Get The App

ઘોઘા-શત્રુંજય મહાતીર્થ સંઘ પ્રસંગે 'સમુદ્રવહાણસંવાદ' ગ્રંથની પ્રેરણાપ્રસાદી તથા 'પુણ્ય-પાપની બારી'નો ઈતિહાસ

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
ઘોઘા-શત્રુંજય મહાતીર્થ સંઘ પ્રસંગે 'સમુદ્રવહાણસંવાદ' ગ્રંથની પ્રેરણાપ્રસાદી તથા 'પુણ્ય-પાપની બારી'નો ઈતિહાસ 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- "ચન્દ્રની અંદર અંકિત હરણ ભલે મલિન-શ્યામ છે. પણ ચન્દ્ર જેવા ઉત્તમ સંયોગ મળવાથી એ પણ રાત્રે પ્રકાશ રેલાવવામાં સહભાગી બને છે. આ છે સજ્જનસંગનો પ્રભાવ. એની વિપરીત, શ્રીફળનું જલ ભલે મધુર-સરસ છે. પરંતુ એમાં જો કપૂર ભળે તો એ મૃત્યુનું કારણ બની જાય. શ્રીફળ જલને ય નુકશાનકારક બનાવવામાં કારણ બને છે કપૂર. એ દુર્જનસંગના ખતરનાક પરિણામનો નિર્દેશ કરે છે."

પોતાના પરમ શ્રદ્ધાકેન્દ્ર ભગવાનના વિશિષ્ટ સ્થાનોની-તીર્થોની યાત્રા કરવાની પદ્ધતિ લગભગ દરેક ધર્મોમાં નિહાળવા મળે છે : પછી એ ધર્મ જૈન હો, હિંદુ હો, મુસ્લીમ હો કે ખ્રીસ્તી હો. પરંતુ જૈન ધર્મની શાસ્ત્રીય શૈલીની યાત્રા એવી છે કે એની વિશિષ્ટતા ઊડીને આંખે વળગે તેવી બની રહે અને 'યાત્રા' શબ્દની નિરુક્ત વ્યાખ્યાને અક્ષરશ: સાર્થક કરે. સંસ્કૃત ભાષાનુસાર 'યાત્રા' શબ્દની એક નિરુક્ત વ્યાખ્યા આ છે કે  "સ્ર્ક્ર શ્ક્રક્રસ્ર્ભશ્વ Ðક્રÐક્રભે જીક્રક્ર સ્ર્ક્રશ્ક્રક્ર" મતલબ કે જે પાપોથી બચાવે તેનું નામ છે યાત્રા.

આ અર્થમાં સંદર્ભમાં જૈન ધર્મની શાસ્ત્રીય શૈલીની યાત્રા એકદમ 'પરફેક્ટ' પુરવાર થાય છે. એ યાત્રામાં કુલ છ નિયમો આવે છે કે જેમાં અંતે 'રી' અક્ષર આવે. આથી એને છ 'રી' પાલક યાત્રા કહેવાય છે. આ તમામ નિયમો યાત્રિકને પાપોથી દૂર રાખનાર-બચાવનાર છે. આપણે એ પૈકી માત્ર એક જ નિયમ ઉદાહરણરૂપે નિહાળીએ તો તે છે 'બ્રહ્મચારી.' મતલબ કે તીર્થયાત્રા દરમ્યાન યાત્રિકે વાસનાઓથી-વિકારોથી બચીને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. સાર એ થયો કે આ નિયમ યાત્રિકને વાસનાજન્ય પાપોથી બચાવે છે. આવું દરેક નિયમોમાં છે.

હાલમાં અમે જૈન ધર્મના સર્વોચ્ચ મહાતીર્થ શત્રુંજયગિરિરાજના વિવિધ છ'રી'પાલક યાત્રાસંઘોમાં છીએ. આ પૂર્વે અલગ અલગ તીર્થ સ્થાનોથી શત્રુંજય મહાતીર્થના ત્રણ યાત્રાસંઘો પરિપુર્ણ કરી ચુક્યા છીએ. એ દરેક સંઘો સમયે પ્રારંભસ્થાનના તીર્થનો અને શત્રુંજય તીર્થાધિરાજનો મહિમા આવરી લેતા લેખો આ વિભાગમાં પ્રકાશિત થયા છે. તેમાં ત્રીજો યાત્રાસંઘ ઘોઘાતીર્થથી શત્રુંજયગિરિરાજનો હતો અને તેમાં ઘોઘાતીર્થમંડન નવખંડા પાર્શ્વપ્રભુના ઈતિહાસની પ્રસ્તુતિ થઈ ચૂકી હતી. હવે આ ચોથો યાત્રા સંઘ પણ ઘોઘાતીર્થ સાથે સંલગ્ન એક કાવ્ય ગ્રન્થની બે-ત્રણ ઉપદેશાત્મક ઝલકો અને શત્રુંજયમહાતીર્થ સંબંધિત ઐતિહાસિક ઘટનાનું નિરૂપણ આ લેખમાં કરીશું.

ઘોઘાતીર્થ સાથે સંલગ્ન એ ગ્રન્થ આજથી ત્રણસો ત્રેસઠ વર્ષ પૂર્વે ઘોઘામાં રચાયો છે. એના સર્જક છે સમર્થ શાસ્ત્રકાર ન્યા.ન્યા. મહોપાધ્યાય શ્રી યશોવિજયગણિવર. ગ્રન્થનું નામ છે 'સમુદ્ર-વહાણ સંવાદ'. વાત એમ હતી કે આજની જેમ જ તે કાળે પણ ઘોઘાતીર્થના જિનાલય-ઉપાશ્રય એકદમ સમુદ્રતટે હતા. ઉપાશ્રયમાં રહ્યા રહ્યા સમુદ્ર અને એમાં મહાલતા વહાણો નિહાળી શકાય. બસ, આ દ્રશ્યો વારંવાર નિહાળીને વિ.સં.૧૭૧૭ના ચાતુર્માસમાં તેઓને બસો છયાશી કડીનો આ કલ્પનાસભર ગ્રન્થ રચ્યો. એમાં સમુદ્ર અને વહાણ વચ્ચેના કાલ્પનિક સંવાદ દ્વારા અહંકારત્યાગનો ઉપદેશ બહુ રસપ્રદ રીતે અપાયો છે. આવો, આપણે એ કાવ્યગ્રન્થ નમૂનારૂપ ઝલકો સંક્ષેપમાં નિહાળીએ : 

સાગરને પોતાની અફાટ જલરાશિનો અહંકાર હતો, તો પોતાની ભીતરમાં રહેલ રત્નારાશિનું પણ જબ્બર અભિમાન હતું. આ અને આવાં સાચાં-ખોટાં કારણોનો અહંકાર સાગર વહાણને સંભળાવી રહ્યો હતો ત્યારે વહાણે ખૂબ ઠાવકાઈથી સમુદ્રને કહ્યું કે તમે ચાહે તેવા ગુણવાન હો, તો પણ એ ગુણોનો-વિશેષતાઓનો મદ-અહંકાર કરવો યોગ્ય નથી. વહાણના મુખે ગ્રન્થકાર આ પંક્તિ બોલાવે છે કે "તો પણ ગુણમદ કરવો, તુમને નવિ ઘટે રે." આપંક્તિનાં માધ્યમે ગ્રન્થકાર એ સમજાવે છે કે ગુણ હોય - વિશેષતા હોય તો પણ વ્યક્તિએ એના અહંકારથી દૂર રહેવું જોઈએ. જેઓ પોતાના ગુણોની પ્રશંસા સાંભળી ગર્વોન્નત તો ન થાય, બલ્કે લઘુતાથી-નમ્રતાથી શરમ-સંકોચ અનુભવે તેમની ગુણપ્રશંસા સ્વયમેવ કેવી અદ્ભુત વિસ્તરે એનું મસ્ત નિરૂપણ કરતા વહાણ કહે છે કે :-

જે નિજગુણસ્તુતિ સાંભળી, શિર નીચું ધરે રે;

તસ ગુણ જાયે ઊંચા, સુરવરને ઘરે રે...

પોતાની પ્રશંસા-મહત્તા સર્જાતી હોય ત્યારે જેઓ નમ્રતાવશ શરમ અનુભવે-નીચી નજર કરે એમનો યશ આપાઓપ અત્યંત વિસ્તાર પામે એ સમજાવવા ગ્રન્થકાર મજાની કલ્પના કરે છે કે એમનો યશ તો ઉપર દેવેન્દ્રોનં આંગણાં સુધી-દેવલોક સુધી પહોંચી જાય ! સાર આ નિર્દેશનો એ જ કે પોતાની પ્રશસ્તિ થાય ત્યારે વ્યક્તિએ નમ્ર બનવું જોઈએ, ગર્વિષ્ઠ નહિ. કેવી એ નમ્રતા હોય તે નિહાળવું છે ? તો વાંચો આ હૃદયસ્પર્શી ઘટના :

રાજ્યનો નવાબ હતો મુસ્લિમ. પરંતુ ઉદારતામાં અને સંસ્કારમાં વિસ્મિત થઈ જવાય તેવો એ શિરમોર હતો. યાચકોને-કવિઓને દાન એ ખોબે ખોબે આપતો. પરંતુ વિશેષતા એમાં એ  હતી કે દરેક દાન આપતાં નવાબની નજર નીચી જ રહે. અરે ! દાન લેનારની સામે ય એ નજર ન માંડે. રખે ને અહંકાર આવી જાય તો ? એક ચારણ કવિ નવાબની આ વિશેષતા નજરોનજર નિહાળી આફરીન થઈ ગયો. તેણે નવાબને બિરદાવતા પંક્તિ રચી કે :-

શીખી કહાં નવાબને, ઐસી દૈની દેન?

જ્યોં જ્યોં કર ઊંચો કરે, ત્યોં ત્યોં નીચા નૈન.

કવિએ પ્રશંસા માટે જ આ પ્રશ્ન કર્યો હતો કે હાથ અને નયન કાંઈ ત્રાજવાનાં પલ્લાં થોડાં છે કે હાથ ઊંચો થાય તેમ આંખો નીચી થાય ? નવાબે આ પંક્તિમાં રહેલ પ્રશંસા પરખી લીધી અને પરાકાષ્ઠાની નમ્રતા દર્શાવતી નવી પંક્તિ રચી કે :-

દેવનહારા ઔર હૈ, જો દેવે દિન-રૈન; 

લોગ ભરમ હમ પર કરે, તા તેં નીચા નૈન.

હવે વિચારીએ 'સમુદ્ર-વહાણસંવાદ' ગ્રન્થની અન્ય ઉપદેશપંક્તિઓ. ત્રીજી ઢાળના પ્રારંભિક બે દુહાઓમાં ગ્રન્થસંસર્ગનો લાભ અને દુર્જનસંઘનું   નુકશાન સરસ ઉદાહરણો પ્રસ્તુત કરે છે કે ચન્દ્રની અંદર અંકિત હરણ ભલે મલિન-શ્યામ છે. પણ ચન્દ્ર જેવા ઉત્તમ સંયોગ મળવાથી એ પણ રાત્રે પ્રકાશ રેલાવવામાં સહભાગી બને છે. આ છે સજ્જનસંગનો પ્રભાવ. એની વિપરીત, શ્રીફળનું જલ ભલે મધુર-સરસ છે. પરંતુ એમાં જો કપૂર ભળે તો એ મૃત્યુનું કારણ બની જાય. શ્રીફળ જલને ય નુકશાનકારક બનાવવામાં કારણ બને છે કપૂર. એ દુર્જનસંગના ખતરનાક પરિણામનો નિર્દેશ કરે છે. ગ્રન્થકારનાં ઉપરોક્ત નિરૂપણોની મજાની પંક્તિઓ આ છે કે :-

મેલો પણ મૃગ ચંદલે, જિમ કીજે કીજે સુપ્રકાશ; તિમ અવગુણના ગુણ કરે, સજ્જનનો સહવાસ.

ગુણ કરતાં અવગુણ કરે, તે તો દુર્જન ક્રૂર; નાલિકેરજલ મરણ કરે, જો ભેલિયે કપૂર."      (-ઢાળ ૩. ગાથા ૪+૫)

હજુ એક ઔર ઉપદેશપંકિત નિહાળીએ. ઘણી વ્યક્તિઓ ખામીઓ છાવરવા સંયોગો-સ્થાન વગેરે પણ દોષારોપણ કરે છે. આવાઓને બોધપાઠ આપતા ગ્રન્થકાર લખે છે કે હંસ-સિંહ-ગજરાજ જ્યાં જાય ત્યાં મહત્વ આપે છે એમ જે વ્યક્તિ સાધુ-સજ્જન સુશીલ હોય એ જ્યાં જાય ત્યાં મહિમા જ વરે. સ્થાન એમાં કોઈ અવરોધ લાવી શકે નહિ. ગ્રન્થકારના મસ્ત શબ્દો આ છે કે :-

હંસ-સિંહ-કરિવર કરે, જિહાં જાઈ તિહાં લીલ;

સર્વ ઠામિ તિમ સુખ લહે, જેહ છે સાધુ સુશીલ.

'આપ ભલા તો જગ ભલા' કહેવતને અનુરૂપ આ કેવી સચોટ પ્રસ્તુતિ છે !

આજથી આઠ શતાબ્દીઓ પૂર્વે પાટણ શહેરના મણિયાતીપાડામાં પ્રતાપદાસ નામે જૈન શ્રેષ્ઠી રહે. શેઠના બે નિયમો જગપ્રસિદ્ધ અને અફર હતા. એક, આજીવન બ્રહ્મચર્યવ્રત. અને બે, દરેક કાર્તિકી પૂર્ણિમાએ ચોવિહાર અટ્ઠમ સાથે સિદ્ધિગિરિરાજયાત્રા. કાર્તિક શુદિ ચૌદશે સાંજે પ્રતિક્રમણ કરી એ જોજનવેગી સાંઢણી પર આરૂઢ થઈ પાટણથી નીકળે. પૂનમે બપોર સુધીમાં એ અચૂક ગિરિરાજની ગોદમાં પહોંચી જઈ યાત્રા કરે. દાયકાઓ સુધી આ નિયમ અફર રહ્યો.

એમાં એક વર્ષ આવ્યું દુષ્કાળનું. કાળઝાળ ગરમી કાર્તિક માસમાં ય ત્રાટકી. પાટણવાસીઓએ શ્રેષ્ઠીને કહ્યું કે "આ વર્ષે ચોવિહાર-અટ્ઠમ રહેવા દો. કાળ કપરો છે." પરંતુ વ્રતમાં હિમાલય શા અડગ શેઠ મક્કમતાથી ચોવિહાર અટ્ઠમ કરી ચૌદશે રાત્રે શત્રુંજયગિરિરાજ તરફ નીકળ્યા. કાળઝાળ ગરમીએ ભયંકર કસોટી કરી. સાંઢણી દર વર્ષની જેમ  દોડી ન શકી. માંડ માંડ પૂનમે સાંજે એ ગિરિરાજ સુધી પહોંચી અને સખત થાક-તરસવશ શેઠ-સાંઢણી અને રબારી, ત્રણેય ભવિતવ્યતાવશ ગિરિરાજની તળેટીએ મૃત્યુ વર્યા ! શેઠની દૃઢ ધર્મનિષ્ઠાની સ્મૃતિમાં ભાવિકોએ ગિરિરાજના મુખ્ય શિખર પર સાંઢણી સવાર શેઠનું આબેહૂબ શિલ્પ સર્જ્યું. એવું જ ચિત્ર પાટણમાં શેઠની હવેલીમાં અંકિત કરાયું. પાછળથી ભાવુકજનોએ ગિરિરાજ પરના શિલ્પની સાંઢણીના પગ વચ્ચેથી પસાર થવાની પદ્ધતિ સર્જી. એને નામ અપાયું પુણ્ય-પાપની બારી ! અમે સિદ્ધગિરિ પર તો આ પુણ્ય-પાપની બારીનું શિલ્પ નિહાળ્યું જ છે. ઉપરાંત વિહારયાત્રામાં પાટણમાં શેઠની હવેલીએ જઈ એ ચિત્ર પણ નિહાળ્યું છે. આપણે પ્રતાપદાસ શેઠની દૃઢ ધર્મનિષ્ઠાને વંદન કરીએ અને એમની સ્મૃતિની આ પુણ્ય-પાપની બારી સંદર્ભે ટાંકીએ એક શાયરી કે :-

લાખો આતે લાખો જાતે, કોઈ નહિ નિશાની હૈ;

જિસને કુછ કરકે દિખલાયા, ઉનકી અમર કહાની હૈ.


Google NewsGoogle News