Get The App

જૈન શાસનની મૈત્રીભાવના : સર્વ જીવો રાગ-દ્વેષથી મુક્ત થાઓ ને સર્વ જીવો શાશ્વત સુખથી યુક્ત થાઓ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
જૈન શાસનની મૈત્રીભાવના : સર્વ જીવો રાગ-દ્વેષથી મુક્ત થાઓ ને સર્વ જીવો શાશ્વત સુખથી યુક્ત થાઓ 1 - image


- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- ' જેમ દરેક બીજમાં એક વિરાટકાય વૃક્ષ છુપાયેલ છે તેમ દરેક આત્મામાં એક શુદ્ધસ્વરૂપી અનંત ગુણમય પરમાત્મા છુપાયેલ છે. ફ્ક્ત એ બન્નેની વર્તમાન સ્થિતિ એવી છે કે એમની એ શક્યતાઓ સુષુપ્ત છે. પરંતુ એટલામાત્રથી એ બીજની અને એ આત્માની ઉપેક્ષા ન કરાય. યોગ્ય તક મળતાં જ બીજ વિરાટ વૃક્ષ અને આત્મા સર્વગુણમય પરમાત્મા બને જ. માટે આત્માના વર્તમાન પર્યાયને નહિ, એના ભાવિ શુદ્ધ પર્યાયને લક્ષ્યમાં રાખી એના પ્રત્યે મૈત્રીભાવ કેળવવો. જૈન પરિભાષામાં એ શુદ્ધ પર્યાયને ત્યારે સત્તાગત સ્વરૂપ કહેવાય છે.'

જૈન પરંપરાએ અનેક અદ્ભૂત અલૌકિક અને મૌલિક પ્રદાનો દ્વારા જગત પર અપ્રતિમ ઉપકારો કર્યા છે. એણે આધ્યાત્મિક કલ્યાણ માટે તો અનેક અદ્વિતીય- અન્યત્ર ન મળે તેવા મૌલિક ઉપાયો દર્શાવ્યા છે. વ્યાવહારિક જીવનને સ્પર્શે એને સુખ-શાંતિ-સંતોષમય બનાવે તેવી ય અનેક બેજોડ બાબતો દર્શાવી છે.

ઉદાહરણરૂપે બે બાબત લઈએ. એમાં એક છે વિચારનાં ક્ષેત્રે અનેકાંતદૃષ્ટિ. કોઈ એક વિષયમાં વ્યક્તિ પોતાના 'એંગલ' થી વિચારીને પોતે જ સાચી છે- સામી વ્યક્તિ ખોટી છે એમ આસાનીથી માની લેતી હોય છે. પરંતુ અનેકાંતદૃષ્ટિ દ્વારા જૈન પરંપરા એ પ્રતિપાદન કરે છે કે ' તમે જેમ તમારા દૃષ્ટિબિંદુથી સાચા છો તેમ સાચી વ્યક્તિ પણ એ જ વિષયમાં એના દૃષ્ટિબિંદુથી સાચી હોઈ શકે છે. જેમ કે પુત્રીની દૃષ્ટિએ એક સ્ત્રી માતા હોય છે, તો એ જ સ્ત્રી પોતાની માતાની દૃષ્ટિએ પુત્રી હોય છે.' આ અનેકાંતદૃષ્ટિ વ્યાવહારિક જીવનને આગ્રહમુક્ત- અનાગ્રહી કરી પ્રેમાળ- સદ્ભાવસભર બનાવે. બીજી વાત છે આચારનાં ક્ષેત્રે અપરિગ્રહ અને અહિંસા. આ બન્ને તત્ત્વો અન્યત્ર ઓછે- વધતે અંશે ભલે નિહાળવા મળે. પરંતુ જૈન પરંપરામાં જે ઊંડાણથી- વ્યાપકતાથી આ બે તત્ત્વોનું નિરૂપણ છે એ અજોડ છે. એને આત્મસાત્ કરવાથી વિષમતાઓ અને વૈર-વિરોધ નાબુદ થઈ શકે છે.

જેમ ઉપરોક્ત તત્વો જૈન શાસનનું અદ્ભુત પ્રદાન છે. તેમ ભાવનાઓ પણ જૈન પરંપરાનું ઉત્તમ પ્રદાન છે. મનને- આત્માને સમ્યક્ વિચારોમાં સ્થિર કરવાનું કાર્ય આ ભાવનાઓ કરે છે. આમ તો આવી ભાવનાઓ સોળ છે. પરંતુ આપણે અહીં ચાર લેખો દ્વારા અંતિમ ચાર ભાવનાઓનું આછું દર્શન કરીશું :

૧) મૈત્રીભાવના : સ્વજન હોય કે પરજન, ચિરપરિચિત હોય કે સાવ અપરિચિત, ઉત્તમ મિત્ર હોય કે કટ્ટર દુશ્મન: આવા આવા તમામ જીવો પ્રત્યે- તમામ વ્યક્તિઓ પ્રત્યે અંત:કરણપૂર્વક મિત્રભાવ કેળવવો તેનું નામ છે મૈત્રીભાવના. અહીં બિલકુલ સુયોગ્ય પ્રશ્નો એ જાગે કે દરેકે દરેકે જીવો અર્થાત્ ગમે તેવા પાપી-દીન-દરિદ્ર પ્રત્યે મિત્રભાવ ક્યાંથી પ્રગટે ? અને બીજી વાત એ કે જે કાયમ વિરોધ કરનાર- કટ્ટર દુમન હોય એના પ્રત્યે મિત્રભાવ ક્યાંથી પ્રગટે ? આપણે આ બન્ને પ્રશ્નના ઉત્તર થોડા વિસ્તારથી સમજીએ.

વ્યવહાર જગતમાં એવું નિહાળાય છે કે વ્યક્તિ પોતાના 'લેવલ'ની વ્યક્તિ સાથે મિત્રતા રાખે, ગમે તેની સાથે નહિં. ક્રોડાધિપતિ શ્રીમંત ગરીબ ભિક્ષુક સાથે મૈત્રીસંબંધ ન રાખે, તો જબરજસ્ત હોંશિયાર-પ્રજ્ઞાોત્તમ વ્યક્તિ મૂર્ખશિરોમણિ સાથે મિત્રતા ન કેળવે. જ્યારે આ મૈત્રીભાવના તો 'લેવલ' ના હોય કે ન હોય, દરેકે દરેકે જીવ સાથે મૈત્રીભાવ કેળવવાનું જણાવે છે. આ અશક્ય જેવી લાગતી વાતને શક્ય બનાવવા જૈન શાસ્ત્રો બહુ અદ્ભુત અને મજબૂત વિચારધારા આપે છે કે જેમ દરેક બીજમાં એક વિરાટકાય વૃક્ષ છુપાયેલ છે તેમ દરેક આત્મામાં એક શુદ્ધસ્વરૂપી અનંત ગુણમય પરમાત્મા છુપાયેલ છે. ફક્ત એ બન્નેની વર્તમાન સ્થિતિ એવી છે કે એમની એ શક્યતાઓ સુષુપ્ત છે. પરંતુ એટલામાત્રથી એ બીજની અને એ આત્માની ઉપેક્ષા ન કરાય. યોગ્ય તક મળતાં જ બીજ વિરાટ વૃક્ષ અને આત્મા સર્વગુણમય પરમાત્મા બને જ. માટે આત્માના વર્તમાન પર્યાયને નહિ, એના ભાવિ શુદ્ધ પર્યાયને લક્ષ્યમાં રાખી એના પ્રત્યે મૈત્રીભાવ કેળવવો. જૈન પરિભાષામાં એ શુદ્ધ પર્યાયને ત્યારે સત્તાગત સ્વરૂપ કહેવાય છે. અરે !

આપણા જેવાની ક્યાં વાત ? સ્વયં સર્વ કર્મમુક્ત સિદ્ધ ભગવંતો પણ એમને ભાવિના શુદ્ધ સ્વરૂપે નિહાળે છે એમ 'નિજ સત્તાએ શુદ્ધ સ્વરૂપે પેખતા' પંક્તિ કહે છે. નિયમ એ નિશ્ચિત થઈ શકે કે આપણે જ્યારે સંભાવનારૂપે પણ સામી વ્યક્તિ મહાન હોવાની ધારણા-વિચારણા કરીએ ત્યારે, એના વર્તમાન દેખાવથી આપણામાં પ્રગટેલ તિરસ્કારવૃત્તિ- તુચ્છતા આપોઆપ ઓગળી જાય છે- દૂર થઈ જાય છે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ મજાની ઘટના :

ઇંગ્લેન્ડના રાજા એક વાર પ્રજાનાં સુખ-દુ:ખની જાતમાહિતી મેળવવા ગુપ્તવેશે એકલા થોડા ગામોમાં ઘૂમવા નીકળી ગયા. એમનો પહેરવેશ ગ્રામ્યજનનો હતો. માર્ગમાં એક લશ્કરી છાવણી દેખાતાં તેઓ એમાં પ્રવેશ્યા. અંદર એક લશ્કરી અધિકારી ખુરશી પર પગ લંબાવી ચિરુટ પી રહ્યો હતો. ગ્રામીણ વ્યક્તિએ (રાજાએ) પેલા અધિકારીને પીટ્સબર્ગ જવાનો માર્ગ પૂછયો. તુમાખીભર્યા અધિકારીએ જવાબમાં એક જોરદાર લાત ફટકારી દેતાં તુચ્છાતાથી કહ્યું : 'બેવકૂફ ! મારા જેવા મોટા અધિકારીને માર્ગ પૂછવાની તું હિંમત કરી જ કેમ શકે ?'

ધૂળમાં રગદોળાયેલ ગ્રામીણ જને ગુસ્સા વિના ખૂબ નમ્રતાથી કહ્યું  : ' મને ખબર નહિ કે આપ કોઈ મોટા અધિકારી હશો.' પોતાનો અહં પોષાવાથી ગેલમાં આવી ગયેલ પેલા અધિકારીએ ગમ્મત કરી : ચાલ તું કલ્પના કરીને કહે કે હું ક્યો અધિકારી છું. ગ્રામીણ જને કહ્યું : સર  ! આપ હવાલદાર છો ?' ના , એથી આગળ. તો આપ આસિસ્ટન્ટ લેફટેનન્ટ છો ? ના એથી ય આગળ. અચ્છા, તો આપ લેફ્ટેનન્ટ છો ?' ના, એથી ય ઉપર. તો તો આપ કેપ્ટન હશો. હા, હવે તને ખબર પડી કે હું કેટલો મોટો અધિકારી છું.'

હળવાશ સર્જાઈ હોવાથી હવે ગ્રામીણ જને દાવ લેતાં કહ્યું : કેપ્ટનસાહેબ ! આપ તો બહુ મોટા અધિકારી નીકળ્યા. પણ હવે આપ મારા માટે કલ્પના કરશો કે હું કોણ છું ? કેમ કે હું ગ્રામ્ય પ્રજાજન નથી. હું પણ સૈન્યસેવા સાથે સંલગ્ન છું. ગમ્મતના મૂડમાં રહેલ કેપ્ટને શરુઆત કરી. તું હવાલદાર હોઈશ. ના, સર, આગળ.' 'આસિસ્ટન્ટ લેફટેનન્ટ ?' ના હજુ આગળ. લેફટેનન્ટ ? ના, એથી ય ઉપર. કેપ્ટનની ભાષામાં થોડી સભ્યતા આવી ગઈ. તો પછી શું તમે કેપ્ટન છો ? ના એનાથી પણ ઉપર ' હવે કેપ્ટને ખુરશી છોડી દીધી. ઊભા થઈને એણે નમ્રતાથી પૂછયું : તો શું આપ મેજર છો ? હજુ ઉપર. તો તો આપ ફિલ્ડમાર્શલ હશો.' હજુ થોડા આગળ. 'કેપ્ટને અદબથી સલામ ભરતા કહ્યું : તો શું આપ સૈન્યના સર્વોપરિ અર્થાત્ ઇંગ્લેન્ડના સમ્રાટ છો ? હા, હવે તમારી કલ્પના સાચી. ગ્રામ્યવેશના રાજાએ કહ્યું.

તે જ ક્ષણે કેપ્ટને પોતાની પિસ્તોલ સમ્રાટને ધરતા કહ્યું : 'આપ ગોળી મારી મને ખતમ કરી દો. કારણકે મેં આપને લાત મારવાનો બહુ મોટો ગુનો કર્યો છે.' સમ્રાટે પોતાનું ઓળખપત્ર રજૂ કરી કેપ્ટનના ખભે લાગણીથી હાથ મૂકીને કહ્યું : 'મારા વફાદાર સેવકોનો જાન લેવાની મૂર્ખતા હું ન કરું. પરંતુ આજની ઘટનાની સજારૂપે, તમારે કાયમ કોઈ પણ નાનામાં નાની વ્યક્તિ સાથે વર્તન કરતાં એ વિચાર કરવાનો આ ગુપ્તવેશે રહેલ સમ્રાટ હોઈ શકે છે. એનાથી આપોઆપ તમારાં વર્તનમાંથી તુચ્છતા ઓગળી જશે. કેપ્ટને બાંહેધરી આપી અને ઉદાર રાજા ત્યાંથી વિદાય થયા.

જો નાનામાં નાના પ્રજાજનમાં સમ્રાટની સંભાવનાના વિચારથી કેપ્ટન એના પ્રત્યે આદરયુક્ત-બહુમાનયુક્ત બની શક્તો હોય તો દરેક જીવમાં શિવત્ત્વનાં દરેક આત્મામાં પરમાત્માનાં દર્શનથી આપણે એના પ્રત્યે મૈત્રીભાવયુક્ત કેમ ન થઈ શકીએ ? થઈ જ શકીએ. બસ, આ ભૂમિકા સર થાય એ માટે જ દરેક જીવના સત્તાગત શુદ્ધ સ્વરૂપને નિહાળવાનો ઉપાય દર્શાવાયો છે.

છેલ્લે એક વાત : સર્વ જીવો રાગ-દ્વેશથી મુક્ત થાઓને સર્વ જીવો શાશ્વત સુખથી યુક્ત થાઓ આ જૈન શાસનની શ્રેષ્ઠ મૈત્રીભાવના છે.


Google NewsGoogle News