મૃત વ્યક્તિને બાળે તે છે સ્મશાનની ચિતા...જીવંત વ્યક્તિને બાળે તે છે ઈર્ષ્યાની ચિતા...
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- "આ ઊધઈ જેવી છે ઈર્ષ્યા. વ્યવહારકૌશલ્ય-હોંશિયારી ધરાવતી વ્યક્તિઓમાં એ એવી સીફતથી છુપાઈને રહે કે એનામાં ઈર્ષ્યાવૃત્તિ છે એવો અંદાજ-અણસાર પણ સામી વ્યક્તિને ન આવે : એ ઈર્ષ્યા હોય છે જાણે લાકડાની ભીતરમાં છુપાયેલી ઊધઈ. ઈધઈનું કાર્ય જેમ કોરી ખાવાનું હોય છે એમ ઈર્ષ્યાનું કાર્ય પણ વ્યક્તિની ભીતરને વ્યક્તિના દિલ-દિમાગને કોરી ખાવાનું જ હોય છે. બીજું સામ્ય બહુ મોટું એ છે કે ઊધઈ જેમાં ઉત્પન્ન થાય તે લાકડું-કાગળ વગેરે પદાર્થને જ કોરે છે. એ જ રીતે ઈર્ષ્યા પણ જેનામાં ઉત્પન્ન થાય એ જ વ્યક્તિનાં દિલ-દિમાગને સતત કોરતી રહે છે, સામી વ્યક્તિના દિલ-દિમાગને નહિ. ખાસ ખ્યાલમાં રહે કે ઈર્ષ્યા જેના માટે થઈ હોય એ વ્યક્તિને નુકસાન થાય યા ન પણ થાય. પરંતુ ઈર્ષ્યા જે વ્યક્તિમાં ઉત્પન્ન થઈ હોય એને તો નુકસાન થાય, થાય અને થાય જ. ઈર્ષ્યાની આ બહુ મોટી વિ-લક્ષણતા છે કે જે એના ધારકને-ઈર્ષાળુ વ્યક્તિને જાણે ખ્યાલમાં જ નથી હોતી."
ઘરના કેટલાક ફર્નીચર-કેટલાક કબાટ એવા હોય છે કે જેનો ઉપરનો ભાગ બિલકુલ બરાબર લાગતો હોય. પરંતુ અંદરના ભાગે એવી ઊધઈ ફેલાઈ ગઈ હોય કે જે એનાં અસ્તિત્વ સામે જબરજસ્ત ખતરો સર્જી દે. જો સમયસર એનો ઉપાય ન થાય તો એ અણદેખાતી ઊધઈ અવશ્યમેવ તે ફર્નીચર-કબાટ વગેરેનું અસ્તિત્વ મીટાવી જ દે. જેને ઝાઝી સમજ ન હોય એને ઊધઈ બહુ સામાન્ય સમસ્યા લાગે. પરંતુ જેને ઊધઈની ઝડપથી ફેલાઈ જવાની અને લાકડાં વગેરેને કોરી ખાવાની ક્ષમતાની સમજ છે એને ઊધઈ બહુ જ ખતરનાક સમસ્યા લાગે.
બસ, આ ઊધઈ જેવી છે ઈર્ષ્યા. વ્યવહારકૌશલ્ય-હોંશિયારી ધરાવતી વ્યક્તિઓમાં એ એવી સીફતથી છુપાઈને રહે કે એનામાં ઈર્ષ્યાવૃત્તિ છે એવો અંદાજ-અણસાર પણ સામી વ્યક્તિને ન આવે : એ ઈર્ષ્યા હોય છે જાણે લાકડાની ભીતરમાં છુપાયેલી ઊધઈ. ઊધઈનું કાર્ય જેમ કોરી ખાવાનું હોય છે એમ ઈર્ષ્યાનું કાર્ય પણ વ્યક્તિની ભીતરને વ્યક્તિના દિલ-દિમાગને કોરી ખાવાનું જ હોય છે. બીજું સામ્ય બહુ મોટું એ છે કે ઊધઈ જેમાં ઉત્પન્ન થાય તે લાકડું-કાગળ વગેરે પદાર્થને જ કોરે છે. એ જ રીતે ઈર્ષ્યા પણ જેનામાં ઉત્પન્ન થાય એ જ વ્યક્તિનાં દિલ-દિમાગને સતત કોરતી રહે છે, સામી વ્યક્તિના દિલ-દિમાગને નહિ. ખાસ ખ્યાલમાં રહે કે ઈર્ષ્યા જેના માટે થઈ હોય એ વ્યક્તિને નુકસાન થાય યા ન પણ થાય. પરંતુ ઈર્ષ્યા જે વ્યક્તિમાં ઉત્પન્ન થઈ હોય એને તો નુકસાન થાય, થાય અને થાય જ. ઈર્ષ્યાની આ બહુ મોટી વિ-લક્ષણતા છે કે જે એના ધારકને-ઈર્ષાળુ વ્યક્તિને જાણે ખ્યાલમાં જ નથી હોતી.
હમણાં ઈર્ષ્યા માટે બહુ સચોટ અને મજાનું નિરીક્ષણ વાંચ્યું કે "ઈર્ષ્યા કમરના દુ:ખાવા જેવી છે. એક્સ-રેમાં દેખાય નહિ, પણ હેરાનગતિ સતત કર્યા જ કરે ! વ્યક્તિ પડી ગઈ હોય- અકસ્માત્ થયો હોય તો હાડકામાં કે કરોડરજ્જુના મણકામાં થયેલ નુકસાનો એક્સ-રેમાં ઝિલાય. હાડકું તૂટી ગયું છે કે એરક્રેક છે તે એક્સ-રે બતાવી દે. ફ્રેકચર હોય ત્યાં જરૂર મુજબ પ્લાસ્ટર-પાટો બંધાય અને એરક્રેક હોય તો દવા અને સમયથી નુકશાન સરભર થાય. કેવી રીતે ટ્રીટમેન્ટ કરવી તે એક્સ-રેનાં નિદાનથી નક્કી થાય. પણ... કમરનો દુ:ખાવો ? એ કોઈ 'એક્સ-રે'માં ઝીલી ન શકાય. એટલે સાચું તારણ-કારણ ન મળી શકે. ફક્ત 'વા છે' જેવા અંદાજિત કારણો પકડી અંદાજિત સારવાર જ કરવી પડે. પણ એટલું નક્કી કે એ દુ:ખાવો રહે ત્યાં સુધી જોરદાર અસરો સર્જીને ચેન ન પડવા દે.
ઈર્ષ્યા આ કમરના દુ:ખાવા જેવી છે. એની ખાસિયત ક્રોધ વગેરે દોષો કરતા અલગ છે. ક્રોધ આવે તો એનું કારણ સ્પષ્ટ જાણી શકાય છે કે સંબંધિત વ્યક્તિ આપણી સામે થઈ જાય છે યા તો આપણું માનતી નથી. એથી એનો ઉપાય પણ નક્કી કરી શકાય કે સંબંધિત વ્યક્તિ શાંતિથી બોલે-સામી ન થાય યા આપણું માની લે તો ક્રોધ શાંત થઈ જાય. લોભ જાગે તો એનું કારણ સ્પષ્ટ જાણી શકાય છે કે અમુક સંપત્તિ કે પ્રોપર્ટી હસ્તગત થઈ નથી માટે એની લાલસા જાગી છે. એ ધારેલ ચીજ મળી જાય એટલી એની લાલસા-લોભ તત્કાળ પૂરતો શમી જાય છે. પણ ઈર્ષ્યા ? કમરના દુ:ખાવાની જેમ એનાં કારણ સમજી શકતા નથી. જેની સાથે આપણને સીધેસીધું કાંઈ લાગતું વળગતું ન હોય એવી વ્યક્તિની ઉન્નતિ સામે ઈર્ષ્યા થાય, તો જેની સાથે લાગે-વળગે છે એવી વ્યક્તની આપણને કાંઈ જ અડતી-નડતી ન હોય તેવી બાબત સામે ય ઈર્ષ્યા થાય. આપણું દિમાગ પણ એ ઈર્ષ્યાનું યથાર્થ કારણ સમજી ન શકે. કેમ કે જેમનાથી કાંઈ લાગતું-વળગતું નથી એ વ્યક્તિઓથી નુકસાન તો થવાનું જ ક્યાં છે ? તો પછી એની ઈર્ષ્યા શેની ? આમ યથાર્થ કારણ પણ પકડાય નહિ અને એનો યથાર્થ ઉપાય પણ સમજાય નહિ. સામી વ્યક્તિને એના પુણ્યથી ને પુરૂષાર્થથી પ્રાપ્ત થયેલ ઉન્નતિથી વિના કારણ વંચિત કરવી દલીલથી કે પ્રવૃત્તિથી આસાન નથી હોતું. વસ્તુત: ઈર્ષ્યા શમાવવાનો આવો કોઈ ઉપાય યોગ્ય કે કારગત ન ગણાય.
આમ છતાં, પૂર્વે કહ્યું તેમ બને છે એવું કે ઈર્ષ્યાળુ વ્યક્તિ ઈર્ષ્યાનાં કારણે ભીતરથી પોતે જ પીડાતી રહે. ઈર્ષ્યા એને ભીતરથી કોરી ખાય: જેમ ઊધઈ કાષ્ઠને-કાગળને કોરી ખાય એમ. આ ઈર્ષ્યાની બળતરા વધતી જાય ત્યારે ઈર્ષ્યાળુ વ્યક્તિ મર્યાદા ઓળંગીને, કાંઈ લાગતું-વળગતું ન હોવા છતાં, પોતાની ઈર્ષ્યાપાત્ર વ્યક્તિને પછાડવાના કારણ વિનાના ધમપછાડા કરે. એમાં પરિણામ મોટે ભાગે 'ખાડો ખોદે તે પડે' કહેવત જેવું આવે.
આ ઈર્ષ્યાથી મુક્ત થવા શાસ્ત્રો એક મજાની વિચારસરણી દર્શાવે છે. એ છે 'સર્વથા સહુ સુખી થાઓ'ની. જૈન પરિભાષામાં એને કહેવાય છે મૈત્રીભાવના. એક વાત ધ્યાનમાં રાખજો કે આપણી ચાહતમાત્રથી સૃષ્ટિના સહુ જીવો કે કોઈ ચોક્કસ વ્યક્તિ સુખી થઈ જ જશે એવી ગેરંટી નથી, તેમ આપણી ઈર્ષ્યામાત્રથી કોઈ ચોક્કસ વ્યક્તિ દુ:ખી જ થઈ જશે એવી ય ગેરંટી નથી. પરંતુ એવી ભાવનાના શુભ/અશુભ પરિણામો આપણને અવશ્ય ગેરંટીથી મળે જ. આપણે જ્યારે અન્યના સુખની ભાવના કરીએ છીએ ત્યારે પુણ્યનો બંધ થાય છે અને ઈર્ષ્યાવશ અન્યનાં દુ:ખની-પરેશાનીની ભાવના કરીએ તો પાપ બંધ થાય છે.' 'સહુ સુખી થાઓ'ની ભાવના પુણ્યબંધ કરાવી આપણને સુખ-સફળતા અપાવે છે, ઉપરાંત ઈર્ષ્યાની બળતરાથી મુક્ત કરે છે.
છેલ્લે, ઈર્ષ્યાની નાબુદી માટે મૈત્રીભાવના-સહુને સુખી જોવાની ભાવના અક્સીર હોવાનો ખ્યાલ આપતી શ્રી પ્રવીણભાઈ દેસાઈની એક ગીત પંક્તિ ટાંકીને સમાપન કરીએ કે :
જેની જાગી'તી ઈર્ષ્યા મને, એની ઈચ્છું છું પ્રગતિ હવે;
સુખ એનું એ માણે ભલે, બળું શાને હું મારા હૃદયમાં...