વિહારસેવા દ્વારા જૈન શ્રમણ-શ્રમણી સંઘની સુરક્ષાનો ઉત્તમ પ્રયોગ : વિહાર સેવા ગ્રુપ
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'જૈન શ્રમણોના ધારદાર પ્રવચનોએ કૈંક વાલિયાઓને વાલ્મીકિરૂપે પરાવર્તિત કર્યા છે, તો જૈન શ્રમણોની કરુણાનીતરતી હૃદયસ્પર્શી લેખિનીએ કંઈ કેટલાય પતિતોને પાવન બનાવ્યા છે. શ્રમણો સમષ્ટિગત - સામૂહિક ઉપકારકાર્યો જેટલાં કરે છે એથી અનેકગણા અધિક ઉપકારકાર્યો વ્યક્તિગતરૂપે દોષત્યાગ-વ્યસનત્યાગ-સ્વાર્થત્યાગ-સંસારત્યાગ વગેરે સ્તરે કરાવે છે. અને... એમનાં જીવનમાંથી સહજ પ્રગટતતા આદર્શ આલંબનો ? એનાં તો અઢળક નોખા - અનોખા ઈતિહાસો છે. શ્રમણની આદર્શ ભિક્ષાચર્યા નિહાળી ઈલાચીકુમાર કેવલજ્ઞાાન પામ્યા, તો એ જ જૈન શ્રમણોની આદર્શ વિહારચર્યા નિહાળી તામલિ તાપસ સમ્યગ્ દર્શન પામ્યા !'
સ્વ ની સાધના અને સર્વ જીવમાત્રનાં કલ્યાણની કામના સાથે વિચરતા રહી આ ધરતીને પાવન કરતાં જૈન શ્રમણ-શ્રમણીભગવંતો માટે "પંચસૂત્ર" શાસ્ત્રમાં એક મધુર-આહ્લાદક અને સંપુર્ણ સાર્થક વિશેષણ યોજાયું છે "પરોવયારનિરયા." મતલબ કે જૈન શ્રમણ પરોપકારમાં પરાયણ હોય છે - પાવરધા હોય છે.ળ
જાતનાં કલ્યાણની સાધનાની સાથોસાથ જગતકલ્યાણની ધારા અખંડરૂપે બરકરાર રાખવી એ જૈન શ્રમણોની અદ્ભુત કમાલ છે. પ્રવચન-લેખન-આત્મહિતની વ્યક્તિગત કાળજી-આદર્શરૂપ આલંબનો : આ છે એમના વિધવિધ સ્વરૂપના પરોપકારની આછી ઝલકો ! 'જૈન શ્રમણોના ધારદાર પ્રવચનોએ કૈંક વાલિયાઓને વાલ્મીકિરૂપે પરાવર્તિત કર્યા છે, તો જૈન શ્રમણોની કરુણાનીતરતી હૃદયસ્પર્શી લેખિનીએ કંઈ કેટલાય પતિતોને પાવન બનાવ્યા છે. શ્રમણો સમષ્ટિગત - સામૂહિક ઉપકારકાર્યો જેટલાં કરે છે એથી અનેકગણા અધિક ઉપકારકાર્યો વ્યક્તિગતરૂપે દોષત્યાગ-વ્યસનત્યાગ-સ્વાર્થત્યાગ-સંસારત્યાગ વગેરે સ્તરે કરાવે છે. અને... એમનાં જીવનમાંથી સહજ પ્રગટતતા આદર્શ આલંબનો ? એનાં તો અઢળક નોખા - અનોખા ઈતિહાસો છે. શ્રમણની આદર્શ ભિક્ષાચર્યા નિહાળી ઈલાચીકુમાર કેવલજ્ઞાાન પામ્યા, તો એ જ જૈન શ્રમણોની આદર્શ વિહારચર્યા નિહાળી તામલિ તાપસ સમ્યગ્ દર્શન પામ્યા !' અરે ! આજે પણ કેટલાય અજૈન પરિચિતો અમને કહે છે કે "સાધુ જીવનની સૌથી શ્રેષ્ઠ ઉંચાઈ અમને જૈન શ્રમણોમાં જ જોવા મળે છે." આ છે એમનાં જીવનમાંથી સહજ પ્રગટતા આદર્શ આલંબનો.
જૈન શાસનની અપેક્ષાએ વિચારીએ તો, જૈન શ્રમણોનો સર્વાધિક ઉપકાર છે શાસનપ્રભાવનાનો - શાસનરક્ષાનો. આજે જૈન શાસનમાં પ્રચુર પ્રમાણમાં દાન-શીલ-તપની સાધનાની જે છોળો ઊડે છે, પદયાત્રાસંઘો - જિનાલયાદિ નિર્માણો - સાધર્મિક સેવા - અનુકંપા કાર્યોના જે પુર ઊમટે છે એના મૂળમાં નિ:સંદેહ શ્રમણ-શ્રમણી ભગવંતો છે. જો એ શ્રમણ - શ્રમણી સંઘ ન હોત તો જૈન શાસનનો ઉજ્જવલ ઈતિહાસ પણ ન હોત. આથી જ અમે પ્રવચનોમાં ઘણી વાર એક શાયરી ટાંકીએ છીએ કે :-
આકાશ મેં યદિ તારે ન હોતે, તો રાત ઈતની સુહાની ન હોતી;
દુનિયા મેં અગર સાધુ-સાધ્વી ન હોતે, તો જૈન શાસન કી કહાની ન હોતી.
અલબત્ત, અમે એમ કહેવા નથી માંગતા કે આ ગ્રુપની સ્થાપના પૂર્વે વિહારસેવાની વ્યવસ્થા ન હતી. તે પૂર્વે ય વ્યવસ્થા હતી જ. જેમ કે મુંબઈની નિકટ વૈતરણા નદીના રેલવે બ્રીજ ઊતરવાનો વિહાર અત્યંત કઠિન છે. ત્યાંના એક ભાઈ 'વન મેન આર્મી' બની છેલ્લા ત્રીસથી વધુ વર્ષોથી એકલપંડે શ્રમણ-શ્રમણી ભગવંતોની સાથે રહી વિહાર સેવા અને સુરક્ષા કરે છે, તો શ્રમણ સેવા ગ્રુપ-સમકિત યુવક મંડળ વગેરે સંસ્થાઓ આ જ કાર્ય સમૂહ સ્તરે કરે છે. પરંતુ અમારો નિર્દેશ એ છે કે ગામે ગામ - શહેરે શહેર અને રાજ્યે રાજ્ય વિહાર સેવાને અને એ દ્વારા શ્રમણ-સુરક્ષાને વ્યાપક સ્તરે લઈ જવાનો યશ નિ:સંદેહ વિહાર સેવા ગ્રુપને જાય છે. અમારું છેલ્લું ચાતુર્માસ શ્રી સિદ્ધ ક્ષેત્ર - પાલિતાણામાં હતું, ત્યારે એના અંતિમ ચરણમાં, આ. શ્રી મહાબોધિસૂરિજીએ પાઠવેલ વિહાર સેવા ગ્રુપનું વિવિધ સાહિત્ય મળ્યું. એના પર નજર ઠેરવતાં અંતરમાં જે અનુમોદનાનો આનંદ સાગર લહેરાયો એનાં કેટલાંક અમી છાટણાં આજે "ગુજરાત સમાચાર"ના લાખો વાચકો સમક્ષ પ્રસ્તુત કરવા છે. આવો, ઘટનાઓની તસવીરોમાં આપણે એનું મનભર-દિલબહાર દર્શન કરીએ :
(૧) મધ્યપ્રદેશનું શૈલાનાગામ. આ ગામના ભાવિક મુકેશભાઈ જૈન શત્રુંજયગિરિરાજની નવ્વાણું (એકસો આઠ) યાત્રા કરવા ગયા હતા. પચાસેક દિવસના દીર્ઘ પુરુષાર્થના અંતે યાત્રાઓ પુર્ણ કરી તેઓ સવારે ચાર વાગ્યે હજુ તો ગામમાં પહોંચ્યા ત્યાં સમાચાર મળ્યા કે આજે વિહારમાં પદયાત્રાનો લાભ લેવાનો છે. કોઈ વ્યક્તિ સળંગ પચાસથી વધુ દિવસ ઘરથી દૂર રહી હોય, અને ઘરે પહોંચતાવેંત આવો સંદેશ મળે તો શું તુરત-તુરત વિહારમાં જાય ? અને એ ય નિત્ય સત્તાવનસો સોપાનની ચડ-ઉતર સાથેની યાત્રાઓ કરીને આવે ત્યારે ?ઘરનું જોડાણ અને થકાન, બે ય નાં કારણે આ અશક્ય લાગે. પરંતુ આ વિહારસેવક ભક્તિથી સળંગ વીશ કીલોમીટર ચાલી સંયમી ભગવંતોની સેવા -સુરક્ષામાં રહ્યાં ! વિહાર પુર્ણ થયા બાદ ઘરે પહોંચી ૧૨.૩૦ ક. પચ્ચક્ખાણ પાર્યું. ત્યાં સુધી એમણે મુખમાં અન્નનો કણ અને જલનું બુંદ પણ લીધું નહિ. શું કહીશું આને ? ચોક્કસ જ વિહારસેવાનો રંગ.
(૨) મુંબઈ-ઘાટકોપરના હરેશભાઈ કોઠારી. વર્ષોથી સંયમી ભગવંતોના વિહારમાં જાય અને વિહારસંલગ્ન સેવાઓનો ભક્તિથી લાભ લે. અશાતાવેદનીય કર્મના ઉદયે તેઓ કેન્સરની બિમારીમાં સપડાયા. પરંતુ એમનો જોમ-જુસ્સો અને સંયમીઓની સેવા-સુરક્ષાના ભાવ બુલંદીપુર્વક અકબંધ રહ્યા. કેન્સરની સ્થિતિમાં છેલ્લા બે વર્ષ એ વિહાર સેવામાં જોડાયેલા રહ્યા. એટલું જ નહિ, એમની ચિર:વિદાય પછી એમનો પુત્ર અને પૌત્ર એ સેવામશાલ જ્વલંત રાખવા વિહારસેવા ગ્રુપમાં જોડાઈ ગયા. કેન્સરને ય પડકારનારી આ ઝીંદાદિલી - જોશ પેલી પંક્તિને સાર્થ કરતી લાગે કે "જોશ ઐસા હો જિસ પે ફરિશ્તે કો ભી નાઝ હો."
(૩) એક વિહાર સેવકની ધાર્મિક જીવનશૈલી આ રીતની સર્જાઈ છે કે તે નિત્ય નવકારશી - ચોવિહાર પ્રભુ પૂજા કરે. દરેક પર્યુષણાપર્વમાં ચોસઠ પ્રહરી પૌષધ કરે. પ્રતિવર્ષ બન્ને શાશ્વતી ઓળીની આયંબિલઆરાધના કરે. મોટી વાત હજુ એ છે કે એ પોતાની વાર્ષિક આવકની પચાસ ટકા રકમ જૈન ધર્મના શુભ કાર્યોમાં વાપરે છે, તો હવેથી પદયાત્રાવિહારોમાં ચંપલનો ત્યાગ કરે છે. અને હવે એમની સૌથી મોટી વાત. આ ભાઈ જન્મે જૈન નથી, અજૈન છે. એમનું નામ છે સુભાષભાઈ રાજપૂત. સંયમીઓનો સંસર્ગ જીવનમાં કઈ હદનું પરિવર્તન પ્રગટાવી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. યાદ આવે અહીં શંકરાચાર્યની એક સંસ્કૃત કૃતિની સદાબહાર પંક્તિઓ કે "ક્ષણમપિ સજ્જનસંગતિરેકા, ભવતિ ભવાર્ણવતરણે નૌકા." ભાવાર્થ કે સજ્જની સાધુ-સંતની સંગતિની એક ક્ષણ પણ સંસારસાગરથી પાર ઉતારી શકે છે.
(૪) અમદાવાદ - સાબરમતિ સંઘના વિહારગ્રુપના યુવાનોનને શ્રમણ ભગવંતોની વિહારસુરક્ષા માટે નવતર પ્રયોગ કર્યો. એ મુખ્ય હાઈવે પરના ટોલબુથ પર ગયા. ત્યાં જેટલા જેટલા ભારે વાહનો લાઈનમાં હતા તે તે દરેક વાહનોના ચાલકોને મીઠાઈ બોક્સ આપવા સાથે વિનંતી કરે કે "આ હાઈવે પર જૈન શ્રમણ-શ્રમણીને ચાલતા જુઓ ત્યારે એમને અકસ્માત ન થાય એનું ધ્યાન રાખી સ્પીડ ઓછી કરજો." બે હજાર વાહનચાલકોને એમણે મીઠાઈ બોક્સ ભેટ ધર્યા. માનસ શાસ્ત્રનો નિયમ છે કે વ્યક્તિ જ્યારે એક ધ્યેયને પુર્ણ સમર્પિત બને છે ત્યારે એની પૂર્તિ માટે જે જે શક્ય હોય તે તે તમામ ઉપાયો અજમાવે. આ ઘટનામાં આ નિયમ પ્રતિબિંબિત થતો સરસ નિહાળાય છે.
(૫) જે સંયમીઓ વૃદ્ધ-અશક્ત-રોગગ્રસ્ત હોય એમના વિહાર માટે વર્તમાનમાં "ચેર"ની વ્યવસ્થા વ્યાપક છે. આ ચેર ચલાવવા પગારદાર કર્મચારી ભાઈ-બહેનો રખાય. જામનગર વિસ્તારમાં ચેર ચલાવનાર આવી પાંચ બહેનો એકાએક વિહાર અધૂરો રાખી ચાલી જતાં વિહાર સેવા ગ્રુપની પાંચ જૈન બહેનોએ ઘરકાર્ય છોડી આ સંયમીઓની વિહાર સમસ્યા દૂર કરવાનો પડકાર ઝીલ્યો. એ પાંચ જૈન શ્રાવિકાઓએ સળંગ છ દિવસ પાંચ પાંચ ચેર ચલાવી સંયમીઓની વિહારસેવા કરી ! જેઓ પોતાના ગૃહકાર્ય માટે કામવાળી બાઈઓ રાખતા હોય તે શ્રાવિકાઓ સ્વયં ચેર ચલાવે તે સંયમીઓની સેવાના અનાહત નાદ સિવાય ક્યાંથી શક્ય બને ? અમે સ્વયં પણ લાખો રૂપિયાની ઉછામણી બોલનાર શ્રીમંત પરિવારના સભ્યોને હોંશે હોંશે સંયમીઓની ચેર ચલાવતા નિહાળ્યા છે. વૈયાવચ્ચની-સેવાની ભાવના જ એમાં પ્રધાનપણે કાર્યરત હતી.
(૬) ઘાટકોપર-સાંઘાણી સંઘના યુવાન નિકુંજભાઈ. એક વાર બપોરે એમને સાંજનો વિહારકોલ આવ્યો. એ તુર્ત વિહાર માટે સજ્જ થઈ ગયા. મહત્વની વાત એ હતી કે તે જ સાંજે એમની વહાલી દીકરીનો 'બર્થ ડે પાર્ટી' ગૌણ કરી વિહારસેવાને પ્રાધાન્ય આપ્યું. એ પાર્ટીમાં નહિ, વિહારમાં ગયા. સંતાનની સુખાકારી કરતાં સાધુ-સંતની સુરક્ષા શ્રેષ્ઠ લાગી હોય ત્યારે આવી દૃઢતા પ્રગટે.
ચિક્કાર પ્રેરણાદાયક પ્રસંગોમાંથી અહીં પ્રસ્તુત ઝલકરૂપ પ્રસંગોનું સમાપન કરતાં અમે એ જ કહીશું કે "જૈન શ્રમણ-શ્રમણી ભગવંતો સ્વ-પર કલ્યાણની સાધનાનું જ્વલંત ઉદાહરણ છે, તો વિહાર સેવા જેવા ગ્રુપ એમની સુરક્ષા ભક્તિનું જ્વલંત ઉદાહરણ છે."