સંપત્તિની સમૃદ્ધિ કોઈનાં આંસુ પડાવી શકે છે..સદ્વિચારોની સમૃદ્ધિ કોઈનાં આંસુ લૂંછી શકે છે..
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''કોઈ વ્યક્તિ 'ચા'ની શોખીન હોય અને સામે આ મસાલેદાર મળતી હોય તો એ એકના બદલે બે કપ ચા વાપરી જશે, કદાચ વધુમાં વધુ ત્રણ કપ વાપરી જશે. પરંતુ પછી તો એ અટકશે જ. કોઈ વ્યક્તિને ગુલાબજાંબુ ખૂબ પ્રિય હોય અને સામે એ ભરપૂર મળતા હોય તો એ ચાર-પાંચને બદલે સાત-આઠ ગુલાબજાંબુ આરોગી જશે, કદાચ એકાદ-બે એથી ય વધુ આરોગી જાય. પરંતુ પછી એ અટકશે જ. પણ અફસોસ એ છેકે ચા પીવામાં યા ગુલાબજાંબુ વાપરવામાં ક્યાં અટકવું એ સમજવા તૈયાર નથી. ત્યાં એની વૃત્તિ પ્રાય: એ જ હોય છે કે જેટલું મળે તેટલું ભેગું જ કરો - સંગ્રહ કરી લો
આકાશમાં ચન્દ્ર બીજની રાત્રિએ પણ નિહાળવા મળી શકે છે અને પૂર્ણિમાની રાત્રિએ પણ નિહાળવા મળી શકે છે. પરંતુ દર્શકને બીજના ચન્દ્રની અપેક્ષાએ પૂર્ણિમાના ચન્દ્રનું દર્શન વધુ આહ્લાદક-પ્રિય લાગે છે. કારણ ? એ જ કે બીજના ચન્દ્ર પાસે કળાની સમૃદ્ધિ સાવ ઝાંખી-પાંખી હોય છે, જ્યારે પૂર્ણિમાના ચન્દ્ર પાસે કળાની સમૃદ્ધિ ટોચ કક્ષાની હોય છે. એક નહિ, સોળ સોળ કળા એને વરેલી હોય છે.
રાજાનાં દર્શન રાજમહેલમાં ય થઈ શકે અને રાજસભામાં રાજસિંહાસન પર પણ થઈ શકે. પરંતુ મુલાકાતીએ રાજમહેલના રાજા કરતાં રાજસિંહાસનના રાજાનું દર્શન વધુ અસરકારક-વધુ પ્રભાવશાળી લાગે. કારણ ? એ જ કે રાજમહેલના રાજા સામાન્ય વસ્ત્રોમાં સજ્જ હોય-અલંકાર વગેરેથી રહિત હોય એવું બની શકે. જ્યારે રાજસિંહાસનારૂઢ રાજા મહામૂલાં વસ્ત્રો-અલંકારો મુકુટ-રાજદંડ વગેરે વિશિષ્ટ સમૃદ્ધિથી દેદીપ્યમાન હોય.
સાર એ થયો કે સમૃદ્ધિ વ્યક્તિત્વમાં શોભા-આભાથી વધુ નોંધપાત્ર વૃદ્ધિ કરી શકે. પણ... સબૂર! યાદ રહે કે 'સમૃદ્ધિ' શબ્દ સાંભળતાવેંત ગૃહસ્થ વ્યક્તિને જે યાદ આવે છે તે રૂપિયા-સુવર્ણ-રજત વગેરે સમૃદ્ધિ હોવાનું માની લેવાની જરૂર નથી. એ તો સ્થૂલ સમૃદ્ધિ છે. સમૃદ્ધિ એ સિવાયની પણ હોય છે. આવો, આપણે કુલ બે લેખોમાં આ સ્થૂલ સમૃદ્ધિ સહિત કુલ ચાર સમૃદ્ધિ અંગે વિચાર વિહાર કરીએ :
(૧) સંપત્તિની સમૃદ્ધિ : વાસ્તવિકતાનાં સ્તરે વિચારીએ તો એક વાત ચોક્કસ છે કે 'અર્થમનર્થ ભાવય નિત્યમ્' જેવા વિચારસ્ફુલિંગો ભલે આપવામાં આવે, છતાં સંસારી વ્યક્તિને જીવનવ્યવહારમાં ડગલે ને પગલે સંપત્તિની જરૂર પડે જ છે. ઈષ્ટ સ્થાને પહોંચવા માટે રીક્ષા-ટેક્સી કે બસમાં બેસવું હોય તો ય એના માટે સંપત્તિની આવશ્યકતા રહે, તો ખાવા-પિવાની ચીજ-વસ્તુ જોઈતી હોય તો ય એના માટે સંપત્તિ વિના એ શક્ય ન રહે, સંતાનને શિક્ષણ આપવા માટે ય એને સંપત્તિની જરૂરિયાત રહે, તો માંદગી સમયની સારવાર માટે ય રકમની આવશ્યકતા રહે. સંસારત્યાગી શ્રમણ અકિંચન રહી શકે છે. કારણ કે એમને પ્રભુએ 'ધર્મલાભ' કહી યાચનાનો અધિકાર આપ્યો છે, જ્યારે સંસારી વ્યક્તિને આવો, 'ધર્મલાભ' કહી યાચના કરવાનો, અધિકાર નથી આપ્યો.
પણ સાથે જ સંપત્તિની અનાપ-સનાપ સંગ્રહખોરીની મનોવૃત્તિ ન થઈ જાય તે માટે સિક્કાના બીજા પડલની જેમ વાસ્તવિકતાનું બીજું પાસું પ્રભુએ દર્શાવ્યું છે કે સંપત્તિનો પરિગ્રહ પાપ છે. આવશ્યકતા પૂરતું સંપત્તિનું ઉપાર્જન અલગ વાત છે અને સંપત્તિની સંગ્રહખોરી અલગ વાત છે. તકલીફ મોટી ત્યાં છે કે સમજદાર ગણાતી વ્યક્તિ પણ આ બે વચ્ચેનો ભેદ જાણે કે સમજતી ન હોય એમ વર્તે છે અને લાલસાવશ વધુ ને વધુ સંપત્તિનો સંગ્રહ કર્યે જાય છે.
એક વાત ખબર છે ? કોઈ વ્યક્તિ 'ચા'ની શોખીન હોય અને સામે ચા મસાલેદાર મળતી હોય તો એ એકના બદલે બે કપ ચા વાપરી જશે, કદાચ વધુમાં વધુ ત્રણ કપ વાપરી જશે. પરંતુ પછી તો એ અટકશે જ. કોઈ વ્યક્તિને ગુલાબજાંબુ ખૂબ પ્રિય હોય અને સામે એ ભરપુર મળતા હોય તો એ ચાર-પાંચને બદલે સાત-આઠ ગુલાબજાંબુ આરોગી જશે, કદાચ એકાદ-બે એથી ય વધુ આરોગી જાય. પરંતુ પછીએ અટકશે જ. પણ અફસોસ એ છે કે ચા પીવામાં યા ગુલાબજાંબુ વાપરવામાં ક્યાં અટકવું એ સમજતી વ્યક્તિ સંપત્તિના સંગ્રહમાં ક્યાં અટકવું એ સમજવા તૈયાર નથી. ત્યાં એની વૃત્તિ પ્રાય: એ જ હોય છે કે, 'જેટલું મળે તેટલું ભેગું જ કરો-સંગ્રહ કરી લો.'
આ વૃત્તિ પર 'બ્રેક' લગાવવા જૈન પરંપરા જૈન ગૃહસ્થ માટે-સાંસારિક વ્યક્તિ માટે 'પરિગ્રહપરિમાણ' નામે પાંચમું અણુવ્રત દર્શાવે છે. ધ્યાનાકર્ષક બાબત અહીં એ છે કે જૈન શ્રમણ માટે જે પાંચમું અણુવ્રત દર્શાવ્યું છે તેમાં 'અપરિગ્રહ' અર્થાત્ સંપૂર્ણ ત્યાગનું વિધાન જૈન શાસ્ત્રોએ કર્યું છે. પરંતુ એ જ શાસ્ત્રોએ ગૃહસ્થ વ્યક્તિ માટે 'અપરિગ્રહ' નહિ, બલ્કે 'પરિગ્રહપ્રમાણ'નું વ્રત દર્શાવી વાસ્તવિક અભિગમ દર્શાવ્યો છે. પરિગ્રહ પરિમાણ એટલે સંપત્તિની મર્યાદા-સીમા રાખવી. એવી મર્યાદા કે જેમાં જીવનની જરૂરિયાતો ઉચિતપણે સાચવવું લક્ષ્ય હોય, સંગ્રહખોરીનું નહિ. વળી પુણ્યોદયનાં કારણે મર્યાદાથી વધુ સંપત્તિ ઉપાર્જિત થઈ જાય તો સમયાંતરે એનો ધર્મકાર્યોમાં-સેવાકાર્યોમાં દાનરૂપે વપરાશ કરી દેવો. આ બહુ વાસ્તવિક અભિગમ છે.
આ સંદર્ભમાં યાદ કરીએ એક નાનકડી મજાની ઘટના : ઈમર્સન નામે એક શ્રીમંત સજ્જન. પુણ્યોદયે એની પાસે સંપત્તિ વિપુલ હતી. પરંતુ એ સંપત્તિથી ય વિશેષ એની પાસે ઉત્તમ સમજ હતી. એથી એને સંપત્તિ માટે આંધળી દોટ પસંદ ન હતી. એક વાર કોઈ વ્યક્તિએ આવીને એમને કહ્યું : ''નગરના અમુક વિસ્તારમાં હાલ જમીનના ખુલ્લા પ્લોટ છે. જમીન ખૂબ સસ્તામાં મળે છે. સંપત્તિનું રોકાણ કરી મોટી જમીન પાણીના ભાવે ખરીદી લો. ભવિષ્યમાં એના ભાવ ખૂબ વધશે.'' ઈમર્સને મલકાતા મુખે કહ્યું: ''રહેવા દો, મારે જમીનને માલિક બનાવવી નથી.'' પેલી વ્યક્તિ ઈમર્સનના ઉત્તરથી અચરજ પામી ગઈ. એણે કહ્યું: ''કેમ આવું બોલો છો ?'' તમે જમીનના માલિક બનશો. જમીન તમારી માલિક નથી બનવાની.'' ઈમર્સને હસતા હસતા કહ્યું : ''હું બરાબર જ કહું છું. મારે જમીનને મારી માલિક નથી. હું જો જમીન લઉ તો મારે એની રક્ષા માટે કંપાઉન્ડવોલ બનાવવી પડે-કોઈ એમાં અતિક્રમણ ન કરે એની તકેદારી રાખવી પડે. જમીનનું આવી આવી રીતે મારે ધ્યાન રાખવું પડે માટે ખરા અર્થમાં એ માલિક અને હું એની ચાકરી કરનાર થઉં. આવુ કરીને હું મારા હાલના પ્રશાંત-પ્રેમાળ જીવનસરોવરમાં અશાંતિનો પથ્થર નાખવા નથી ચાહતો.'' પેલી વ્યક્તિ ચૂપ થઈને ચાલી ગઈ.
સતત ઉપર પહોંચવાની મથામણના આજના યુગમાં કેટલા ય ને આ ગણિત બંધબેસતું ન પણ થાય. પરંતુ બિલકુલ સચ્ચાઈ સંપત્તિની સમૃદ્ધિનાં ક્ષેત્ર આ જ છે કે એક સીમા-મર્યાદા પછી અટકવામાં શાણપણ છે. આ માટે જાતને સમજાતવા રહેવું કે ''થોભ, નહિ તો થાકી જઈશ..''
(૨) સદ્વિચારની સમૃદ્ધિ:- સંપત્તિની સમૃદ્ધિ કરતાં સદ્વિચારની સમૃદ્ધિ બેશક ચડિયાતી છે. આપણે સંપત્તિ અંગેના જ એક વિચાર દ્વારા એ પુરવાર કરીએ. ધારો કે સંપત્તિ એમ ને એમ તિજોરીમાં ધરબાયેલી રહે તો એ સંપત્તિ સમાજ માટે વરદાનરૂપ પુરવાર નહિ જ થાય. એનાથી સમાજને કોઈ લાભ નહિ થાય. એ જ સંપત્તિ સમાજ માટે વપરાય તો વરદાનરૂપ જરૂર પુરવાર થાય. ધ્યાનથી વિશ્લેષણ કરીશું તો સમજાશે કે સંપત્તિ વરદાનરૂપ બને એનું કારણ એ સન્માર્ગે વપરાય તે છે અને એ સન્માર્ગે વપરાય તેનું કારણ એના માલિક શ્રીમંતના મનમાં પ્રગટેલ સદ્ વિચાર છે. મતલબ કે સંપત્તિને વરદાનરૂપ બનાવનાર સદ્વિચાર જ છે. એ ન પ્રગટે તો સંપત્તિ વરદાનરૂપ ન બની શકે. સાર એ થયો કે સંપત્તિ નહિ, સદ્વિચારની સમૃદ્ધિ ચડિયાતી છે.
સદ્વિચારની સમૃદ્ધિના અન્ય બે-ત્રણ લાભો સંક્ષેપમાં નિહાળીએ. જો સદ્વિચારો ધરાવનાર વ્યક્તિ પાસે અનુયાયી વર્ગ હોય તો એના શુભ વિચારો બસો-પાંચસો વ્યક્તિઓ ઝીલીને સમાજમાં એનો પ્રચાર-પ્રસાર કરશે. એ વિચારો વર્તનમાં અમલ બનવાથી અનેક સ્થળે અનેક વ્યક્તિઓને એનો લાભ થશે. બીજી બાબત એ કે એ સદ્વિચારો પુસ્તક કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા અસરકારક રીતે રજૂ થયા હોય તો દાયકાઓ અને સૈકાઓ સુધી એની શુભ અસરો સમાજ પર પથરાયા કરે અને કૈકં રચનાત્મક વૃત્તિ-પ્રવૃત્તિઓ વિસ્તરિત થતી રહે. અરે! આવું કાંઈ પણ ન હોય અને સાવ સામાન્ય-સહજ સ્થિતિમાં સદ્વિચાર અપાયો હોય તો એ ય કેવો પરિણામદાયી નીવડે એ જાણવું છે? તો વાંચો આ મજાની ઘટના:
દશ વર્ષના બાળકને એક વર્ષની સતત માંગણી પછી નવીનકોર સાયકલ મળી. એ સાયકલને જીવની જેમ સાચવી જરા ય ઘસરકો ન પડવા દે. એક સાંજે દાદીમાએ વાતવાતમાં એટલું જ કહ્યું કે ''કેટલા ઘસરકા સારા ગણાય.'' બાળકને તુર્ત તો કાંઈ ન સમજાયું. પરંતુ રાત્રે બહુ વિચારતા એને અર્થ સમજાયો. બીજે દિવસે સાંજે એ આવ્યો ત્યારે સાયકલ પર ત્રણ ઘસરકા હતા. માતાએ પૂછયું : ''આજે સાયકલ કેમ બગાડી લાવ્યો?'' દીકરાએ હસતા હસતા કહ્યું : ''મમ્મી! આ તો સારા ઘસરકા છે. આજે મેં નિ:સ્વાર્થપણે ત્રણ મોટાં સેવાનાં કાર્યો આ સાયકલ દ્વારા કર્યા. એમાં દરેક વખતે એકેક ઘસરકો પડયો છે.'' માતા ખુશ થઈ ગઈ.
છેલ્લે એક વાત : સંપત્તિની સમૃદ્ધિ કોઈનાં આંસુ પડાવી શકે છે..સદ્વિચારની સમૃદ્ધિ કોઈનાં આંસુ લૂંછી શકે છે..