Get The App

2346 માસક્ષમણો કરાવનાર શાસનપ્રભાવક આ. રાજરત્નસૂરીશ્વરજીએ કરી માસક્ષમણસાધના

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
2346 માસક્ષમણો કરાવનાર શાસનપ્રભાવક આ. રાજરત્નસૂરીશ્વરજીએ કરી માસક્ષમણસાધના 1 - image


- અમૃતની અંજલિ-પંન્યાસ અક્ષયરત્નવિજય ગણિ

આ ચાતુર્માસમાં ગુરૂદેવની સાથે નેવું શ્રમણ-શ્રમણી છે. એમાંના બત્રીશ સંયમીઓએ ગુરૂદેવ સાથે માસક્ષમણ અને તેથી વધુ સળંગ ઉપવાસ કર્યા છે. તેમાં સૌથી નાના છે માત્ર અગિયાર વર્ષના બાલમુનિ જિનાંશરત્નવિજયજી. ગુરૂદેવની નિશ્રામાં પાલિતાણામાં કુલ માસક્ષમણ છે એકસો સોળ. આચાર્ય આત્મદર્શનસૂરિજી લખે છે કે "પાલિતાણાના સૌ વર્ષના ઈતિહાસમાં સામુહિક માસક્ષમણો આ સર્વપ્રથમવાર છે."

એક બહુ જ અર્થપૂર્ણ અને સરસ વિધાન હમણાં વાંચ્યું હતું કે "ઓક્સિજન ભલે ક્યાં ય દેખાતું ન હોય. પરંતુ વ્યક્તિ એને બરાબર અનુભવી તો શકે જ છે. વ્યક્તિનાં જીવનનો આધાર અનિવાર્યપણે એ ઓક્સિજન બને છે. એ જ રીતે ભગવાન ભલે ક્યાંય દેખાતા ન હોય. પરંતુ વ્યક્તિ એમને બરાબર અનુભવી તો શકે જ છે. વ્યક્તિનાં જીવનનો આધાર અનિવાર્યપણે એ ભગવાન બને છે." કમ સે કમ આસ્તિક વર્ગ માટે તો આ વિધાન અક્ષરશ: સત્ય છે. એક પગલું હજુ આગળ વધીએ તો, ભક્તો માટે આ વિધાન જાણે મન્ત્રવાક્ય-બ્રહ્મવાક્ય છે. એ એના એકેક અક્ષરનો પુરી શ્રદ્ધાથી માત્ર સ્વીકાર જ નહિ, બલ્કે સાક્ષાત્કાર કરે !

આ વાતની પ્રતીતિ કરવી હોય તો નજર કરીએ આ વર્ષે સિદ્ધક્ષેત્ર-પાલિતાણાની પુણ્યભૂમિમાં ચાતુર્માસ રહી તપસાધના ક્ષેત્રે એમના માટે કલ્પી ન શકાય તેવી વિરાટ હરણફાળ સફળ રીતે ભરનાર અમારા શતાધિક સંયમીવૃંદના શિરછત્ર તારક ગુરુદેવ આચાર્યપર્વર રાજરત્નસૂરીશ્વરજી મહારાજના એ તપપરાક્રમ પર. પ્રભુભક્તિ-ગુરૂભક્તિનાં ક્ષેત્રે અને પ્રભુ-ગુરૂસમર્પણનાં ક્ષેત્રે 'એવરેસ્ટ' જેવું ઉત્તુંગ વ્યક્તિત્વ ધરાવતાં ગુરૂદેવે ઉપરોક્ત વિધાનને માત્ર માન્યતામાં જ નહિ, પરંતુ આચરણમાં ય અવતાર્યું છે એનો અહેસાસ એમની આ અશક્યવત્ તપશ્ચર્યાથી થાય છે.

આ વર્ષે તેઓ પાલિતાણાની પુણ્યભૂમિમાં નેવું શ્રમણ-શ્રમણીભગવંતો સાથે ચાતુર્માસ પધાર્યા. ત્યાં સાતસો આરાધકોનું સમુહ ચાતુર્માસ-ઉપધાનતપ-નવાણુંયાત્રા અને પાંચ-પાંચ પદયાત્રાસંઘો વગેરે અદ્ભુત શાસનપ્રભાવનાઓ થઈ રહી છે. પ્રતિ વર્ષ ગુરૂદેવની નિશ્રામાં થતું મુખ્ય અનુષ્ઠાન એટલે સમૂહ માસક્ષમણ. પરંતુ પાલિતાણામાં એ એટલે શક્ય ન હતું કે (૧) આરાધકો બહારથી આવે અને મોટે ભાગે એ વયસ્ક હોય (૨) અન્ય શહેરોમાં તપસ્વીને પરિવારજનોની જે સેવા મળે તે અહીં જરા ય ન મળે (૩) પારણાપ્રસંગે મોટી સંખ્યામાં મુંબઈ વગેરે સ્થળેથી આવવામાં સ્વજનોને પ્રતિકૂળતા રહે. આથી જ આટલાં વર્ષોમાં પાલિતાણામાં ક્યારે ય સમુહ માસક્ષમણો થયા નથી. ગુરૂદેવનો વિચાર પણ પાલિતાણામાં સમુહ માસક્ષમણનો ન હતો. પણ અમારા સહુની વિનંતી હતી કે આટલાં વર્ષોની પરંપરા અખંડ રાખવા નાની સંખ્યામાં ય માસક્ષમણ કરાવાય. એથી છત્રીશ જેવી સંખ્યામાં માસક્ષમણ વિચારાયા. અલબત્ત, ગુરૂદેવની ભાવધારા આ વર્ષે સમૂહ પર નહિ, સ્વયં પર હતી. એ ભાવધારા કેવલ શ્રદ્ધા છલકતી અને સંવેદનસભર છે. આવો, આપણે એનું મધુર રસપાન કરીએ :

ગુરૂદેવ આઠ વર્ષમાં કુલ સામૂહિક માસક્ષમણો કરાવ્યા છે ત્રેવીસસો છેંતાલીશ. એનો પ્રારંભ થયાનું ચોથું વર્ષ હતું ઈ.સ. ૨૦૧૯. એ વર્ષે ગુરૂદેવનું ચાતુર્માસ હતું મુંબઈ-પાર્લાના ચિંતામણિપાર્શ્વનાથસંઘમાં. પાર્લા જેવા પોશ વિસ્તારમાં જ્યાં દશ-વીશ માસક્ષમણો ય દુર્લભ હોય ત્યાં, ત્યારે માસક્ષમણો થયાં એકસો ચોપન. એ માસક્ષમણો દરમ્યાન જ, એક રાત્રે ગુરૂદેવ સાડા અગિયાર કલાકે અચાનક ઝબકીને જાગી ગયા. બીજી ક્ષણે અનાયાસે એ વિચારપ્રવાહ જોરથી શરૂ થયો કે 'આટલા વિરાટ વર્ગને માસક્ષમણોની પ્રેરણા કરનાર હું ક્યારે માસક્ષમણ કરીશ ? મારા જીવનમાં માસક્ષમણની ધન્ય ઘડી ક્યારે આવશે ?

આ વિચાર માત્ર ભાવુક્તાનાં સ્તરનો હતો, વાસ્તવિક્તાના સ્તરનો નહિ. કારણ કે ગુરૂદેવ વર્ષીતપ સિવાય છુટક ઉપવાસ બહુ જુજ-જ્વલ્લે જ કર્યા છે. એ દરેક ઉપવાસમાં બપોર પછી 'વોમીટ' થઈ છે. અને... મોટી વાત એ કે એક વાર શ્રી શત્રુંજયમહાતીર્થના આદિનાથ દાદાની કૃપાથી ચમત્કાર જેવી થયેલ ચોવિહાર છટ્વ સાથેની સાત યાત્રાને બાદ કરતા એમણે સત્તાવન વર્ષની વયમાં અને સુડતાળીશ વર્ષના સંયમજીવનમાં એક સાથે બે ઉપવાસ ક્યારે ય કર્યા નથી ! જેમણે બે ઉપવાસ સળંગ ન કર્યા હોય તે ત્રીશ ઉપવાસ સળંગ કરવાનું વિચારે એને ભાવુક્તાથી વિશેષ શું કહેવાય ? ગુરૂદેવ ખુદ અસમંજસમાં મુકાયા કે ભાવુક્તા જે મનોરથો કરાવે છે એ વાસ્તવિક્તામાં શક્ય છે ખરા ? તાત્કાલિક એક કલાક ગુરૂદેવે ઉપાશ્રયસ્થિત ચિંતામણિ પાર્શ્વપ્રભુની તસ્વીર સમક્ષ જાપસાધના કરી અને અંતે ભાવુક પ્રાર્થના કરી કે "જીવનમાં એક વાર માસક્ષમણનો પ્રબળ પુરૂષાર્થ જરૂર કરીશ. એને સફલ બનાવવો કે નહિ તે આપના હાથમાં રહેશે." જોકે, ત્યારે ય હૈયે ચિંતાનો ભાર વધુ હતો કે મારા માટે આ કેવી રીતે શક્ય બનશે ?

ત્રણ વર્ષ બાદ ઈ.સ. ૨૦૨૨નું બોરીવલી-ગીતાંજલિસંઘનું ચાતુર્માસ. એ સંઘ અને ગુરૂદેવના શિષ્યોના ચાતુર્માસસંઘોમાં મળી પાંચસો અટ્વાવન જેવા વિક્રમી માસક્ષમણો થયા. ગુરૂદેવ રોજ વિચારે કે 'મારી નજર સામે કદી ઉપવાસ નહિ કરનાર પણ માસક્ષમણ કરે છે. તો પ્રભુકૃપાથી મારું માસક્ષમણ પણ થઈ જ શકે.' એ જ વર્ષે બે માસ પૂર્વે ગુરૂદેવ સહિત ઓગણસાઠ સંયમીઓએ એકાંતર પાંચસો આયંબિલનો તપ પરિપૂર્ણ કર્યો હતો. એનાથી પણ બળ મળ્યું કે અશક્ય આયંબિલ પણ જે કૃપાથી શક્ય બન્યા એ જ કૃપાથી માસક્ષમણ પણ શક્ય થશે. ત્યાંના શંખેશ્વર પાર્શ્વપ્રભુ સમક્ષ પ્રાર્થનાઓના અંતે નિશ્ચયાત્મક ભૂમિકા આવી કે 'સિદ્ધક્ષેત્ર-પાલિતાણાનાં ચાતુર્માસમાં માસક્ષમણ અવશ્ય કરવું જ.'

છેલ્લા વર્ષમાં ગુરૂદેવના અંતરમાં આ માસક્ષમણની ઊર્મિઓ કેવી ઘુંટાતી હતી તેની એક-બે ઝલકો નિહાળીએ. એક, શત્રુંજયગિરિરાજનું એક પ્રસિદ્ધ પ્રાચીન સ્તવન છે 'તે દિન ક્યારે આવશે.' આ કડીની બીજી પંક્તિ બદલીને એક વર્ષ પૂર્વે ગુરૂદેવે અંગત ડાયરીમાં કડી આ રીતે લખી કે :-

તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું;

માસક્ષમણતપ કરી, આતમ નિર્મલ કરીશું...

કેવી સરસ ભાવોર્મિ છલકાય છે આ કડીમાં ! બીજી ઘટનામાં ગુરૂદેવ મુંબઈમાં વર્ષીતપ-પારણાના સંવેદનસમારોહમાં હતા. સ્તુતિઓની ચતુર્થ પંક્તિ પ્રભુ ઋષભદેવ માટેની એક સરખી હતી. સમારોહમાં જ ભાવુક ગુરૂદેવ એ પંક્તિમાં થોડું પરિવર્તન કરી મનોમન સતત પંક્તિ ઘૂંટી રહ્યા કે "વર્ષોપવાસી ઋષભજી માસોપવાસી મુજ કરો..."

આવી ભીની ભીની ભાવુક્તા લઈ અઢારસો કિલોમીટરની પદયાત્રાના અંતે શેષકાલીન અંતિમ ચરણમાં ગુરૂદેવ પાલિતાણા પધાર્યા. શત્રુંજયેશ્વર દાદા આદિનાથની પાંચ યાત્રાઓ કરી. એમાં દરેક યાત્રાએ દાદાના દરબારમાં સવા-સવા કલાક ગુરૂદેવની સાથે વિશાલ શ્રમણવૃંદ ભક્તિ કરાવે. સ્તવનો-નૂતન ભક્તિગીતો વગેરેની રમઝટ ચાલે. એના આધારે ગુરૂદેવની ભાવધારા-અંતરધારા અવનવી સંવેદના સાથે પ્રભુમાં જોડાય. એક નહિ, પાંચે પાંંચ દિવસ અલગ અલગ ભક્તિગીતો પર ગુરૂદેવની ભાવધારા-સંવેદના પ્રભુ તરફ વહી. આપણે ઉદાહરણરૂપે એમાંનું માત્ર એક ગીત લઈએ.

અષાઢી બારશે પ્રસિદ્ધ ભક્તિગીત ગવાયું "રોમે રોમે હું તારો થતો જાઉં છું." આ ગીતમાં એક પંક્તિ આવી કે "હવે પરવડે નહિ રહેવાનું તારાથી દૂર... તારે રહેવાનું હૈયામાં હાજરાહજૂર." ગુરૂદેવની સંવેદના તુર્ત ભગવાન તરફ આ રીતે વહી કે "હે દાદા આદિનાથપ્રભુ, હવે આપનો દર્શનવિયોગ મારે ચાર ચાર માસ સહવો પડશે. કારણ કે ચાતુર્માસમાં ગિરિરાજયાત્રા નિષિદ્ધ છે. મારે માસક્ષમણ ચાતુર્માસમાં કરવાનું છે અને આપ તો મારાથી દૂર હશો. શે પરવડે આ ? આપ મારી જાપની હૂ-બ-હૂ આપના જેવી નાની આરસ પ્રતિમામાં પ્રભાવરૂપે સંક્રાંત થઈને અને મારાં હૈયે સતત હાજરાહજૂર રહીને મારી નિકટ રહેજો." શું છે આ સંવેદના ? પ્રભુ પ્રત્યેની ઉત્કટ શ્રદ્ધાનો જાણે દસ્તાવેજ... છેલ્લી યાત્રા કહેતા હોય તેમ ગુરૂદેવે પ્રભુ આદિનાથદાદાને કહ્યું : "દાદા ! હવે ચાર માસ બાદ કાર્તિકી પૂર્ણિમાએ આપની યાત્રાએ આવી અહીં ઉપસ્થિત હોઉં ત્યારે માસક્ષમણ સંદર્ભમાં મારી આંખમાં અહોભાવનાં અશ્રુ હોય, અફસોસનાં અશ્રુ ન હોય એની જવાબદારી આપની !"

અને... હવે આવ્યો અપૂર્વ તપપરાક્રમમાં ઝુકાવવાનો સમય. ગુરૂદેવે સહવર્તી સંયમીઓ સમક્ષ પોતાના ભાવ પ્રસ્તુત કર્યા. તો એમને સાથ-સંગાથ આપવા દશ શ્રમણો અને બાવીશ શ્રમણી મળી બત્રીશ તો સંયમીભગવંતો માસક્ષમણમાં જોડાયા. એમાં એક છે માત્ર અગિયાર વર્ષના બાલમુનિ જિનાંશરત્નવિજયજી ! આ સિવાય સામુહિક કુલ માસક્ષમણો થયા એકસો અગિયાર. આચાર્ય આત્મદર્શનસૂરિજી લખે છે કે "પાલિતાણાના સો વર્ષના ઈતિહાસમાં આ સામુહિક માસક્ષમણો સર્વપ્રથમવાર છે." આપણે એ માસક્ષમણોની કેટલીક મસ્તક ઝુકાવી દે તેવી ઘટનાઓ આગામી લેખમાં નિહાળવાનું રાખી ગુરૂદેવની સાધના પર નજર કેન્દ્રિત કરીએ.

એક ઉપવાસમાં શારીરિક અસ્વસ્થતા અનુભવનાર ગુરૂદેવ આ સળંગ ત્રીશ ઉપવાસમાં નિત્ય ત્રણવાર જાપસાધના કરે. તેમાં (૧) સૂરિમન્ત્ર જાપ (૨) અરિહંતપદની વીશ માળા (૩) સિદ્ધિગિરિરાજની નવ માળા (૪) આદિનાથદાદાની નવ માળા (૫) નવકારમન્ત્રની ત્રણ બાંધી માળા અને (૬) કાયમી જાપમાળા હોય. એમાં વળી સ્તુતિઓ અને ભક્તિસ્તોત્રો દ્વારા જાપખંડની એકાંત ભક્તિ અલગ ! આ ઉપરાંત નિત્ય પ્રવચનમાં છેલ્લે પધારી તમામ તપસ્વીઓને પચ્ચક્ખાણ આપવા, શાસનના પ્રશ્ને પાલિતાણામાં આચાર્ય ભગવંતોની પાંચ-પાંચ મિટીંગમાં વડિલો સાથે અગ્રેસર ભૂમિકા અદા કરવી અને છેલ્લી બે મિટીંગ એમના માસક્ષમણના કારણે ચેન્નાઈભવનમાં જ યોજાઈ તો એમાં ય નિર્ણાયક ભૂમિકા કરવી વગેરે દરેક જવાબદારી તેઓએ પ્રસન્નભાવે જે વહન કરી તે માત્રને માત્ર પ્રભુકૃપા-ગુરૂકૃપાનો અનુપમ પ્રભાવ હતો. આ બધા વચ્ચે પારણાદિને પ્રકાશિત થનાર પોતાના ૧૦૧ થી ૧૦૪ ક્રમાંકના ચાર નૂતન પુસ્તકો ય સંપુર્ણ તૈયાર કર્યાં.

સૌથી મોટું પરાક્રમ ગુરૂદેવે કર્યું પંદરમા ઉપવાસે. જૈન શાસનમાં સૌથી મોટું સળંગ પચ્ચક્ખાણ સોળ ઉપવાસનું હોય છે. ગુરૂદેવે ભાવ ધર્યો કે "દર વર્ષે સહુને સળંગ સોળ ઉપવાસની પ્રેરણા કરનાર મારે પણ સળંગ સોળ ઉપવાસનું પચ્ચક્ખાણ એક સાથે લેવું છે." એમણે એ પરાક્રમ પણ પ્રભુ-ગુરૂકૃપાથી પાર કર્યું અને હવે દશ દિવસીય શાનદાર મહોત્સવ સાથે તેઓ માસક્ષમણની પૂર્ણતાએ પહોંચ્યા છે. આ સમગ્ર તપપરાક્રમ માટે અંતે એ જ

કહીશું કે :- 

શ્રદ્ધાભરી જે જિંદગી, જગમાં કદી ફરતી નથી;

શ્રદ્ધાવિહોણી જિંદગી, જગમાં કદી ફળતી નથી...


Google NewsGoogle News