દૂધ પાચનનું સ્વરૂપ પામે તો જ હિતકારી બને...શ્રવણ યોગનું સ્વરૂપ પામે તો જ હિતકારી બને...
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'યોગ' શબ્દનો વ્યાકરણ અનુસાર અર્થ છે જોડાણ-અનુસંધાન. જે શ્રવણ જીવનપરિવર્તનની- ધર્મપ્રાપ્તિની તમન્નાથી તન્મયતાપૂર્વક થાય અને યથાશક્યપણે ધર્મને આત્મસાત્ કરવાનું માધ્યમ બને તે ધર્મોપદેશશ્રવણ છે શ્રવણયોગ. જેઓ આ શ્રવણયોગની કક્ષા આત્મસાત્ કરે છે એમના જીવનમાં પ્રેરક પરિવર્તન ઝડપી અને ઉત્તુંગ-શ્રેષ્ઠ આવે.
કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યે લગભગ એક હજાર વર્ષ આસપાસના સમયખંડમાં પ્રભુભક્તિનો એક અદ્ભુત સંસ્કૃત ગ્રન્થ રચ્યો છે 'વીતરાગસ્તોત્ર'. કોઈ એક તીર્થંકરપ્રભુનાં જીવનપ્રસંગોને ઉદ્દેશી ગ્રન્થ રચવો હજુ આસાન છે. પરંતુ દરેક તીર્થંકરપ્રભુને લાગુ પડે તેવું, બિલકુલ પ્રસંગશૂન્ય, ગુણસંકીર્તન પદાર્થોનાં પુનરાવર્તન વિના કરવું બહુ કઠિન બાબત છે. હેમચન્દ્રાચાર્યે વિદ્વતા-પ્રતિભા-ભાવુક્તાનાં બળે એ કઠિન બાબત આસાન કરી હતી. એમણે એ વીતરાગસ્તોત્રના અંતિમ વીશમાં પ્રકાશમાં એક મજાનો ભાવુક શ્લોક રચ્યો છે કે :
ત્વદાસ્યલાસિની નેત્રે, ત્વદુપાસ્તિકરૌ કરૌ;
ત્વદ્ગુણશ્રોતૃણી શ્રોત્રે, ભૂયાસ્તાં સર્વદા મમ.
ભાવાર્થ કે હે પ્રભુ, આપનાં મુખને નીરખ્યા જ કરે એવાં નેત્રો-આપની સેવા જ કર્યા કરે એવા હાથ અને આપના ગુણો (ઉપદેશ) સાંભળ્યા જ કરે તેવા કર્ણ મને સદા મળે. આ ભાવુક સ્તુતિનાં અનુકરણરૂપે પછી તો આ ભાવની ઘણી ગુજરાતી સ્તુતિઓ રચાઈ છે. પરંતુ આજે આ સ્તુતિના આધારે નવો નિર્દેશ કરવો છે કે આંખ-હાથ-કાન : આ ત્રણમાંથી કઈ ચીજ ધર્મપ્રાપ્તિ માટે સૌથી વધુ ઉપયોગી અને અનિવાર્ય આવશ્યક હોય ? ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ એનો ઉત્તર છે કાન. કારણ કે કાનનાં માધ્યમથી જ પ્રભુવચનોનું-શાસ્ત્રોનું શ્રવણ શક્ય બને, એનાથી દેવ-ગુરુ-ધર્મનાં શુદ્ધ- સાચાં સ્વરૂપનો ખ્યાલ આવે, એ શુદ્ધ સ્વરૂપ પર શ્રદ્ધા પ્રબળ બને અને સાચા અર્થમાં ધર્મપ્રાપ્તિ થાય. આમ સાચા અર્થમાં મૌલિક કારણ ધર્મોપદેશનું શ્રવણ છે અને એનું મૌલિક કારણ શ્રવણ છે- કાન છે.
જેઓ શાસ્ત્રોની જ્ઞાાનપરિપાટીથી અનભિજ્ઞા છે તેઓ એક દલીલ મજબૂત કરી શકે છે કે 'જે લાભ કાનથી થાય એ લાભ આંખથી પણ જરા જુદી રીતે થઈ શકે. વ્યક્તિ ધર્મગ્રન્થોનું વાંચન આંખથી કરીને દેવ- ગુરૂ- ધર્મનાં શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ પામી શકે, એના પરની શ્રદ્ધા પ્રબળ કરી શકે. સાંભળીને કરી શકાતી ઉપલબ્ધિ વાંચીને સુપેરે થઈ શકે એમ વર્તમાન યુગનો અનુભવ પુરવાર કરે જ છે.' શાસ્ત્રીય જ્ઞાાનપરિપાટીથી અનભિજ્ઞા વ્યક્તિની આ રજૂઆત ઉપલક દૃષ્ટિએ ભલે બરાબર લાગે. પરંતુ એ બે મુખ્ય કારણે 'મિસફીટ' છે. એક, જૈન શાસ્ત્રીય જ્ઞાાનપરિપાટી ધરાવનારને એ સ્પષ્ટ ખબર હોય છે કે જે જીવ નેત્રેન્દ્રિયની શક્તિ સુધી પહોંચ્યા હોય (જેને શ્રવમેન્દ્રિય- કાન જન્મજાત નથી) એને ચાર ઈન્દ્રિયવાળો કહેવાય છે. શાસ્ત્રનિયમ એ છે કે ચાર ઈન્દ્રિયવાળાને મન:શક્તિ- દીર્ઘકાલિકી સંજ્ઞાા કદી હોય જ નહિ. હવે જેની પાસે મન નથી- દીર્ઘ વિચારની કોઈ શક્તિ જ નથી એ આંખથી શાસ્ત્રવચન જુએ તો પણ એનાથી એને કોઈ બોધ- જ્ઞાાન- સમજ પ્રાપ્ત જ ન થાય. કોઈ અણજાણ દૃશ્ય જુએ કે શાસ્ત્રાક્ષર જુએ : બન્ને એના માટે સમાન છે. દૃશ્યથી વિશેષ એ કાંઈ નથી.
આથી વિપરીત જે જીવ શ્રવણેન્દ્રિય-કાનની પ્રાપ્તિ સુધી પહોંચ્યો હોય, એને પંચેન્દ્રિય કહેવાય છે. શાસ્ત્રનિયમ મુજબ પંચેન્દ્રિય જીવને મન:શક્તિ- દીર્ઘકાલિકી સંજ્ઞાાની સંભાવના હોય છે. ઉદાહરણરૂપે આપણે વર્તમાનમાં જેટલા માનવો નિહાળીએ છીએ એ તમામ પંચેન્દ્રિય છે, ઉપરાંત મન:શક્તિયુક્ત-વિચારશક્તિ સંપન્ન છે. હવે જેની પાસે વિચારશક્તિ છે એ ધર્મોપદેશ-પ્રભુવચન સાંભળે એનાથી એને બોધ-જ્ઞાાન-સમજ સુપેરે પ્રાપ્ત થઈ શકે અને એ દેવ-ગુરૂ-ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજી એના પર પ્રબળ શ્રદ્ધાવંત બની ધર્મપ્રાપ્તિ કરી શકે.
પણ...સબૂર ! ખરો પ્રશ્ન જાતને એ કરવા જેવો છે કે જે શ્રવણેન્દ્રિય ધર્મપ્રાપ્તિ-વૃદ્ધિનાં ક્ષેત્રે આટલું જબરજસ્ત મૂલ્ય ધરાવે છે એ શ્રવણેન્દ્રિય-કાનનો ઉપયોગ આપણે પ્રભુવચનનાં-ધર્મોપદેશનાં શ્રવણ માટે કેટલો કરીએ છીએ ? અને જેટલો ઉપયોગ કરીએ છીએ તે પરિણામદાયી બને તેવો છે ખરો ? લગભગ આનો ઉત્તર પ્રોત્સાહક-સંતોષપ્રદ નહિ હોય. આવો, આપણે પ્રોત્સાહક-સંતોષપ્રદ સ્થિતિ સર્જવા ત્રણ તબક્કાની વિચારણા કરીએ :
(૧) શ્રવણક્રિયા :- કેટલો ય વિશાલ વર્ગ એવો છે કે જેમને કાનના સાર્થક ઉપયોગરૂપ હિતકારી ગુણકારી ધર્મોપદેશનાં શ્રવણમાં રસ નથી. એમને રસ છે ભૌતિક મોજ-મજા કરાવે તેવાં શ્રવણમાં. એ વર્ગનો નંબર તો આ પ્રથમ તબક્કામાં ય નથી. એ આનાથી નીચેના 'સ્ટેપ' પર છે. આ તબક્કામાં એ વર્ગ આપણે લઈશું કે જેઓ ધર્મશ્રવણ માટે આવતા હોય, ધર્મશ્રવણની ઓછી-વધુ રૂચિ પણ એમનામાં હોય, પરંતુ પ્રમાદ-આળસ-બેદરકારી વગેરે કારણે એમનાં શ્રવણમાં કાંઈ સાર ન હોય- પરિણામ ન હોય. એ શ્રવણ માટે આવે છે અને પ્રમાદમાં સરતા પૂર્વે કાંઈક થોડું સાંભળે છે એ સંદર્ભમાં એમની પ્રવૃત્તિને આપણે શ્રવણક્રિયા કહીએ છીએ. બાકી પ્રાપ્તિની દૃષ્ટિએ એમાં કાંઈ સાર ન હોય. કેવા હોય આ પ્રથમ પ્રકારના જીવો ? એની ઝલક નિહાળવા વાંચો આ રમૂજ કથા :
ચાતુર્માસની દૈનિક ધર્મસભામાં નિત્ય પહેલી હરોળમાં મુખ્ય સ્થાને બેસીને શ્રવણ કરતાં ગામના મુખ્ય શેઠની આદત એવી વિચિત્ર હતી કે પ્રવચનના પ્રારંભની સાત-આઠ મિનિટમાં જ એ નિદ્રાદેવીનાં ખોળે ઝૂલવા માંડે. આમથી તેમ ઝોલાં ખાતાં શેઠની આ આદત કોઈને પસંદ ન હતી. પરંતુ મોભી શેઠને કહે કોણ ? શેઠની આ આદતથી સૌથી વધુ અકળામણ પ્રવચનકાર પરમાત્માને થતી. શેઠને નિદ્રામાં ઝૂલતા નિહાળી એમનો પ્રવચનનો ઉત્સાહ ઓસરી જતો. બે દિવસ તો આમ જ ગયા. પરંતુ ત્રીજા દિવસે મહાત્માએ મક્કમ નિર્ધાર કર્યો.
ત્રીજા દિવસે પ્રવચનની ચિક્કાર સભામાં શેઠ ઝૂલવા માંડયા એટલે મહાત્માએ પ્રવચન થંભાવી જોરથી પ્રશ્ન કર્યો : "શેઠ ! સૂઓ છો ?" શેઠ એકદમ ઝબકી ગયા- છોભીલા પડી ગયા. છતાં ભૂલ ન સ્વીકારી બોલી ઊઠયા : "ના, ના, સાહેબ ! કોણે કહ્યું ?" મહાત્માએ 'પ્લાન' મુજબ કાંઈ ચર્ચા ન કરતા પ્રવચન આગળ ચલાવ્યું. વળી સાત-આઠ મિનિટ થઈ ત્યાં 'આદત સે મજબૂર' શેઠ ઝૂલવા માંડયા. મહાત્માએ બીજી વાર આ જ પ્રશ્ન કર્યો અને શેઠે આ જ ઉત્તર સાથે બેઘડક જૂઠાણું ચલાવ્યું. ત્રીજી વાર પણ આ જ પુનરાવર્તન થયું ! શેઠનાં જૂઠાણાંથી સમસમી ગયેલ સભાજનો મનોમન ચાહતા હતા કે મહાત્મા હવે પૂછે નહિ તો સારૃં. આમાં તો મહાત્માનું અપમાન થાય છે.
ચોથી વાર શેઠ ઝૂલવા માંડયા ત્યારે મહાત્માએ મસ્ત દાવ ખેલી પ્રશ્ન કર્યો : "શેઠ ! જીવો છો ?" તન્દ્રામાંથી ઝબકી ઊઠેલ શેઠે કહ્યું : "ના, ના સાહેબ ! કોણે કીધું ?" અને સમગ્ર સભા ખડખડાટ હસી પડી. બાજુવાળાને પૂછયું ત્યારે શેઠને ખબર પડી કે પોતે કેવો જબ્બર બફાટ કર્યો છે ! તે પછી તેઓ પ્રવચનમાં સૂવાની ખો ભૂલી ગયા. આ થયા પહેલી કક્ષાના જીવો.
(૨) શ્રવણકળા :- કેટલોક વર્ગ એવો હોય છે કે જે ધર્મોપદેશ પૂરેપૂરી તન્મયતાથી અક્ષરશ: સાંભળે. એને બરાબર સમજે. એટલું જ નહિ, એને યથાવત્ યાદ પણ રાખે. લગભગ ત્રણ દાયકા પૂર્વે અમદાવાદ-ખાનપુર સંઘના ઉપાશ્રયમાં એમને એક વ્યક્તિ એવી મળી હતી કે જેણે અમારૃં એક કલાકનું પ્રવચન લગભગ અક્ષરશ: કહી શકાય એવું પુન: સંભળાવ્યું હતું. ઘણીવાર તો એમાં અમે જે રીતે અલ્પવિરામ- પૂર્ણવિરામ કર્યા હોય એ જ રીતે એ વ્યક્તિએ અલ્પવિરામ-પૂર્ણવિરામ કર્યા હતા. આ શ્રવણકળાનો પ્રભાવ છે. પરંતુ જો આ તન્મય શ્રવણ માત્ર પ્રવચન યાદ રાખી અન્યોને સંભળાવવા પૂરતું હોય- અસર ઉપસાવવા પૂરતું હોય તો એનાથી વ્યક્તિને જીવનપરિવર્તનનો-ધર્મમાં અભિવૃદ્ધિનો લાભ ન થાય. આ લોકરંજનમાં રાચતા શ્રોતાઓને આપણે આપીશું બીજી કક્ષા.
(૩) શ્રવણયોગ :- 'યોગ' શબ્દનો વ્યાકરણ અનુસાર અર્થ છે જોડાણ-અનુસંધાન. જે શ્રવણ જીવનપરિવર્તનની-ધર્મપ્રાપ્તિની તમન્નાથી તન્મયતા પુર્વક થાય અને યથાશક્યપણે ધર્મને આત્મસાત્ કરવાનું માધ્યમ બને તે ધર્મોપદેશશ્રવણ છે શ્રવણયોગ. જેઓ આ શ્રવણયોગની કક્ષા આત્મસાત્ કરે છે એમના જીવનમાં પ્રેરક પરિવર્તન કેવું ઝડપી અને કેવું ઉત્તુંગ-શ્રેષ્ઠ આવે એ નિહાળવું છે ? તો વાંચો જૈન પરંપરાની આ પ્રેરક ઘટના :
રાજગૃહીનગરીના નવાણું ક્રોડ સુવર્ણમુદ્રાના સ્વામી શ્રીમંતશ્રેષ્ઠીનો સોળવર્ષીય એકમાત્ર પુત્ર જંબૂકુમાર. પ્રભુમહાવીરદેવની વૈરાગ્યવાહિની ધર્મદેશના તન્મયભાવે શ્રવણ કરતાં એ એવો પ્રબળ વૈરાગી બની ગયો કે એણે ત્યાં જ નિર્ણય કર્યો કે માતા-પિતાની સંમતિ કોઈ પણ ઉપાયે મેળવી મારે સંસાર ત્યાગવો. ધર્મદેશના બાદ એ પોતાના મહાલયે પરત જતો હતો ત્યાં, યુદ્ધની તૈયારી વચ્ચે એક મોટો ગોળો એની પાસેથી પસાર થઈ ગયો. જંબૂકુમારે જો સાવધાની ન દાખવી હોત તો એ ગોળો એનો જીવ લઈ લેત. આ ઘટનાએ જંબૂકુમારનો વૈરાગ્ય ઔર મજબુત બનાવ્યો. માતા-પિતાએ જંબૂકુમારનાં લગ્ન આઠ ક્રોડાધિપતિ શ્રેષ્ઠીઓની આઠ કન્યા સાથે નક્કી કર્યા હતા. એથી એમનો આગ્રહ લગ્ન માટે હતો. ઘણી ચર્ચાના અંતે જંબૂકુમાર એ શરતે લગ્ન માટે તૈયાર થયા કે આજે લગ્ન અને કાલે દીક્ષા. આઠ શ્રેષ્ઠી કન્યાઓએ પ્રસ્તાવ મંજુર રાખ્યો. રાજગૃહીનગરીએ આશ્ચર્યય નિહાળ્યું કે આજે જેનો લગ્નનો વરઘોડો, કાલે એનો દીક્ષાનો વરઘોડો ! આ કાળના અંતિમ કેવલજ્ઞાાની બની તેઓ મોક્ષગામી બન્યા.
છેલ્લે એક વાત : દૂધ પાચનનું સ્વરૂપ પામે તો જ હિતકારી બને... શ્રવણ યોગનું સ્વરૂપ પામે તો જ હિતકારી બને...