ્વાન કરતા એ મુંઝાયા. સગા ભાઈ સાથે યુદ્ધ કરે તો પરમપિતાની અપકીર્તિ થાય અને ઝૂકી જાય તો નબળાઈ દેખાય. શું કરવું તે ન સમજાતાં તેઓ આદિનાથપ્રભુ પાસે સલાહ માટે આવ્યા. પ્રભુએ આ 'ડાયવર્ટ'ની નીતિ અપનાવી યુદ્ધહિંસાનું પાપ ન થાય એ માટે ઉપદેશ એવો વૈરાગ્યસભર આપ્યો કે અટ્વાણું ભાઈઓ-રાજાઓ સંસાર ત્યાગીને સંયમી બની ગયા ! ન યુદ્ધનું પાપ, ન નાલેશીભરી શરણાગતિ. નવો જ માર્ગ અને છતાં હિંસા નામે પાપથી મુક્તિ !
છેલ્લે એક વાત: પ્રસન્નભાવે પાપો કરશો તો પાપો જામી જશે... પશ્ચાત્તાપભાવે પાપો કરશો તો પાપો વિરમી જશે.