અપ્રિય બાબતોનો સ્વસ્થભાવે સ્વીકાર કરીએ..દુષ્ટ બાબતોનો મક્કમ મને ઇન્કાર કરીએ...

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
અપ્રિય બાબતોનો સ્વસ્થભાવે સ્વીકાર કરીએ..દુષ્ટ બાબતોનો મક્કમ મને ઇન્કાર કરીએ... 1 - image


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

જૈ ન પરંપરા 'ભાવ'ને સર્વોપરિ સ્થાન- માન બક્ષે છે. એથી જ ગુજરાતી સ્તુતિપંક્તિમાં જણાવાયું છે કે 'ભાવે કેવલજ્ઞાન'. કેવલજ્ઞાન આત્મસાધનાનું સર્વોચ્ચ લક્ષ્ય ગણાય છે. એ પણ જો ભાવ દ્વારા ઉપલબ્ધ થઈ શક્તું હોય તો 'ભાવ' કેવું 'પાવરફુલ' પરિબળ છે એ આસાનીથી સમજી શકાશે. ભાવ એટલે ? મનની શુભ વિચારધારા યાવત્ વિશુદ્ધ પરિણતિ.

પણ ... સબૂર ! એક મજાનું સુવાક્ય. ચોક્કસ અપેક્ષાને ધ્યાનમાં રાખી 'ભાવ' કરતાં 'સ્વભાવ'ને વિશેષ મહત્ત્વ આપતા જણાવે છે કે 'સારો ભાવ માત્ર પોતાને જ તારે, જ્યારે સારો સ્વભાવ પૂરા પરિવારને તારે.

જો કે ગુણવત્તાની દૃષ્ટિએ ભાવ સો ટકા સર્વશ્રેષ્ઠ છે. પરંતુ અહીં એ અપેક્ષાએ કથન થયું છે કે સ્વભાવ માત્ર વ્યક્તિ સુધી નહિ, પરિવાર અને એથી ય આગળ સમાજ સુધી અસર કરનાર પરિબળ છે. જો એક વ્યક્તિનો સ્વભાવ સરસ હોય તો એનાથી ઘણીવાર પૂરો પરિવાર પ્રસન્નતા- આનંદ-ખુશીની ગંગામાં તરતો રહે. સ્વભાવની ક્ષમતા આટલી ઉચ્ચ કક્ષાની છે.

એથી જ આપણે સ્વભાવને અગ્રતાક્રમ આપી છેલ્લા બે લેખથી સ્વભાવના અલગ અલગ પ્રકારો પર વિચારણા કરી રહ્યા છીએ. એમાં આજે વિચારીશું પાંચમા અને છઠ્ઠા ક્રમનો સ્વભાવ:

(૫) શાંત સ્વભાવ: શાંત સ્વભાવની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે એને સહુ કોઈ ઝંખે. વ્યક્તિ ભલે ને ભયંકર ક્રોધી હોય- અતિ ઉગ્ર સ્વભાવ ધરાવતી હોય. તો ય એની ભીતરી પસંદગી શાંત સ્વભાવની જ રહેવાની. આનો માપદંડ એ કે તે ક્રોધી વ્યક્તિ પણ ઘણીવાર એવું બોલતી હોય છે કે મારે તો શાંત જ રહેવું હતું. પરંતુ મને છંછેડયો માટે હું ગુસ્સે ભરાયો. શું મતલબ આ શબ્દોનો ? એ જ કે ક્રોધીની ય પસંદગી તો શાંત સ્વભાવની જ છે.

હવે સંક્ષેપમાં નિહાળીએ શાંત સ્વભાવના લાભો.

શાંત સ્વભાવનો પ્રથમ લાભ છે માનસિક સંતાપનો અભાવ અથવા ઓછામાં ઓછો સંતાપ. જે વ્યક્તિનો સ્વભાવ 'શોર્ટ ટેમ્પર' ઉગ્ર હશે એ વ્યક્તિ નાની નાની અણધારી-અણગમતી સ્થિતિમાં ઉતાવળી બની જઈ માનસિક રીતે સંતાપગ્રસ્ત-હાયવોયમય બની જશે. સામાન્ય વિપરીત સ્થિતિમાં ય એ માહોલ બગાડી મૂકશે,  સંબંધો બગાડી મૂકશે. પરિણામે બાહ્ય વાતાવરણ પણ સંતાપમય કરી દેશે. આના મુકાબલે શાંત સ્વભાવની વ્યક્તિ નાની નાની બાબતો મન પર નહિ લે. એથી એ સંતાપ-હાયવોય નહિ અનુભવે. એવી સ્થિતિમાં શાંતિથી કામ લઈ વાતાવરણ-સંબંધ પણ નહિ બગાડે. શાંત સ્વભાવની વ્યક્તિની આ વિશેષતા ખ્યાલમાં રાખી 'હૃદયદીપ' ગ્રંથમાં લખાઈ છે આ પંક્તિ કે 'રુષ્ટેજૈને: કિં યદિ ચિત્ત શાન્તિ.' ભાવાર્થ કેઃ ચિત્ત જો શાંત છે તો સામી વ્યક્તિ ગમે તેટલી ઉકળેલી હોય તો ય કાંઈ થતું નથી. બગડતું નથી. અરે! શાંત વ્યક્તિ મોટી વિપરીત ઘટનાઓમાં ય સંતાપમુક્ત- શાંત રહી શકે છે અથવા ક્રોધી વ્યક્તિની સરખામણીમાં ઓછો- અલ્પ સંતાપ અનુભવે છે. આ શાંત સ્વભાવની 

કમાલ છે.

શાંત સ્વભાવનો બીજો મહાન લાભ છે સારી ઇમ્પ્રેશન- સારી અસર. વિવાદ સમયે વ્યક્તિએ મક્કમ છતાં શાંત-સૌજન્યસભર વલણ દર્શાવ્યું હોય તો વિરોધી વ્યક્તિનાં મનમાં ય એની ઇમ્પ્રેશન-અસર સારી સર્જાય. ઉગ્ર વ્યક્તિ-અવિચારી પ્રત્યાઘાત આપનાર વ્યક્તિ માટે વિરોધી વ્યક્તિ એમ કહેશે કે આણે નાની વાતને મોટું સ્વરૂપ આપી 'રજનું ગજ' કરી નાંખ્યું. જ્યારે શાંત-સ્વસ્થ વ્યક્તિ માટે વિરોધી વ્યક્તિ એમ કહેશે કે 'મુદ્દાને મક્કમ શાંતિથી કેવી રીતે રજૂ કરવો એ આની પાસેથી શીખવા જેવું છે.' વિરોધી વ્યક્તિ પર પણ પણ શાંત સ્વભાવની અસરો કેવી અદ્ભુત સર્જાય એ જાણવું છે ? તો વાંચો આ સત્ય ઘટના:

શાંત સ્વભાવની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે એને સહુ કોઈ ઝંખે. વ્યક્તિ ભલે ને ભયંકર ક્રોધી હોય- અતિ ઉગ્ર સ્વભાવ ધરાવતી હોય. તો ય એની ભીતરી પસંદગી શાંત સ્વભાવની જ રહેવાની. આનો માપદંડ એ કે તે ક્રોધી વ્યક્તિ પણ ઘણીવાર એવું બોલતી હોય છે કે મારે તો શાંત જ રહેવું હતું. પરંતુ મને છંછેડયો માટે હું ગુસ્સે ભરાયો. શું મતલબ આ શબ્દોનો ? એ જ કે ક્રોધીનીય પસંદગી તો શાંત સ્વભાવની જ છે.

પ્રખ્યાત તમિલ સંત થિરુવલ્લુવર. એ વણકર હતા. મધ્યમવર્ગીય હતા. પરંતુ એમના માટે એવી ખ્યાતિ વ્યાપક હતી કે તે કદી ગુસ્સે ન થાય. એક શ્રીમંત યુવાને અશ્રધ્ધાથી આ ન માની સંતને ગુસ્સે કરવાનું નક્કી કર્યું. એ સંત જ્યાં સાડી વેચવા બેસતા હતા એ બજારમાં ગયો. સંત ફુટપાથ પર હતા. પેલા શ્રીમંતે એક સાડી હાથમાં લઈ પૂછયું: 'આની કિંમત શી છે ? ' બે રૂપિયા. સંતે કહ્યું. પેલા યુવાને જાણી બુઝીને સાડી વચ્ચેથી ફાડી નાખી એમાંનો એક ટુકડો દર્શાવી પૂછયું: ' આની કિંમત ?' ' એક રૂપિયો' સંતે જ શાંતિથી કહ્યું. પેલો યુવાન દરેક ઉત્તર બાદ ટુકડાના બબ્બે ભાગ કરતો જાય અને એમાંના એકની કિંમત પૂછતો જાય. સંત દિમાગ ગુમાવ્યા વિના કિંમત અર્ધી અર્ધી કરતા ગયા. છેલ્લે સ્થિતિ એ થઈ કે સાડીનાં ચીંથરે ચીંથરા થઈ ગયા. સંત તો ય ગુસ્સે ન થયા.

સંત સ્વભાવની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાનું અનુભવી અંતે યુવાને કહ્યું: હું તો તમારી શાંતિની પરીક્ષા કરતો હતો. બાકી તમે ચિંતા ન કરતા આ સાડી વેડફાવા નહિ દઉં. એના બે રૂપિયા હું આપીને જઈશ.' સંતે શાંત મક્કમતાથી વિચારસભર ઉત્તર આપ્યો: ' ભાઈ ! તારા બે રૂપિયાથી આ સાડીનો વેડફાટ અટકશે નહિ. કારણકે આ સાડીનાં નિર્માણ પહેલા ખેડૂતે ભરઉનાળે-ભરવરસાદે મહેનત કરી હતી. એ પછી વણકરે કપાસમાંથી કપડું બનાવ્યું. અને રંગારાએ સરસ રંગ્યું. આટલી સખત મહેનત પછી બનેલ સાડી કોઈના ઉપયોગમાં આવી દશબાર મહિને ફાટી હોત તો સાડીનો વેડફાટ ન ગણાત. તું એની કિંમત ભરે તો ય આમાં વેડફાટ તો નક્કી થયો જ છે.'

યુવાનને હવે સમજાયું કે પોતે કેવી મોટી ભૂલ કરી છે. સંતે બે રૂપિયાના બદલે કિંમતરૂપે એ પ્રતિજ્ઞા આપી કે ' કોઈ પણ ચીજનો પૈસાના જોરે વેડફાટ ન કરવો.' સંતની શાંતિ અને સમજણથી અંજાઈ ગયેલ યુવાન સંતને ગુરુ બનાવીને વિદાય થયો.

શાંત સ્વભાવનો ત્રીજો લાભ છે વિપરીત સ્થિતિનો ઉપાય શોધવાની વિશેષ શક્યતા. વ્યક્તિ ઉકળાટમાં રઘવાઈ બની ઉપાય શોધે તો ઉપાય મળવાની શક્યતા નહિવત્ રહે અને શાંત-સ્વસ્થભાવે ઉપાય શોધે તો મળી રહેવાની શક્યતા ભરપૂર રહે. આ સંદર્ભમાં યાદ કરવા જેવું છે પેલું સુવાક્ય કે 'પગમાં દોરી ગુંચવાઈ હોય ત્યારે રઘવાટથી કૂદાકૂદ કરવાથી ગૂંચ નહિ ઊકલે. ત્યારે એક સ્થળે બેસી શાંતિથી છેડો શોધશો તો જ ગૂંચ ઊકલશે.'

શાંત સ્વભાવના આવા તો ઘણા ઘણા લાભો છે. પરંતુ મુશ્કેલ વાસ્તવિકતા એ છે કે પાણી ઠંડુ બનાવવું એકદમ આસાન છે, ત્યારે સ્વભાવ શાંત-ઠંડો બનાવવો અતિ કઠિન છે.

(૬) સ્વીકારમય સ્વભાવ: જીવનમાં સર્જાતી ઘટનાઓ પ્રત્યે આપણા અભિગમ બે પ્રકારના હોઈ શકે: પ્રતીકારમય અને સ્વીકારમય. ઉદાહરણરૂપે, આપણે માર્ગ પર જતા હોઈએ અને પગમાં કાંટો વાગે ત્યારે આપણો અભિગમ રહેશે પ્રતીકારનો. પીડા જો વધુ હશે તો ત્યાં જ એક તરફ બેસી કાંટાથી-સોયથી આપણે કાંટો કાઢીને જ જંપીશું. આ થયો પ્રતીકાર. એથી વિપરીત, આપણે માર્ગ પર જતા હોઈએ અને એકાએક ઉપવનમાંથી ખુશબુદાર હવા આવે ત્યારે આપણો અભીગમ હોય છે સ્વીકારનો. આપણે એ ખૂશબૂ અવરોધ વિના સ્વીકારીશું અને મનને પ્રસન્ન બનાવીશું.

પણ...વ્યવહારજગતમાં ઉપરોક્ત રીતે પ્રતીકાર-સ્વીકાર કયાં કરવા તેની આપણને ભલે ખબર હોય, પરંતુ જીવનની કેટલીક અણધારી સર્જાતી ઘટનાઓમાં આપણે ક્યાં પ્રતીકાર અને ક્યાં સ્વીકાર કરવો એની સમજ ધરાવતા નથી. બહુ સરલ રીતે એની સમજ આમ આપી શકાય કે દોષોનાં ક્ષેત્રે પ્રતીકારનો ભાવ અને અપ્રિય ઘટનાઓ કે જેમાં બદલાવ શકય નથી ત્યાં સ્વીકારનો ભાવ. અલબત્ત, સ્વીકારભાવનું ક્ષેત્ર તો બહુ વ્યાપક છે. પરંતુ આપણે એને અત્યારે આટલી સીમા-મર્યાદા આપીએ. એને પ્રસન્નભાવે સ્વીકારી શકીએ તો બહુ સરસ. કદાચ પ્રસન્નતા ન જાળવી શકીએ તો ય કમ સે કમ એમાં સંક્લેશ- દુઃખ- અસમાધિ તો ન જ અનુભવીએ. અપ્રિય ઘટનાઓ પ્રત્યે આવો અભિગમ કેળવાય તો પરિણામ કેવું મસ્ત આવે એ જાણવું છે ? તો વાંચો આ સત્ય ઘટના:

ગુજરાતના એક લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર.( નામ અત્યારે અમને સ્મૃતિમાં નથી.) એક મોટો ગ્રંથ વર્ષોની જહેમતના અંતે એમણે તૈયાર કર્યો. છેલ્લા દિવસોમાં તો એ ગ્રંથ પૂર્ણ કરવા રાત-દિવસ મચી પડયા હતા. ગ્રંથ પૂર્ણ થયા બાદ બે કલાક હળવા થવા એ બહાર ફરવા ગયા. સાંજે ઘરે આવતાં જે દૃશ્ય એમણે નિહાળ્યું એનાથી એમનું હૈયું જાણે ક્ષણભર ધબકાર ચૂકી ગયું. એમનો સાવ નાનો પૌત્ર રમણીક એમના કબાટ પાસે બેઠો હતો. એણે પેલા ગ્રંથના હસ્તલિખિત પાનાંઓ આડા-અવળા કાપી એમાંથી મોટો પતંગ બનાવ્યો હતો. છેલ્લું કાર્ય એનું જારી હતું. ગ્રંથનાં પાનાંની એક પણ નકલ ન હોવાથી સ્પષ્ટ હતું કે નાનકડા પૌત્રે બધી મહેનત પર અજાણતાં પાણી ફેરવી દીધું હતું. અધૂરામાં પૂરું પૌત્ર દોડતો દાદાને પતંગ બતાવવા આવ્યો કે જુઓ, 'મેં કેવો સરસ પતંગ બનાવ્યો છે. ઘટના અપ્રિય હતી. પરંતુ સાહિત્યકારે સ્વીકારભાવ દાખવી ગુસ્સો- અણગમો ન દર્શાવ્યો. પૌત્રની પીઠ થાબડતા એમણે કહ્યું,' રમણીક ! તેં રમણીય પતંગ બનાવ્યો. પણ હવેથી ખ્યાલ રાખજે કે પતંગ કે કોઈ પણ કામ મારા કબાટમાંથી તારે કાગળ નહિ લેવાના. બાળક સંમતિ આપી હસતા હસતા દૂર જતો રહ્યો. સાહિત્યકારે પુનઃપ્રબળ જહેમત કરી વર્ષોના અંતે પહેલાથી ય સવાયો ગ્રંથ રચ્યો.

છેલ્લે એક વાત 

અપ્રિય બાબતોનો સ્વસ્થપણે સ્વીકાર કરીએ. દુષ્ટ બાબતોનો મક્કમ મને ઇન્કાર કરીએ.


Google NewsGoogle News