આ સૃષ્ટિમાં વંદનપાત્ર જીવો બહુ અલ્પ છે, ક્ષમાપાત્ર જીવો ઘણા છે, પરંતુ ધિક્કારપાત્ર જીવ એકે ય નથી...
- અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- જેઓ સર્વગુણસંપન્ન-સર્વદોષમુક્ત કેવલી ભગવંતો છે એમની દૃષ્ટિમાં ય એક પણ જીવ ધિક્કારપાત્ર- તિરસ્કારપાત્ર નથી, તો જેઓ દોષોથી વ્યાપ્ત છે અને બહુ અલ્પ ગુણો ધરાવે છે તેવી આપણા જેવી વ્યક્તિઓ માટે કોઈ પણ જીવ ધિક્કાર- તિરસ્કારપાત્ર ન જ હોઈ શકે. જે સ્વયં કીચડગ્રસ્ત છે એને અન્ય કીચડગ્રસ્તને વખોડવાનો કે એના પર હસવાનો-મશ્કરી કરવાનો અધિકાર ક્યાંથી હોય ?
વર્ષા ભરપૂર વરસવાનાં કારણે નદીનું સ્તર ભયજનક સપાટીથી પણ ઉપર હોય અને એ પ્રવાહ અત્યંત વેગીલો બની ધસમસતો વહી રહ્યો હોય તો એ પ્રવાહ વચ્ચે ટકી શકાય ખરું ? પહેલી નજરે જ આપણો જવાબ હોય ના. ધસમસતો એ પ્રવાહ કાચી ક્ષણમાં આપણને ક્યાંના ક્યાં ફંગોળી દે-તાણી જાય એની કોઈ કલ્પના ન થઈ શકે. આપણી સામાન્ય કલ્પના-વિચારણા છે. પરંતુ અમે એમ કહીએ છીએ કે કલ્પનાને-વિચારણાને વધુ ઊંડાણસભર-ધારદાર બનાવીએ તો સમજાશે કે જે પાણીના તોફાની પ્રવાહ વચ્ચે પણ અડીખમ ટકી રહે છે અને પ્રવાહને શાંત પાડી દે થંભાવી દે છે એને 'ડેમ'નું સ્થાન-માન મળે છે. એ 'ડેમ'નાં કારણે નદીનો તોફાની પ્રવાહ અભિશાપ બનતો અટકી જાય. એટલું જ નહિ, જલસંચયનાં કારણે ગ્રીષ્મકાળ-દુષ્કાળ જેવા સમયમાં એ આશીર્વાદરૂપ પણ બની જાય.
જેમ પાણીના ધસમસતા પ્રવાહો વચ્ચે ટકવું આસાન નથી હોતું. તેમ વિચારોના ધસમસતા પ્રવાહો વચ્ચે ટકવું ય જરા પણ આસાન નથી હોતું. ધારો કે બે વ્યક્તિ પરસ્પર વિરુધ્ધ મુદ્દાઓ પર ધારદાર વિચારો મૂશળધાર વર્ષાની જેમ વરસાવતી હોય ત્યારે ક્ષણમાં એક વ્યક્તિ સાચી લાગે, તો ક્ષણમાં બીજી વ્યક્તિ સાચી લાગે. મૂઝવણ એ થઈ જાય કે સાચું કોણ-ખોટું કોણ એ નક્કી ન થઈ શકે. આપણે એમના ધસમસતા વિચાર પ્રવાહમાં તણાઈ જઈએ ઘડીભર, એવું ય બને. પણ સબૂર ! જે વ્યક્તિ પરસ્પર વિરોધી પ્રવાહમાં તણાઈ ન જાય, બલ્કે વિવેકપૂર્વક બન્નેમાંથી સાર-અસારનું તારણ કાઢે એ જ વ્યક્તિ ન્યાયાધીશનું સ્થાન-માન પામે. મધ્યસ્થ રહેનાર વ્યક્તિને બાહ્ય જગતમાં જો આ રીતે સ્થાન-માન મળે છે, તો અભ્યંતર જગતમાં તો એને ઘણો બધો લાભ મળતો હોય છે. આવો, આપણે એના કેટલાક લાભો છેલ્લા ત્રણ લેખોથી વિચારાતી ભાવનાઓની શૃંખલાની અંતિમ-ચોથી ભાવનાનાં વિશ્લેષણ દ્વારા નિહાળીએ:
૪) માધ્યસ્થ્ય ભાવના : જૈન દર્શનપ્રરૂપિત મૈત્રી આદિ ભાવનાઓમાં અંતિમ ભાવનાનું નામ છે માધ્યસ્થ. 'માધ્યસ્થ' શબ્દનો અર્થ છે મધ્યમાં રહેવું- વચ્ચે રહેવું. ના, અહીં કાંઈ બે વ્યક્તિઓના અલગ અલગ વિચારપ્રવાહમાં વચ્ચે-મધ્યસ્થ રહેવાની વાત નથી. અહીં એનાથી બહુ ઊંચી-અધ્યાત્મનો સંસ્પર્શ કરાવે એવી અદ્ભુત વાત છે કે ન રાગના પ્રવાહમાં ખેંચાવું, ન દ્વેષના પ્રવાહમાં ખેંચાવું. બે ય ની વચ્ચે સંતુલિત-મધ્યસ્થ રહેવું. એક ઉદાહરણથી સમજીએ આ વાત.
ધારો કે એક વ્યક્તિ દુષ્ટ છે- ખોટાં કાર્યો કરનારી છે. એની હિતચિંતા કરી ' એ આ જન્મમાં જેલ વગેરે સજા ન પામે અને પરલોકમાં દુર્ગતિ ન પામે.' એવી શુભ ભાવનાથી તમે એને હૃદયથી સમજાવી. તમને લાગ્યું કે તમારી હાર્દિક અપીલ-સમજાવટ એને જરૂર અસર કરશે જ. એમાં વળી એણે સુધરી જવાનું વચન આપ્યું. એથી તમને સંતોષ થયો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એનાં કારનામાથી તમને સમજાતું ગયું કે પેલું વચન અને એ પછીના થોડા દિવસોનો ઉપરછલ્લો દેખાવ માત્ર દંભ હતો. છેતરપીંડી હતી. એ નમૂનો તો એવો ને એવો દુષ્ટ-બદમાશ છે.
આ સ્થિતિમાં સામાન્યપણે હર કોઈ વ્યક્તિને એ દુષ્ટ પર ગુસ્સો આવે કે એનાં હિત માટે મેં જહેમત કરી તો ય એણે છેતરપીંડી કરી. આવા ના-લાયકો માટે કોઈ પ્રયત્ન જ ન કરવો વગેરે.' પરંતુ જૈન શાસનની મધ્યસ્થ ભાવના ત્યારે આપણને દ્વેષમાં ન તણાવાનું-મધ્યસ્થ રહેવાનું સમજાવે છે કે 'તારે એની ભવિતવ્યતા પાપબહુલ છે- એ ભારેકર્મી છે એમ વિચારી મનને એના પ્રત્યે દ્વેષગ્રસ્ત ન થવા દેવું. જો તું એના પ્રત્યે દ્વેષગ્રસ્ત-તિરસ્કારયુક્ત થઈશ તો તું તારું આત્મિક નુકસાન અચૂક કરી બેસીશ. આ સ્થિતિ તારા માટે કોઈ જ દૃષ્ટિબિંદુથી યોગ્ય નથી. કોઈ ન સુધરે, એમાં તારે તારી જાતનું નુકસાન વહોરવાની શી જરૂર ?' અધ્યાત્મસારગ્રન્થમાં આવું માર્ગદર્શન આપતી પંક્તિ લખાઈ છે કે 'પાપિષ્ઠેષ્વપિ ભવસ્થિતિશ્ચિન્ત્યા.' ભાવાર્થ કે ભયંકર પાપી વ્યક્તિ પણ એની ભવસ્થિતિ ભવિતવ્યતા આવી હશે' સમજીને દ્વેષ ન કરવો.
શાસ્ત્રોનો આ વિચાર એવો અફલાતૂન છે કે એનાથી સામી વ્યક્તિની ખામીનો સહજ સ્વીકાર થાય છે અને એ દ્વારા મન સરલતાથી એના પ્રત્યે દ્વેષમુક્ત રહે છે. એક નિયમ ખાસ ધ્યાનમાં રાખો કે જ્યારે સામી વ્યક્તિની ખામીનો તમે સહજ સ્વીકાર નથી કરી શકતા ત્યારે એના પ્રત્યે દ્વેષ-તિરસ્કાર જાગે અને ખામીનો સહજ સ્વીકાર કરી શકો તો એના પ્રત્યે માધ્યસ્થ-સમ મનોવૃત્તિ જાગે. કરવી છે આની પ્રતીતિ? તો વાંચો આ પ્રેરક સત્ય ઘટના :
ભારતનાં સ્વાતન્ત્ર્ય પૂર્વેનો સમય. ત્યારે ભાવનગર રાજ્યના લોકપ્રિય દીવાન હતા સર પ્રભાશંકર પટણી. એ ઘણાં ઘણાં લોકોપકારનાં કાર્યો કરતા હોવાથી એમના સમયમાં ખૂબ લોકપ્રિય હતા. પરંતુ આ લોકપ્રિયતા એમની જ્ઞાાતિની એક સામાન્ય વ્યક્તિને ખૂબ ખટકતી હતી. ક્યારે તક મળે અને પ્રભાશંકરને અપમાનિત કરવાએ એની હલકટ મુરાદ હતી. એ સતત એ ધ્યાન રાખતો હતો કે પ્રભાશંકર ક્યાં ચૂકે છે- ભૂલ કરે છે. એમાં એને એક ભૂલ ધ્યાનમાં આવી ગઈ. બન્યું એવું હતું કે પ્રભાશંકરે એમની જ્ઞાાતિનાં કાર્યમાં કોઈ દાન લખાવ્યું હતું અને કાર્યવ્યસ્તતામાં એ રકમ ભરવાનું ભુલાઈ ગયું.ળ
બસ, પેલી વાંકદેખુ વ્યક્તિએ આ મુદ્દો પકડી લીધો. જ્ઞાાતિની કારોબારીની મીટીંગ પ્રભાશંકરના ઘરે હતી ત્યાં જ એણે આક્રોશથી આ મુદ્દોે ચગાવતાં એલફેલ કહી નાંખ્યું કે 'દાન જાહેર કરી મોટા ભા થાવ છો અને પછી રકમ ભરવામાં ભાગંભાગ કરો છો. આવા દંભ-દેખાડા બંધ કરો.' ધારત તો પ્રભાશંકર એને આસાનીથી ચૂપ કરી શક્ત. પરંતુ એક પણ અક્ષરનો ઉત્તર આપ્યા વિના એ ઘરની અંદર ગયા અને બોલેલી રકમ લઈ આવી તત્કાલ આપી દીધી.
જ્ઞાાતિજનોની વિદાય બાદ પ્રભાશંકર ઘરના પરિસરમાં ઉભા હતા ત્યાં એમના યુવાન પુત્રે મનનો ઉભરો ઠલવ્યો કે 'પિતાજી ! આપણે આજ સુધી ક્યારે ય કોઈ રકમ ન ભરી હોય એવું બન્યું નથી. માત્ર વિસ્મરણનાં કારણે આ એક જ રકમ બાકી હતી. એમાં પેલી વ્યક્તિ ગમે તેમ અનાપ-સનાપ બોલી ગઈ તો આપે એને કડકાઈથી ખખડાવાના બદલે સાંભળી કેમ લીધું ? મારી દૃષ્ટિએ તો એને કડક જવાબ આપવો જોઈતો હતો.' આનો ઉત્તર તુર્ત આપવાના બદલે પ્રભાશંકરે પરિસરમાં થોડે દૂર નજર કરી. ત્યાં એમનો વર્ષો જૂનો બાગવાન છોડને જલસિંચન કરતો હતો. એ દિવ્યાંગ હતો- એક પગે લંગડો હતો. પ્રભાશંકરે એને હાંક મારી : 'જલ્દીમાં જલ્દી તું અહીં આવ.' પેલો આવવા માંડયો. પરંતુ દિવ્યાંગ હોવાથી એની ગતિમાં વેગ ન હતો. પ્રભાશંકરે ગુસ્સાથી કહ્યું : ' તને જલ્દી આવવાનું કહ્યું તો ય તું જલ્દી કેમ નથી આવતો ? મારી વાત માનવાની તારી ફરજ નથી ? પુત્રે પિતાની સામે જોઈને કહ્યું : 'પિતાજી ! આને શારીરિક મર્યાદા છે. એ વિકલાંગ હોવાથી જલ્દી ચાલી નથી શક્તો. એના પર ગુસ્સો કેમ કરાય ? ' તુર્ત આ શબ્દો પકડીને પ્રભાશંકરે કહ્યું : 'બેટા ! બસ આ જ દૃષ્ટિબિંદુ પેલા જ્ઞાાતિજન માટે મારું છે. આ શરીરથી વિકલાંગ હોવાથી આના પર ગુસ્સો બિનજરૂરી છે,એમ પેલો મારા માટે માનસિક વિકલાંગ છે. તેથી એના પર ગુસ્સો ય બિનજરૂરી છે !''
પ્રભાશંકરની આ વિચારધારા માધ્યસ્થ્યને અનુરૂપ છે કે જેમાં સામી વ્યક્તિની ખામી પ્રત્યે સમવૃત્તિ છે, આક્રોશ- તિરસ્કારાદિ નથી.
એક વાત ખબર છે ? આ જગતમાં વંદનપાત્ર જીવો બહુ ઓછા છે, ક્ષમાપાત્ર જીવો ઘણા બધા છે, જ્યારે ધિક્કારપાત્ર જીવ એક પણ નથી. જરા વિસ્તારથી સમજીએ આ વાત. જે જીવોએ સાધના દ્વારા જીવનમાં સમતા-અનાસક્તિ વગેરે ઉત્તમ ગુણો વિકસાવ્યા હોય તે જીવો છે વંદનપાત્ર. સ્વાભાવિક જ છે કે આવા ઉત્તમ જીવો અન્યોની સંખ્યાની સરખામણીમાં બહુ અલ્પ જ હોય.. જે જીવો ખાન-પાન રહેઠાણની બાબતોમાં જ જીવન સમાપ્ત કરે છે તે સહુ જીવો છે ક્ષમાપાત્ર. કારણકે ખરેખર તો આ જીવનમાં આત્મોત્થાનની સાધના કરવાની છે. જે જીવો આ નથી કરતા અને બાહ્ય બાબતોમાં જ જીવનની 'ઇતિશ્રી' માને છે એના પર અરુચિ ન રખાય. બલ્કે એને ક્ષમા-દયાપાત્ર ગણાય. જે જીવો કનિષ્ઠ સ્તરે ઊતરી જઇ જીવનમાં હત્યા- હિંસા- વ્યસન- વ્યભિચારાદિમાં ડૂબી જાય એ જીવો ઉપર પણ, પૂર્વે જણાવ્યું તે દૃષ્ટિબિંદુથી, ધિક્કાર- તિરસ્કાર તો ન જ દાખવવો. એટલે ઉપરોક્ત વાક્યમાં લખાયું છે કે ધિક્કારપાત્ર જીવ એક પણ નથી.
આ જ વાતને પુષ્ટ કરતું અન્ય એક દૃષ્ટિબિંદુ પણ યાદ કરીએ. જેઓ સર્વગુણસંપન્ન- સર્વદોષમુક્ત કેવલી ભગવંતો છે એમની દૃષ્ટિમાં ય એક પણ જીવ ધિક્કારપાત્ર- તિરસ્કારપાત્ર નથી, તો જેઓ દોષોથી વ્યાપ્ત છે અને બહુ અલ્પ ગુણો ધરાવે છે. તેવી આપણા જેવી વ્યક્તિઓ માટે કોઈ પણ જીવ ધિક્કાર-તિરસ્કારપાત્ર ન જ હોઈ શકે. જે સ્વયં કીચડગ્રસ્ત છે એને અન્ય કીચડગ્રસ્તને વખોડવાનો કે એના પર હસવાનો-મશ્કરી કરવાનો અધિકાર ક્યાંથી હોય ?
છેલ્લે એક સરસ વાત : ' શાંત સુધારસ' સંસ્કૃત ગ્રન્થ માધ્યસ્થ્યભાવના માટે બે અદ્ભુત વિશેષણ આપે છે 'કુશલસમાગમ' અને 'આગમસાર.' મતલબ કે માધ્યસ્થ્યથી કુશલની અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ ક્રમશ : થાય છે અને માધ્યસ્થ્ય તો આગમોનો- સમગ્ર શાસ્ત્રોનો સાર છે !