મોહ અને ક્ષય : આ બે શબ્દોના પ્રથમાક્ષરથી બને 'મોક્ષ'.જે સાધક મોહ ક્ષય કરે એને મોક્ષ હાથવેંતમાં છે...
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ભયભીત બનેલા આનંદને પ્રભુ મહાવીરે આશ્વાસન આપ્યું અને કહ્યું કે ગોશાલક એના તપ-તેજથી અન્યને ભસ્મ કરી શકે, પરંતુ અરિહંત ભગવાનને ભસ્મ કરવા માટે એ અસમર્થ છે.
ભગવાન મહાવીર મિથિલામાં ચાતુર્માસ ગાળીને શ્રાવસ્તી નગરીમાં આવ્યા. આ શ્રાવસ્તી નગરીમાં ભગવાન મહાવીર અને એમનો શિષ્ય ગોશાલક રહ્યો નહોતો. એક સમયે પોતાના ગુરુ મહાવીરનો મહિમા ગાવા માટે અપાર દુ:ખ વેઠતો હતો. માર સહન કરતો હતો, છતાં મુખેથી મહાવીરની-પોતાની ગુરુની- પ્રશંસા કરતો રહેતો હતો. હવે ગોશાલક ભગવાન મહાવીરનો હરીફ બન્યો હતો. એ પોતે સર્વજ્ઞા, તીર્થકર અને અર્હન્ છે એમ કહેતો હતો.
મહાવીર જુદા પડયા પછી ગોશાલક શ્રાવસ્તી અને એની આસપાસના પ્રદેશમાં ભ્રમણ કરતો હતો. આ શ્રાવસ્તી નગરીમાં વસતા હાલાહલા કુંભાર અને અયંપુલ ગાથાપતિ ગોશાલકના પરમ ભક્ત હતા. ગણધર ગૌતમ ભિક્ષાને માટે શ્રાવસ્તી નગરીમાં ગયા ત્યારે એમણે લોકોને એમ કહેતા સાંભળ્યા કે આ શ્રાવસ્તી નગરીમાં તો બે તીર્થકરો એકસાથે વિચરી રહ્યા છે,
ગણધર ગૌતમસ્વામી ભિક્ષા લઈને પાછા વળ્યા ત્યારે એમણે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે શું ખરેખર ગોશાલક તીર્થકર છે ખરો ?
ભગવાને કહ્યું, 'ગોશાલક નથી સર્વજ્ઞા કે નથી તીર્થકર. યોગ્યતા વગર ઉપાધિ કેવી ? આજથી ચોવીસ વર્ષ પહેલાં એણે મારી પાસે દીક્ષા લીધી હતી. છ વર્ષ મારી સાથે રહ્યો. મને સ્નેહથી અનુસર્યો, પરંતુ પછી શક્તિ તરફ આકર્ષાયો. શક્તિથી મળતી કીર્તિનો દાસ બન્યો. એ મારાથી જુદો પડીને સ્વચ્છંદે વિહરવા લાગ્યો. એને છ મહાનિમિત્તોનું જ્ઞાન છે. પણ નથી એ સર્વજ્ઞા કે નથી એ તીર્થકર. એ અષ્ટાંગનિમિત્તનો શ્રેષ્ઠ જ્ઞાતા હોવાથી કેટલુંક ભવિષ્યકથન કરી શકે છે, પરંતુ એ સિવાય એ જે પદનો દાવો કરે છે તે પદની કોઈ યોગ્યતા એની પાસે નથી.'
ભગવાન મહાવીરની આ વાત આર્ય ગોશાલક સુધી પહોંચી ગઈ. ગોશાલકને ભય લાગ્યો કે આ મહાવીર તો મારી સોળ-સોળ વર્ષની કીર્તિને સાફ કરી નાખશે. મેં રચેલી બાજી ખુલ્લી પડી જશે અને હું ક્યાંયનો નહીં રહું, આથી ભગવાન મહાવીરના સ્થવિર શિષ્ય આનંદ ગોચરી માટે જતા હતા, ત્યારે એમને બોલાવ્યા. સરળ અને વિનયી આનંદ હંમેશા છઠ્ઠ તપ કરતા હતા. ગોશાલકે ભયંકર ગર્જના કરતા આનંદને કહ્યું કે જો મહાવીર મારા વિશે કંઈ પણ કહેશે તો હું એમને ભસ્મ કરી નાખીશ. મને છંછેડીને એ સાર નહીં કાઢે.
ભયભીત બનેલા આનંદને પ્રભુ મહાવીરે આશ્વાસન આપ્યું અને કહ્યું કે ગોશાલક એના તપ-તેજથી અન્યને ભસ્મ કરી શકે, પરંતુ અરિહંત ભગવાનને ભસ્મ કરવા માટે એ અસમર્થ છે. એની શક્તિથી અનંતગણું અરિહંતનું તપ-તેજ હોય છે. કારણકે એમનામાં ક્ષમાનો વિશેષ ગુણ હોય છે.
ભગવાન મહાવીરે ગણધર ગૌતમ વગેરે શિષ્યોને કહ્યું કે ગોશાલક આવે, તો પણ એની વિરુધ્ધ કશું બોલવું નહીં. ત્રાજવું ભલે પોતાના ભારથી જ તૂટી જાય. આખરે ગોશાલક શિષ્ય પરિવાર સાથે પ્રભુ મહાવીર પાસે આવ્યો. મહાવીરના શિષ્ય મુનિ સર્વાનુભૂતિ અને મુનિ સુનક્ષત્રે ગોશાલકને શાંત પાડવા અને સમજાવવા કોશિશ કરી, તો ગોશાલકે એમને ભસ્મ કરી નાખ્યા. શિષ્યોને બાજુએ રાખીને ખુદ પ્રભુ મહાવીર આગળ વધ્યા. ભગવાને એને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ ગોશાલકમાં ક્રોધનું ઝનૂન વ્યાપી રહ્યું. એણે મોટી મોટી આંખોને સૂર્ય તરફ સ્થિર કરી અને સૂર્યનો અગ્નિ આંખોમાં સંગ્રહીને પ્રભુ મહાવીર પર ભયંકર ફુત્કાર કર્યો. તેજોલેશ્યાની સળગતી આગનું એક મહાવર્તુળ ભગવાનની પ્રદક્ષિણા કરીને ગોશાલકના શરીર તરફ પાછું ધસ્યું અને એના દેહમાં સમાઈ ગયું. પળવારમાં દેખાવડો ગોશાલક બિહામણો થઈ ગયઓ. એનું મુખ કાળું ડિંબાંગ બની ગયું. મહાવીર શાંતિના અવતાર બનીને ઉભા હતા. ગોશાલકના દેહમાં દાવાનળ પ્રગટયો હતો. એના શરીરમાં ભયંકર વેદના જાગી. દેહમાં આગ હોય તેમ ક્યારેક હાથ ફેલાવતો, ક્યારેક હાથ સંકોચતો, ક્યારેય જમીન પર પગ પછાડતો તો ક્યારેક 'ઓય ! મરી ગયો રે' ની ચીસ પાડતો હતો.
ગોશાલકને લાગ્યું કે એનો અંતિમ સમય નજીક આવી ગયો. એણે પોતાના સ્થવિરોને બોલાવીને કહ્યું,' મારા મૃત્યુ બાદ મારા શરીરને સુગંધિત જળથી સ્નાન કરાવજો, સુગંધિત ગેરુ વસ્ત્રથી લૂછજો, ગોશીર્ષ ચંદનનો લેપ કરજો, બહુમૂલ્ય શ્વેત વસ્ત્ર પહેરાવજો અને અલંકારથી વિભૂષિત કરજો. એક હજાર વ્યક્તિ ઉઠાવી શકે, એ પ્રમાણેની શિબિકામાં બેસાડીને શ્રાવસ્તીમાં આજ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવજો કે ચોવીસમા ચરમ તીર્થકર મંખલિપુત્ર ગોશાલક જિન થયા, સિદ્ધ થયા, વિમુક્ત થયા અને બધા દુ:ખોથી રહિત થયા. આ પ્રમાણે મહોત્સવ કરીને મારી અંતિમ ક્રિયાઓ કરજો.'
મૃત્યુ પૂર્વેની સાતમા દિવસની રાત્રિએ ગોશાલકનું મિથ્યાત્વ નષ્ટ થતાં એની દૃષ્ટિ નિર્મળ અને શુદ્ધ થઈ. પોતાના સ્થવિરોને બોલાવીને કહ્યું કે મેં શ્રમણોને ઘાત કર્યો. ધર્માચાર્યાનો દ્વેષ કર્યો. વસ્તુત: શ્રમણ મહાવીર જ સાચા જિન છે.
ગોશાલકને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતાના દુષ્કૃત્યની સજા રૂપે મૃત્યુ બાદ એના દેહને ઘસડી જવાનું કહ્યું. શ્રાવસ્તીના રાજમાર્ગ પર એના મૃતદેહને લઈ જતી વખતે 'ગોશાલક જિન નથી, પણ મહાવીર જિન છે.' એવી ઉદ્ઘોષણા કરવાનું કહ્યું. એ રાત્રે એનું મૃત્યુ થતાં એની સૂચના મુજબ સ્થવિરોએ એના અંતિમ સંસ્કાર કર્યા.
ગોશાલક અંતિમ અવસ્થામાં સમકિત પામ્યા. ભગવાન મહાવીરના વચન પર વિશ્વાસવાળો થયો. પોતાના તમામ શિષ્યની સમક્ષ અરિહંતનું શરણ લઈ કાળધર્મ પામ્યો.
ગોશાલકના મૃત્યુ પછી એક વાર ગૌતમસ્વામીને પ્રભુ મહાવીરને પૂછયું,' સ્વામી, ગોશાલક કઈ ગતિને પામ્યો હશે ?'
ભગવાન મહાવીરે કહ્યું,' એ અચ્યુત દેવલોકમાં ગયો છે.'
ગૌતમસ્વામીએ ફરી પૂછયું,' હે ભગવન્, આવો ઉન્માર્ગી અને અકાર્ય કરનાર દુરાત્મા ગોશાલક દેવ કેમ થયો ? એ તો આશ્ચર્યજનક કહેવાય.'
ભગવાન મહાવીરે કહ્યું,' હે ગૌતમ, જે પોતાના અવસાન સમયે પોતાનાં દુષ્કૃત્યોની નિંદા કરે છે તેને દેવપણું દૂર નથી. ગોશાલકે પણ તેવું જ કર્યું. વળી ભવિષ્યમાં એ પોતાનું ચરિત્ર કહીને અનેક ભવ્યજીવોને ધર્મમાં રસ લેતા કરશે તેમજ સમય જતાં અનશન ગ્રહણ કરીને ગોશાલકનો જીવ મોક્ષપદને પામશે.'