જેના મૂળ સલામત છે એ વૃક્ષ અડીખમ રહે.. જેના કષાયો સાબૂત છે એનો સંસાર અનંત રહે...
- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ
જં ગલમાંથી પસાર થઈ રહેલ પ્રવાસી ચોતરફનાં દૃશ્યો નિહાળીને મનોમન વિચારી રહ્યો હતો કે 'કુદરતની તબાહી વેરવાની તાકાત કેવી જાલિમ છે !' થોડા જ દિવસો પૂર્વે આવેલ વિનાશક વાવાઝોડાંએ એકે ય વૃક્ષને સલામત રહેવા દીધું ન હતું. તોતિંગ અને ઘેઘૂર જણાતા વૃક્ષો પણ સાવ ધરાશાથી થઈ ગયા હતા. કુદરતનો આ તમાશો જોતાં જોતાં જઈ રહેલ એ પ્રવાસીની નજરે અચાનક એક એવું વૃક્ષ આવ્યું કે જે બિલકુલ અડીખમ-યથાવત્ હતું. સમગ્ર જંગલમાં આ એક જ વૃક્ષ આમ સહીસલામત કઈ રીતે રહી શક્યું એનું પ્રવાસીને આશ્ચર્ય થયું. પરંતુ એની પાસે આનો કોઈ ઉત્તર ન હતો.
એવામાં એને ત્યાં એક વનવાસી મળી ગયો. પ્રવાસીએ વનવાસી સમક્ષ પોતાનું કુતૂહલ રજૂ કર્યું. જાણકાર વનવાસીએ તરત ઉત્તર આપ્યો : ' આમાં કાંઈ આશ્ચર્યજનક નથી. હકીકત એ છે કે આ વૃક્ષનાં મૂળ ઊંડે ઊંડે પાતાળ સુધી ઉતરી ગયા છે. એથી એ એટલા સલામત છે કે કોઈ વા-વંટોળ પણ એ મૂળને ઉખાડી ન શકે. મૂળ સલામત છે માટે આ વૃક્ષ પણ અડીખમ-સલામત છે. બીજી મહત્ત્વની વાત એ છે કે ધોમધખતા તાપમાં અન્ય વૃક્ષો સુકાઈ પણ ગયા છે, જ્યારે આ વૃક્ષના ઊંડા મૂળ પાતાળમાંથી પાણી ચૂસતા હોવાથી એ લીલુંછમ પણ છે.'
જેમ મૂળ સલામત હોય તો વૃક્ષ અડીખમ રહે છે, તેમ જ્ઞાાનીભગવંતો કહે છે કે કષાયો સલામત હોય તો આત્માનો સંસાર પણ અડીખમ-અનંત બની રહે છે. સાધક ભલે ને ચાહે તેવી ઘોર ઉગ્ર, સાધના કરે, પરંતુ એના કષાયો અર્થાત્ ક્રોધાદિ દોષો સલામત હોય તો એ સાધકનાં સંસારનો ભવભ્રમણનો અંત ન આવે. કારણકે કષાયો તો સંસાર વૃક્ષનું મૂળ છે. આપણે જે ગ્રન્થના સાતમા અધિકારમાં હવેથી પ્રવેશ કરી રહ્યા છીએ તે ' અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રન્થના આ સાતમાં અધિકારમાં જ ગ્રન્થકારે બહુ સ્પષ્ટ રીતે સંસારને વૃક્ષની અને કષાયોને એનાં મૂળની ઉપમા આપી છે. ગ્રન્થકારની પંકિત આ છે કે 'મૂલં હિ સંસારતરો : કષાયા :'
જૈન પારિભાષિક શબ્દ 'કષાય'માં ચાર ભયાનક દોષો સમાવિષ્ટ થાય છે. ક્રોધ-માન માયા અને લોભ. આ દૃષ્ટિએ કષાયોના પ્રકાર ચાર ગણાયા છે. આ દરેક દોષોની તીવ્રતા- મંદતાની અપેક્ષાએ દરેકના સંજ્વલનાદિ ચાર ભેદો કરી કર્મગ્રન્થકારો કષાયોના સોળ પ્રકાર અને વધુ સૂક્ષ્મતામાં જઈએ તો કષાયોના ચોસઠ પ્રકારો પણ દર્શાવે છે. આપણે અહીં સાતમા અધિકારના કેટલાક લોકોના આધારે કષાયોના મૂળ ચાર પ્રકારો એટલે કે ક્રોધ-માન-માયા-લોભ પર ક્રમશ : સંક્ષિપ્ત નિરૂપણ કરીશું :
ક્રમાનુસાર પ્રથમ વિચારીએ ક્રોધ, ક્રોધ નુકસાનકારક છે આવું સમજવા છતાં આપણે ઘણીવાર આપણા ગુસ્સાનો બચાવ કરવા એક સુંવાળી દલીલ કરીએ છીએ કે ' પણ ક્યાં સુધી સહન કરવાનું ને સાંભળી લેવાનું ? સહન કરવાની કોઈ સીમા તો હોય ને ? બેહદ થઈ જાય તો ગુસ્સો આવી ય જાય.' વસ્તુત : આ દલીલ આપણી અસહિષ્ણુતા- ' શોર્ટ ટેમ્પર' સ્વભાવ પરનો ઢાંક પિછોડો છે. ગ્રન્થકાર સાતમા અધિકારના પ્રથમ શ્લોકમાં આની સામે સચોટ દલીલ કરે છે કે : ' હે જીવ ! કષાયોના અંજામરૂપે ભૂતકાળમાં તે નર્કમાં કારમી વેદનાઓ સહન કરી છે અને હજુ પણ કષાયવશ થઈશ તો જાલિમ નર્કવેદનાઓ સહન કરવી પડશે. ત્યાં એવી કોઈ દલીલ નથી ચાલતી કે ' ક્યાં સુધી સહન કરવાનું ? કોઈ મર્યાદા તો હોય ને ? ' જો ત્યાં ઘણું સહન કરવું જ પડશે તો એના બદલે અત્યારે થોડું સહન કેમ નથી કરી લેતો ? શા માટે અજ્ઞાાની વ્યક્તિના દુર્વચનોથી ઉશ્કેરાઈ જઈને તારું પુણ્યરૂપી ખતમ કરે છે ?' ગ્રન્થકારની આ દલીલ એવી દમદાર છે કે આ 'એંગલ' થી વિચારીએ તો ક્રોધ શાંત થઈ જાય, ઉશ્કેરાટ પર કાબૂ આવી જાય.
ક્રોધ પર નિયન્ત્રણ રાખવા આપણે ત્રણ લક્ષ્ય રાખવા જોઈએ : (૧) ઉશ્કેરાટની સ્થિતિમાં કોઈ પ્રતિક્રિયા ન આપવી. કેમ કે ઉશ્કેરાટમાં વ્યક્તિ સારાસારનો વિવેક વીસરી જાય છે. ૨) મર્યાદા મૂકીને પ્રતિક્રિયા ન આપવી. કોઈ ભલે અસભ્યતા દાખવે. વસ્તુત : એમ કરવામાં તે એના સંસ્કારોનું સ્તર નિમ્ન હોવાનું પુરવાર કરે છે. આપણે મર્યાદા ન ચૂકીએ તો આપણા સંસ્કારોનું સ્તર ઉચ્ચ હોવાનું આપોઆપ પ્રતિપાદિત થાય. યાદ આવે અહીં ભર્તૃહરિના એક શ્લોકની કલ્પના : કો'કે અસભ્યતા દાખવી સંસ્કારી સજ્જનને ગાળ આપી. સજ્જને કહ્યું ' તમારે ગાળ આપવી હોય તેટલી આપો. એનાથી એ પુરવાર થઈ જશે કે તમારી પાસે ગાળોનો-અપશબ્દોનો ભંડાર છે. હું તમને પ્રતિક્રિયારૂપે એક ગાળ પણ નહિ આપું. કેમકે મારી પાસે ગાળનો 'સેમ્પલ' પણ નથી ! આને કહેવાય મર્યાદા ન ચૂકવાની સભ્યતા. ૩) વૈરનો અનુબંધ પરંપરા સર્જાય તેવી ઉગ્ર પ્રતિક્રિયા ન દાખવવી. અતિ ઉગ્ર પ્રતિક્રિયા દાખવવાથી આ જન્મમાં તો દુશ્મનાવટ- અંગોપાંગહાનિ વગેરે નુકસાનો થાય જ. ઉપરાંત પરલોકમાં વૈરાનુબંધનાં કારણે નર્ક જેવી દુર્ગતિ જેવી દુર્ગતિ મળે છે. ઉત્તરાધ્યયન આગમસૂત્રનું એક વચન છે કે 'વેરાણુબદ્ધનરયં ઉવેંતિ. મતલબ કે વૈરાનુબંધી જીવો નર્કમાં ઉત્પન્ન થાય છે.
ઉપયોગી થશે આ ચિંતન આપણા ક્રોધ નામના દોષને નિયન્ત્રિત કરવામાં..